You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPLમાં જીત બાદ મહેન્દ્રસિંહ ધોની સોશિયલ મીડિયામાં છવાયા, ‘પહેલવાની છોડી છે, લડવાનું નથી ભૂલ્યો’
દુબઈમાં રમાયેલી આઈપીએલની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્રોફી જીતી લીધી. ચોથી વખત ચેન્નાઈ કિંગ્સ ચૅમ્પિયન બન્યા છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ પ્રભાવક પફૉર્મન્સ આપ્યું છે.
ચોથી વખત આઈપીએલ ચૅમ્પિયન બનેલી ચેન્નાઈ સુપરકિંગ્સે બે વખતની ચૅમ્પિયન ટીમ કોલકાતા નાઇડ રાઇડર્સને 27 રનથી હરાવી હતી.
કોલકાતા સામે જીત માટે 193 રનનું લક્ષ્ય હતું પરંતુ તે 20 ઓવર રમીને પણ 165 રન બનાવી શકી હતી.
આની પહેલાં ચેન્નાઈએ પહેલાં બૅટિંગ કરતાં ઓપનિંગ બૅટ્સમૅન ફૉક ડુ પ્લેસીના 86 રનની મદદથી માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 192 રનનો મોટો સ્કોર બનાવ્યો.
આની સાથે જ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ આઈપીએલની બીજી સૌથી સફળ ટીમ બની ગઈ. તેમણે ચાર વખત આઈપીએલ જીતી, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વખત ખિતાબ જીત્યો.
મૅચ બાદ ક્રિકેટચાહકોમાં ચર્ચા થવા લાગી કે શું ધોની હવે આગામી આઈપીએલમાં ચેન્નાઈ માટે રમશે કે નહીં? શું તેઓ કપ્તાની કરશે?
આ દરમિયાન ધોની T20 વિશ્વકપમાં ભારતીય ટીમના મૅન્ટર રહેશે તથા રાહુલ દ્રવિડને ભારતીય ટીમના કૉચ તરીકે પસંદ કરાયા હોવાના પણ અહેવાલ છે, જોકે હજી સુધી આ અંગે પુષ્ટિ થઈ નથી.
આઈપીએલની વાત કરીએ તો 12 વર્ષમાં ચેન્નાઈને ધોનીએ નવ વખત ફાઇનલમાં પહોંચાડ્યું છે, અને તેમાં ચાર વખત ટીમને ચૅમ્પિયન બનાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇનલ મૅચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 27 રનથી કેકેઆર સામે વિજય મેળવ્યો હતો. જેમાં ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, રૉબિન ઉથપ્પા સહિતના ખેલાડીઓએ ખૂબ જ પ્રભાવશાળી પર્ફૉર્મન્સ કર્યું.
ફરી છવાયા ધોની
જોકે સોશિયલ મીડિયામાં ફરી એક વાર ‘થાલા’ (થલૈવા) મહેન્દ્રસિંહ ધોની છવાઈ ગયા. પૂર્વ ક્રિકેટરો, યુવા ક્રિકેટરોથી લઈને સંખ્યાબંધ ક્રિકેટચાહકોએ ધોનીની પ્રશંસા કરી છે.
આર. અશ્વિન, વસીમ જાફર, વીરેન્દ્ર સહેવાગ સહિતના ક્રિકેટરોએ ચેન્નાઈ સુપર કિંગ્સને શુભેચ્છા પાઠવી અને સાથે જ ધોનીનાં વખાણ પણ કર્યાં.
વીરેન્દ્ર સહવાગે ચેન્નાઈ સુપરકિંગ્સને અભિનંદન પાઠવતાં કહ્યું કે ધોનીનું નેતૃત્વ 'આઉટસ્ટૅન્ડિંગ' છે.
ત્યારે કેટલાક ટ્વિટર યુઝર્સે પણ ધોનીના નેતૃત્વને લાજવાબ ગણાવ્યું.
રોનક કપૂરે ટ્વિટ કરી લખ્યું, “રોબિન ઉથપ્પાએ પ્રભાવશાળી પફૉર્મન્સ આપ્યું. શાર્દુલ, દીપક, હેઝલવુડે પણ સારું પફૉર્મ કર્યું; પરંતુ ધોનીનું નેતૃત્વ ખૂબ જ લાજવાબ રહ્યું. તેઓ ચૅમ્પિયન બન્યા, તેના હકદાર છે.”
KKRનું મિડલ ઑર્ડર ખખડી ગયું અને જલદી પેવેલિયન ભેગું થયું, તેના વિશે એક ટ્વિટર યૂઝરે રમૂજમાં લખ્યું, “જહાં ભી જાયેંગે સાથ મેં જાયેંગે”
ગગન ચાવલા નામના યૂઝરે લખ્યું, “ધોની એક દિગ્ગજ કપ્તાન છે. વર્લ્ડકપમાં ભારત માટે મહત્ત્વનું પરિબળ રહેશે. તે રમતને ખૂબ જ સારી રીતે સમજી લે છે.”
વેદાંત નામના યૂઝરે ધોનીની એક તસવીર મૂકીને લખ્યું, “19:29થી 23:29. અભિનંદન કપ્તાન ધોનીને એક વધુ ટ્રોફી માટે.”
વસીમ જાફરે એક વધુ રમૂજી ટ્વીટમાં ધોનીની પ્રશંશા કરી. જેમાં તેમણે સલમાન ખાનની સુલતના ફિલ્મના એક દૃશ્યની તસવીર સાથે ફિલ્મનો સંવાદ લખ્યો, “પહેલવાની છોડી છે, પણ હું લડવાનું નથી ભૂલ્યો.”
વળી ધોનીને મૅચ બાદ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી આઈપીએલમાં રમશે કે નહીં?
જવાબમાં તેમણે કહ્યું હતું, “ચેન્નાઈ કિંગ્સ માટે શું સારું છે, તેનો નિર્ણય કરવો પડશે. નવી બે ટીમો પણ આવી રહી છે. બીસીસીઆઈએ નિર્ણય કરવાનો છે.”
વળી તેમના ક્રિકેટના વારસા વિશે પૂછતાં તેમણે કહ્યું, “મેં હજુ વારસો છોડ્યો જ નથી.”
ક્રિકેટરસીકો આ જવાબને આધારે માને છે કે, “ધોની હજુ રમશે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો