ગુજરાતમાં કૉંગ્રેસની હાર હાર્દિક પટેલની નિષ્ફળતા છે કે પછી પાટીદાર ફૅક્ટર ભ્રમ હતું?

ગુજરાતમાં લોકસભાનું પરિણામ આવ્યું છે અને ભાજપ 2014નું પુનરાવર્તન કરીને 26 બેઠકો જીતી જશે તેવું અત્યારે લાગી રહ્યું છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડયા અને સ્ટારપ્રચારક તરીકે કામ કર્યું પણ તે પરિબળ પણ કૉંગ્રેસને કામ લાગ્યું નથી.

પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલે ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ કૉંગ્રેસનો ખૂબ જોશથી પ્રચાર કર્યો.

કૉંગ્રેસે હાર્દિક પટેલને પ્રચાર માટે હેલિકૉપ્ટર પણ ફાળવ્યું અને પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો પણ થયો.

હાર્દિક પટેલ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને એમની સાથે સભાઓ પણ સંબોધી. તેમ છતાં 2017માં વિધાનસભામાં પાર્ટીએ આપેલી ટક્કરની કોઈ અસર ન દેખાઈ.

તો શું પાટીદારોએ હાર્દિકનો સાથ છોડી દીધો છે?

વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકર માને છે કે ગુજરાતમાં પાટીદાર ફૅક્ટર જેવું કંઈ હતું જ નહીં અને ગુજરાતમાં અને દેશમાં ફક્ત મોદી જ એક ફૅકટર હતું. જેની સામે અન્ય તમામ ફૅક્ટર પરાસ્ત થયાં છે.

વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકરે કહ્યું કે પાટીદાર ફૅકટરની જે થોડી ઘણી અસર હતી એ તો વિધાનસભામાં જ પૂરી થઈ ગઈ.

તેઓ કહે છે, "હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા એનાથી પણ ફરક ન જ પડે, કેમ કે કૉંગ્રેસ અને પાટીદાર બે અલગ ધ્રુવો છે. કૉંગ્રેસની ઓળખ જ એન્ટિ પાટીદાર પાર્ટીની છે."

"પાટીદાર હોય કે ઠાકોર ગુજરાતમાં મોદી ફૅકટર તમામને ભારે પડ્યું."

સત્તાપક્ષે પાટીદારો

વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ કહે છે કે ઍક્ઝિટ પોલ પછી તો આ જ ગણતરી દેખાતી હતી. બહુ ઉત્સાહી કૉંગ્રેસીઓ 15 બેઠકો ધારવા લાગેલા પણ 5-6 બેઠકો મળશે એવી સમજ ઘણાને હતી પરંતુ એમ થયું નથી.

તેમણે કહ્યું, "પાટીદારોની વાત કરીએ તો જે પણ સત્તાપક્ષ હોય એની તરફે જવું એમને સરળ પડે."

"બીજું કે આપી શકવાની ક્ષમતા તો ભાજપ પાસે જ બળુકી દેખાય એટલે એ હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા છતાં તેઓ એમની તરફે ન ઝૂકે એ સમજી શકાય એવું છે."

રાજકીય નિષ્ણાત ચંદુ મહેરિયા કહે છે કે પાટીદારો ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપની મતબૅન્ક છે અને કૉંગ્રેસ વિરોધી છે.

જોકે, તેઓ કહે છે કે 2019માં મૂલ્યાંકન કરતી વખતે આપણે એ પણ વિચારવું પડે કે 2017માં હાર્દિક પટેલની કોઈ અસર હતી ખરી? 2019માં એનો સંદર્ભ શું હોઈ શકે?

ચંદુભાઈ કહે છે કે એ વખતે ખેડૂતોનો અસંતોષ, દલિતોનો અસંતોષ અને સામાન્ય વર્ગની નારાજગી સરકાર સામે હતી પણ એ નારાજગી મોદી સામે નહોતી.

જનાધાર સાચવી ન શકી કૉંગ્રેસ

ચંદુભાઈ મહેરિયા જણાવે છે કે પટેલો પરંપરાગત રીતે ભાજપની વોટબૅન્ક છે એ વાતથી હાર્દિક પટેલ પણ કંઈ અજાણ નથી.

તેઓ કહે છે, "એમણે પોતે એવું કહેલું 'છેલ્લે તો તમને મોદી જ દેખાશે' એવું એ સભામાં કહી ચૂક્યા છે અગાઉ એટલે કૉંગ્રેસને હાર્દિકને કારણે નુકસાન થયું તેમ માની ન શકાય."

ચંદુભાઈ આ સ્થિતિને રાજસ્થાનના રાજકારણમાં સરકાર સામે નારાજગી પણ રાની સૈ બૈર નહીં જેવી સ્થિતિ સાથે સરખાવે છે.

તેઓ કહે છે, "2017માં જનતા ફૅક્ટર ગણો કે હાર્દિક ફૅકટર કૉંગ્રેસને જે લાભ થયો એ પાર્ટી ટકાવી ન શકી."

"કૉંગ્રેસે પટેલોને પોતાની તરફ લાવવા હાર્દિકને આવકાર આપ્યો અને એમને સ્ટાર પ્રચારક તરીકે પણ રાખ્યા. આની સામે 2017માં જનાધારમાં મેળવેલા ધારાસભ્યો ગુમાવ્યા."

"કૉંગ્રેસે પટેલોને ટિકિટ પણ આપી પણ જનાધાર ધરાવનારા ધારાસભ્યોને સાચવી ન શકી જેની અસર જોવા મળે છે."

"વળી, હાર્દિક નહીં પણ કૉંગ્રેસે નબળા ઉમેદવારો મૂક્યા, ધારાસભ્યોને ઉતારવા પડ્યા એ પણ હારનું કારણ ગણાય."

"કૉંગ્રેસની હાર માટે હાર્દિક પટેલ કરતાં વધારે મોદી અને કૉંગ્રેસની નીતિઓને કારણભૂત છે."

"ભાજપની રણનીતિ સ્પષ્ટ હતી કોઈ પણ ભોગે 2014નું પુનરાવર્તન કરવું અને એમાં તેઓ સફળ થયા છે."

ગુજરાતમાં અને દેશમાં ભાજપે મેળવેલી સફળતાને ચંદુભાઈ નરેન્દ્ર મોદીની સફળતા ગણાવે છે અને કહે છે કે નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં ભાજપ અને આરએસએસથી પણ મોટા સાબિત થયા છે.

'હાર્દિક ચૂંટણી ન લડી શકે એ શું સૂચવે છે?'

2019ની લોકસભામાં ભાજપના 26 બેઠકોના વિજય અને હાર્દિક પટેલ અંગે ગોપાલ ઈટાલિયા કહે છે કે આ હાર્દિક પટેલની નિષ્ફળતા નથી પણ ભાજપની રાક્ષસી શકિતઓ સામે બળ ઓછું પડ્યું એમ ચોક્કસ કહી શકાય.

તેઓ કહે છે, "ભાજપની નીતિ એ છે કે જો એમની સામે કોઈ પ્રભાવશાળી વ્યકિત હોય તો સૌપ્રથમ એની છબીને વિકૃત કરી નાખે અને તે માટેની મશીનરી તેમજ સંસાધનો એમની પાસે વિપુલ માત્રામાં છે."

"મીડિયા ભાજપ પાસે, પોલીસ ભાજપ પાસે, ન્યાયતંત્ર ભાજપ પાસે છે અને એ તમામનો ઉપયોગ હાર્દિકની છબીને મલિન કરવા માટે ભરપૂર કરવામાં આવ્યો જેની અસર થતી હોય છે."

"પ્રજ્ઞા સિંહ ચૂંટણી લડી શકે અને હાર્દિક ન લડી શકે એ શું સૂચવે છે?"

"ભાજપે આ ચૂંટણી લોકોને મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવીને લડી છે અને જીતી છે. હાર્દિકની મહેનત કે અપીલનો દોષ દઈ ન શકાય કેમ કે તેમણે તો લોકો સુધી મૂળ મુદ્દાઓની વાત રજૂ કરી જ છે."

"પાટીદારોને અનામત મળી ગઈ એટલે તેઓ વળી પાછા ભાજપની વાતમાં આવીને હિન્દુવાદ-રાષ્ટ્રવાદ તરફ વળી ગયા એમ દેખાય છે પરંતુ યુવાનોનો મોટો વર્ગ ભાજપ વિમુખ થયો છે અને સાયન્ટિફિક રીતે મૂળ સવાલોને સમજવા લાગ્યો છે."

"ભાજપને લોકોને મૂર્ખ બનાવવામાં સફળતા મળી છે અને તેની સામે લોકોને સમજદાર બનાવવા અઘરું કામ હોય છે."

"સરકારે આર્થિક અનામત આપી પણ એના પર મત નથી માગ્યા. નોટબંધી પર મત નથી માગ્યા, કૅશલેસ પર મત નથી માગ્યા, આદર્શ સાંસદ ગ્રામ યોજના પર મત નથી માગ્યા પરંતુ ચૂંટણીમાં આતંકવાદીઓ અચાનક આવી ગયા અને દેશ-હિન્દુ ધર્મ ખતરામાં છે એવા સંદેશ સાથે મત માગવામાં આવ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો