તિયાનમેન સ્ક્વેર : જ્યારે ત્રણ દાયકા પહેલાં ચીનમાં હજારો લોકો 'ઠાર મરાયા'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વાત ત્રણ દાયકા જૂની છે. 3જી જૂને ચાઈનિઝ આર્મીને પાટનગર બેજિંગના તિયાનમેન સ્ક્વેર પર લગભગ સાતેક અઠવાડિયાથી ચાલી રહેલાં પ્રદર્શનોનો અંત આણવા આદેશ અપાયા.

સામ્યવાદી સરકારના આદેશ છૂટ્યા અને એ બાદ જે પણ ઘટ્યું એને વિશ્વ 'તિયાનમેન નરસંહાર' તરીકે ઓળખે છે.

ચીનમાં વ્યાપક સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારના અંત માટે શરૂ થયેલી એક નાગરિક-ચળવળનો આ અત્યંત કરુણ અંત હતો.

'તિયાનમેન નરસંહાર'માં સૈન્ય અને સુરક્ષાદળોના હાથે કેટલા લોકો માર્યા ગયા એનો ચોક્કસ આંકડો ક્યારેય જાણી ન શકાયો. પણ જો વિવિધ સ્રોતોનું માનવામાં આવે તો એ વખતે હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. જોકે, ચીને ક્યારેય આવો કોઈ દાવો સ્વીકાર્યો નહીં.

નરસંહારની એ ઘટનાને આજે ત્રીસ વર્ષનાં વહાણાં વહી ગયાં છે. આ ત્રણ-ત્રણ દાયકા દરમિયાન ચીને એ બીનાથી પોતાની જાતને સાવ અલિપ્ત રાખી છે.

જોકે, દર વર્ષે જૂન મહિનાનો પ્રારંભ હૉંગકૉંગ કે તાઇવાનમાં એ ઘટનાની યાદ અપાવી જાય છે અને પશ્ચિમના મીડિયામાં પણ એની અચૂક નોંધ લેવાય છે.

એ વખતે શું થયું હતું?

જે ઘટનાએ પાટનગર બેજિંગ સહિત ચીનનાં ડઝનેક શહેરોને વિરોધ-પ્રદર્શનો થકી હચમચાવી મૂક્યાં એનું ઉદ્દીપક બન્યું ચીનના સામ્યવાદી નેતા હુ યાઓબાન્ગનું મૃત્યુ.

ચીનના સામ્યવાદી પક્ષ(સીપીસી)ના નેતા હુ પક્ષના વડા ડેંગ ઝિયાઓપિંગના આર્થિક સુધારાના કટ્ટર વિરોધી હતા.

80ના દાયકામાં ચીનના શાસક સામ્યવાદી પક્ષે કેટલીક ખાનગી કંપનીઓ અને વિદેશી રોકણ માટે દેશના દરવાજા ખોલ્યા હતા.

ડેંગને આશા હતી કે આવું કરવાથી ચીનના અર્થતંત્રને વેગ મળશે અને લોકોનું જીવનધોરણ સુધરશે. જોકે, આર્થિક સુધારાનું આ પગલું ભ્રષ્ટાચારનું પ્રેરક બન્યું.

સામ્યવાદી પક્ષના આ પગલાનો હુએ વિરોધ કર્યો અને પરિણામ સ્વરૂપ પક્ષમાંથી એમને પાણીચું પરખાવી દેવાયું.

એ બાદ 15 એપ્રિલ 1989ના રોજ હૃદયરોગનો હુમલો થતાં હુ યાઓબાન્ગનું મૃત્યુ થયું અને લોકોએ પાછળનું કારણ પક્ષમાંથી બળજબરીપૂર્વક કરાયેલી એમની હકાલપટ્ટી હોવાનું માન્યું.

જોતજોતામાં ચીનનાં વિવિધ શહેરો અને વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં એકઠાં થવાં લાગ્યાં વિરોધ-પ્રદર્શનોમાં ફેરવાઈ ગયાં.

બેજિંગમાં દસ લાખ કરતાં વધુ પ્રદર્શકારીઓ એકઠા થયા અને સામ્યવાદી ચીનના ઇતિહાસમાં સૌથી મોટા વિરોધ-પ્રદર્શન તરીકે આ ઘટના અંકિત થઈ.

આ વિરોધ-પ્રદર્શનો સાતેક અઠવાડિયા સુધી ચાલ્યાં અને કામદારોથી લઈને પત્રકારો સુધી, ચીનના સમાજના દરેક વર્ગે તેમાં ભાગ લીધો.

પ્રદર્શનકારીઓમાંથી કેટલાક માટે મોંઘવારી, ઘરનું ભાડું કે ઘરનું ઘર મોટી સમસ્યાઓ હતી તો કેટલાકને માટે વ્યાપક સ્વાયત્તતા અને ભ્રષ્ટાચારનો અંત પ્રાણ-પ્રશ્નો હતા.

તો બીજી બાજુ, આ વિરોધ-પ્રદર્શનો ચીનના સામ્યવાદી પક્ષ માટે માથાનો દુઃખાવો બન્યાં હતાં.

આપને આ પણ વાચવું ગમશે

સૈન્ય, તોપ અને ગોળીબાર

આખરે એ વખતના સામ્યવાદી પક્ષના નેતા ડેંગ ઝિયાઓપિંગ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓએ દેશમાં 'માર્શલ લૉ' લાગુ કરી દીધો.

3 જૂનથી 4 જૂન દરમિયાન પીપલ્સ લિબરૅશન આર્મીના સૈનિકો તોપો સાથે તિમાનમેન સ્ક્વેર ધસી ગયા. દેશની પોલીસનો પણ એમને સાથ મળ્યો.

એ નરસંહારમાંથી બચી ગયેલા લોકોએ બાદમાં જણાવ્યું કે સૈનિકોના માર્ગમાં જે કોઈ પણ આવતું એમને ગોળી મારી દેવાતી.

એ વખતે કેટલા લોકો માર્યા ગયા એ અંગે ન તો ચીનની સરકારે ક્યારેય અધિકૃત જાણકારી આપી કે ન તો કોઈ અધિકૃત આંકડા જાહેર થયા.

જોકે, અંદાજો એવો લગાવાઈ રહ્યો છે કે મૃતકોનો આંકડો હજારોમાં હતો.

એ વખતે બીબીસીનાં સંવાદદાતા કૅટ ઍડી આ પ્રદર્શનને કવર કરી રહ્યાં હતાં.

રિપોર્ટિંગ કરતી વખતે કૅટે જણાવ્યું હતું, "સુરક્ષાદળો અંધાધૂંધ ગોળીઓ વરસાવી રહ્યાં છે, છતાં હજુ પણ હજારો લોકો રસ્તા પર ઊભા છે અને પીછેહઠનું નામ નથી લઈ રહ્યા."

કૅટના જણાવ્યા અનુસાર લોકોને 'ભરોસો નહોતા થતો કે એમના પોતાના સૈન્યએ એમની ઉપર હુમલો કરી દીધો છે.'

એક તરફ ગોળીબાર ચાલી રહ્યો હતો તો બીજી તરફ પ્રદર્શનકારીઓ 'ફાસીવાદીઓ', 'હત્યાઓ બંધ કરો', 'સરકાર મુર્દાબાદ' જેવી નારેબાજી કરી રહ્યા હતા.

જોકે, આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં પત્રકારો ન તો મૃતદેહો જોઈ શક્યા કે ન તો ઇજાગ્રસ્તોને મળી શક્યા.

એટલું જ નહીં, ચીને સ્ક્વેર પર કોઈને પણ ગોળી મરાઈ હોવાનો પણ ઇન્કાર કરી દીધો.

'ટૅન્કમૅન'

આ નરસંહાર બાદ એક એવી તસવીર સામે કે જે આ સમગ્ર વિરોધ-પ્રદર્શનનું પ્રતીક બની.

બઘડાટી બોલાવ્યાં બાદ 5 જૂને તોપ તિયાનમેન સ્ક્વેર પરથી પરત ફરી.

એ વખતે સાવ સામાન્ય જણાતી એક વ્યક્તિ હાથમાં પ્લાસ્ટિકની કોથળી સાથે પરત ફરી રહેલી તોપોની હાર સામે આવીને ઊભી રહી ગઈ.

એ વ્યક્તિ પરથી હંકારી એનો રોટલો કરી નાખવાની ક્ષમતા ધરાવતી હોવા છતાં તોપને પોતાનો માર્ગ બદલવો પડ્યો.

જોકે, એ તોપે માર્ગ બદલ્યો તો એ વ્યક્તિએ પણ માર્ગ બદલ્યો. તોપને આગળ વધવા દેવા એ ટસથી મસ થવા ન થઈ.

આખરે કેટલાક લોકોએ આવીને એ વ્યક્તિને ત્યાંથી હઠાવી ગયા.

પણ લોખંડી રાજ્ય અને શક્તિશાળી સૈન્ય વિરુદ્ધના પ્રતિકરૂપે એ વ્યક્તિને વિશ્વએ વધાવી લીધી.

એ વ્યક્તિ કોણ હતી? એનું નામ શું હતું? કે એ ઘટના બાદ એનું શું થયું હતું એ ક્યારેય જાણી ન શકાયું.

એ વખતે તિયાનમેન સ્ક્વેર પર જે કંઈ પણ ઘટ્યું એ ચીનના મતે રાજકીય ઊથલપાથલની એક ઘટના માત્ર હતી. જેના ઉપર કાબુ મેળવવા સુરક્ષાદળોને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

તો ઘટનાને ત્રીસ-ત્રીસ વર્ષ થઈ ગયાં હોવાં છતાં આજે પણ ચીનમાં એ વિશે કોઈ વાત નથી કરતું.

હા, એ વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેનારા અને બાદમાં હૉંગકૉંગ કે તાઇવાનમાં શરણ લેનારા કેટલાક નેતાઓ આજે પણ લોકતંત્ર માટે પડાયેલી એ ચાઈનીઝ હાકલને યાદ કરી લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો