ચીનને પૈસાદાર બનાવવા હૉંગકૉંગે કેટલો ભોગ આપ્યો?

હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને જો ચીન જબરદસ્તી દબાવી દે તો શું થાય?

જો એવું થાય છે તો તેનાં એવાં પરિણામ આવશે કે જેની આશા પણ ન કરી શકાય. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે ચીને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.

હૉંગકૉંગ એશિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રોમાંનું એક છે. વિશેષ વહીવટી ક્ષેત્રના રૂપમાં ચીનની અર્થવ્યવસ્થાને તેનાથી ખૂબ ફાયદો મળ્યો છે.

હૉંગકૉંગમાં 11 અઠવાડિયાથી સતત વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે, જેની અસર તેની અર્થવ્યવસ્થા પર વર્તાઈ રહી છે.

સૌથી વધારે અસર હૉંગકૉંગના પર્યટન અને રિટેઇલ બિઝનેસ પર પડી છે.

અર્થવ્યવસ્થામાં આ બન્ને ક્ષેત્રોનું યોગદાન આશરે 20% છે.

પરંતુ સવાલ એ ઊઠે છે કે હૉંગકૉંગ ચીનની અર્થવ્યવસ્થા માટે કેટલું જરૂરી છે?

શું બેજિંગ પર નિયંત્રણ જાળવી રાખવા માટે ચીન હૉંગકૉંગથી મળતા આર્થિક ફાયદાનો ત્યાગ કરી શકે છે?

કરોડરજ્જુ

વેપારી અને નાણાકીય એમ બન્ને રીતે હૉંગકૉંગ ચીનની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ છે.

અધિકૃત આંકડા પ્રમાણે વર્ષ 2017-18માં ચીન દ્વારા આશરે 1.25 ખર્વ ડૉલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ કરાયું, જેમાં 99 અબજ ડૉલર હૉંગકૉંગમાંથી આવ્યા હતા, જે આ કુલ રોકાણનો આશરે 80% ભાગ હતો.

આવું થવા પાછળનું કારણ એ પણ છે કે હૉંગકૉંગ એવી કંપનીઓ માટે સુરક્ષિત જગ્યા છે, જે ચીનમાં સીધી રીતે રોકાણ કરવા માગતી નથી.

ચીનની વિદેશી મુદ્રાના ભંડારને સમૃદ્ધ રાખવામાં પણ હૉંગકૉંગનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

જુલાઈના મહિનામાં વિદેશી મુદ્રાના તેના ખજાનામાં 4.48 ખર્વ ડૉલર હાજર હતા.

ચીનની પાસે દુનિયાનો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર છે, જેમાં 3.1 બિલિયન અમેરિકન ડૉલર છે.

વિકાસનો રસ્તો

જોકે, બે દાયકા પહેલાં સુધી ચીનને હૉંગકૉંગની એટલી જરૂર ન હતી.

વર્ષ 1997માં જ્યારે બ્રિટને હૉંગકૉંગને ચીનના હવાલે કર્યું હતું ત્યારે બેજિંગે 'એક દેશ- બે વ્યવસ્થા'ની અવધારણા અંતર્ગત 2047 સુધી લોકોની સ્વતંત્રતા અને પોતાની કાયદા વ્યવસ્થા જાળવી રાખવાની ગૅરન્ટી આપી હતી.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના આંકડા પ્રમાણે તે સમયે ચીનની અર્થવ્યવસ્થામાં હૉંગકૉંગનું યોગદાન માત્ર 18% હતું.

ત્યારબાદ હૉંગકૉંગે આર્થિક ક્ષેત્રે ઝડપથી વિકાસ કર્યો અને દેશના અન્ય શહેરો માટે પોતાને સફળતાના ઉદાહરણ તરીકે રજૂ કર્યું.

હૉંગકૉંગનું કદ ધીમેધીમે વધતું ગયું. ગત વર્ષે હૉંગકૉંગની અર્થવ્યવસ્થા ચીનના જીડીપીના 2.7 ટકા સમાન હતી.

અમેરિકાની ચેતવણી

બીબીસીની ચાઇનીઝ સેવાનાં તંત્રીના જણાવ્યા પ્રમાણે ચીન હૉંગકૉંગમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લે છે તો તેણે મોટી કિંમત ચૂકવવી પડશે.

ઝાંગ કહે છે કે વિદેશી રોકાણ પ્રત્યક્ષરૂપે પ્રભાવિત થશે. કંપનીઓ ચીની સરકારના દબાણમાં કામ કરવા માગશે નહીં અને તે પોતાનું વલણ બીજા કોઈ દેશ તરફ કરી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ચીન વિરોધપ્રદર્શનોને દબાવવા માટે હિંસક ગતિવિધિઓનો ઉપયોગ કરે છે તો તેની અસર વ્યાપારિક સંબંધો પર પડશે.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રૅડ-વૉર ચાલી રહ્યું છે, જેની અસર ચીનની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે.

અમેરિકા- ચીન વચ્ચે ચાલી રહેલા આ ટ્રૅડ-વૉરના કારણે ચીનના વિકાસદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આયાતશુલ્કનો દર વધારે હોવાના કારણે નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે.

આ ટ્રૅડ-વૉરના કારણે દુનિયા પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.

કંપનીઓ ચીનથી દૂર જવા લાગી છે. જે કંપનીઓ ત્યાં હાજર છે, તે બીજા દેશોને પસંદ કરવા લાગી છે અથવા તો પોતાના કેટલાક અભિયાનો બીજા દેશમાં જઈને કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો