ગુજરાત ભાજપની ચૂંટણીતૈયારીના ભાગરૂપે SC-STને આકર્ષવાના પ્રયાસો?

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ બુધવારથી બે દિવસના ગુજરાતપ્રવાસે હતા.

ગુરુવારે તેમણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ એક મિટિંગમાં ગુજરાતના આદિવાસી અને દલિત નેતાઓને ભાજપ તરફ આકર્ષવા માટે પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યા છે.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર સૂત્રોના હવાલાથી જણાવે છે કે બંધબારણે યોજાયેલી આ મિટિંગ ત્રણ કલાક ચાલી હતી. જેમાં પાર્ટીના નેતાઓએ ચૂંટણીની તૈયારી સહિતના ઘણા મુદ્દા અંગે ચર્ચા કરી હતી.

આ મુલાકાતમાં તેમણે રાજ્ય સરકારના કામકાજ અંગે નાગરિકોની પ્રતિક્રિયા પણ મેળવી હતી.

દિલ્હી પરત ફરીને તેઓ પોતાનો રિપોર્ટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને અન્ય વરિષ્ઠ નેતાઓને સોંપશે. જેના આધારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગે વ્યૂહરચના ઘડાશે તેવું કહેવાઈ રહ્યું છે.

મેવાણીને ગુનેગાર ઠેરવવા અંગે કૉંગ્રેસે શું કહ્યું?

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુરુવારે પરવાનગી વગર રેલી કાઢવાના કેસમાં જિજ્ઞેશ મેવાણીને સજા મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કૉંગ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે 'અહંકારી શાસકો'એ જાણી લેવું જોઈએ કે 'અમે ડરીશું કે ઝૂકીશું નહીં'.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ગુજરાત સરકારને તીખો સવાલ કરતાં કહ્યું હતું કે શું ગુજરાત કે ભારતમાં દલિતોના હકનો મુદ્દો ઉઠાવવો એ ગુનો બની ગયો છે?

નોંધનીય છે કે મહેસાણાની એક કોર્ટે જુલાઈ, 2017માં પરવાનગી વગર રેલી કાઢવાના મામલે વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં નેતા રેશમા પટેલ સહિત દસ વ્યક્તિને ત્રણ માસની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જિજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયામાં પોતાની સામે થઈ રહેલી કાયદાકીય કાર્યવાહીને સરકારના ડરનું પ્રતીક ગણાવી હતી.

ગુજરાત ATS 24ની ધરપકડ કરી, 54 હથિયાર કબજે કર્યાં

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે ગુરુવારે રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાંથી 24 લોકોની ધરપકડ કરી હતી.

ATSના અધિકારીઓ અનુસાર તેમણે સુરેન્દ્રનગરના બે ઇસમો દેવેન્દ્ર બોરિયા અને ચંપરાજ ખાચરની ગીતામંદિર એસ. ટી. બસ સ્ટેન્ડ ખાતેથી ધરપકડ કરી હતી.

તેમણે આગળ જણાવ્યું હતું કે તેમને બંને આરોપીઓ પાસેથી બબ્બે દેશી તમંચા મળી આવ્યા હતા. આ આરોપીઓએ મધ્ય પ્રદેશમાંથી આ હથિયાર મળ્યાં હોવાની વાત કરી. જેની ડિલિવરી વડોદરા ખાતે કરવાની હતી.

આ મામલે બંને સામે ગુનો નોંધી તપાસ આદરવામાં આવી. જેમાં સામે આવ્યું કે બંનેએ મધ્ય પ્રદેશમાંથી 100 તમંચા ખરીદ્યા હતા. જે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં સપ્લાય કર્યા હતા.

આ માહિતીના આધારે વધુ 22 લોકોની ધરપકડ કરાઈ હતી.

ઇઝરાયલના PM નેફ્ટાલી બેનેટનો દાવો - પુતિને માફી માગી

ઇઝરાયલના વડા પ્રધાન નેફ્ટાલી બેનેટે દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના વિદેશમંત્રીની આપત્તિજનક ટિપ્પણી માટે માફી માગી છે.

થોડા દિવસ પહેલાં પુતિન અને બેનેટ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન બેનેટે કહ્યું કે તેઓ પુતિનની માફીને સ્વીકારે છે. તેમણે રાષ્ટ્રપતિ પુતિનને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવાને લઈને ધન્યવાદ પણ પાઠવ્યા.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોફે ઇટાલિયન ટેલિવિઝન ચૅનલ રેટે 4 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નાઝીઓના નેતા હિટલર મૂળે યહૂદી વંશના હતા.

સર્ગેઈ લાવરોફને એવો પ્રશ્ન કરાયો હતો કે જ્યારે રશિયા યુક્રેનને યહૂદીઓના પ્રભાવથી મુક્ત કરવાની વાત કરે છે તો તેવું કરવું કેવી રીતે સંભવ છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી પોતે એક યહૂદી છે?

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, સર્ગેઈ લાવરોફે આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "જ્યારે તેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો એ એક પ્રકારનું નાઝીકરણ છે, મને લાગે છે કે હિટલર પણ યહૂદી મૂળના હતા તેથી આ દલીલ અર્થહીન છે."

લાવરોફના નિવેદન અંગે ઇઝરાયલે આપત્તિ વ્યક્ત કરવાની સાથે રશિયાના રાજદૂત સામે પણ આ અંગે વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો