You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુસ્લિમો અને હિંદુ વેપારીઓ વચ્ચે થયેલી મારપીટનું સત્ય - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
નાની એવી એક દુકાનની અંદર કેટલાક લોકો વચ્ચે થઈ રહેલી મારપીટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના મેરઠમાં કેટલાક દબંગોએ એક કપડાં વેપારીને ખૂબ માર્યા.
સોશિયલ મીડિયા પર આ વાઇરલ વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જે લોકોએ આ વીડિયો ટ્વિટર કે ફેસબુક પર શૅર કર્યો છે, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, "મેરઠમાં કેટલાક મુસ્લિમોએ હિંદુ વેપારીઓને સળીયા તેમજ ડંડાથી માર માર્યો."
અમારી તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર આ વીડિયો આ જ દાવા સાથે ત્રણ લાખ કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે.
આશરે 50 સેકંડના સીસીટીવી ફૂટેજમાં જમણી તરફ 22 મે, 2019 તારીખ દેખાય છે.
'Uttar Pradesh.org News' નામના એક વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામ (23 મે)ના એક દિવસ પહેલાં ઘટેલી આ ઘટનાને મેરઠ પોલીસે દબાવવાનો પ્રયાસ કર્યો.
આ તરફ 'OpIndia' નામના ન્યૂઝ પોર્ટલે આ વીડિયો સાથે સંબંધિત કહાણી પબ્લિશ કરી તેને બે સમુદાયો વચ્ચે તણાવની ઘટના ગણાવી છે.
પરંતુ આ ઘટનાની તપાસ કરતા અમને જાણવા મળ્યું કે વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે, તે ભ્રામક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
વીડિયોની સત્યતા
બીબીસીની ફૅક્ટ ચેક ટીમે આ ઘટના અંગે મેરઠના એસપી નીતિન તિરાવી સાથે વાત કરી.
નીતિને જણાવ્યું, "આ બે વેપારીઓ વચ્ચે ઝઘડાનો મામલો છે. અમને તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી."
આ મામલા અંગે વધારે જાણકારી લેવા માટે અમે મેરઠ કોતવાલીના સીઓ દિનેશ કુમાર શુક્લા સાથે પણ વાત કરી.
શુક્લાએ જણાવ્યું, "આ વિવાદ હિંદુ- મુસ્લિમનો વિવાદ નથી. જે લોકો વાઇરલ વીડિયોમાં બીજા પક્ષના લોકોને મારતા જોવા મળી રહ્યા છે, તેમના પરસ્પર જૂના વ્યાપારિક સંબંધ રહ્યા છે. આ ઝઘડો પૈસાની લેવડ- દેવડ મામલે થયો હતો. જેમણે હુમલો કર્યો, તેમનો દાવો છે કે કપડાં વેપારીએ તેમની પાસેથી પૈસા લીધેલા છે."
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયો સાથે એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે આ મામલાને દબાવ્યો અને કોઈ કાર્યવાહી ન કરી.
તેના જવાબમાં શુક્લાએ કહ્યું, "વીડિયોને આધાર માનીને અમે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એકનું નામ સમર છે અને બીજાનું નામ શાકિબ છે. બન્ને પોલીસની કેદમાં છે અને મામલાની તપાસ ચાલી રહી છે. ચાર અન્ય લોકોનાં નામ પણ આ મામલે સામેલ છે."
શુક્લાએ એમ પણ જણાવ્યું કે આ સીસીટીવી ફૂટેજ સામે આવવાના થોડા દિવસ પહેલાં જ કપડાં વેપારીએ મુસ્લિમ પરિવારના એક સભ્ય સાથે મારપીટ કરી હતી.
વધુ એક બોગસ દાવો
વૉટ્સઍપના માધ્યમથી બીબીસીના ઘણા પાઠકોએ પણ આ વીડિયો અમને મોકલ્યો હતો અને સત્યતા જાણવા માગી હતી.
પરંતુ જે સંદેશ તેમની તરફથી અમને પ્રાપ્ત થયા, તેના પ્રમાણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મારપીટની આ ઘટના મધ્ય પ્રદેશના દેવાસમાં ઘટી હતી.
વાઇરલ વીડિયો સાથે તેમના દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં લખવામાં આવ્યું હતું, "રમઝાનમાં હિંદુ દુકાનદારોને દુકાન બંધ રાખવા ફતવો જાહેર કરવામાં આવ્યો છે અને જેની દુકાન ખુલ્લી મળે, તેના પર નમાઝ બાદ હુમલો કરવામાં આવી રહ્યો છે."
જોકે, આ દાવો ખોટો છે. આ વીડિયોનો દેવાસ સાથે કોઈ સંબંધ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો