ચૂંટણી પરિણામ 2019 : ગુજરાતમાં ચૂંટણીના પાંચ મહત્ત્વપૂર્ણ મુકામ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અલગ-અલગ ઍક્ઝિટ પોલ્સમાં ભાજપને 22થી 26, જ્યારે કૉંગ્રેસને 0 થી ચાર બેઠક મળશે, તેવી આગાહી કરવામાં આવી છે.

વર્ષ 2014માં ચૂંટણી યોજાઈ ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તથા ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, જ્યારે અમિત શાહને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી નીમવામાં આવ્યા હતા. એ સમયે ભાજપ તમામ 26 બેઠક જીત્યો હતો.

ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા શાસક પક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહનું 'ગૃહરાજ્ય' હોવાથી સ્વાભાવિક રીતે તેના ઉપર મીટ મંડાયેલી છે.

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કેટલીક એવી બાબતો બની, જે 'ટર્નિંગ પૉઇન્ટ' બની રહી.

તમે આ વાંચ્યું કે નહીં?

હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા

પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે માર્ચ-2019માં કૉંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ જામનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ કાયદાકીય આંટીઘૂંટીને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા.

કૉંગ્રેસે તેમને ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. હાર્દિક સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ખાતે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક યુવકે તેમને લાફો માર્યો હતો.

હાર્દિક પટેલ તથા તેમના સમર્થકોએ આરોપ મૂક્યો હતો કે લાફાકાંડ પાછળ ગુજરાત ભાજપના નેતાઓનો હાથ છે, આ આરોપોને ભાજપે નાકરી કાઢ્યા હતા.

ભાજપે ચૂંટણી પૂર્વે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરતો બંધારણીય સુધારો પસાર કર્યો હતો અને ગુજરાતે તેને લાગુ કરી દીધી હતી.

ગાંધીનગરમાં અમિત શાહ

ભાજપે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની પરંપરાગત ગાંધીનગર બેઠક ઉપરથી ટિકિટ આપી.

1991, 1998, 2004, 2009 અને 2014માં અડવાણી આ બેઠક ઉપરથી ચૂંટાયા હતા. સાંકેતિક રીતે અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું સ્થાન લીધું હતું.

અગાઉ 2009 સુધી અડવાણી માટે શાહ જ ચૂંટણી વ્યવસ્થાપન કરતા હતા.

માર્ચ મહિનામાં ઉમેદવારી કરી, ત્યારે ભાજપમાં શાહ-મોદી વિરોધી કૅમ્પના મનાતા રાજનાથસિંહ અને નીતીન ગડકરી હાજર રહ્યા.

આ સિવાય શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલી દળના પ્રકાશસિંઘ બાદલ, લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન પણ શાહની ઉમેદવારી સમયે હાજર રહ્યા હતા.

મોદી ગાંધીનગર બેઠક હેઠળ આવતી સરખેજ તથા નારણપુરા વિધાનસભા બેઠક ઉપરથી રેકૉર્ડ બહુમત સાથે ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે.

આ રીતે શાહ-મોદીની જોડીએ પક્ષની અંદર તથા બહાર તેમની સ્વીકાર્યતાને પ્રસ્થાપિત કરવાનો સાંકેતિક પ્રયાસ કર્યો.

ભાજપને આશા છે કે અમિત શાહની ઉમેદવારીથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને ફરી એક વખત પાર્ટીને 26માંથી 26 બેઠક મળશે.

અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ છોડી

વિધાનસભા ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર (રાધનપુર) સહિત બે અન્ય ઠાકોર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (બાયડ) અને ભરતસિંહ ઠાકોર (બેચરાજી)એ લોકસભા ચૂંટણી પૂર્વે પાર્ટી છોડી દીધી હતી.

આ પહેલાં જાન્યુઆરી મહિનામાં પણ અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી હતી, પરંતુ એ સમયે તેમને મનાવી લેવાયા હતા.

એવી ચર્ચા હતી કે હાર્દિક પટેલને વધુ મહત્ત્વ આપતા અલ્પેશ ઠાકોર નારાજ હતા. આ વાતને અલ્પેશ ઠાકોરે નકારી કાઢી હતી.

અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું નહીં આપે. બીજી બાજુ, કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા નિયમ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરી છે.

NCPમાં શંકરસિંહ વાઘેલા

વર્ષની શરૂઆતમાં ગુજરાતના પૂર્વમુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા. વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી કારકિર્દીની શરૂઆત કરનારા વાઘેલાએ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો હતો.

1996માં શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને કૉંગ્રેસે તેમની સરકારને બહારથી ટેકો આપ્યો.

આગળ જતા વાઘેલાએ તેમની પાર્ટીને કૉંગ્રેસમાં ભેળવી અને કેન્દ્રીય મંત્રી પણ બન્યા. ચૂંટણી દરમિયાન વાઘેલાએ નિવેદન કર્યું હતું કે 'ગોધરાકાંડની જેમ જ પુલવામાનો હુમલો પણ પૂર્વાયોજિત હતો.'

તેમનું આ નિવેદન પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મીડિયામાં ખાસ્સું એવું ચર્ચાયું હતું.

જીતુ વાઘાણીના પ્રચાર પર પ્રતિબંધ

ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપર કેન્દ્રીય ચૂંટણીપંચે 72 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ મૂક્યો હતો.

એપ્રિલ-2019માં સુરત ખાતે ચૂંટણી જાહેરસભામાં કોમવાદી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચૂંટણીપંચે ગુજરાતના કોઈ નેતાને પ્રચાર કરતા અટકાવ્યા હોય, તેવી આ જ્વલ્લે જ નોંધાતી ઘટના હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો