You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લખીમપુર ખીરી કેસ : મંત્રીના પુત્રની જીપ નીચે કચડાઈ મરનાર ખેડૂતોની અસ્થિકળશ યાત્રા આખા ઉત્તર પ્રદેશમાં ફરશે, મોદીનું પૂતળું બાળશે
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતોને થાર જીપ હેઠળ કચડી દેનાર મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રને પોલીસે ક્રાઇમ બ્રાન્ચમાં શનિવારે હાજર થયા છે ત્યારે ખેડૂતનેતાઓ મંત્રી અને તેમના પુત્રની ધરપકડની માગ સાથે આંદોલનની આગળની રણનીતિની જાહેરાત કરી છે.
સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કૉન્ફરન્સમાં ખેડૂતોના નેતા દર્શનપાલે કહ્યું છે કે લખીમપુર ખીરી હિંસા પૂર્વાયોજિત હતી.
ખેડૂતોના નેતા જોગિન્દરસિંહ ઉગરાહાએ કહ્યું કે, "સરકારે પ્રદર્શનકારી ખેડૂતો વિરુદ્ધ હિંસક વલણ અપનાવ્યું."
ઉગરાહાએ કહ્યું કે, "અમે કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર અને આશિષ મિશ્રની ધરપકડની માગી કરીએ છીએ."
આ પત્રકારપરિષદમાં જ સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, "કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને મંત્રીમંડળમાંથી હઠાવી દેવા જોઈએ અને તેમણે જે રીતે ષડયંત્ર રચ્યું છે, એ માટે તેમની ધરપકડ થવી જોઈએ."
દિલ્હીના પ્રેસ ક્લબ ખાતે ખેડૂતોના આગેવાનોએ પત્રકારપરિષદ યોજીને લખીમપુર ખીરીની ઘટના મામલે આગળની રણનીતિ સ્પષ્ટ કરી હતી.
યોગેન્દ્ર યાદવે કાર્યક્રમ વિશે માહિતી આપતાં કહ્યું કે, "પ્રથમ કાર્યક્રમ, 12 ઑક્ટોબરે અંતિમવિધિના દિવસે, શોકસમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ એ જ જગ્યાએ યોજાશે, જ્યાં લખીમપુર ખીરી હિંસા થઈ હતી."
સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતોને 12 વાગ્યે તિકુનિયા પહોંચવાની અપીલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગેન્દ્ર યાદવે કહ્યું કે જે ખેડૂતો તિકુનિયા પહોંચી શકે એમ નથી, એ લોકો ગુરુદ્વારા જાય અને મીણબત્તી પ્રગટાવે.
બીજો કાર્યક્રમ - તિકુનિયાથી 12 વાગ્યે ખેડૂતોનાં અસ્થિ સાથે કળશયાત્રા શરૂ થશે, આ યાત્રા 24 ઑક્ટોબર સુધી ચાલશે.
આ કળશને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં અને દેશના તમામ જિલ્લામાં લઈ જવાશે, એ બાદ એને પવિત્ર જગ્યાએ વિસર્જિત કરાશે.
યોગેન્દ્ર યાદવના જણાવ્યા પ્રમાણે "ત્રીજો કાર્યક્રમ દશેરાના દિવસે યોજાશે. તે દિવસે અહંકારના નાશના પ્રતીકરૂપે પીએમ મોદીના પૂતળાનું દહન કરાશે."
એ બાદ 26 ઑક્ટોબરે લખનૌમાં મહાપંચાયતનું આયોજન કરાશે.
આરોપી મંત્રીપુત્ર આશિષ મિશ્ર ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર, પૂછતાછ જારી
લખીમપુરના તિકુનિયામાં ખેડૂતની હત્યાના કેસમાં મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ મિશ્રને પોલીસે ક્રાઇમ બ્રાન્ચમાં શનિવારે સવારે 11 વાગ્યા સુધી હાજર થવાનો સમય આપ્યો હતો, એ પહેલાં તેઓ હાજર થઈ ગયા છે.
લખીમપુર ખીરીથી બીબીસીના સહયોગી અનંત ઝણાણે જણાવે છે કે ધારાસભ્ય યોગેશ વર્મા અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના સંસદીય પ્રતિનિધિ અરવિંદસિંહ અને વકીલોની સાથે આશિષ મિશ્ર પોલીસ લાઇન્સ પહોંચ્યા હતા.
તેઓ જણાવે છે કે આશિષ મિશ્ર પોલીસ લાઇન્સમાં મુખ્ય દરવાજાના બદલે પાછલા દરવાજેથી પહોંચ્યા હતા. પોલીસે આપેલા 11 વાગ્યાના સમય કરતાં 20 મિનિટ પહેલાં તેઓ પહોંચી ગયા હતા.
લખીમપુર ખીરીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિજય ઢુલ જણાવે છે કે આશિષ મિશ્રની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછતાછ કરાઈ રહી છે.
મંત્રી અજય મિશ્ર શુક્રવારે સાંજે જ લખીમપુર ખીરીમાં પોતાના નિવાસસ્થાન પર પહોંચી ગયા હતા અને શનિવાર સવારે પોતાના સંસદીય કાર્યાલય પર પહોંચીને ભાજપ કાર્યકરોને મળ્યા હતા.
પોલીસ લાઇન્સથી અજય મિશ્રનું કાર્યાલયથી થોડા જ મીટરના અંતરે છે અને આખા રસ્તા પર ભારે પોલીસ પહેરો છે.
શુક્રવારે મીડિયાએ તેમને લખનૌ ઍરપૉર્ટ પર પ્રશ્નો પૂછવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો.
જો આજે આશિષ મિશ્ર પોલીસ સામે હાજર ન થયા હોત તો પોલીસ પાસે તેમની વિરુદ્ધ કોર્ટથી વૉરન્ટ જારી કરાવવાનો વિકલ્પ હતો.
સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશની સરકારની કામગીરીથી ખફા
આ મામલામાં યુપી પોલીસને તપાસ દરમિયાન સુસ્ત વલણ માટે સુપ્રીમકોર્ટે ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી પર અસંતોષ હોવાનું કહ્યું છે અને 20 ઑક્ટોબરે ફરી સુનાવણી કરવાની વાત કરી છે.
મંત્રી અજય મિશ્રએ કહ્યું કે આશિષ મિશ્ર શનિવારે પોલીસ સમક્ષ હાજર થશે અને આજે નાદુરસ્ત તબિયતને કારણે હાજર નથી થયા. ગુરુવારે સાંજે લખીમપુર પોલીસે તેમના ઘર પર સમનની કૉપી ચોંટાડી હતી.
સમનમાં આશિષ મિશ્ર (જે હત્યાના આરોપી છે)ને બધા પુરાવા સાથે પોલીસ લાઇન્સસ્થિત ક્રાઇમ બ્રાંચની ઑફિસમાં આવવા માટે શુક્રવારે દસ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
ગુરુવારે મીડિયા સાથે વાત કરતા લખનૌના આઈજી લક્ષ્મીસિંહે કહ્યું હતું કે આશિષ મિશ્ર નક્કી સમયે નહીં પહોંચે તો તેમની સામે જરૂરી કાર્યવાહી કરાશે અને તેમની સામે વૉરંટ પણ જારી કરાશે.
ગુરુવારે રાતે પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી હતી, તેમાં આશિષ પાંડે અને લવકુશ સામેલ છે.
પોલીસ અનુસાર, બંને ખેડૂતોને કચડીને મારનારી ગાડીઓમાં સવાર હતા અને તેમની વિરુદ્ધ સ્થળ પર હાજર હોવાના પુરાવા મળ્યા છે. બંને ઘટના બાદ ઘાયલ થયા હતા.
પોલીસે અન્ય એક આરોપી સુમીત જયસ્વાલને પણ સમન મોકલ્યું છે. આરોપ છે કે એક વાઇરલ વીડિયોમાં સુમીત જયસ્વાલ થાર જીપમાંથી નીકળીને ભાગતા જોવા મળ્યા હતા.
જો પહેલા સમન બાદ આશિષ મિશ્ર ક્રાઇમ બ્રાન્ચની ઑફિસ નહીં પહોંચે તો બીજું સમન જારી થઈ શકે છે. સવાલ થઈ રહ્યા છે કે શું કોઈ સામાન્ય હત્યાના મામલામાં પોલીસ આરોપીને આટલો સમય આપે છે.
આશિષ મિશ્રને લઈને યુપી સરકાર પર સવાલો થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસે ટ્વીટ કર્યું કે ભાગ્યો નથી, ભગાડ્યો છે.
પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી પર શું બોલ્યા?
બુધવારે રાત્રે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ લખીમપુર ખીરીમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ મુલાકાત દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે જ્યાં સુધી અજય મિશ્ર ટેની ભારત સરકારમાં પ્રધાનપદે હોય, ત્યાં સુધી આ મામલે નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે છે ?
મૃત ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત બાદ કૉંગ્રેસના નેતાઓ સ્થાનિક પત્રકાર રમન કશ્યપના પરિવારજનોને પણ મળ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ અટકાયત દરમિયાન બીબીસી સંવાદદાતા વિનીત ખરે સાથે ફોન પર વાતચીત કરી હતી.
કૉગ્રેસ દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે, તેવા ભાજપના આરોપો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું, "સૌથી વધુ રાજકારણ ભાજપ કરે છે, પરંતુ તેને બીજું નામ આપ્યું છે. રાષ્ટ્રવાદી છે એવું કહે છે. કયો રાષ્ટ્રવાદી ખેડૂતોને આ રીતે કચડાવા દે અને તેમના પર (આરોપીઓ) કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. કયો રાષ્ટ્રવાદી પોતાના રાજ્યની આખી પોલીસને લઈને એક મહિલાને અટકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આરોપીને પકડવા માટે પ્રયત્ન નહીં કરે."
"હું વડા પ્રધાનને પૂછવા માગુ છું કે આ ગૃહરાજ્યમંત્રી તેમની કૅબિનેટમાં છે. સમગ્ર પોલીસ તેમના હેઠળ આવે છે. તો શું પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે, જે મંત્રીને તેઓ રિપોર્ટ કરે છે."
પ્રિયંકાએ મીડિયા પર આરોપ મૂકતા કહ્યું, "હા એ સમસ્યા છે કે મીડિયા દેખાડવા તૈયાર નથી. મીડિયા પક્ષપાત કરે છે . મોટા ભાગના મીડિયાનું એક સ્વરૂપ થઈ ગયું છે અને તે સરકારનો જ પ્રૉપેગૅન્ડા ચલાવે છે."
પ્રિયંકા ગાંધીના કહેવા પ્રમાણે, તેઓ આ ઘટનાક્રમને ચૂંટણીના દૃષ્ટિકોણથી નથી જોતા.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું- લખીમપુર હિંસા મામલે કેટલી ધરપકડ થઈ?
સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી મામલે ગઈ કાલે સુનાવણી કરી હતી અને ઉત્તર પ્રદેશ સરકારને એક વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે.
કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે આ મામલે કોણ-કોણ આરોપી છે, કોની સામે એફઆઈઆર નોંધાઈ છે અને અત્યાર સુધીમાં કોની ધરપકડ થઈ છે, આ અંગે બધી જાણકારી કોર્ટ સમક્ષ રજૂ કરે.
આ મુદ્દે ચાલી રહેલી જ્યુડિશિયલ તપાસનું વિવરણ આપવા પણ સર્વોચ્ચ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યા હતા.
આ ઘટનાક્રમમાં મૃત્યુ પામેલા યુવકની માતાને સારવાર માટે સહાય આપવા માટે પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા.
ગુરુવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે આ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી.
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સિદ્ધાર્થસિંહના કહેવા પ્રમાણે, લખીમપુર ખીરીના મામલે રાજા હોય કે રંક દરેકની સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું હતું, "ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સત્યને બહાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. જે કોઈ દોષિત હશે, ચાહે રાજા હોય કે રંક તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે."
રાહુલ તથા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર નિશાન સાધતાં સિંહે કહ્યું હતું કે "વિપક્ષ આ સંવેનશીલ મુદ્દે નકારાત્મક વલણ દાખવ્યું છે. તેમના માટે આ ફોટો ખેંચાવવા માટેની તક છે અને એ જ તેમનો હેતુ પણ છે."
ઉત્તર પ્રદેશમાં લખીમપુર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 75 કિલોમીટર દૂર નેપાળની સીમા સાથે જોડાયેલા તિકુનિયા ગામમાં રવિવારે થયેલી હિંસા અને આગચંપીમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા.
મૃતકોમાં ખેડૂતો, સ્થાનિક પત્રકાર, ભાજપના કાર્યકર તથા ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ સિવાય 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો