રમીઝ રાજાએ કહ્યું, નરેન્દ્ર મોદી ફન્ડિંગ રોકે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખતમ થઈ જાય

તાજેતરમાં પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટીમે સુરક્ષાનો હવાલો આપી રદ કરી દીધો હતો અને એ વખતે ભારતના દબાણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ એ મતલબનું વિધાન કર્યું છે કે 'ભારતના વડા પ્રધાનના એક ઇશારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખતમ થઈ શકે છે.'

રમીઝ રાજાએ કહ્યું, જો ભારત આઈસીસીનું ફન્ડિંગ અટકાવી દે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખતમ થઈ શકે છે.

એમણે એક બેઠકમાં કહ્યું, "પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું 50 ટકા ફન્ડિંગ આઈસીસી કરે છે અને આઈસીસીને 90 ટકા ફન્ડિંગ ભારતીય બજાર આપે છે."

રમીઝ રાજાએ કહ્યું, "મને બીક છે કે જો ભારત આઈસીસીનું ફન્ડિંગ બંધ કરી દે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી) ખતમ થઈ જશે. પીસીબી આઈસીસીને કોઈ પણ ફન્ડિંગ કરતું નથી."

એમણે કહ્યું, "જો ભારતના વડા પ્રધાન એમ વિચારી લે કે આઈસીસીને ફન્ડિંગ નથી કરવું, તો પીસીબી વિખેરાઈ શકે છે."

રમીઝ રાજાએ કહ્યું કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ટીમ ભારતને હરાવે તો કોરો ચેક તૈયાર છે - રમીઝ રાજા

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર રમીઝ રાજાએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનની ટીમ ટી-20 વિશ્વ કપમાં ભારતને હરાવી દે, તો એના માટે કોરો ચેક તૈયાર છે.

ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની મૅચ 24 ઑક્ટોબરે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થવાની છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની ટીમોએ સુરક્ષાના કારણોનો હવાલો આપીને પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી દીધો હતો, જેને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા છવાઈ હતી.

રમીઝ રાજાએ કહ્યું કે, "આ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ એટલા માટે રદ કર્યો કેમ કે પીસીબી આર્થિક રીતે મજબૂત નથી."

એમણે કહ્યું, "જો આપણી ક્રિકેટ ઇકૉનૉમી મજબૂત હોત તો ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ જેવી ટીમો આપણો ઉપયોગ કરીને આ રીતે દરકિનાર ન કરી શકત."

આ અગાઉ પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ન્યૂઝીલૅન્ડની ટીમને આંતકી ધમકીનો મેઇલ ભારતીય ડિવાઇસથી મોકલવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાને આ આરોપ મામલે કોઈ પુરાવા નથી રજૂ કર્યા.

રમીઝ રાજાએ એમ પણ કહ્યું કે "પાકિસ્તાનના દબાણ પછી ન્યૂઝીલૅન્ડની ટીમ પ્રવાસની યોજના નવેસરથી ઘડી રહી છે."

એમણે કહ્યું કે જો ન્યૂઝીલૅન્ડની ટીમ પાકિસ્તાનની શરતો અનુસાર રમવા તૈયાર હોય તો પાકિસ્તાનને પ્રવાસથી કોઈ વાંધો નથી.

રમીઝ રાજાએ કહ્યું "પાકિસ્તાનમાં ડૉમેસ્ટિક ક્રિકેટરોનું મહેનતાણું વધારી દેવામાં આવ્યું છે અને હવે તેઓ વર્ષે ચાર કરોડ રૂપિયા સુધી કમાઈ શકશે."

એમણે કહ્યું, "હવે કોઈ ક્રિકેટરે રિક્ષા નહીં ચલાવવી પડે."

રમીઝ રાજાએ કહ્યું અનેક રોકાણકારો સાથે એમની હકારાત્મક વાત થઈ છે અને તેઓ ક્રિકેટને બહેતર બનાવવા રોકાણ કરવા તૈયાર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો