ટી-20 વર્લ્ડ કપઃ ધોનીના માર્ગદર્શન અને કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ કમાલ કરી શકશે?

    • લેેખક, પરાગ ફાટક
    • પદ, બીબીસી મરાઠી

ભલે તેનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ વર્લ્ડ કપ હંમેશા ભવ્યતાની લાગણી જન્માવે છે. 'વર્લ્ડ ટી-20' તરીકે ઓળખાતી આઈસીસી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ફરી શરૂ થવાની છે.

ક્રિકેટના સૌથી ટૂંકા સ્વરૂપનો આ વર્લ્ડ કપ પાંચ વર્ષના અંતરાલ પછી યોજાઈ રહ્યો છે.

2016ની આવૃત્તિ પછી ફરી તેનું આયોજન 2018માં થવાનું હતું, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ ટીમોના દ્વિપક્ષીય કરારોને ધ્યાનમાં રાખીને તેનું આયોજન માંડી વાળ્યું હતું.

આઈસીસીએ 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન કર્યું હતું. એ પછી 2020માં વર્લ્ડ કપ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે તે આયોજન એક વર્ષ આગળ ઠેલાવું પડ્યું હતું.

આખરે પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી વર્લ્ડ ટી-20 યોજાઈ રહી છે. ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે, પણ કોવિડની પરિસ્થિતિને કારણે આ ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમિરાતમાં યોજાશે.

આ વર્લ્ડ કપ લાંબો સમય ચાલશે. 29 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 16 ટીમો 45 મૅચીઝ રમશે. 17 ઑક્ટોબરે ટુર્નામેન્ટની શરૂઆત થશે અને 14 નવેમ્બરે ભવ્ય ફાઇનલ રમાશે.

ટુર્નામેન્ટનું માળખું

પહેલા એ ગ્રૂપમાં આયરલૅન્ડ, નામિબિયા, નેધરલૅન્ડ્ઝ અને શ્રીલંકાની ટીમો એકમેકની સામે મૅચ રમશે.

તેમાં ટોચની બે ટીમો બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. બીજા બી ગ્રૂપમાં બાંગ્લાદેશ, ઓમાન, પાપુઆ ન્યૂ ગીની અને સ્કૉટલૅન્ડની ટીમો ટોચનાં બે સ્થાન માટે મૅચો રમશે.

એ પછી સુપર ટ્વેલ્વ રાઉન્ડ યોજાશે. તેના પહેલાં ગ્રૂપમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વૅસ્ટ ઇન્ડીઝ, એ ગ્રૂપમાં પ્રથમ ક્રમાંકે રહેલી અને બી ગ્રૂપમાં બીજા ક્રમાંકે રહેલી ટીમોનો સમાવેશ થાય છે.

બીજા ગ્રૂપમાં ભારત, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બી ગ્રૂપમાં પ્રથમ ક્રમાંકે રહેલી અને એ ગ્રૂપમાં બીજા ક્રમાંકે રહેલી ટીમોનો સમાવેશ થાય છે. દરેક ગ્રૂપમાંની બે ટીમો આગલા રાઉન્ડમાં રમશે.

ગ્રૂપમાંની ટીમો એકમેકની સામે મૅચ રમશે. તેમાંથી ટોચની બે ટીમો નૉક આઉટ તબક્કામાં પ્રવેશ કરશે. એ પછી સેમી-ફાઇનલ અને ફાઇનલ રમાશે.

સુપર ટ્વેલ્વ તબક્કાની મૅચો 23 ઑક્ટોબરથી રમાવી શરૂ થશે અને એ તબક્કાની મૅચો આઠમી નવેમ્બરે પૂર્ણ થશે. આઠમી નવેમ્બરથી જ નૉક આઉટ રાઉન્ડ શરૂ થશે, જે 10 નવેમ્બરે પૂર્ણ થશે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાશે.

કેવો છે ભારતનો રેકોર્ડ?

આઈસીસી ટી-20 રૅન્કિંગમાં ભારત બીજા ક્રમે છે. વિરાટ કોહલી અને કે.એલ.રાહુલનો સમાવેશ આઈસીસીના ટોચના 10 બૅટ્સમૅનમાં થાય છે.

આઈસીસીના ટી-20 બૉલર્સ અને ઑલરાઉન્ડર્સ રૅન્કિંગમાં એકેય ભારતીય બૉલર કે ઑલરાઉન્ડરનો સમાવેશ થતો નથી.

ભારતનો આઈસીસી ટી-20 વર્લ્ડ કપ રેકૉર્ડ પ્રમાણમાં સારો કહી શકાય તેવો છે. તેમાં ભારત કુલ 33માંથી 20 મૅચ જીત્યું છે. આ ફૉર્મેટના વર્લ્ડ કપ પછી પોતે ભારતીય ટીમની કૅપ્ટનશિપ છોડી દેશે એવી જાહેરાત વિરાટ કોહલી કરી ચૂક્યા છે.

કોહલીના કૅપ્ટનશિપ પર ચાંપતી નજર રહેશે, કારણ કે તેની કપ્તાની હેઠળની ભારતીય ટીમ અત્યાર સુધી એકેય આઈસીસી ટ્રૉફી જીતી નથી.

વિરાટ કોહલીએ આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુનું કપ્તાનપદ સતત આઠ વર્ષ સુધી સંભાળ્યું હતું, પણ તે એકેય વખત ટીમને વિજયી બનાવી શક્યા નથી.

વિરાટ કોહલી બૅટ્સમૅન તરીકે પણ સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે તેની સામે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વિજયી બનાવવાનો પડકાર છે.

ધોની બનશે માર્ગદર્શક

આ વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમના મૅન્ટર એટલે કે માર્ગદર્શક બનશે.

ધોની સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમના કૅપ્ટન છે.

તેમની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 50થી વધુ વર્લ્ડ કપ અને અન્ય ચૅમ્પિયનશિપ ટ્રોફીઓ જીતી છે.

ધોનીના વડપણ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્ઝ ટીમ આઈપીએલમાં ચાર વખત વિજેતા બની છે.

કૅપ્ટન અને બૅટ્સમૅન તરીકેનો ધોનીનો બહોળો અનુભવ ભારતીય ટીમ માટે બહુ ઉપયોગી સાબિત થશે.

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપૉર્ટ સ્ટાફ માટે આ છેલ્લી ટુર્નામેન્ટ હશે.

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનીને રવિ ઍન્ડ કંપનીને ભવ્ય વિદાયમાન આપવા ઇચ્છે તે સ્વાભાવિક છે.

ભારતીય ટીમમાં કોણ-કોણ છે ?

વિરાટ કોહલી કૅપ્ટન છે, જ્યારે રોહિત શર્મા ઉપકપ્તાન.

આ ઉપરાંત કે.એલ.રાહુલ, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ બૅટિંગની જવાબદારી સંભાળશે.

ઋષભ પંત વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે રમશે. તેની આક્રમક બૅટિંગ ભારતીય ટીમ માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

ભારતીય ટીમ માટે રવિચંદ્રન અશ્વિનની પસંદગી કરીને સિલૅક્ટર્સે આશ્ચર્યનો આંચકો આપ્યો છે.

બહોળો અનુભવ ધરાવતા 34 વર્ષના ઑફ્ફ-સ્પિનર અશ્વિન 2017માં પણ ભારતીય ટીમના સભ્ય તરીકે ટી-20 વર્લ્ડ કપ રમ્યા હતા. પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને રાહુલ ચહર આતુર રહેશે.

રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઑલ-રાઉન્ડર્સ તરીકે ટીમને સંતુલિત કરશે.

પીઠમાં દુખાવાની તકલીફને કારણે હાર્દિક આઈપીએલમાં બૉલિંગ કરી શક્યા ન હતા.

ભારતીય બૉલિંગ આક્રમણને મજબૂત બનાવવા માટે હાર્દિક સંપૂર્ણપણે સ્વસ્થ હોય એ જરૂરી છે.

પેસ બૉલિંગનો મોરચો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામી સંભાળશે.

પસંદગી સમિતિએ અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરનો ઉપયોગ રિપ્લેસમૅન્ટ તરીકે કરવાનું નક્કી કર્યું છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે બૉલિંગ ન કરી શકે તો શાર્દુલ બૉલિંગ ઑલરાઉન્ડર તરીકે ઉપયોગી થશે, જ્યારે અક્ષર પટેલ ટીમમાં ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે જોડાશે.

મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી અને રાહુલ ચહર પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા આતુર રહેશે.

અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મરીવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે ગૌતમ આઈપીએલ પછી પણ સંયુક્ત આરબ અમિરાતમાં જ રહેશે. તેઓ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના નેટ બૉલર્સ તરીકે સેવા આપશે.

અન્ય ટીમોની સ્થિતિ કેવી છે?

વૅસ્ટ ઇન્ડીઝની ટીમમાં કેટલાક આક્રમક બૅટ્સમૅન છે, જેઓ ખતરનાક સાબિત થઈ શકે છે. કેરોન પોલાર્ડ ટીમનું નેતૃત્વ કરશે.

ઈયોન મૉર્ગનના વડપણ હેઠળની ઇંગ્લૅન્ડની ટીમ મજબૂત છે અને તેમના ખેલાડીઓનું પ્રદર્શન સાતત્યસભર રહ્યું છે. તેમને બૅન સ્ટોક્સ તથા જોફ્રા આર્ચરની ખોટ સાવશે.

ન્યૂઝીલૅન્ડની ટીમ સામર્થ્યવાન છે. તેમની ઑલ-રાઉન્ડર્સની ફોજ અને અસરકારક પેસ બૉલિંગ એકમેકના પૂરક બની રહેશે.

ટૂંકા ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધી એકેય ટાઈટલ જીતી શકી નથી, પરંતુ આ વખતે તેઓ આશ્ચર્ય સર્જી શકે છે.

પાકિસ્તાની ટીમ પર નજર રાખવાની રહેશે. આ ફૉર્મેટમાં પાકિસ્તાની ટીમને ગણતરીમાં લેવી અનિવાર્ય છે.

સાઉથ આફ્રિકાને ટેમ્બા બાવુમા નામનો નવો લીડર મળ્યો છે અને આ ટીમ સુસજ્જ લાગે છે.

શ્રીલંકાની ટીમ નવીનક્કોર હશે, જ્યારે સંયુક્ત આરબ અમિરાતની સ્પિનરોને મદદરૂપ થતી પીચોથી બાંગ્લાદેશની ટીમ ખુશ થશે.

અફઘાનિસ્તાનમાં ઘણું નાટકીય પરિવર્તન થયું છે ત્યારે તેની ટીમ પોતાની છાપ છોડવા ઉત્સુક રહેશે. ક્વૉલિફાઈ થનારી ટીમો પણ આશ્ચર્ય સર્જી શકે છે.

ભૂતકાળના વિજેતાઓની વાત

ભારત આ ફૉર્મેટમાં એકમાત્ર 2007માં વિશ્વવિજેતા બન્યું હતું. એ વખતે એમ.એસ.ધોનીના વડપણ હેઠળની યુવાન ટીમે તેની ક્ષમતા પૂરવાર કરી બતાવી હતી. ભારતનું કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન 2009માં વિજેતા બન્યું હતું.

એ પછીના વર્ષે ઇંગ્લૅન્ડ તેનું સૌપ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું.

2012માં કેરેબિયનોનો કરિશ્મા જોવા મળ્યો હતો અને વૅસ્ટ ઇન્ડીઝની ટીમ વિજેતા બની હતી.

2014માં આ ટ્રૉફી શ્રીલંકા જીત્યું હતું, જ્યારે 2016માં વૅસ્ટ ઇન્ડીઝ બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું.

2007ના ટી-20 વર્લ્ડ કપમાં શાહિદ આફ્રિદી મૅન ઑફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા, જ્યારે 2009માં તિલકરત્ને દિલશાન, 2010માં કેવિન પીટરસન, 2012માં શેન વોટસન અને 2014 તથા 2016માં વિરાટ કોહલીને તે ઍવૉર્ડ મળ્યો હતો.

રમત અને રૂપિયા

વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે 16 લાખ અમેરિકન ડૉલર્સ મળશે, જ્યારે રનર્સ-અપને આઠ લાખ ડૉલર્સ. સેમિફાઇનલમાં પહોંચેલી ટીમોને ચાર-ચાર લાખ ડૉલર્સ મળશે.

સુપર ટ્વેલ્વ સ્ટેજમાં મેચ જીતનારી ટીમોને બોનસ પણ આપવામાં આવશે.

આ વખતે પ્રત્યેક મૅચમાં બે ઍક્સ્ટ્રા શેડ્યૂલ્ડ ડ્રિંક બ્રેક્સ હશે. તે દરેક અઢી મિનિટના હશે, જે ઈનિંગ્ઝની મધ્યમાં લેવામાં આવશે.

આ વખતથી ટી-20 વર્લ્ડ કપમાં ડીઆરએસ એટલે કે ડીસિઝન રિવ્યૂ સિસ્ટમના પગરણ થશે. દરેક ટીમ પ્રત્યેક ઈનિંગ્ઝમાં બે રિવ્યૂ લઈ શકશે.

ક્યાં રમાશે મૅચો અને ટુર્નામેન્ટનું પ્રસારણ ક્યારે થશે?

આ ટુર્નામેન્ટની મૅચો સંયુક્ત આરબ અમિરાત અને ઓમાનમાં મસ્કત, દુબઈ, અબુધાબી તથા શાહજાહ એમ ચાર સ્થળે રમાશે.

તેમાં મસ્કત સિવાયના તમામ સ્ટેડિયમમાં આઈપીએલની મૅચો રમાઈ હતી અને બધા સ્ટેડિયમોમાં પીચો સ્લો અને ડ્રાય છે.

ભારતીય ટીમની મૅચોની શરૂઆત, કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામેની 24 ઑક્ટોબરની મૅચથી થશે.

ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન ઉપરાંત ક્વૉલિફાઈંગ રાઉન્ડની બે વિજેતા ટીમો સામે મૅચ રમશે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ અને હોટ સ્ટાર તમામ મૅચીઝનું પ્રસારણ કરશે. દિવસે રમાનારી મૅચોનું પ્રસારણ બપોરના સાડા ત્રણથી, જ્યારે નાઈટ ગેમ્સનું પ્રસારણ સાંજે સાડા સાતથી શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો