You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રતન તાતાએ કહ્યું, વેલકમ બૅક ઍર ઇન્ડિયા, તાતા સન્સે બોલી જીતી
ભારતની સરકારી ઍરલાઇન્સ ઍર ઇન્ડિયા હવે તાતા ગ્રૂપની થઈ જશે. ભારત સરકારના નાણા મંત્રાલયના રોકાણ અને જાહેર સંપત્તિ પ્રબંધન વિભાગના સચિવ તુહીન કાંતાએ સત્તાવાર જાહેરાત કરી કે તાતા સન્સે 18000 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
રતન તાતાએ ટ્વીટ કરીને ઍર ઇન્ડિયા તાતા ગ્રૂપમાં પરત આવવાને આવકાર આપ્યો છે.
કાંતા અનુસાર 10 ડિસેમ્બર સુધી ઍર ઇન્ડિયાને તાતા ગ્રૂપને સોંપી દેવામાં આવશે.
નાગરિક ઉડ્યન સચિવ રાજીવ બંસલ અનુસાર વિજેતા ખરીદદારે તમામ કર્મચારીઓને એક વર્ષ સુધી નોકરી પર ચાલુ રાખવા પડશે. એ પછી તાતા ગ્રૂપ પાસે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ આપવાનો વિકલ્પ રહેશે.
કાંતાએ કહ્યું, ઍર ઇન્ડિયાની હરાજીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી અને સ્પર્ધાત્મક રહી છે.
કાંતા અનુસાર બીજી હરાજીમાં સાત કંપનીઓએ બોલી લગાવી હતી જેમાંથી પાંચ રદ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઍર ઇન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા જુલાઈ 2017માં શરૂ કરવામાં આવી હતી અને 15 સપ્ટેમ્બરે બે યોગ્ય કંપનીઓએ પોતાનો ભાવ રજૂ કર્યો હતો.
ભારત સરકારની કંપની ઍર ઇન્ડિયા આ સમયે દરરોજ વીસ કરોડનું નુકસાન કરી રહી છે. ઍર ઇન્ડિયા પર ઑગસ્ટ 2021 સુધી કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું છે. બોલી લગાવનાર કંપનીએ આમાંથી 15300 કરોડના કરજનો ભાર વેઠવો પડશે. 46262 કરોડનું કરજ સરકાર પાસે રહેશે. આ કરજ ઍર ઇન્ડિયાની ઍસેટ હોલ્ડિંગ કંપની પાસે રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકન સબમરીન અજાણી ચીજ સાથે અથડાઈ, 15 સૈનિકો ઘાયલ
અમેરિકાની પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન દક્ષિણ ચીન સાગરમાં પાણીની નીચે કોઈ અજાણી ચીજ સાથે ટકરાઈ ગઈ છે. આ ઘટનામાં 15 અમેરિકન નૌસૈનિક ઈજાગ્રસ્ત થયા છે.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું છે કે શનિવારે યુએસએ કનેક્ટિકટ નામની આ સબમરીન અજાણી ચીજ સાથે ટકરાઈ હતી.
જોકે અધિકારીઓના પ્રમાણે એ સ્પષ્ટ નથી થયું કે સબમરીન કઈ રીતે અથડાઈ હતી.
અમેરિકન નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના બાદ સબમરીન અમેરિકાના ગુઆમ તટ તરફ આગળ વધી રહી છે.
આ ઘટના એવા વખતે ઘટી છે જ્યારે ચીન અને તાઇવાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે.
તાજેતરમાં જ ચીનના 38 લડાકુ વિમાન તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યાં હતાં.
આ ઘટનાના કેટલાક દિવસ પહેલાં અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક સમજૂતી કરી હતી, જે અંતર્ગત અમેરિકા ઑસ્ટ્રેલિયાને પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન બનાવવાની તકનીક આપવાનું હતું.
અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકા ચીન અને તાઇવાન વચ્ચે તણાવ અંગે ચિંતિત છે.
યુપીની લખીમપુર હિંસા પર વડા પ્રધાન મોદીના મૌન પર પીડિતના પરિવારજનો નારાજ
ગુરુવારે વડા પ્રધાને ઉત્તર પ્રદેશની એક ઘટના પર દુખ અને સંવેદના પ્રગટ કરી, પરંતુ આ ઘટના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની નહોતી. મોદીએ રાજ્યના બારાબંકી જિલ્લામાં એક રોડદુર્ઘટના પર પોતાની સંવેદના પ્રગટ કરી હતી, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં.
ધ ટેલિગ્રાફમાં છપાયેલા રિપોર્ટમાં લખવામાં આવ્યું, 'પાંચ દિવસ વીતી ગયા છે, પણ વડા પ્રધાન લખીમપુર ખીરીની હિંસા (જેમાં ખેડૂતોને એસયુવી કારથી કચડવામાં આવ્યા) પર મૌન છે.'
અન્ય એક ટ્વીટના માધ્યમથી વડા પ્રધાને કર્ણાટકમાં એક ઘર પડી જવાથી થયેલાં મોત પર પણ દુખ વ્યક્ત કર્યું હતું, પરંતુ લખીમપુર હજુ સુધી કોઈ ટ્વીટ આવ્યું નથી.
ગુરુવારે વડા પ્રધાનના સત્તાવાર ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું, "ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયેલી રોડ દુર્ઘટનાથી દુખી છું. જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના."
ગુરુવારે બારાબંકીના એક ગામમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ટ્વીટ અંગે લખીમપુર હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારો 'નારાજ' છે.
તેઓ પૂછી રહ્યા છે કે "વડા પ્રધાન લખીમપુરની ઘટના પર મૌન છે અને અન્ય દરેક ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એ હિંસા માટે તેમના જ ગૃહરાજ્યમંત્રી જવાબદાર છે, તેના પર તેઓ મૌન છે."
ગત રવિવારે લખીમપુર ખીરીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કાર ચડાવી દીધી હતી. આરોપ છે કે આ કાર મોદી સરકારમાં ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીની છે અને તેમાંથી એક કારમાં તેમના પુત્ર પણ હતા.
જોકે અજય મિશ્રા ટેનીનો દાવો છે કે તેઓ અને તેમના પુત્ર ઘટનાસ્થળ પર હાજર નહોતા.
આંતરરાષ્ટ્રીય યાત્રા ફરી શરૂ થશે
ગૃહમંત્રાલયે કહ્યું કે તે ભારત આવવા માગતા વિદેશ સહેલાણીઓને નવા ટૂરિસ્ટ વિઝા આપવાનું ફરીથી શરૂ કરશે.
મંત્રાલયે કહ્યું કે નવા ટૂરિસ્ટ વિઝા પર આ વર્ષે 15 ઑક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટના માધ્યમથી વિદેશી યાત્રી ભારત આવી શકશે.
એક નિવેદન જાહેર કરીને મંત્રાલયે કહ્યું કે ચાર્ટર્ડ ફ્લાઇટ સિવાય અન્ય ઉડાનોથી આવનારા વિદેશીઓ 15 નવેમ્બરથી ભારત આવી શકશે.
તો બ્રિટનની યાત્રાએ ગયેલા ભારતીયોને હવે ક્વોરૅન્ટીન નહીં રહેવું પડે.
11 ઑક્ટોબર એટલે સોમવારથી બ્રિટન પહોંચેલા એ ભારતીય નાગરિકોને ક્વોરૅન્ટીનમાં નહીં રહેવું પડે, જેમણે કોવિશિલ્ડ કે બ્રિટનમાં માન્યતાપ્રાપ્ત કોઈ પણ રસીના બંને ડોઝ લીધા હશે.
ભારતમાં બ્રિટનના ઉચ્ચાયુક્ત ઍલેક્સ ઍલિસે આ અંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી છે.
છેલ્લા એક મહિનાથી ભારત અને બ્રિટન વચ્ચે આ મામલે વિવાદ ચાલતો હતો, પણ તે હવે થાળે પડતો હોય એવું લાગી રહ્યું છે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી વરુણ અને મેનકા ગાંધી બહાર
ભાજપે ગુરુવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિની જાહેરાત કરી હતી, તેમાં વરુણ ગાંધી અને તેમનાં માતા મેનકા ગાંધીને સ્થાન મળ્યું નથી. તો વિનય કટિયારને પણ જગ્યા મળી નથી.
સમિતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુન ચક્રવર્તીનો સમાવેશ કરાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના મુદ્દા પર અને હાલમાં લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે વરુણ ગાંધી પ્રતિક્રિયા આપતા રહે છે.
ગુરુવારે પણ તેમણે એક ટ્વીટ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
તેમણે ટ્વીટ કર્યું, "વીડિયો બિલકુલ સ્પષ્ટ છે. હત્યાથી પ્રદર્શનકારીઓને ચૂપ નહીં કરી શકાય. નિર્દોષ ખેડૂતોના લોહી માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને અહંકાર અને ક્રૂરતાનો સંદેશ દરેક ખેડૂતોના મગજમાં ઘૂસી જાય એ પહેલાં ન્યાય અપાવવો જોઈએ."
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સમેત 80 નેતાઓને સભ્ય તરીકે પસંદ કરાયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો