આ અમદાવાદીને પોતાની કારને ગાયના છાણથી લીંપવાનો વિચાર કેમ આવ્યો?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી, સંવાદદાતા

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ છે. જેમાં એક ગાડી પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે.

રૂપેશ દાસ નામના એક વ્યક્તિએ ગાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. બીબીસીએ આ પોસ્ટની તપાસ કરતાં જાણવા મળ્યુ કે, આ ગાડી અમદાવાદમાં રહેતાં સેતુક શાહની છે.

તેઓ અમદાવાદના પાલડીમાં રહે છે અને તેમણે પોતાની મોટરકાર પર ગાયના છાણનું લીંપણ કર્યું છે.

સેતુકનો પરિવાર હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે.

ગાયનું છાણ લગાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

બીબીસીએ તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, "મુંબઈ જેવા મેગા સિટીમાં પ્રદૂષણના કારણે એક સારું જીવન જીવવા અમદાવાદ આવ્યા, પરંતુ અહીંયાં પણ ધીમેધીમે પરિસ્થિતિ એવી જ થવા લાગી છે."

"અમે ઘરના આંગણામાં પણ લીંપણ કરાવ્યું છે. આસપાસની જગ્યા પર ઑર્ગેનિક શાકભાજી પણ વાવીએ છે. ઘરમાં ચૂલા પર ભોજન બનાવીએ છીએ."

"અમારો પરિવાર ખૂબ આધ્યાત્મિક છે. હિંદુ ધર્મમાં ગાયના છાણનું મહત્ત્વ ઘણું વધારે છે, અને વિજ્ઞાન પણ આ વાત કરી ચૂક્યું છે. અમે સતત ઉપયોગથી એ અનુભવ્યું પણ છે."

"કાર પર છાણ લગાવવાનો વિચાર મારાં માતા સેજલબહેનને આવ્યો. અમે ગાડી પર સાદું છાણ અને ભૂંસું વડે લીંપણ કર્યું. પરંતુ સુકાયા બાદ તે ફાટી ગયું. બાદમાં અમે તેમાં ગુંદર ઉમેરી ફરી લીંપણ કર્યું.

આ ઉપરાંત અમે લીંપણ કર્યાં પછી જેમ ગામડામાં ઘરને શણગાર કરીએ તેમ ગાડી પર પણ ચિત્ર દોર્યાં છે."

"આ લીંપણ કરવાનો ખર્ચ 1200થી 1500 થયો. ખબર નહીં આ લીંપણ કેટલા સમય સુધી ટકી રહેશે, પરંતુ ગાડીના તાપમાનમાં 5થી 10 ટકા ઘટાડો થયો છે.

પહેલાં ગામડામાં દરેકનાં ઘરે છાણ-માટીનું લીંપણ એ સામાન્ય વાત હતી. હાલ આપણને આ બધું જોઈને આશ્ચર્ય થાય છે. છાણના કારણે ઉનાળામાં ઠંડક મળી રહે છે, શિયાળામાં ગરમાવો પણ રહે છે."

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ઘરમાં અમારી પાસે ઘોડો અને ઘોડાગાડી છે. અમે આવનજાવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ અને મોટરકારનો ઉપયોગ ખૂબ જ ઓછો કરીએ છીએ. ઘરમાં ફર્નિચર પણ ઘાસ અને લાકડામાંથી બનેલું વાપરીએ છીએ.

સનમાઇકા જેવી વસ્તુનો અમે ઉપયોગ કર્યો નથી. આ રીતે જીવન જીવનારા અમે એકલા નથી. અમારા પરિવારની જેમ બીજા પણ પરિવારો આ રીતે જોડાયેલા છે. અમને ગમે છે એટલે અમે આ કાર કરીએ છે. પ્રચારપ્રસારમાં અમે માનતા નથી.

સેતુકનાં માતા સેજલ બહેન સાથે વાત કરતા તેમણે કહ્યું: "અમદાવાદમાં તાપમાનનો પારો ખૂબ વધી જાય છે. એસી મને પસંદ નથી. ઉનાળામાં ગાડીમાં બેસવામાં મુશ્કેલી થતી હતી. માટે મને આ વિચાર આવ્યો. આપણે એટલા સ્વાર્થી થઈ ગયા છે કે આપણી સરળતા માટે બીજા જીવને કેટલું નુકસાન કરીએ છીએ એ ક્યારેય વિચારતા નથી. માટે આ વિચાર મેં અમલમાં મૂક્યો."

તસવીર કેવી રીતે વાઈરલ થઈ?

સેતુક શાહના મિત્રે વૉટ્સઍપ પર આ તસવીર મૂકી હતી અને વાઇરલ થયા પછી એક વ્યક્તિએ તેને ફેસબુક પર શૅર કરતા તે ચર્ચાનો વિષય બની. ત્યારબાદ ઘણા લોકોના તેમના પર ફોન આવવા લાગ્યા.

સેતુકનું માનવું છે કે આ પ્રકારે નાનાનાના પ્રયોગથી ઘણો બધો ફેરફાર લાવી શકાય એમ છે. સેતુકે તેમના આ નવતર પ્રયોગને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ઇમેઈલ પણ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો