ક્રિમિનલ પ્રોસિજર (આઇડેન્ટિફિકેશન) બિલ-2022 શું છે? શા માટે થઈ રહ્યો છે તેનો વિરોધ?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
લોકસભામાં ગયા સોમવારે ક્રિમિનલ પ્રોસિજર (આઇડેન્ટિફિકેશન) બિલ-2022 રજૂ કરવામાં આવ્યું હતું. આ ખરડો કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાએ રજૂ કર્યો હતો.
અજય મિશ્રાએ ખરડાની તરફેણમાં ઘણી માહિતી રજૂ કરી હતી.

ઇમેજ સ્રોત, SANSAD TV
તેમણે જણાવ્યું હતું કે ગુનેગારોને અંકુશમાં રાખવા, આરોપ સિદ્ધ કરવા અને તપાસ એજન્સીઓના હાથ મજબૂત કરવા માટે આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ વિરોધ પક્ષે આ ખરડાને બર્બર ગણાવીને તેનો જોરદાર વિરોધ કર્યો હતો. કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે આ ખરડો નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરે છે.
રાજકીય પક્ષો આ ખરડાનો વિરોધ કરી રહ્યા છે, એટલું જ નહીં, પણ સમાજના અલગ-અલગ વર્ગો પણ આ ખરડા સામે સવાલ કરી રહ્યા છે. આ ખરડામાં એવું તે શું છે કે તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે?

ક્રિમિનલ પ્રોસિજર (આઇડેન્ટિફિકેશન) બિલ-2022 શું છે?

હાલ દેશમાં ગુનેગારોની ઓળખ પ્રિઝનર આઇડેન્ટિફિકેશન ઍક્ટ-1920 અનુસાર કરવામાં આવે છે. દોષી સાબિત થયેલા ગુનેગારોના શરીરના સીમિત માપની મંજૂરી આ કાયદામાં આપવામાં આવી છે.
આ કાયદાની જોગવાઈ અનુસાર, એક વર્ષ કે તેથી વધુ સમયના કારાવાસની સજા પામેલા ગુનેગારોની ફિંગર પ્રિન્ટ તથા ફૂટ પ્રિન્ટ લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને બે વર્ષની સજા કરવામાં આવી હોય તો તેમની ફિંગર પ્રિન્ટ તથા ફૂટ પ્રિન્ટ આ કાયદા હેઠળ લેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્તમાન સરકાર આ 102 વર્ષ પુરાણા કાયદાને સ્થાને નવો ક્રિમિનલ પ્રોસિજર આઇડેન્ટિફિકેશન કાયદો બનાવવા ઇચ્છે છે અને તેનો મુસદ્દો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
નવા ખરડામાં પોલીસ તથા જેલના અધિકારીઓને ગુનેગારોની હથેળીની પ્રિન્ટ, ફૂટ પ્રિન્ટ, ફોટોગ્રાફ, આઈરિસ તથા રેટિના સ્કેન, ફિઝિકલ તથા બાયૉલૉજિકલ સૅમ્પલ લેવાનો તેમજ તેમના વિશ્લેષણ, વ્યવહાર સંબંધી વિશેષતા (જેમ કે હસ્તાક્ષર, લખાણ) સહિતની અન્ય બાબતોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
પ્રસ્તાવિત ખરડા અનુસાર, એ કામગીરી કરનાર પોલીસ અધિકારી હેડ કૉન્સ્ટેબલ અને જેલ અધિકારી વોર્ડનની રૅન્ક નીચેનો કર્મચારી હોવો ન જોઈએ.

ખરડાનો વિરોધ શા માટે?

ઇમેજ સ્રોત, Reuters
બંધારણ તથા સાઇબર કાયદાના નિષ્ણાત વિરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ, પ્રિઝનર આઇડેન્ટિફિકેશન ઍક્ટ-1920માં ગુનો પુરવાર થાય પછી સૅમ્પલ લેવામાં આવે છે, પરંતુ પ્રસ્તાવિત ખરડામાં આરોપી સિવાય શકમંદ લોકોના સૅમ્પલ પણ એકત્ર કરવાનો ઉલ્લેખ છે. તેનો અર્થ એવો થાય કે પોલીસ શંકાને આધારે કોઈ પણ વ્યક્તિના બાયોમૅટ્રિક તથા બાયૉલૉજિકલ સૅમ્પલ લઈ શકે.
પ્રસ્તાવિત ક્રિમિનલ પ્રોસિજર (આઇડેન્ટિફિકેશન) બિલ-2022માં પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત સમજાવતાં વકીલ રાજેશ જાખડ કહે છે કે "કોઈ વ્યક્તિ વિરોધપ્રદર્શન કરવા જતી હોય અને પોલીસને એવું લાગે કે તેનાથી શાંતિનો ભંગ થશે તો પોલીસ તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે. એ સંજોગોમાં પોલીસ તે વ્યક્તિના બાયોમૅટ્રિક તથા બાયૉલૉજિકલ સૅમ્પલ પણ લઈ શકે છે."
ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ વિક્રમસિંહ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "જૂનો કાયદો અપ્રસ્તુત બની ગયો છે. આજના સમયમાં ગુનાની રીતો બદલાઈ રહી છે. તેથી આ પ્રકારનો કાયદો બનાવવો જરૂરી છે, જેથી ગુનેગારોને આસાનીથી ઝડપી શકાય. જોકે, પ્રિવેન્ટિવ ડિટેન્શનના બહાને પોલીસ કોઈ પણ સામાન્ય નાગરિકના બાયોમૅટ્રિક તથા બાયૉલૉજિકલ સૅમ્પલ લઈને બાદમાં તેને હેરાન કરી શકે છે."
પ્રસ્તાવિત ખરડામાં ગુનેગાર સંબંધિત માહિતી એટલે કે ડેટાને 75 વર્ષ સુધી સલામત રાખવાની જોગવાઈ છે. તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બાયૉલૉજિકલ સૅમ્પલ એટલે શું?

ઇમેજ સ્રોત, Thinkstock
પ્રસ્તાવિત ક્રિમિનલ પ્રોસિજર (આઇડેન્ટિફિકેશન) બિલ-2022 સંબંધે સૌથી વધુ ચર્ચા બાયૉલૉજિકલ સૅમ્પલ બાબતે થઈ રહી છે.
ફૉરેન્સિક નિષ્ણાત ઈંદ્રજિત રાય બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "બાયૉલૉજિકલ સૅમ્પલમાં લોહી, નખ, વાળ, લાળ, યૂરિન વગેરે જેવી અનેક ચીજોનો સમાવેશ થાય છે. આ ચીજોના સૅમ્પલના આધારે ફૉરેન્સિક સાયન્સની મદદથી અપરાધીની ઓળખ કરવાનું પોલીસ માટે આસાન બની જાય છે. આ ખરડામાંની જોગવાઈ સંબંધે વિચારીએ તો પોલીસ ગુનેગારના શરીર સાથેનું કોઈ પણ સૅમ્પલ લઈ શકે છે."
બાયોમૅટ્રિક સૅમ્પલ માટે ગુનેગારની ફિંગર પ્રિન્ટ, ફૂટ પ્રિન્ટ, આઈરિસ તથા રેટિના સ્કેન વગેરેના સૅમ્પલ લઈ શકાય છે.
સવાલ એ છે કે સરકારે નવા ખરડામાં બાયૉલૉજિકલ સૅમ્પલને સામેલ કરવાની જરૂર શી છે?
આ સવાલના જવાબમાં ઇંદ્રજિત રાય કહે છે કે "લગભગ 80 ટકા કિસ્સામાં ગુનેગારની ફિંગર પ્રિન્ટ સારી ક્વૉલિટીની હોતી નથી. ગુનો આચરવામાં આવ્યો હોય તેવાં મોટા ભાગનાં સ્થળો પરથી અપૂરતા પ્રમાણમાં ફિંગર પ્રિન્ટ મળે છે. આ રીતે ફિંગર પ્રિન્ટનું ડેટાબેઝ સાથે મેચિંગ કરાવવાનું પોલીસ માટે મોટો પડકાર હોય છે."
આ વાતને વધુ વિગતવાર સમજાવતાં ઇંદ્રજિત રાય કહે છે કે "ડીએનએની સૅમ્પલિંગ અર્ધી કે એક ચતુર્થાંશ હોતી નથી. ડીએનએ હંમેશાં સંપૂર્ણ જ હોય છે અને એકસરખાં બે ડીએનએ હોતાં નથી. દસ લાખમાંથી એક ફિંગર પ્રિન્ટનું મિસમૅચ શક્ય છે."
"આ સ્થિતિમાં પોલીસ માટે ગુનેગારની ઓળખ કરવાનું આસાન બની જાય છે. ડીએનએ સૅમ્પલને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. સમગ્ર દેશમાં ડીએનએ સૅમ્પલ એકત્ર કરવા માટે ભારત સરકાર ડીએનએ ડેટા બૅન્ક પણ બનાવી રહી છે."

બાયૉલૉજિકલ સૅમ્પલનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
કાયદાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિ અદાલતમાં દોષી પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે.
વકીલ રાજેશ જાખડ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "કોઈ પણ વ્યક્તિને તેની વિરુદ્ધ પુરાવા આપવા માટે ફરજ પાડી શકાય નહીં, પરંતુ પ્રસ્તાવિત ખરડામાં વ્યક્તિને બાયૉલૉજિકલ સૅમ્પલ આપવાની ફરજ પાડી શકાય છે."
બીજી તરફ બંધારણ તથા સાઇબર કાયદાના નિષ્ણાત વિરાગ ગુપ્તા 'આધાર'ના ઉપયોગ સંબંધે સુપ્રીમ કોર્ટે 2017માં આપેલા એક ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહે છે કે "2017ના તે પુટ્ટાસ્વામી ચુકાદામાં નીજતાના અધિકારને સ્વીકૃતિ આપવામાં આવી હતી."

બધો ડેટા એનસીઆરબીને હવાલે

ઇમેજ સ્રોત, Thinkstock
પ્રસ્તાવિત ખરડામાં નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો(એનસીઆરબી)ને કેન્દ્રીય એજન્સી તરીકે સૅમ્પલ એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં ગુનેગારોની ફિંગર પ્રિન્ટ એકત્ર કરવાનું કામ એનસીઆરબી પહેલેથી જ કરી રહ્યો છે.
વિરાગ ગુપ્તાના કહેવા મુજબ, "ફિંગર પ્રિન્ટ્સનો ડેટાબેઝ તૈયાર કરવાનું કામ અગાઉની યુપીએ સરકારની સમયમાં જ થઈ ગયું હતું. એ વખતે તેને ક્રાઇમ ઍન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એવું નામ આપવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ ગુનેગારોની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી હતી."
"પ્રસ્તાવિત ખરડો પસાર થવાની સાથે આ સિસ્ટિમમાં આઈરિસ તથા ફેશિયલ સ્કેન જેવી ચીજો પણ ઉમેરવામાં આવશે. કેન્દ્ર સરકાર પાસે દસ લાખ અને રાજ્ય સરકારો પાસે લગભગ 30 લાખ ફિંગર પ્રિન્ટનો ડેટા છે. સરકાર હવે આ ડેટાબેઝમાં વધારો કરવા ઇચ્છે છે."
વિરાગ ગુપ્તા ઉમેરે છે કે "અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈ પાસે લગભગ ચાર કરોડ ફિંગર પ્રિન્ટ છે. એવી જ રીતે ભારત પણ ગુનાખોરી રોકવા માટે જંગી ડેટાબેઝ તૈયાર કરવા ઇચ્છે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે આધારના ડેટાનો બીજા હેતુ માટે ઉપયોગ કરવાની મનાઈ 2018માં ફરમાવી હતી."

કેટલો સલામત છે ડેટા?

ઇમેજ સ્રોત, SPL
દેશમાં ડેટાની સલામતી માટે કોઈ કાયદો હજુ સુધી ઘડાયો નથી. તેથી ડેટાને સલામત રાખવાની જવાબદારી એનસીઆરબીને સોંપવામાં આવી છે અને એ સંબંધે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
વકીલ રાજેશ જાખડ કહે છે કે "ડેટામાં ઘાલમેલ કરીને કોઈ પણ વ્યક્તિને આસાનીથી ગુનેગાર સાબિત કરી શકાય છે. ડેટામાં ઘાલમેલ કરવામાં આવી હોવાનું અનેક કેસોના ફૉરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. ડેટા એકત્ર કરવાનું કામ પણ સરકારી એજન્સી પાસે જ છે. તેથી ગુનો આચર્યો જ ન હોય તેવી વ્યક્તિને ગુનેગાર સાબિત કરવામાં પોલીસનો સહકાર મળી શકે છે."
રાજેશ જાખડ ઉમેરે છે કે "ડેટાની સલામતી માટે વાર્ષિક ઑડિટ તથા થર્ડ પાર્ટીની વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઈએ. સરકારી એજન્સીઓ ડેટાનો ખોટો ઉપયોગ ન કરી શકે તે થર્ડ પાર્ડી તથા ઑડિટ દ્વારા સુનિશ્ચિત કરી શકાશે."

કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્ય સરકારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય બંધારણની સાતમી અનુસૂચિમાં જણાવ્યા મુજબ, "પોલીસ અને કાયદો-વ્યવસ્થા" રાજ્યનો વિષય છે. તેથી અપરાધ રોકવાની, તેની તપાસની, તેની ફરિયાદ નોંધવાની, તપાસ કરાવવાની અને ગુનેગારો સામે આરોપનામું ઘડવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારોની છે.
વિરાગ ગુપ્તા કહે છે કે "સૂચિત ખરડામાં જે કેન્દ્રીય મૉડલનો પ્રસ્તાવ છે તેમાં રાજ્ય સરકારો કેવા પ્રકારના ફેરફાર કરી શકશે તે જોવાનું રહેશે."
એ સિવાય અલગ-અલગ રાજ્યોમાં સૅમ્પલની તપાસ માટે અલાયદી લૅબોરેટરીની સમસ્યા પણ મોટી છે. પોલીસ આટલા મોટા પ્રમાણમાં સૅમ્પલિંગ કઈ રીતે કરી શકશે એ બાબતે જાણકારોને શંકા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












