લોકસભાની ચૂંટણી ગઈ પણ દેશના ગંભીર જળસંકટ વિશે વાત ન થઈ

    • લેેખક, રિયાલિટી ચેક
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આવતી કાલે પરિણામ આવશે. સાથોસાથ દેશના જળસંકટ તરફ ધ્યાન દોરવું પણ જરૂરી છે.

ભાજપના નેતૃત્વવાળી વર્તમાન સરકાર દાવો કરે છે કે 2024 સુધીમાં દરેક ઘરમાં પાઇપલાઇનથી પીવાનું શુદ્ધ પાણી પહોંચી જશે. એની સામે વિપક્ષ કૉંગ્રેસે દરેક નાગરિક સુધી પીવાનું પાણી પહોંચાડવાનો વાયદો કર્યો છે.

આ વાયદાઓની વચ્ચે દેશભરમાં જળસંકટની બૂમો સંભળાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે અત્યારે દેશના 42 ટકા ભૂમિભાગમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે.

તો શું પીવાના પાણી અંગે બંને પક્ષોના વાયદા વાજબી ઠરશે?

તીવ્ર સંકટ

દુનિયાની 18 ટકા વસતી ભારતમાં વસે છે, પણ માત્ર 4 ટકાને જ પીવાનું શુદ્ધ પાણી મળે છે.

સરકાર પ્રાયોજિત અહેવાલ પ્રમાણે આ ઇતિહાસનું સૌથી વિકટ જળસંકટ છે.

એવી ભીતિ છે કે 2020 સુધીમાં દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ સહિત ભારતનાં 21 શહેરોમાં ભૂજળસ્તરની અછત સર્જાઈ શકે છે.

એક રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં દેશના 40 ટકા લોકોને પીવાલાયક પાણી નહીં મળે.

શહેરો અને ગામડાંઓમાં જુદી સ્થિતિ

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકૉલૉજી ઍન્ડ ઍન્વાયરમૅન્ટના ડૉ. વીણા શ્રીનિવાસન કહે છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા અલગ છે.

તેઓ કહે છે, "ઝડપથી શહેરો વિકસી રહ્યાં છે પણ એની સામે પાણી ઉપલબ્ધ કરાવવા માટે પૂરતું માળખું નથી."

2030 સુધી દેશના શહેરી વિસ્તારોની વસતી 600 મિલિયન (60,00,00,000) સુધી પહોંચવાની શક્યતા છે.

ડૉ. શ્રીનિવાસન પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભજળનો ઉપયોગ લાંબા ગાળે ચિંતાનો વિષય છે.

દેશમાં 80 ટકા પાણી કૃષિમાં વપરાય છે. એ માટે મોટા ભાગે ભૂગર્ભજળનો ઉપયોગ કરાય છે.

વૉટરઍડના ચીફ એક્ઝિક્યુટિવ વી. કે. માધવન કહે છે, "જ્યારે રિચાર્જ કરતાં ઉપયોગ વધારે હોય ત્યારે સમસ્યા થાય છે."

ઘઉં, ડાંગર, શેરડી અને કપાસ જેવા મુખ્ય પાક વધારે પાણી માગી લે છે, પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું નથી.

વૉટર ફૂટપ્રિન્સ નેટવર્ક પ્રમાણે 1 કિલોગ્રામ કપાસના ઉત્પાદન માટે ભારતમાં 22,500 લિટર પાણી વપરાય છે, જ્યારે યુએસમાં 8,100 લિટર પાણી વપરાય છે.

ભારતના 2017-18ના અધિકૃત આર્થિક સર્વે પ્રમાણે છેલ્લાં 30 વર્ષમાં વૉટર ટેબલમાં 13 ટકાનો ઘટાડો થયો છે.

પાણીની જરૂરિયાત સામે ભૂગર્ભજળના દોહનનું પ્રમાણ એ મહત્ત્વનું આધારચિહ્ન છે.

ભૂગર્ભજળસ્તરના રિચાર્જ સામે દોહન વધારે હોવા છતાં સરવાળે 2013ના વર્ષ સુધી ભારતમાં જળસ્તરની સપાટી સુરક્ષિત હતી.

2018ના ચોમાસા પૂર્વેની સ્થિતિની અગાઉના દસકા સાથે તુલના કરતાં જાણવા મળ્યું કે તમામ પ્રદેશોમાં કૂવાનું જળસ્તર 66 ટકા ઘટ્યું હતું.

સંસદમાં ફેબ્રુઆરી માસમાં રજૂ કરાયેલા નિવેદન પ્રમાણે વ્યક્તિ દીઠ પાણીની જરૂરિયાત 2011માં 1,545 ક્યુબિક મિટર હતી જે 2050માં 1,140 ક્યુબિક મિટર થઈ જવાની શક્યતા છે.

ક્લાઇમેટ ચેન્જ પણ મહત્ત્વનું કારણ છે.

સૂકા પ્રદેશોમાં ગ્લોબલ વૉર્મિગના કારણે વરસાદના ઘટી રહેલા પ્રમાણને લીધે દુષ્કાળ જેવી સ્થિતિ સામાન્ય થઈ જશે.

ભંડોળની અછત

પાણની સમસ્યાને ભારતમાં રાજ્યનો પ્રશ્નો ગણવામાં આવે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરી શકાય એ હેતુથી કેન્દ્ર સરકાર યોજનાઓ લાવી હતી.

વર્તમાન સરકાર સેનિટેશન જેવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહી હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં ભંડોળમાં કાપ મૂકવામાં આવ્યો છે.

મે મહિના સુધીમાં દેશના ગ્રામ્ય વિસ્તારના માત્ર 18 ટકા ઘરોમાં પાણીનું જોડાણ છે, જે પાંચ વર્ષ પહેલાંની ટકાવારી કરતાં માત્ર 6 ટકા વધારે છે.

જૂન મહિનાથી દેશના ઉદ્યોગો પાસેથી વૉટર કન્ઝર્વેશન ફી વસૂલવામાં આવશે પણ સૂચિત ફી માળખું અપૂરતું હોવાનો પણ મત છે.

ડૉ. શ્રીનિવાસન કહે છે કે ખેડૂતોની પાણીની જરૂરિયાત કરતાં ખેડૂતોની આવકના પ્રશ્ન પર ધ્યાન આપવું એ સમસ્યાના નિરાકરણની દિશામાં ચાવીરૂપ પગલું હોઈ શકે.

તેઓ કહે છે, 'શેનો વિકાસ થયો છે, ક્યાં અને કેવી રીતે એ વિશે પુનર્વિચાર કરવાની જરૂર છે.'

પાણીનું રિસાઇકલિંગ અને વરસાદી પાણીના સંગ્રહ વિશે પણ વિચાર કરવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો