ગુજરાત વિધાનસભા દરમિયાન સારું પ્રદર્શન કરનારી કૉંગ્રેસ કેમ હારી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભાજપે ગુજરાતમાં ફરી 2014ના પ્રદર્શનને દોહરાવતા 26માંથી 26 બેઠકો જીતી લીધી છે.

ગુજરાતએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાસકપક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહનું ગૃહરાજ્ય હોવાથી કૉંગ્રેસ ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ હતું.

લગભગ દોઢ વર્ષ પૂર્વે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ ત્રણ આંક પર પણ પહોંચી શક્યો ન હતો, આથી સ્વાભાવિક રીતે કૉંગ્રેસે ગુજરાત ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો, જે તેનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

વલણ મુજબ પરિણામ આવે તો આ એક અજોડ રેકર્ડ હશે કે ગુજરાતમાં કોઈ એક પક્ષે સળંગ બે વખત 26માંથી 26 બેઠક મેળવી હોય.

આ સ્થિતિને જોતાં સવાલ એ થાય છે કે ગુજરાતમાં કૉંગ્રેસ આટલી ખરાબ રીતે કેમ હારી?

મુદ્દા નહીં મોદીની વાત

2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન, પાકવીમો, પાણી જેવા મુદ્દે ગુજરાતમાં ભાજપને નુકસાન થયું હતું.

એવું માનવામાં આવતું હતું કે આ યાદીમાં જીએસટી અને નોટબંધી પણ ઉમેરાશે.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને 54માંથી 30 બેઠક મળી હતી, પાર્ટીને આશા હતી કે એવું જ પરિણામ પાર્ટી દોહરાવી શકશે.

ચૂંટણી પરિણામો બાદ યોજાયેલી ગુજરાત કૉંગ્રેસની પત્રકાર પરિષદને સંબોધતા પાર્ટીના નેતા હાર્દિક પટેલે કહ્યું:

"આ પરિણામ ન વિચાર્યું હોય તેવું છે. આ કૉંગ્રેસની હાર તો છે જ, પરંતુ સાથે બેરોજગારી, મહિલાઓનું સન્માન અને ખેડૂતોના મુદ્દે દેશની જનતા પણ હારી છે."

2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં જેવી હવા હતી, તેવી જ હવા આ વખતે પણ (વલણ પ્રમાણે) જોવા મળી રહી છે.

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના મતે, "ચૂંટણીનાં વલણોને જોતા કહી શકાય કે વર્તમાન ચૂંટણીમાં મોદીની સામે તમામ મુદ્દા ગૌણ બની ગયા."

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, તે પહેલાં રેકર્ડ 13 વર્ષ સુધી સળંગ ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.

ડૉ. કાશીકર માને છે, "ગુજરાતની જનતાએ પહેલાં મુખ્ય મંત્રી તથા બાદમાં વડા પ્રધાન તરીકે તેમનું કામ જોયું છે.

"શક્ય છે કે મતદારો મોદીના નિર્ણયો સાથે સહમત ન હોય પરંતુ તેમની નિયત ઉપર વિશ્વાસ ધરાવે છે, એવું આ પરિણામોને જોતાં કહી શકાય."

આપને આ પણ વાચવું ગમશે

બાલાકોટે બદલી હવા

તા. 14મી ફેબ્રુઆરીએ કાશ્મીરમાં ઉગ્રપંથી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40થી વધુ જવાનો મૃત્યુ પામ્યા હતા.

બે સપ્તાહમાં ભારતીય વાયુદળે પાકિસ્તાના ખૈબર-પખ્તૂનખ્વાહ પ્રાંતમાં બાલાકોટ ખાતે પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી કૅમ્પ ઉપર ઍરસ્ટ્રાઇક કરી, જેમાં અનેક ઉગ્રપંથીનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ વહેતા થયા અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છવાઈ ગયો.

ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, "રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દો છે અને હોવો જ જોઈએ."

બાલાકોટમાં ઍરસ્ટ્રાઇક થઈ હતી કે નહીં, તેનાથી કેટલા ઉગ્રપંથીઓ મૃત્યુ પામ્યા તે અંગે વિવાદ હોય શકે, પરંતુ આને કારણે રાષ્ટ્રીયસુરક્ષા ચૂંટણીનો મુદ્દો બન્યો, જેનો ભાજપને નિશ્ચિતપણે લાભ થયો છે.

ડૉ. કાશીકર માને છે કે ઍરસ્ટ્રાઇકને કારણે મોદીતરફી 'સુનામી' ઊભી થઈ.

કૉંગ્રેસના સંગઠનમાં ખામી

છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તા ઉપર નથી.

રાજકીય વિશ્લેષક શિરીષ ડૉ. કાશીકરના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં લાંબા સમયથી કૉંગ્રેસ સત્તા ઉપર નથી, એટલે પાર્ટીનાં કાર્યકરોમાં એક પ્રકારનો થાક પ્રવર્તી રહ્યો છે."

"આ સિવાય પાર્ટીના સંગઠનમાં એકતાનો અભાવ અને સંકલનનો અભાવ સ્પષ્ટ રીતે દેખાય આવે છે."

હાર્દિકે પત્રકાર પરિષદમાં કહ્યું, "જ્યાં અમારી ખામી રહી હશે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. લોકોની વચ્ચે જઈશું અને તેમના મુદ્દા ઉઠાવીશું."

ગુજરાતની ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો અન્ય રાજ્યોમાં પ્રચાર અભિયાનમાં જોડાઈ ગયા હતા. સામે પક્ષે કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં એ ઉત્સાહનો અભાવ જોવા મળ્યો.

ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ છોડી ગયા, તેઓ ભાજપમાં તો ન જોડાયા, પરંતુ પાર્ટીની અંદરના વિખવાદને જાહેરમાં લાવી દીધો.

ઠાકોરનો દાવો છે કે તેમણે નવ બેઠક ઉપર કૉંગ્રેસને નુકસાન કર્યું છે.

દિગ્ગજ નેતાઓનું પલાયન

ભાજપે વિધાનસભાની ચૂંટણી બાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખુદને મજબૂત કરવા તજવીજ હાથ ધરી અને આ માટે આ વિસ્તારમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ તરફ નજર દોડાવી.

જૂનાગઢના આહીર નેતા જવાહર ચાવડા (માણાવદર વિધાનસભા) તથા રાજકોટ જિલ્લાના કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયા (જસદણ વિધાનસભા)ને પાર્ટીમાં સમાવી લીધા અને તેમને કૅબિનેટ પ્રધાનપદ અપાયું.

આ સિવાય જામગનર ગ્રામીણની બેઠક ઉપરથી ધારાસભ્ય વલ્લભ ધારવિયા (ઓબીસી), મહેસાણાની ઊંઝા બેઠક ઉપરથી ધારાસભ્ય આશા પટેલ (પટેલ), સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા બેઠક ઉપરથી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા (કોળી)ને પાર્ટીમાં સમાવિષ્ટ કર્યાં.

આ નેતાઓએ જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહેસાણા તથા સુરેન્દ્રનગર બેઠક ઉપર નિર્ણાયક મતોને ભાજપની તરફેણમાં વાળ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો