મહારાણી સાથે ચિયર્સ અને મેયર સાથે ઝઘડો, ડોનાલ્ડ ટ્રમ્પ સામે યુકેમાં ઠેરઠેર દેખાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની 3 દિવસીય મુલાકાતે છે અને એમની સામે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મહારાણી ઍલિઝાબૅથની મુલાકાત કરી અને લંડનના મેયર સાથે ઝઘડો પણ વહોરી લીધો છે.

ટ્રમ્પે આ દરમિયાન ટ્ટીટ કરીને કહ્યું કે લંડનની મુલાકાત શાનદાર જઈ રહી છે.

જોકે, આની અગાઉ તેમણે લંડનના મેયર સાદિક ખાનની ટીકા કરી છે.

ટ્રમ્પ અને સાદિક ખાન અગાઉ પણ અનેક વાર બાખડી ચૂક્યા છે.

આવામાં જ્યારે ટ્રમ્પ લંડન પહોંચ્યા તો એમની અને સાદિક ખાનની વચ્ચે ટ્ટિટર-યુદ્ધ જોવા મળ્યું.

ટ્રમ્પે સાદિક ખાન અંગે ટ્ટીટ કરીને કહ્યું કે લંડનના મેયર તરીકે સાદિક ખાને એકદમ બેકાર કામગીરી કરી છે.

'અમેરિકા અને બ્રિટનના સંબંધો કાયમ રહ્યા છે તો પણ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતથી પરેશાન છે. મારા ઉપર ધ્યાન આપવાને બદલે એમણે લંડનની ગુનાખોરી પર ધ્યાન આપવું જોઈએ.'

આ તરફ સાદિક ખાન પણ એવું કહી ચૂક્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં લાલ જાજમ બિછાવવાની કોઈ જરૂર નથી.

સાદિક ખાને ટ્ટિટર પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં એમણે ટ્રમ્પને સંબોધન કરીને મહિલાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ એની સલાહ આપી.

ટ્રમ્પ સામે વિરોધ-પ્રદર્શનો

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પનું બંકિમધમ મહેલમાં નિયમાનુસાર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ એમનાં માટે શાહી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું.

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા સોમાવારે લંડન પહોંચ્યાં ત્યારે એમની રહેવાની વ્યવસ્થા મધ્ય લંડન સ્થિત અમેરિકન રાજદૂતના નિવાસસ્થાને કરવામાં આવી હતી.

આ દરમિયાન મહારાણીના મહેલની બહાર સમર્થકો અને વિરોધીઓ ઉમટી પડ્યા હતા.

લંડન ઉપરાંત અનેક શહેરોમાં ટ્રમ્પના આગમનને લઈને વિરોધ-પ્રદર્શનો યોજાયાં છે.

લંડન, માન્ચૅસ્ટર, બૅલફાસ્ટ, બર્મિંધમ સહિત અનેક સ્થળોએ લોકોએ ટ્રમ્પનો વિરોધ કરાયો.

લેબર પાર્ટીના નેતા જૅરમી કૉરબિને ટ્રમ્પની મુલાકાતને લઈને સરકાર તરફથી આયોજિત ભોજમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો.

લેબર પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે જેરમી લંડનમાં યોજાનારા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે અને સભાને સંબોધન પણ કરી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મે વચ્ચે આજે બેઠક થશે.

આ બેઠકમાં ક્લાઇમેટ ચૅન્જ અને ચીનની કંપની ખ્વાવે સંબંધે ચર્ચા થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો