You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત ગ્રીષ્મા કેસ : 'ચુકાદાથી ખુશી નથી થઈ', ભાવુક થયેલા હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ગુરુવારે ફાંસીની સજા ફટકારી હતી.
દોષિતને ફાંસીની સજા થયા બાદ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્મા વેકરિયાના પરિવારજનોને મળવા પહોચ્યા હતા.
જ્યાં તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી, જે દરમિયાન તેઓ પોતે પણ ભાવુક થઈ ગયા હતા.
નોંધનીય છે કે હર્ષ સંઘવીની સાથે આ કેસમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરનાર સરકારી વકીલ નયન સુખડિયા અને સુરતના રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન પણ હાજર રહ્યા હતા.
હર્ષ સંઘવીએ પરિવારજનો સાથે વાત કર્યા બાદ જાહેર સંબોધનમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિવેદન કર્યાં હતાં.
હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારજનો દ્વારા આયોજિત કરાયેલ ભજનસંધ્યામાં હાજરી આપીને જાહેર નિવેદનમાં કહ્યું હતું કે, "ગુજરાત સરકાર અને પોલીસે ગ્રીષ્માનાં માતાપિતાને કરેલ વાયદો ગઈકાલે પૂર્ણ થયો છે."
"ભવિષ્યમાં કોઈ ગ્રીષ્મા જેવી દીકરી પર આંખ ઉઠાવીને ન જોઈ શકે તેવી કડક કાર્યવાહી કરાઈ છે. ગ્રીષ્માને ન્યાય અપાવ્યો છે."
"પોલીસે પણ પાંચ દિવસ સુધી દિવસ-રાત ભૂલીને આ કેસની મજબૂત ચાર્જશીટ બનાવી હતી. જેના કારણે ઝડપી કાર્યવાહી અને ન્યાય શક્ય બન્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે રાજ્યમાં દીકરીઓ અને વાલીઓને વધુ સચેત રહેવા વિનંતી કરતાં જણાવ્યું હતું કે, "સમાજમાં લોકો શું કહેશે તેની પરવા કર્યા વગર કોઈ પણ પ્રકારની ગેરરીતિની જાણ પોલીસને કરજો. ગુજરાત પોલીસનો દરેક જવાન તમારો ભાઈ છે."
"દીકરાનાં માબાપને પણ કહેવા માગીશ કે તમારો દીકરો બહાર શું કરી રહ્યો છે તેનું ધ્યાન રાખજો. જો કોઈ દીકરો આડા રસ્તે ગયો હોય તો તેને પોલીસને સોંપજો. પોલીસ અને અમે તેને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્ન કરીશું."
હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું હતું કે, "ગઈકાલના ચુકાદાથી સંતોષ છે. પરંતુ ખુશી ક્યાંય નથી. કારણ કે અમે અમારી ગ્રીષ્મા ગુમાવી છે."
શું હતો ગ્રીષ્માની હત્યાનો મામલો?
કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જે. જે. શાહ કૉલેજમાં બી. કૉમ.માં અભ્યાસ કરતાં હતાં. જેમને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા ફેનિલ પંકજ ગોયાણી છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતા હતા.
યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રે ફેનિલને સમજાવ્યા હતા અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતાં યુવતી એ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે પેટમાં ચપ્પુ હુલાવી દીધું.
યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમને ફેનિલે જમણા હાથે અને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.
ફરિયાદ પ્રમાણે, ભાઈ અને મોટા બાપાને છોડાવવા વચ્ચે પડેલાં યુવતી ગ્રીષ્માના ગળે ફેનિલે ચપ્પુ ધરી દીધું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું.
આ ઘટના પછી સુરત રેન્જના આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ) રાજકુમાર પાંડિયને જો કોઈ છોકરા દ્વારા છોકરીની છેડતી કરવામાં આવતી હોય તો તેને લાંછન સ્વરૂપે ન ગણતાં સમયસર પોલીસમાં ફરિયાદ કરવા નાગરિકોને વિનંતી કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો