ઓડિશાના એ નવીન પટનાયકની કહાણી જેમણે લૉકડાઉન લંબાવ્યું

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશભરમાં લૉકડાઉન લંબાવવું કે નહીં તેની ચર્ચા છે ત્યારે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે તેને લંબાવવાની જાહેરાત કરી.

આવી જાહેરાત કરનારા તેઓ દેશના પ્રથમ મુખ્ય મંત્રી છે.

ભારતીય રાજકારણમાં માત્ર સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગની જેમ 2019માં નવીન પટનાયક પાંચમી વાર મુખ્ય મંત્રીપદે આરૂઢ થયા હતા.

નવીન પટનાયક વિશે પ્રખ્યાત વાત એ છે કે તેઓ કદાચ ભારતના સૌથી ચૂપ રહેતા રાજનેતા છે જેમણે કદાચ જ કોઈની સાથે ઊંચા અવાજ વાત કરી હશે.

હાલ જ નવીન પટનાયકની આત્મકથા લખી ચૂકેલા અંગ્રેજી પત્રિકા આઉટલુકના સંપાદક રુબેન બેનરજી કહે છે, "તમે તેમને મળશો તો ખબર પડશે કે તેમના કરતાં વધારે સૉફ્ટ સ્પોકન, શિષ્ટ, સભ્રાંત અને ઓછું બોલવાવાળી વ્યક્તિ કોઈ છે જ નહીં."

"ક્યારેક ક્યારેક તો લાગે છે કે તેઓ રાજનેતા જ નથી પરંતુ સાચી વાત એ છે કે એમના કરતાં મોટા રાજનીતિજ્ઞ ખૂબ ઓછા લોકો છે."

"તેઓ ન માત્ર રાજનીતિજ્ઞ છે, પરંતુ નિર્મમ રાજનીતિજ્ઞ છે. એટલી હદે કે મોટામોટા રાજનેતાઓ પણ તેમનો મુકાબલો કરી શકતા નથી."

"એ વાતમાં કોઈનો મતભેદ ના હોઈ શકે કે નવીન ખૂબ ચાલાક છે. ઓડિશામાં તેમની ટક્કરના રાજનેતા જોવા મળતા નથી."

નવીન પટનાયકને રાજકારણ વારસામાં મળ્યું હતું. તેમના પિતા બીજુ પટનાયક ન માત્ર ઓડિશાના મુખ્યમંત્રી હતા, પરંતુ જાણીતા સ્વતંત્રતા સેનાની અને પાઇલટ હતા.

બીજા વિશ્વ યુદ્ધ, ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા સંગ્રામ અને 1947માં કાશ્મીર પર પાકિસ્તાનના હુમલા દરમિયાન તેમની ભૂમિકાને હજુ પણ યાદ કરવામાં આવે છે.

નવીન પટનાયકને ઉડિયા ભાષા આવડતી ન હતી

જ્યારે બીજુ પટનાયકનું મૃત્યુ થયું ત્યારે તેમના તાબૂત પર ત્રણ દેશોના ઝંડા લપેટાયેલા હતા - ભારત, રશિયા અને ઇન્ડોનેશિયા.

પોતાના પિતાના મૃત્યુ બાદ નવીન પટનાયકે જ્યારે ઓડિશામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું તો તે હિંદીમાં હતું. કેમ કે નવીન પટનાયકને ઉડિયા ભાષા આવડતી ન હતી.

રુબેન બેનરજી જણાવે છે, "જ્યારે નવીન વર્ષ 2000મા ઓડિશા વિધાનસભાથી ચૂંટણી લડવા આવ્યા તો તેમને ઉડિયા બોલતા આવડતું ન હતું. કેમ કે તેમણે પોતાનું જીવન ઓડિશાની બહાર જ વિતાવ્યું હતું."

"મને યાદ છે કે તેઓ પોતાના ભાષણની શરૂઆતમાં રોમનમાં લખેલી એક લાઇન બોલતા હતા, મોતે ભૉલો ઉડિયા કૉહિબા પાઈ ટિકે સમય લાગિબૉ. (ઉડિયા ભાષામાં વાત કરતાં મને થોડો સમય લાગશે.)"

"તેનાથી તેમને ફાયદો થયો. તે સમયે ઓડિશામાં રાજકીય વર્ગ એટલો બદનામ હતો કે લોકોને નવીનનું ઉડિયા ન બોલી શકવું સારું લાગ્યું."

"લોકોએ વિચાર્યું કે તેમની અંદર અને અન્ય રાજનેતાઓમાં ફેર છે. એ માટે તેમણે નવીનને તક આપવાનો નિર્ણય લીધો."

"નવીન હજુ પણ સારી રીતે ઉડિયા બોલી શકતા નથી. તે સમયે તેમણે લોકો સાથે તેમની ભાષા બોલ્યા વગર જે સંવાદ સ્થાપિત કર્યો તે હજુ પણ યથાવત છે."

"શું તમે કલ્પના કરી શકો છો કે મમતા બેનરજી બાંગ્લામાં વાત કર્યા વગર બંગાળના લોકો પાસે મત માગી શકે?"

"હવે તો પરિસ્થિતિ એવી છે કે નવીન લોકો સાથે તેમની ભાષામાં વાત કરે કે ન કરે, અંગ્રેજીમાં વાત કરે કે ફ્રેંચમાં બોલે તો પણ કોઈ ફેર પડતો નથી."

દિલ્હીની પાર્ટી સર્કિટમાં પેઠ

બીજુ પટનાયકના સમયે નવીન પટનાયકનો રાજકારણ સાથે કોઈ સંબંધ ન હતો. તેઓ દિલ્હીમાં રહેતા હતા અને અહીંની પાર્ટી સર્કિટમાં તેમની સારી પહોંચ રહેતી હતી.

રુબેન બેનરજી જણાવે છે, "તેઓ સોશિયલાઇટ હતા. દૂન સ્કૂલમાં ભણતા, જ્યાં સંજય ગાંધી તેમના ક્લાસમેટ હતા. કળા અને સંસ્કૃતિમાં તેમનો ઘણો રસ હતો. તેઓ યૂરોપીય શૈલીમાં અંગ્રેજી બોલતા હતા."

"તેમને ડનહિલ સિગરેટ માટે ખૂબ પ્રેમ હતો અને તેઓ ફેમસ ગ્રાઉસ વ્હિસ્કીના પણ શોખીન હતા."

"દિલ્હીની પ્રખ્યાત ઓબેરૉય હોટલમાં તેમનું બુટીક હતું 'સાઇકેલ્હી'. તેમણે મર્ચેન્ટ આઇવરીની 1988માં આવેલી ફિલ્મ 'ધ ડિસીવર્સ'માં નાની ભૂમિકા પણ ભજવી હતી."

"જૉન એફ કેનેડીનાં પત્ની જેકલીન કેનેડી તેમનાં મિત્ર હતાં. 1983માં જ્યારે તેઓ ભારત યાત્રા પર આવ્યાં હતાં તો નવીન તેમની સાથે જયપુર, જોધપુર, લખનઉ અને હૈદરાબાદ ગયા હતા."

ફાઇવ સ્ટાર હોટલમાં રહેતા નવીન પટનાયક

રુબેન બેનરજી જણાવે છે કે ઇન્ડિયા ટૂડેએ તેમને 1998માં અસ્કા સંસદીય ક્ષેત્રથી નવીન પટનાયકની ચૂંટણી કવર કરવા માટે મોકલ્યા હતા.

જ્યારે તેઓ પોતાના ફોટોગ્રાફર સાથે અસ્કા પહોંચ્યા તો તેમને નવીન પટનાયક દેખાયા નહીં. ભારે મહેનત બાદ તેમના એક સહયોગી સાથે સંપર્ક થયો.

નવીન પટનાયકે તેમને બીજા દિવસે ગોપાલપુર બીચ પર મરમેડ હોટેલ પર આવવા માટે કહ્યું.

રુબેન ત્યાં પહોંચ્યા પરંતુ નવીનનો કોઈ અત્તો પત્તો ન હતો. ત્યારે ત્યાં એક કોલ્ડ ડ્રિંક્સ વેચતી વ્યક્તિએ તેમને ત્યાં આવવાનું કારણ પૂછ્યું.

જ્યારે તેમણે જણાવ્યું કે તેઓ નવીન પટનાયકને મળવા આવ્યા છે. તો તેઓ હસવા લાગ્યા અને બોલ્યા, તમને નવીન અહીં નહીં પરંતુ ઓબેરૉય ગોપાલપુરમાં મળશે.

હવે એ હોટલનું નામ મેફેયર પામ બીચ રિસૉર્ટ થઈ ગયું છે. જ્યારે રુબેન ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે સમગ્ર દુનિયાથી બેખબર નવીન પૂલ પાસે બેસીને સિગરેટ પી રહ્યા છે.

નવીન એ વાત પર રાજી થઈ ગયા કે રુબેન તેમની સાથે ચૂંટણી પ્રચાર પર આવશે, પરંતુ તેના માટે તેમણે બે શરત મૂકી.

પહેલી એ કે તેઓ પોતાના રિપોર્ટમાં એ નહીં જણાવે કે તેઓ પ્રચાર દરમિયાન ઓબેરૉય હોટલમાં રહે છે અને બીજી વાત એ કે તેઓ સિગરેટ પીવે છે.

કદાચ તેઓ પોતાના મતદાતાઓને એ જણાવવા માગતા ન હતા કે ભારતના સૌથી પછાત વિસ્તારમાં મતદાતાઓ પાસે મત માગતી વ્યક્તિ એક ફાઇવ સ્ટાર હોટલમાં રહે છે.

તેઓ પોતાની 'ગુડ બૉય'ની છબી યથાવત રાખવા માગતા હતા અને તેના માટે ખોટું બોલવા પણ તૈયાર હતા.

ઘરમાં 'પપ્પુ'ના હુલામણા નામે ઓળખાતા નવીન

નવીન પટનાયકના નજીકના મિત્રોમાંથી એક હતા પ્રખ્યાત પત્રકાર વીર સાંઘવી.

એક વખત તેમણે હિંદુસ્તાન ટાઇમ્સમાં તેમના દિલ્હીના દિવસો વિશે લખ્યું હતું, "પપ્પુને સંસારની ચીજોનો કોઈ મોહ ન હતો. તેમના બે નોકર, કાર અને એક ડ્રાઇવર હતા, કેમ કે તેમને કાર ચલાવતા આવડતું ન હતું."

"તેઓ ક્યારેય પ્રખ્યાત રેસ્ટોરાંમાં ભોજન લેતા ન હતા. તેમના ઘરે આવતા લોકો, પછી તેઓ ગમે એટલા મોટા કેમ ન હોય, તેમના રસોઇયા મનોજ દ્વારા બનેલું ભોજન જમતા હતા. એક વખત જ્યારે તેઓ થોડા નશામાં હતા, મેં તેમને પૂછ્યું કે તમારી આ સાદગીનું કારણ શું છે?"

"તેમનો જવાબ હતો - મેં બીજા લોકોના ઘરોમાં દુનિયાની સુંદર વસ્તુઓ જોઈ છે. સુંદરતાને પસંદ કરવા માટે એ જરૂરી નથી કે તમે તેના માલિક પણ બનો. તમને તેની સરાહના કરતા આવડવું જોઈએ."

2019માં નવીન પટનાયકનો જાદુ ચાલ્યો

વર્ષો સુધી ઓડિશામાં રાજ કર્યા બાદ લોકોના મનમાં એ સવાલ હતો કે શું 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ સત્તા પર તેમની દાવેદારી એટલી જ મજબૂત રહેશે?

જોકે, 2019માં કલિંગની ધરતી પર નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક વચ્ચેની ટક્કરમાં નવીન પટનાયકે બાજી મારી લીધી હતી અને તેઓ પાંચમી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

રુબેન બેનરજી જણાવે છે, "નવીન વર્ષ 2000માં જીત્યા હતા ત્યારે 'એસ્ટેબ્લિશમૅન્ટ' એટલે કે સત્તા પ્રતિષ્ઠાનનો વિરોધ કરતા. 19 વર્ષ બાદ 2019માં તેઓ પોતે 'એસ્ટેબ્લિશમૅન્ટ' બની ગયા હતા. એ વાત દરેક માને છે કે ઓડિશાનું ઔદ્યોગિકીકરણ થયું નથી. તમે એમ પણ ના કહી શકો કે ઓડિશા એક ધનવાન રાજ્ય છે."

"થોડું ઘણું કામ ગરીબો માટે થયું છે. 75 લાખ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે. નવીન પટનાયકના પક્ષમાં એક વાત જાય છે કે તેમની પોતાની છબી ખૂબ સારી છે અને કદાચ તેઓ વ્યક્તિગત રીતે ભ્રષ્ટ નથી."

"તેમની એ વાતની ટીકા થઈ શકે છે કે તેમણે સાર્વજનિક ધનને વેડફ્યું છે, પરંતુ તેમણે લોકોને ખુશ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી છે. એક રૂપિયામાં ભાત, મફત સાઇકલ.. તમે જે પણ સામાન માગશો તે તમને મફતમાં મળી જશે."

"તેમણે 'આહાર મીલ'ની શરૂઆત પણ કરી છે, જ્યાં પાંચ રૂપિયામાં ભાત અને દાળ મળે છે. પરંતુ તેનાથી ન તો રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, ન સંસાધન વધી રહ્યા છે. બસ ગરીબો ખુશ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો