રાહુલ ગાંધીની હાર બાદ અમેઠીની જનતા રડી હતી? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર અમેઠીના લોકો રડતા હોય તેવો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેઠીના લોકોને રાહુલ ગાંધીને અમેઠીથી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ એટલો આઘાત લાગ્યો કે તેઓ રડવા લાગ્યા.

વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરતા લખવામાં આવી રહ્યું છે કે, "લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ, અમેઠીના લોકો રાહુલ ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા અને રાહુલને મળવા પર લોકો પોતાના આંસુ રોકી ન શક્યા અને રડવા લાગ્યા."

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી 50 હજાર કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેઠીની સીટનું મહત્ત્વ

લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળા ભાજપે હરાવી દીધી છે.

આ ચૂંટણીમાં અમેઠીની બેઠક પર ભાજપનાં સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી વચ્ચે મુકાબલો હતો.

જેમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હાર આપી છે.

અમેઠીની બેઠકને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતી.

અમેઠીની સીટ પરથી રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને પછી તેમનાં માતા સોનિયા ગાંધી લડતાં અને જીતતાં હતાં.

ત્યારબાદ આ સીટ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે છોડી દીધી અને અમેઠીથી રાહુલ ગાંધી સતત ત્રણ વખત સાંસદ બન્યા.

સમાચાર પ્રમાણે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં થયેલી હાર મામલે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી, જેનો કૉંગ્રેસ પાર્ટીની કાર્ય સમિતિએ અસ્વીકાર કર્યો છે.

વીડિયોમાં રાહુલ ગાંધી ભીડમાં ઊભેલી કેટલીક રડતી મહિલાઓને સાંત્વના આપતા દેખાય છે.

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો સાચો છે, પણ તેની સાથે કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક છે.

વીડિયોનું સત્ય

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ વીડિયો 2 નવેમ્બર 2017નો છે.

આ વીડિયો એ સમયનો છે જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીના NTPC પાવર પ્લાન્ટમાં ઘટેલી એક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને મળવા ગયા હતા.

વીડિયોને તે સમયે રાહુલ ગાંધીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતા લખવામાં આવ્યું હતું, "પીડિતો અને તેમનાં પરિવારો સાથે NTPC ઓફિસમાં મુલાકાત કરતા કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી"

NTPC પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં 29 લોકોનાં મૃત્યુ થયા હતા અને 100 લોકો ઘાયલ થયા હતા.

આ પાવર પ્લાન્ટ ઉત્તર પ્રદેશના રાયબરેલી શહેરમાં સ્થિત છે.

દુર્ઘટના બાદ NTPC કેસની તપાસ શરૂ કરી દેવાઈ હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો