You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TV9નાં ઍન્કરે જ્યારે સુપરસ્ટારને કહ્યું, 'નીકળ, મારા સ્ટુડિયોની બહાર'
- લેેખક, વારિકુટી રામકૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વકસેન, ટીવી9 ઍન્કર દેવી નાગવલ્લી... આ નામો અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ટીવી9 સ્ટુડિયોમાં બંને વચ્ચે શું થયું તે ઘણા લોકો જોઈ ચૂક્યા છે. તેમની વચ્ચેના શાબ્દિક યુદ્ધનો વીડિયો વાઇરલ થયો હતો.
હવે ટીવી9નાં ઍન્કર દેવી નાગવલ્લી તરફે વિશ્વકસેના દ્વારા ઉપયોગમાં લેવાતા 'F**k' શબ્દને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
વિશ્વકસેનને મહિલાને આવા સંબોધન માટે દોષી ઠેરવે છે, તો સામો પક્ષે કહે છે કે સ્ટુડિયોમાં મહેમાનને 'ગેટ આઉટ' કહેવું યોગ્ય નથી.
આ વિવાદને પગલે ટીવી ચેનલોની ચર્ચાઓ અંગે વાતો ચર્ચાઈ રહી છે.
ટીવી સ્ટુડિયોમાં ગેસ્ટ બનીને બેઠેલી વ્યક્તિને ઍન્કર બહાર નિકળી જવા કહે તે યોગ્ય છે? શું મીડિયાએ આવો વ્યવહાર કરવો જોઈએ? ઍન્કર ધીરજ ગુમાવે તો પણ શું મહેમાને F**k શબ્દનો ઉપયોગ કરવો જોઈએ? ટીવી9 ઍન્કર દેવી નાગવલ્લી અને વિશ્વકસેના વચ્ચેના વિવાદના કેન્દ્રમાં આ સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
શું ઍન્કરે ધીરજ ગુમાવીને 'ગેટ આઉટ' કહેવું યોગ્ય છે?
આ વિવાદે પત્રકારત્વનાં ધોરણો અને મૂલ્યો સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ટીવી9નાં ઍન્કર દેવી નાગવલ્લી વીડિયોમાં વિશ્વકસેન પર મોટેથી 'ગેટ આઉટ ફ્રોમ માય સ્ટુડિયો' કહેતા જોવા મળે છે. કેટલાક લોકો આ અભિગમને ખોટો ગણાવે છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે કે આ અભિગમ પત્રકારત્વનાં મૂલ્યોની વિરુદ્ધ છે. અન્ય લોકો ટીકા કરે છે લોકોના અંગત જીવનને જાહેરમાં મૂકવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ પત્રકાર ભંડારુ શ્રીનિવાસ રાવે કહ્યું કે એક ભય એવો છે કે લોકો એવું વિચારશે કે આ બધું ટીઆરપી રેટિંગ મેળવવા માટે થઈ રહ્યું છે.
બીબીસી સાથે વાત કરતા શ્રીનિવાસ રાવે કહ્યું, "આવી ઘટના ન ઘટવી જોઈએ. ઍન્કરે થોડી સ્માર્ટ એક્ટિંગ કરવાની જરૂર હતી. ઍન્કરને પરિસ્થિતિ હાથમાંથી બહાર જઈ રહી હોવાનું લાગ્યું હોય તો તેમણે બ્રેક લઈને સ્થિતિ થાળે પાડી હોત અથવા ગેસ્ટને બહાર મોકલવા માટે તેની સાથે વાત કરી હોત તો સારું હોત. ઍન્કરે અધીરાઈને આધીન ન થવું જોઈએ.
જો આવી ઘટનાઓ બનશે તો પ્રેક્ષકોનો મીડિયા પરથી વધુ વિશ્વાસ ઊઠી જશે. કોઈને જવાબદાર ઠરાવીને મીડિયાએ આવું વર્તન કરવું યોગ્ય નથી. વિશ્વકસેનની પણ ભૂલ છે. જો તેમણે લાઇવ માફી માગી હોત તો સારું થાત."
શું વિશ્વકસેન 'F**k' શબ્દનો ઉપયોગ કરી શકે?
TV9 ઍન્કર દેવી નાગવલ્લી પોતાના ગુસ્સા પર નિયંત્રણ ન રાખી શક્યા તો પણ કેટલાક લોકો કહે છે કે વિશ્વકસેને 'F**k' શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.
હૈદરાબાદના મેયર ગડવાલ વિજયાલક્ષ્મીએ ટ્વીટ કર્યું, "તમે ગમે તેટલા ગુસ્સામાં હો, મહિલાઓ પર આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સહ્ય ન ગણાય. વિશ્વકસેને આટલું ખરાબ નહોતું બોલવું જોઈતું."
મહિલા કાર્યકર્તા સંધ્યાએ કહ્યું કે વિશ્વકસેનનું આવા અપશબ્દોના ઉપયોગને કારણે મહિલા પ્રત્યેનું અભદ્ર વલણ છતું થાય છે. કારણ ગમે તે હોય તો પણ મહિલાઓની ગરિમાને ઠેસ ન પહોંચાડવી જોઈએ અને તે જાતીય સતામણી હેઠળનો અપરાધ બને છે.
શું વ્યક્તિની માનસિક સ્થિતિની જાહેરમાં ટીકા કરવી યોગ્ય છે?
દેવી નાગવલ્લીએ ટીવી શોમાં જણાવ્યું હતું, "તમે જાણતા હો કે ન જાણતા હો, બધા વિશ્વસેનને પાગલસેન કહે છે."
રેશનાલિસ્ટ બાબુ ગોગીનને પૂછવામાં આવ્યું હતું કે લાખો લોકો જોતા હોય તેવા ટીવી શોમાં વ્યક્તિના માનસિક સ્થિતિ વિશે કેવી રીતે વાત કરી શકાય.
બાબુ ગોગીને તેના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું, "દેવીએ વિશ્વકસેન માટે પરવાનગી વિના પ્રેક્ષકોને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપવી તે યોગ્ય નથી. પછી ભલે તે સાચું હોય કે ખોટું હોય. દેવીએ તેમને વારંવાર પાગલસેન કહીને બોલાવ્યા. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ કેર ઍક્ટ હેઠળ આ ગુનો છે."
ઇન્ડિયન મેન્ટલ હેલ્થ કેર ઍક્ટ-2017નું પ્રકરણ-5 માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોના અધિકારો સાથે સંબંધિત છે.
કલમ-20 દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર આપે છે. તે એમ પણ કહે છે કે માનસિક રીતે બીમાર લોકોનું શારીરિક, મૌખિક, જાતીય અથવા ભાવનાત્મક ઉત્પીડન ન થવું જોઈએ.
આ જ અધિનિયમની કલમ 23માં એવી જોગવાઈ છે કે લોકોના માનસિક સ્વાસ્થ્યને લગતી માહિતી પરવાનગી વિના જાહેર કરી ન શકાય.
વિશ્વકસેને વિવાદ બાદ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ માફી માગી હતી. જોકે તેમણે કહ્યું કે ઍન્કરને તેમના અંગત જીવન વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી.
TV9 ઍન્કર દેવી નાગવલ્લીનો બીબીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ આ બાબતે ટિપ્પણી કરી શકે તેવી સ્થિતિમાં નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો