ગરીબ ચીન સુપરપાવર કેવી રીતે બન્યું અને શું લાગેલો છે ડાઘ?

આવતીકાલે ચીનમાં સામ્યવાદી શાસનના 70 વર્ષ પૂર્ણ થવાં જઈ રહ્યાં છે.

સામ્યવાદી શાસન હેઠળ ચીનનો ચમત્કારિક ઉદય એ 20મી સદીની સંભવત: સૌથી મહત્ત્વપૂર્ણ કહાણી છે.

1949માં જ્યારે માઓત્સે તુંગે ચીને સત્તા સંભાળી ત્યારે ચીન ગરીબીમાં સબડતું હતું અને યુદ્ધને કારણે વિનાશના આરે હતું.

આજે સામ્યવાદીશાસનનાં 70 વર્ષને અંતે ચીનની સ્થિતિ સાવ બદલાયેલી છે.

અત્યારનું ચીન દુનિયાની મહાશક્તિઓમાં સામેલ છે અને સૌથી મોટું અર્થતંત્ર બનવા માગે છે.

ઇતિહાસમાં અનોખો ગણી શકાય એવો ચીનનો આ આર્થિક ચમત્કાર દેશના સૌથી શક્તિશાળી નેતા ગણાતા માઓત્સે તુંગને કારણે નહીં પરંતુ એક અન્ય સામ્યવાદી નેતા ડેંગ શ્યાઓપિંગની એક ઝુંબેશને કારણે સંભવ થઈ શક્યો.

અધિકૃત આંકડા મુજબ 'રિફૉર્મ ઍન્ડ ઓપનિંગ' નામની ઝુંબેશ મારફતે 74 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ચીની લાક્ષણિકતાવાળા સામ્યવાદી વિચાર હેઠળ ડેંગ શ્યાઓપિંગે સ્થાપિતોને પડકાર આપ્યો અને કૃષિ પર ભાર મૂકયો.

આર્થિક સુધારણાના હેતુસર ખાનગી ક્ષેત્રમાં ઉદારીકરણ, ઉદ્યોગોનું આધુનિકીકરણ કરી ચીનને વિદેશી વ્યાપાર માટે ખુલ્લું મૂકવાના કેટલાંક પગલાં લેવામાં આવ્યાં.

શ્યાઓપિંગના આ વલણથી ચીન માઓત્સે તુંગના સામ્યવાદથી દૂર થતું ગયું.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના શબ્દોમાં કહીએ તો આનો અર્થ હતો દેશના ભૂતકાળ સાથે છેડો ફાડવો.

જ્યારે ચીન ગરીબ હતું

ચીનમાં આ ફેરફારની શરૂઆત 1978માં થઈ.

અમેરિકા સાથે સરખામણી કરીએ તો સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે 2018માં અમેરિકાનો જીડીપી 12.2 બિલિયન અમેરિકન ડૉલર હતો. આની સામે 80 કરોડથી વધારે વસતી ધરાવતા ચીનમાં જીડીપીનો આંક 1,50,000 મિલિયન અમેરિકન ડૉલર હતો.

ચીનમાં મોટા પાયે આર્થિક ફેરફારો શરૂ થયા તેનાં બે વર્ષ પહેલાં જ પીપલ્સ રિપબ્લિક ઑફ ચીનના સંસ્થાપક માઓત્સે તુંગનું મૃત્યુ થયું હતું.

પરંતુ તેઓ પોતાની પાછળ એક વિવાદાસ્પદ વારસો મૂકીને ગયા હતા.

તેમના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમોમાં દેશમાં કૃષિ અર્થતંત્રના મૂળભૂત સુધાર માટે 'ગ્રેટ લીપ ફૉરવર્ડ' (1958- 1962) નામની ઝુંબેશ સામેલ હતી.

'ગ્રેટ લીપ ફૉરવર્ડ' નામની આ ઝુંબેશને કારણે ચીનમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ અને એક કરોડ લોકોનો ભોગ લેવાયો. જોકે, સ્વતંત્ર સ્રોતો પ્રમાણે એ દુષ્કાળમાં મૃતકોની સંખ્યા આશરે સાડા ચાર કરોડ હતી.

આ સિવાય ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ (1966-1976)એ લાખો લોકોનો ભોગ લીધો હતો.

આ મૂડીવાદ અને તેના ટેકેદારો સામે માઓએ શરૂ કરેલી ઝુંબેશ હતી અને તેને લીધે ચીનનું અર્થતંત્ર લકવાગ્રસ્ત સ્થિતિમાં પહોંચી ગયું.

આ સ્થિતિમાં, ચીન જ્યારે ગરીબી અને ભૂખની ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું ત્યારે ચીનની સામ્યવાદી પાર્ટીના મહાસચિવ ડેંગ શ્યાઓપિંગ સત્તામાં આવ્યા.

તેમણે ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો.

નવી ફૉર્મ્યુલા

ડેંગ શ્યાઓપિંગે આધુનિકીકરણ માટે ચાર કાર્યક્રમો નક્કી કર્યા અને બજારની ભૂમિકાને મહત્ત્વ આપતું અર્થતંત્ર વિકસાવવાનો નિર્ણય કર્યો.

18 ડિસેમ્બર 1978ના રોજ સામ્યવાદી પાર્ટીની કેન્દ્રીય કમિટીએ આ કાર્યક્રમને લીલી ઝંડી આપી જેમાં ચીનના આર્થિક આધુનિકીકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

આગળનાં વર્ષોમાં તેમના આ નિર્ણયોને અમલમાં મૂકવામાં આવ્યા હતા.

પાર્ટીમાં તે સમયે આ નિર્ણયોને વધુ પડતા મહત્ત્વાકાંક્ષી માનવામાં આવતા હતા અને પાર્ટીની રૂઢિચુસ્ત પાંખમાંથી વિરોધના સ્વર પણ સાંભળવા મળ્યા હતા.

સામુદાયિક ગ્રામીણ ખેતીની જે માઓવાદી પરંપરા હતી તેને ધીમેધીમે તિલાંજલી આપવામાં આવી અને કૃષિક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું જેનાથી દેશના કેટલાક વિસ્તારોને ગરીબીમાંથી બહાર લાવી શકાયા હતા.

આની સાથે શહેરો તરફ શ્રમિકોનાં સ્થળાંતરને પણ પ્રોત્સાહન મળ્યું.

ચીનનું સિલિકૉન વૅલી

1949માં ચીનમાં સામ્યવાદી શાસન આવ્યા બાદ પહેલી વખતી ખાનગીક્ષેત્ર પરના બંધનો હળવાં કરવામાં આવ્યાં, દેશમાં વિદેશનું રોકાણ આવવાનું શરૂ થયું.

વિશેષ આર્થિક ક્ષેત્રો સ્થાપવામાં આવ્યાં. શેનઝેન આનું જ એક ઉદાહરણ છે જે અકલ્પનીય રીતે વિકાસ પામ્યું અને હવે ચીનની સિલિકૉન વૅલી તરીકે ઓળખાય છે.

આ ફેરફારોથી ચીનની ઉત્પાદનક્ષમતા વધી અને પ્રબંધનની નવી પ્રક્રિયાઓ વિકસી.

આને પરિણામે લાંબે ગાળે ચીન 2001માં 'વિશ્વ વ્યાપાર સંગઠન'માં જોડાઈ શક્યું હતું. આનાથી વૈશ્વિકીકરણના દરવાજા ખુલ્યા અને આર્થિક ઉછાળ મળ્યો.

2008માં વૈશ્વિક આર્થિક સંકટ ઊભું થયું અને પશ્ચિમના દેશો નવાં બજારો શોધી રહ્યા હતા ત્યારે ચીન એકદમ અલગ તરી આવતું હતું અને તેને 'દુનિયાના કારખાના'ની ઓળખ મળી હતી.

જોકે, આર્થિક તેજી જોયા બાદ હવે બીજિંગ આ બિરૂદને દૂર કરી પોતાની ઓળખ એવા દેશની બનાવવા મથી રહ્યું છે. જ્યાં ઉત્પાદનને પાછળ છોડી નવીનીકરણ (ઇનોવેશન) પર ભાર અપાઈ રહ્યો હોય.

રાજકીય ફેરફોર?

આર્થિક સફળતાની સાથે સુધારણાઓની નકારાત્મક અસરો પણ લોકોએ ભોગવવી પડી છે.

શહેરોમાં વધી રહેલું વાયુપ્રદૂષણ અને વધતી અસમાનતા તેનાં ઉદાહરણો છે.

જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીનની સરકારમાં 'વન પાર્ટી સિસ્ટમ'માં કોઈ ફેરફાર નથી આવ્યા.

ટીકાકારો કહે છે કે માનવધિકારો પરનું દમન વધ્યું છે. હાલના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લોકોની આઝાદી પર વધુને વધુ પ્રતિબંધો લાદી મૂકી રહ્યા છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ડેન શ્યાઓપિંગની રિફૉર્મ ઍન્ડ ઓપનિંગ ઝુંબેશની 40મી વર્ષગાંઠ ઉપર શી જિનપિંગએ ગ્રેટ પૅલેસ ઑફ થિયાનમૅનમાં પોતાના ભાષણમાં કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.

આ ગ્રેટ પૅલેસ ઑફ થિયાનમૅન એ જ જગ્યાએ આવેલો છે જ્યાં રાજકીય સુધારાની માગ કરી રહેલા કાર્યકરો સાથે સેનાની અથડામણ થઈ હતી.

આમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં તેનો આંકડો હકીકતથી સાવ વેગળો છે.

ચીનના ઇતિહાસના આ કાળા અધ્યાય વિશે વાત કરવી એ ચીનની રાજકીય સિસ્ટમની કોઈ ટીકા કરવા જેટલું જ નિષિદ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો