You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ત્રણ દિવસમાં લાત મારવા મુદ્દે ખુલાસો આપવા થાવાણીને ભાજપની નોટિસ
અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને લાતો મારે છે, તેવો વીડિયો વાઇરલ થયા પછી માફી માગી છે.
નીતુ તેજવાણી નરોડા વિસ્તારમાં પાણીની તંગી અંગે બલરામ થાવાણીને મળવા ગયાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધારાસભ્ય થાવાણીએ નીતુબહેનની માફી માગી હતી અને નીતુબહેને જાહેરમાં રાખડી બાંધીને થાવાણીને 'ધરમના ભાઈ' કહ્યા હતા.
આ અંગે ભાજપે થાવાણીને કારણદર્શક નોટિસ કાઢી છે.
અગાઉ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહિલા સાથે મારપીટ કરતો બલરામ થાવાણીનો વીડિયો ટ્વીટ કર્યો હતો.
પાણીના મુદ્દે બબાલ
નીતુ તેજવાણીએ સમયસર પાણીની અછતનો નિકાલ ન આવે તો થાવાણીની કુબેર નગર વિસ્તારમાં આવેલા કાર્યાલય બહાર ધરણા પર બેસવાની ધમકી આપી હતી, જેમાં વાત વણસતાં બલરામ થાવાણી અને તેમના સાગરિતોએ આ મહિલાને માર માર્યો હતો.
આ અંગે થાવાણીએ માર માર્યો હોવાનું સ્વીકારતાં કહ્યું હતું કે, "મારો એવું કરવાનો ઇરાદો નહોતો. પરંતુ મારા પર એક ટોળાએ હુમલો કર્યો અને મારાથી સ્વબચાવમાં તેમને લાત વાગી ગઈ."
આ વીડિયોમાં કેસરી કૂર્તામાં થાવાણી અને તેમની સાથે સફેદ શર્ટમાં એક માણસ મહિલાને મારતો દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતુ તેજવાણીના પતિ રાજેશ પર પણ એક ટોળાએ હુમલો કર્યો હતો.
આ અંગે નીતુ તેજવાણીએ કહ્યું, "મેં પાણીની ગેરકાયદેસર લાઇન કાપી નાખતાં પહેલાં બે દિવસનો સમય આપવાની માગ કરી હતી, પણ થાવાણી અને તેમના માણસો અમને બળજબરીપૂર્વક ત્યાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવા લાગ્યા, અમને માર માર્યો, કેટલાક લોકો હોકી લઈને આવી ગયા હતા."
તમે આ વાંચ્યું કે નહીં?
જ્યારે ડીસીપી ઝોન 4, નીરજ બળગુજરે કહ્યું હતું, "મેં ન્યૂઝ ચૅનલ પર આ વીડિયો જોયો છે પરંતુ અમને હજુ કાયદેસર ફરિયાદ મળી નથી."
થાવાણીના જણાવ્યા અનુસાર તેમણે આ મહિલાઓનું જૂથ ધરણા પર બેસવાનું હોવાથી મેઘાણીનગર પોલીસને જાણ કરી છે.
જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત પોલીસને ટ્ટીટ કરી ધરપકડની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ મીડિયાહાઉસને ટ્ટીટ કરીને આની નોંધ લેવા કહ્યું હતું. જેને પગલે આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
આ વિવાદ મામલે આજે બલરામ થાવાણીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે તેમણે આવેશમાં આવું કર્યું અને તેઓ મહિલાની માફી માગશે.
ભાજપ બચાવની મુદ્રામાં
આ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે આ ખૂબ જ શરમજનક છે.
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આ અંગે બલરામ થાવાણીને કારણદર્શન નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં જવાબ આપવા કહ્યું છે.
થાવાણીએ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તરફથી ઠપકો મળ્યો હોવાની વાત પણ તેમણે કહી હતી અને માફી માગી હતી.
બીજી તરફ મહિલાએ હજી સુધી પોલીસ ફરિયાદ કરી નથી.
સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા બાદ બલરામ થાવાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એમણે આવેશમાં આવી જઈને સ્વબચાવમાં આમ કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો