સુપરપાવર ચીન સામે આ કારણે બાથ ભીડી રહ્યું છે હૉંગકૉંગ

લોકશાહીના સમર્થનમાં હૉંગકૉંગમાં છેલ્લા બે મહિનાથી મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યાં છે. પરિસ્થિતિને જોતા હાલ તો આ પ્રદર્શનો રોકાવાના કોઈ એંધાણ નથી.

આ વિરોધપ્રદર્શન એક વિવાદિત બિલને લાવવાના કારણે શરૂ થયા હતા જેમાં એવી જોગવાઈ હતી કે આરોપીઓને ચીનમાં કેસ ચલાવવા માટે પ્રત્યર્પિત કરી શકાશે.

હાલ જે પ્રત્યર્પણ કાયદો છે તેમાં સંશોધનનો પ્રસ્તાવ હૉંગકૉંગની સરકાર ફેબ્રુઆરી મહિનામાં લાવી હતી.

તાઇવાનમાં એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હૉંગકૉંગ પરત ફરી હતી. ત્યારબાદ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

સરકારે આ બિલ પર રોક લગાવી દીધી છે પરંતુ પરંતુ પ્રદર્શનકારીઓ વિરોધ દરમિયાન પોલીસ દ્વારા આચરવામાં આવેલી હિંસાની તપાસ કરાવવા માગ કરી રહ્યા છે.

પોલીસ પર પ્રત્યર્પણ બિલ વિરોધી પ્રદર્શનકારીઓ પર જરૂર કરતાં વધારે બળ પ્રયોગ કરવાનો આરોપ લાગતા સ્થિતિ વધારે વણસી છે.

જોકે આ અચાનક થયું છે એવું નથી. તેની પાછળ પણ ઇતિહાસ છે, જે જણાવી શકે છે કે ખરેખર હૉંગકૉંગમાં શું ચાલી રહ્યું છે.

હૉંગકૉંગનો ખાસ દરજ્જો

એ યાદ રાખવું જરૂરી છે કે હૉંગકૉંગ અન્ય ચાઇનીઝ શહેરો કરતાં અલગ છે. તે સમજવા માટે તેના ઇતિહાસ પર એક નજર કરવાની જરૂર છે.

હૉંગકૉંગ 150 કરતાં વધારે વર્ષો સુધી બ્રિટનની વસાહત હતું. 1842માં એક યુદ્ધ બાદ હૉંગકૉંગ ટાપુ બ્રિટનને સોંપવામાં આવ્યો હતો.

1984માં ચીન અને બ્રિટન એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહમત થયા હતા. આના પ્રમાણે ભવિષ્યમાં હૉંગકૉંગને કેટલીક સ્વાયત્તતા અને સ્વતંત્રતા મળવાની હતી.

એટલે જ 1997માં સત્તાના હસ્તાંતરણ બાદ હૉંગકૉંગ ચીનનું વિશેષ ક્ષેત્ર બની ગયું અને 'એક રાષ્ટ્ર તેમજ બે વ્યવસ્થા'ની નીતિ અસ્તિત્વમાં આવી.

તેનો મતલબ એ થયો કે ઘોષણાપત્રના અંત સુધી હૉંગકૉંગ સૈદ્ધાંતિક રૂપે મુક્ત બજાર અને સ્વતંત્ર ન્યાયપાલિકા જાળવી શકે છે.

તેના પરિણામ સ્વરૂપે હૉંગકૉંગમાં તેની પોતાની કાયદા વ્યવસ્થા છે, બૉર્ડર અને પોતાના હકો છે.

હૉંગકૉંગમાં અંગ્રેજોના સમયની કૉમન લૉ સિસ્ટમ છે અને તે એક ડઝન કરતાં વધારે દેશો સાથે પ્રત્યર્પણ સંધિ ધરાવે છે. તેમાં અમેરિકા, બ્રિટન અને સિંગાપોર સામેલ છે.

હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે

હૉંગકૉંગ પાસે એવી સ્વતંત્રતા છે કે જે મુખ્ય ચીનમાં પણ નથી. પરંતુ સમીક્ષકોનું કહેવું છે કે તે સ્વતંત્રતા હવે છીનવાઈ રહી છે.

જમણેરી વિચારધારા ધરાવતા સમૂહોનો આરોપ છે કે ચીન કારણ વગર હૉંગકૉંગના કામમાં વચ્ચે પડે છે. આ સિવાય એક મુદ્દો લોકશાહી સુધારણાનો પણ છે.

હૉંગકૉંગના નેતાને 1200 સભ્યોની ઇલેક્શન કમિટીએ ચૂંટ્યા છે. મોટા ભાગના સભ્યો બેઇજિંગ સમર્થિત છે કે જેમને માત્ર 6% મતદારોએ પસંદ કર્યા છે.

હૉંગકૉંગના મિનિ કન્સ્ટીટ્યુશનમાં કહેવામાં આવ્યું છે કે નેતા અને વિધાનપરિષદની ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ.

2014માં ચીનની સરકારે કહ્યું હતું કે તેઓ મતદારોને તેમના નેતા પસંદ કરવાની છૂટ આપશે, પરંતુ નેતાઓની યાદી બેઇજિંગ સમર્થિત સમિતિ દ્વારા તૈયાર કરાશે.

હૉંગકૉંગના લોકો પોતાને ચાઇનીઝ નથી ગણતા

હૉંગકૉંગમાં રહેતા મોટા ભાગના લોકો પારંપરિક રીતે ચાઇનીઝ છે અને હૉંગકૉંગ ચીનનો ભાગ છે, તે છતાં મોટાભાગના લોકો પોતાને ચાઇનીઝ નથી કહેતા.

હૉંગકૉંગની યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકો પોતાને હૉંગકૉંગર્સ ગણાવે છે.

માત્ર 11% લોકો જ એવા છે કે જેઓ પોતાને ચાઇનીઝ માને છે અને 71% લોકો છે કે જેમનું કહેવું છે કે તેમને પોતાને ચાઇનીઝ નાગરિક ગણાવીને ગર્વનો અનુભવ થતો નથી.

આ ભાવના યુવાનોમાં વધારે જોવા મળી રહી છે.

હૉંગકૉંગ પાસે તેનો અલગ કાયદો છે, ચીન કરતાં અલગ સંસ્કૃતિ છે અને તે 150 વર્ષ સુધી એક અલગ વસાહત હતું, એ ધ્યાનમાં રાખીને તેઓ પોતાને ચાઇનીઝ નથી ગણતા નથી.

કેટલાક પ્રદર્શનકારીઓએ હૉંગકૉંગને ચીનથી સ્વતંત્ર કરવાની પણ માગ કરી છે, જે ચીનની સરકાર માટે ખતરા સમાન છે.

પ્રદર્શનકારીઓનું માનવું છે કે જો પ્રત્યર્પણ બિલ પાસ થઈ જશે, તો હૉંગકૉંગ પર ચીન નિયંત્રણ મેળવી લેશે.

18 વર્ષીય પ્રદર્શનકારી માઇકનું કહેવું છે, "જો બિલ પાસ થયું તો હૉંગકૉંગ ચીનના અન્ય શહેરો જેવું બની જશે."

લોકોનું કહેવું છે કે ત્યારબાદ હૉંગકૉંગમાં ચીનનો કાયદો લાગુ થઈ જશે અને મન ફાવે તેમ લોકોની ધરપકડ કરી તેમને યાતનાઓ આપવામાં આવશે.

આ તરફ સરકારનું કહેવું છે કે સંશોધન જલદી પાસ નહીં થાય તો હૉંગકૉંગના લોકોની સુરક્ષા ખતરામાં પડી જશે અને શહેર અપરાધીઓનો અડ્ડો બની જશે.

સરકારનું કહેવું છે કે નવો કાયદો ગંભીર અપરાધ કરતા લોકો પર લાગુ થશે જેના અંતર્ગત ઓછામાં ઓછા સાત વર્ષની સજા છે.

અધિકારીઓનું એવું પણ કહેવું છે કે બોલવા તેમજ પ્રદર્શન કરવાની સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલે પ્રત્યર્પણની પ્રક્રિયા અપનાવવામાં આવશે નહીં.

હૉંગકૉંગના લોકોને ખબર છે કેવી રીતે વિરોધ કરવો

ડિસેમ્બર 2014માં પોલીસે લોકશાહીનું સમર્થન કરતા પ્રદર્શનને વિખેરી નાખ્યું હતું. ત્યારે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, "અમે પાછા આવીશું."

એટલે હવે ફરી પ્રદર્શન થઈ રહ્યા છે તો તેમાં કોઈ નવી વાત નથી. હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનનો પણ ઇતિહાસ રહ્યો છે.

વર્ષ 1996માં જ્યારે સ્ટાર ફેરી કંપનીએ ભાડામાં વધારો કરવાનું નક્કી કર્યું ત્યારે પણ પ્રદર્શનો થવા લાગ્યા હતા.

વિરોધપ્રદર્શનના કારણે હિંસા ફાટી નીકળી હતી, કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો અને હજારો સૈનિકો રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2003માં રમખાણ સંબંધિત કાયદાના વિરોધમાં પ્રદર્શન થયા હતા.

કાયદા અંતર્ગત જોગવાઈ હતી કે ચીન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની હિંસા ભડકાવવા પર, ષડયંત્ર રચવાં પર અથવા વિદ્રોહ કરવા પર આજીવન કેદની સજા થઈ શકશે.

આ કાયદાના વિરોધમાં આશરે 5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા અને તેની અસરના ભાગરૂપે કાયદાને રદ કરવો પડ્યો હતો.

વર્ષ 2014માં હૉંગકૉંગમાં 79 દિવસ સુધી 'અમ્બ્રેલા મૂવમેન્ટ' ચાલી હતી અને હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ અંતે એ આંદોલન નિષ્ફળ થઈ ગયું હતું કેમ કે તેને નાગરિકોના મોટા વર્ગનું સમર્થન મળ્યું ન હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો