સ્મૃતિ ઈરાની : મોદીનું રાજીનામું માગવાથી લઈને રાહુલ ગાંધીને હરાવવા સુધીની સફર

નરેન્દ્ર મોદી સરકારનાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીનો અભેદ ગણાતો કિલ્લો સર કરી લીધો છે.

ઈરાનીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55,120 મતોથી હરાવી દીધા છે.

રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ત્રણ વખત ચૂંટાયા હતા. આ અગાઉ સોનિયા ગાંધી એક વખત અહીંથી ચૂંટાયાં હતાં.

પહેલાં સંજય ગાંધી અને ત્યાર પછી પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ આ બેઠકને પરિવારના ગઢ તરીકે સ્થાપિત કરી હતી. રાજીવ ગાંધી પણ અહીંથી ત્રણ વખત ચૂંટાયા હતા.

2014ની ચૂંટણીમાં પણ સ્મૃતિ ઈરાનીની અહીં રાહુલ ગાંધી સામે ટક્કર થઈ હતી, પરંતુ ત્યારે તેઓ હારી ગયાં હતાં.

પોતાના બીજા પ્રયાસમાં પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની આ બેઠક ગાંધી પરિવાર પાસેથી આંચકી લેવામાં કામયાબ રહ્યાં.

અમેઠીમાં એક સ્થળે લાગેલી આગ ઠારવા માટે કાર્યકર્તાઓને સલાહ દેતાં, પોતે હૅન્ડપંપ ચલાવતાં અને અવધી મહિલાને સાંત્વના આપતાં. એમને રાષ્ટ્રીય ચેનલો પર જોવામાં આવ્યાં હતાં.

એ સ્મૃતિ ઈરાની 2014ની સરખામણીએ મજબૂત માનવામાં આવતાં હતાં, પરંતુ તેઓ રાહુલ ગાંધીને માત આપશે એવું આકલન બહુ ઓછા લોકોએ કર્યું હતું.

સ્મૃતિ ઈરાની નરેન્દ્ર મોદી સરકારમાં અગાઉ માનવ સંસાધન વિકાસ મંત્રી, ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રી અને કપડાં મંત્રી રહ્યાં.

એ સમયે તેઓ એમની ડિગ્રીથી લઈનને માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે આપેલાં નિવેદનો માટે ખૂબ વિવાદોમાં રહ્યાં.

ખાસ કરીને રોહિત વેમુલા પ્રકરણને જે રીતે એમણે હૅન્ડલ કર્યું તેને લઈને તેઓ વિપક્ષોના નિશાને રહ્યાં.

આમ છતાં તેઓ સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણની સાથે કેન્દ્રીય કૅબિનેટનો પ્રભાવશાળી મહિલા ચહેરો બન્યાં.

જ્યારે સ્મૃતિએ મોદીના રાજીનામાની માગણી કરી હતી

'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' ટીવી સિરિયલથી ઘર-ઘરમાં ઓળખ સ્થાપિત કર્યા પછી ભાજપનો ખેસ પહેરીને તેઓ રાજનીતિમાં આવ્યાં. પણ બહુ ઓછા લોકોને યાદ હશે કે એક સમયે સ્મૃતિ ઈરાની નરેન્દ્ર મોદીની સામે ઉપવાસ પર બેઠાં હતાં.

2004માં સ્મૃતિ ઈરાની નવા-નવા પક્ષમાં સામેલ થયાં હતાં અને દિલ્હીના ચાંદનીચોકથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ચૂક્યાં હતાં.

એ વખતે એમણે ગુજરાતનાં રમખાણોને લઈને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરી હતી અને એમની સામે ઉપવાસ પર ઊતરવાની ચેતવણી પણ આપી હતી.

તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ લઈને એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પદ છોડી નથી દેતા એ વાતનું એમને આશ્ચર્ય છે.

જોકે, પાર્ટી હાઇકમાન્ડે તરત એમને નિવેદન પરત લઈ લેવાનો સંદેશ આપ્યો અને જો એમ ન કરે તો આગળ કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું હતું. આખરે તેમણે બિનશરતી રીતે નિવેદન પાછું લઈ લીધું હતું.

મહાજનથી મોદી

ભાજપની રાજનીતિના જાણકારો કહે છે કે સ્મૃતિ ઈરાનીને ભાજપમાં લાવનાર પ્રમોદ મહાજન હતા, પરંતુ 2006માં એમની હત્યા પછી એમની રાજકીય ગતિ ઘટી.

કેટલોક સમય તેમણે પાર્ટીમાં સાવ ચૂપ રહીને કામ કર્યું અને સાથેસાથે પોતાની વક્તૃત્વકળાથી ઓળખ પણ ઊભી કરતાં રહ્યાં.

જે બાદ સ્મૃતિ ઈરાનીને મહારાષ્ટ્ર ભાજપનાં મહિલા મોરચાનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.

2009ની લોકસભાની ચૂંટણીમાં એમને ટિકિટ ન મળી, પરંતુ ત્રણ-ચાર ભાષાઓ પરની પકડને કારણે તેમણે દેશમાં ઘણે ઠેકાણે ભાજપનો પ્રચાર કર્યો.

2010માં જ્યારે નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહિલા મોરચાની કમાન સોંપવામાં આવી.

બીજે જ વર્ષે તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રવેશ્યાં અને તરત જ દેશની રાજનીતિમાં સક્રિય બનવાં લાગ્યાં.

આ એ સમય હતો જ્યારે તેઓ મુક્ત મને ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કરવાં લાગ્યાં હતાં.

એમને વાક્પટુતાનો ફાયદો મળ્યો અને તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા બની ગયાં. ટીવી પર ભાજપનો પક્ષ રજૂ કરતાં તેઓ એક ચર્ચિત ચહેરો બન્યાં.

માતમે આ વાંચ્યું કે નહીં?

અમેઠીનો કિલ્લો

2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે પાર્ટીએ એમને અમેઠી મોકલ્યાં. એ વખતે ત્રીજા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસનું નામ પણ ચર્ચામાં હતું.

2009ની ચૂંટણીમાં ભાજપને અમેઠીમાં ફક્ત 37,000 મત મળ્યા હતા. સાવ નવી જમીન પર તેમને મળેલું આ સમર્થન ઘણું હતું.

અમેઠી એમનાં માટે અજાણી ભૂમિ હતી. ત્યાંની બોલીથી પણ તેઓ પરિચિત નહોતાં.

એમણે એ ચૂંટણીમાં એ સંદેશો ફેલાવ્યો કે અમેઠીમાં ગાંધી પરિવારની બેઠક હોવા છતાં અમેઠીમાં પાછલાં દસ વર્ષમાં કંઈ નથી થયું.

સ્મૃતિ લોકોના ઘરમાં પહોંચ્યાં, મહિલાઓ સાથે સંવાદ કર્યો અને ગામલોકો સાથે સંવાદ માટે જમીન પર બેઠાં.

2014માં એમણે ત્રણ લાખથી વધારે મત મેળવ્યા અને રાહુલ ગાંધી એક લાખથી વધારે મતોથી જીત્યા.

ડિગ્રીનો વિવાદ

ચૂંટણી હારવા છતાં રાહુલ ગાંધી સાથે ટક્કર લેવાનો ફાયદો એમને થયો અને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં.

એમની ડિગ્રીને લઈને વિવાદ શરૂ થયો. સ્મૃતિ ઈરાની પર ચૂંટણી સમયે દાખલ કરેલા શપથપત્રમાં પોતાની ડિગ્રીની ખોટી જાણકારી આપવાનો આરોપ લાગ્યો.

પોતે દિલ્હી વિશ્વવિદ્યાલયથી 1996માં આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે એવી જાણકારી એમણે એક ચૂંટણી સોગંદનામામાં આપી હતી.

જોકે, બીજા એક શપથપત્રમાં એમણે 1994માં દિલ્હીના સ્કૂલ ઑફ લર્નિંગથી બીકોમ પાર્ટ વનની પરીક્ષા પાસ કરી હોવાની જાણકારી આપી હતી.

2019ના ચૂંટણી સોગંદનામામાં એમણે જાહેર કર્યું કે તેઓ ગ્રૅજ્યુએટ નથી. તેમણે બીકોમ પાર્ટ વનની આગળ કૌંસ કરીને લખ્યું હતું કે એમણે ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ પૂરો નથી કર્યો.

રોહિત વેમુલાની આત્મહત્યા

હૈદરાબાદ યુનિવર્સિટી દલિત રિસર્ચ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા પછી સ્મૃતિ ઈરાની વિપક્ષના નિશાને હતાં.

એમના મંત્રાલયે કેન્દ્રીય મંત્રી બાંગારુ દત્તાત્રેયની ફરિયાદને આધારે આરએસએસ વિદ્યાર્થી સંગઠન એબીવીપી નેતાની મારપીટના કેસમાં યુનિવર્સિટીને કાર્યવાહી કરવાનું કહ્યું.

પછી યુનિવર્સિટીએ પાંચ દલિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા. એમને છાત્રાલયમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા અને તે પછી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી.

રોહિતના મૃત્યુ પર ઈરાનીને સંસદમાં નિવેદન આપવાની ફરજ પડી અને એમના નિવેદન પર વિપક્ષે એમના પર સંસદને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો.

માહિતી પ્રસારણ મંત્રી તરીકે

સ્મૃતિ ઈરાનીને જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યાં ત્યારે પણ વિવાદો એમની સાથે જ રહ્યા.

પદ સંભાળતાંની સાથે જ તેમણે માહિતી પ્રસારણ મંત્રાલયમાં નિયુક્ત ભારતીય માહિતી સેવાના ત્રણ ડઝનથી વધારે અધિકારીઓની બદલી કરી નાખી. એમાં એવા અધિકારીઓ પણ હતા જેઓ થોડા જ મહિનામાં નિવૃત્ત થવાના હતા.

આ વિવાદ પછી સ્મૃતિ ઈરાનીએ ખોટું રિપોર્ટિંગ કરનારા પત્રકારોને દંડ કરાશે એવો પરિપત્ર જાહેર કર્યો.

જેમાં પત્રકારોની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી. મીડિયાસમૂહોએ એનો વિરોધ કર્યો અને પરિપત્ર એક જ રાતમાં પીએમઓની દરમિયાનગીરીથી પાછો ખેંચવામાં આવ્યો.

આ તમામ વિવાદો છતાં સ્મૃતિ ઈરાની રાજનીતિમાં ટકી રહ્યાં. તેઓ કદાચ એ સમજી ગયાં હતાં કે રાજનીતિમાં અમેઠી એ તેમનું ટ્રમ્પકાર્ડ સાબિત થઈ શકે છે.

એક સમયે મોદીનું રાજીનામું માગનારા સ્મૃતિ ઈરાનીએ આજે મોદીમૅજિકના જોરે રાહુલ પરાસ્ત કરી દીધા.

માતમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો