You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બલરામ થાવાણી તથા નીતુ તેજવાણી વચ્ચે સમાધાનનો તખતો કઈ રીતે ઘડાયો?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને લાત મારવાના કિસ્સામાં સોમવારે બપોરે નવો વળાંક આવ્યો અને હુમલાનો ભોગ બનનારાં મહિલાએ થાવાણીને 'મોટાભાઈ' કહ્યા હતા અને માફ કરી દીધા હતા અને તેમને રાખડી બાંધી હતી.
નીતુ તેજવાણીના પતિ રાજેશભાઈના કહેવા પ્રમાણે, સમાધાન કરવા માટે તેમની ઉપર 'દબાણ' હતું.
બીજી બાજુ, ભાજપે થાવાણીને કારણદર્શક નોટિસ આપીને સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો માગ્યો છે.
આ પહેલાં નરોડાની બેઠક ઉપરથી ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ રજૂઆત કરવા પહોંચેલાં નીતુબહેનને લાત મારતા દેખાય છે.
સમાજનું દબાણ
બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં નીતુબહેનના પતિ રાજેશ તેજવાણીએ જણાવ્યું કે તેમની ઉપર સગાંસંબંધી ઉપરાંત સિંધી સમાજના ઘણાં આગેવાનોએ સમાધાન કરવા દબાણ ઊભું કર્યું હતું.
રાજેશ કહે છે, "અમારી પાસે તેમની વાતોને માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો, એટલે અમે સમાધાન કરી લીધું."
સોમવારે બપોરે નીતુ તથા રાજેશ પોલીસ સ્ટેશનમાં હતાં અને મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (ગુજરાત પાંખ)ના મહાસચિવ નિકુલસિંગ તોમર તેમને મેઘાણીનગર સ્થિત તેમની ઓફિસ ખાતે લઈ ગયાં હતાં.
રાજેશનું કહેવું છે કે બાદમાં ત્યાં બલરામ થાવાણી આવ્યા હતા, તેમણે નીતુની અને તેમની માફી માગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજેશ કપડાંનાં વેપારી છે અને તેમનાં પત્ની નીતુ સમાજસેવિકા છે. તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કુબેરનગર વૉર્ડનાં મહિલા પ્રમુખ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
રાખડી બાંધી સમાધાન
રાજેશનું કહેવું છે કે રાખડી અંગે તેમને કે નીતુને કોઈ અંદાજ ન હતો તથા આ અંગે અગાઉથી કોઈ વાત કરવામાં આવી ન હતી.
જ્યારે સમાધાન માટે બલરામ થાવાણી નીતુ અને રાજેશને મળ્યા, ત્યારે થાવાણીના માણસો તેમની સાથે રાખડી લાવ્યાં હતાં. બાદમાં નીતુએ સમાધાનના ભાગરૂપે બલરામને આ રાખડી બાંધી હતી.
રાજેશ કહે છે કે રવિવારે સાંજે અમે હૉસ્પિટલમાં હતાં, ત્યારથી સમાધાન કરવા અમારી ઉપર પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે દબાણ થઈ રહ્યું હતું.
સમાધાન બાદ નીતુ તેજવાણીએ કહ્યું કે 'એમણે કહ્યું કે મે તને કાયમ બેન જ માની છે અને બેન તરીકે જ મે તને થપ્પડ મારી હતી અન મારો કોઈ ખોટો ઈરાદો નહોતો. મેં તેમને ભાઈ માની લીધા છે. અને સમાધાન બધાંએ મળી કર્યું છે.
સમાધાન વિશે બીબીસી ગુજરાતીએ થાવાણીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.
ભાજપે આપી કારણદર્શક નોટિસ
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું, "તેમણે (થાવાણી) કઈ રીતે સમાધાન કર્યું તે તેમના અને પીડિતા વચ્ચેની વાત છે, તેમાં પાર્ટીએ કોઈ ભૂમિકા ભજવવાની નથી રહેતી."
આ પહેલાં ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું, "ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા બનેલી ઘટના શરમજનક તથા નિંદનીય છે."
"રવિવારે મોડી રાત્રે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ફોન ઉપર વાત કરીને ખુલાસો માંગીને માફી માંગવા જણાવ્યું હતું."
થાવાણીને પાર્ટી દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવાયું છે.
નરોડા, થાવાણી અને સિંધી ફૅક્ટર
બલરામ થાવાણી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નરોડા વિધાનસભાની સીટ પરથી તેઓ પહેલી વાર ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.
થાવાણીએ કોંગ્રેસના ઓમપ્રકાશ તિવારીને 60,142 વોટથી હરાવ્યા હતા. ચૂંટણી માટે દાખલ કરાવેલી ઍફિડેવિટ મુજબ તેઓ કાપડના વહેપારી છે.
બલરામ થાવાણીના ભાઈ કિશોરકુમાર ખૂબચંદલાલ થાવાણી કુબેરનગર વોર્ડમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટર છે.
થાવાણી તથા હુમલાનો ભોગ બનનારાં નીતુ તેજવાણી પણ સિંધી સમુદાયના છે.
નરોડા સિંધી સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટ છે. નરોડા વિધાનસભાની સીટ પરથી ઘણાં વર્ષોથી સિંધી સમાજના ઉમેદવર જીતતા આવ્યા છે.
2012ની વિધાનસભા ચૂંટણીમાં નિર્મલા વાધવાણી ચૂંટાયાં હતાં અને આ અગાઉ બહુ ચર્ચિત માયાબેન કોડનાની સતત ત્રણ વખત ચૂંટાયાં હતાં.
નરોડા અને તેની આસપાસના કુબેરનગર, સૈઝપુર, મેઘાણીનગર વગેરે વિસ્તારોમાં સિંધી સમાજના લોકો મોટા પ્રમાણમાં રહે છે.
જળ, સંકટ અને સંગ્રામ
નીતુ તેજવાણીએ સમયસર પાણીની અછતનો નિકાલ ન આવે તો થાવાણીની કુબેર નગર વિસ્તારમાં આવેલા કાર્યાલય બહાર ધરણાં પર બેસવાની ધમકી આપી હતી, જેમાં વાત વણસતાં બલરામ થાવાણી અને તેમના સાગરિતોએ નીતુબહેનને માર માર્યો હતો.
આ અંગે થાવાણીએ માર માર્યો હોવાનું સ્વીકારતાં કહ્યું હતું કે, "મારો એવું કરવાનો ઇરાદો નહોતો, પરંતુ મારા પર એક ટોળાએ હુમલો કર્યો અને મારાથી સ્વબચાવમાં તેમને લાત વાગી ગઈ."
વોટર સપ્લાય બોર્ડના ચાર વર્ષ સુધી ચૅરમૅન રહી ચૂકેલા રમેશ દેસાઈ કહે છે : "હજુ છ મહિના પહેલાં સુધી હું આ બોર્ડ સંભાળતો હતો."
"અમને જાણવા મળ્યું હતું કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણાં બાંધકામ હજી સુધી કાયદેસર થયા નથી માટે તેમના પાણીના કનેક્શન પણ કાયદેસર નથી."
"આ માટે પૂર્વના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળે છે."
દેસાઈ વધુમાં કહે છે કે ગેરકાયદેસર કનેક્શન વધી જતા પ્રેશર ઓછું થઇ જાય છે અને લોકોને પાણી ઓછું મળી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં કમિશનર વિજય નહેરા એ બીબીસીને કહ્યું હતું કે અમદાવાદમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનનો કોઇ તત્કાલ આંકડો તેમની પાસે નથી.
"જો આવી કોઇ સંખ્યા મારી પાસે હોય તો હું આ ગેરકાયદેસર કનેકશન વિશે કંઈક કરી શકું."
નેહેરા એ પણ કહે છે કે જો કોઈ કનેક્શન ગેરકાયદેસર છે તો તેને કાપવાનો અધિકાર મ્યુનિસિપલ કાઉન્સિલરને નથી, તે ઍડમિનિસ્ટ્રેટિવ વિંગ જ કરી શકે છે.
(આ સ્ટોરી માટે જીગર ભટ્ટના ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો