You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Virat Kohli અને Veganism : વીગનનો ગુજરાતી અર્થ શું અને તે શાકાહારથી કઈ રીતે અલગ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જો વ્યક્તિ ઈંડાં ખાતી હોય તો તેને વીગન કહી શકાય? શું વીગન વ્યક્તિ ઈંડાં ખાઈ શકે? અટપટો લાગતો આ પ્રશ્ન હાલ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને તેમના ફેન્સ પૂછી રહ્યા છે.
વિરાટ કોહલી પોતાના ડાયટ અંગે ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં કોહલીએ જણાવ્યું હતું કે તેઓ વીગન બની ગયા છે પણ શનિવારે કોહલીએ જણાવ્યું કે તેઓ શાકભાજીની સાથે ઈંડાં પણ ખાય છે.
જે બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી અને આ મુદ્દો ટ્વિટર પર ટ્રૅન્ડ થવા લાગ્યો છે.
મંગળવારે કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું કે "મેં ક્યારેય પણ વીગન હોવાનો દાવો કર્યો નથી. કાયમ કહ્યું છે કે હું શાકાહારી છું. માટે ઊંડો શ્વાસ લો અને શાકભાજી ખાઓ (જો તમારી ઇચ્છા હોય તો)."
કોહલીએ કહ્યું 'શાકભાજી સાથે ઈંડાં ખાવ છું'
શનિવારે વિરાટ કોહલીએ પોતાના ફેન્સ સાથે વાત કરી હતી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
એક પ્રશંસકે ડાયડ વિશે પ્રશ્ન કરતાં કોહલીએ જણાવ્યું કે તેઓ ઘણાં બધાં શાકભાજી, થોડાં ઈંડાં, 2 કપ કૉફી, દાળ, ક્વિનોઆ, પાલકની ભાજી અને ઢોસા લેવાનું પસંદ કરે છે.
તેમણે જણાવ્યું કે 'હું ખ્યાલ રાખું છું કે જે પણ ભોજન લઉં તે સંતુલિત માત્રામાં હોય.'
2019માં કોહલીએ નેટફિ્લક્સ પર આવતી ડૉક્યુમેન્ટરીના વખાણ કરતાં ટ્વીટ કર્યું હતું. ડૉક્યુમેન્ટરીમાં વૃક્ષઆધારિત ભોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોહલીએ ટ્વીટમાં જણાવ્યું હતું, શાકાહારી ખેલાડી બન્યા બાદ મને અહેસાસ થયો છે કે ડાયટ બાબતે મારી જે પણ ધારણાઓ હતી તે માત્ર એક ભ્રમ હતો. એક અદ્ભુત ડૉક્યુમેન્ટરી અને હા શાકાહારી બન્યા બાદ મને ક્યારેય પણ આટલી સારી અનુભૂતિ થઈ નથી.
વીગનનો અર્થ શું થાય અને ગુજરાતીમાં શું કહેવાય?
આ સાથે જ લોકો શોધી રહ્યા છે કે વીગનનો અર્થ શું થાય કેટલાક લોકો તેના ગુજરાતી અર્થ પણ શોધી રહ્યા છે.
ગુજરાતી લેક્સિકન પ્રમાણે વીગનનો અર્થ આ પ્રમાણે 'પ્રાણીઓ કે પ્રાણીઓની બનતી વાનીઓ અથવા વાનગીઓને ન ખાનાર' વ્યક્તિને વીગન ગણવામાં આવે છે.
જોકે વીગનની વ્યાખ્યા આટલી સીધી નથી, આ અંગે ઘણા પ્રશ્નો છે.
વીગનિઝમ : શરૂઆત કેવી રીતે થઈ
વીગન સોસાયટીની સ્થાપના બ્રિટનમાં ડોનાલ્ડ વૉટ્સને 1944માં કરી હતી, તેમણે 'વીગન' શબ્દનો ઉપયોગ એ 'ડેરીની વસ્તુઓ વગરના શાકાહારીઓ' માટે કર્યો જે ઈંડાં પણ ખાતા નથી.
વૉટસન ડેરી ઉદ્યોગમાં જાનવરો પર થઈ રહેલા અત્યાચારોથી ખૂબ જ દુખી હતા પણ તેમણે કટ્ટર શાકાહારી જીવનની શરૂઆત ન કરી.
માંસ વગરનું ભોજન પ્રાચીન ભારત અને પૂર્વ ભૂમધ્ય સાગરની સંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં પ્રચલિત હતું.
કૉલિન સ્પેન્સરના પુસ્તક 'વેજિટેરિયનિઝ્મ: અ હિસ્ટ્રી' અનુસાર ભારતમાં શાકાહારની પણ પરંપરા રહી છે.
અહીં એ હિંદુ ધર્મના રૂપમાં સ્વીકાર્ય છે અને અપરિહાર્ય (ટાળી ન શકાય એ રીતે) રૂપે આને પવિત્ર ગણાય છે. આને મૃત્યુ બાદ આત્માના એક શરીરમાંથી અન્ય શરીરમાં પ્રવેશની માન્યતા સાથે જોડવામાં આવે છે.
વીગનિઝમનો ટૂંકો ઇતિહાસ
બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ અને જૈન ધર્મના અનુયાયી પણ શાકાહારની તરફેણ કરે છે, તેમનું માનવું છે કે મનુષ્યોએ અન્ય જાનવરોના દર્દનું કારણ ન બનવું જોઈએ.
ઈ.સ. પૂર્વે 500માં યૂરોપમાં યુનાની દાર્શનિક અને ગણિતજ્ઞ પાઇથાગોરસ તમામ પ્રાણીઓ તરફ પરોપકારના હિમાયતીમાંના એક હતા.
તેઓ માનતા હતા કે માણસનું માંસ ખાવું ખરાબ બાબત છે, એક જીવને મારીને જીવિતને તૃપ્ત કરવાથી એટલે કે અન્ય શરીરને પોતાના શરીરમાં મેળવવાથી માણસમાં લાલચ વધે છે.
હકીકતમાં, શાકાહારી શબ્દ ચલણમાં આવ્યા પહેલાં, જે લોકો માંસ નહોતા ખાતાં તેમને 'પાઇથાગોરિયન આહાર' લેનારા કહેવામાં આવતા હતા.
ઈંડાંને શાકાહારી ગણી શકાય?
ઈંડાંને શાકાહારી ગણવા કે નહીં? એ અંગે અનેક વાદવિવાદ થતા રહે છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે જે ભોજનમાં પશુનું માંસ ન હોય તેને શાકાહારી ભોજન કહેવામાં આવે છે.
એ દૃષ્ટિએ અહેવાલમાં ઈંડાંને શાકાહારી ગણી શકાય,એવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે, ઈંડા ખાતી વ્યક્તિને વીગન કહી શકાય નહીં.
જે લોકો ઈંડાં ખાય છે પણ માછલી અને માંસ નથી ખાતા તેણે ઓવો-વેજીટેરીયન કહેવામાં આવે છે.
ઈંડાંના બે પ્રકાર હોય છે, જેને ફર્ટિલાઇઝ્ડ અને અન-ફર્ટિલાઇઝ્ડ કહેવામાં આવે છે. મરધાં સાથે સંવનન બાદ મરધી ઈંડાં મૂકે તો તેને ફર્ટિલાઇઝ્ડ ઈંડાં કહેવાય અને જ્યારે સંવનન વગર મરધી ઈંડાં મૂકે તો તેને અન-ફર્ટિલાઇઝ્ડ ઈંડાં કહેવાય છે.
આમ છતાં તેને શાકાહારી ગણવા કે નહીં, તે અંગે બે જુદા મત પ્રવર્તે છે.
પર્યાવરણ માટે ખેલાડીઓ વીગન બની રહ્યા છે?
યૂથ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો વર્કશૉપ લઈ ચૂકેલાં અવનિ કૌલનું એવું પણ માનવું છે કે આજકાલ લોકો એટલા માટે પણ વીગન થઈ રહ્યા છે કેમકે તેનાથી પર્યાવરણને જરાય નુકસાન નથી થતું.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર પર્યાવરણમાં માંસ રાંધવાના કારણે કાર્બન ફુટપ્રિન્ટ વધી રહ્યી છે.
આથી વીગન આહારથી આ બાબતમાં સુધારો આવે છે. આનાથી ખેતી અને ખેડૂત બન્નેને ફાયદો થાય છે.
ઇન્ડિયન ફેડરેશન ઑફ સ્પોર્ટ્સ મેડિસિનના અધ્યક્ષ ડૉ. પી. એસ. એમ ચંદ્રન અને ન્યૂટ્રિશનિસ્ટ અને મેટાબોલિક બૅલેન્સ કૉચ હર્ષિતા દિલાવરીનું કહેવું છે કે કોઈ પણ ખેલાડીએ વીગન આહાર લેવાનું નક્કી કરવું તેમની વ્યક્તિગત પસંદગી હોય છે.
જે લાભ વીહન આહારમાં મળે છે તે વીગન આહારમાં પણ મળી શકે છે. આથી આહારમાં પૌષ્ટિક ભોજન અને સમતોલ આહારને સ્થાન આપવું જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો