વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન છતાં કૉંગ્રેસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેમ હારી?

    • લેેખક, જિગર ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા

મોદી વડા પ્રધાન બની દિલ્હી ગયા પછી ગુજરાતના રાજકારણમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા. ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠક જીતી હતી. જ્યારે કૉંગ્રેસે 77 બેઠક જીતી હતી.

કૉંગ્રેસની આ જીત પાછળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવાબદાર હતા.

એ ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપે, 17 બેઠક કૉંગ્રેસે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી.

સૌરાષ્ટ્રમાં 48 બેઠકમાંથી ભાજપે 19 બેઠક જીતી હતી, જ્યારે 28 બેઠક કૉંગ્રેસ પાર્ટીએ જીતી હતી.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિને પરિણામે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાટણ અને બનાસકાંઠા બેઠક, જ્યારે સૌરાષ્ટ્રની અમરેલીની બેઠક પર ભાજપ હારશે એવું ચર્ચાઈ રહ્યું હતું.

પરંતુ ભાજપે વિધાનસભાની સરખામણીએ આ ત્રણેય બેઠક પર મોટી લીડથી જીત મેળવી.

તમે આ વાંચ્યું કે નહીં?

લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીના મુદ્દા

વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મુદ્દાઓ હંમેશાં અલગ હોય છે."

તેઓ કહે છે, "વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા અને ઉમેદવાર ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં નીતિગત પ્રશ્નોનું મહત્ત્વ વધુ હોય છે. એટલા માટે પક્ષો નીતિગત વાયદાઓ કરે છે."

"2017માં ઉત્તર ગુજરાતમાં જે અસર હતી તે 2019માં જોવા ન મળી, કારણ કે ચૂંટણીમાં લોકોને રાષ્ટ્રવાદનો મુદ્દો મહત્ત્વનો લાગ્યો અને તેમણે તેના આધારે મતદાન કર્યું."

બનાસકાંઠાની બેઠક પર ભાજપના પરબત પટેલ અને કૉંગ્રેસના પરથી ભટોળ વચ્ચે મુકાબલો હતો. જોકે, પરબત પટેલે 3,68,296 મતોથી કૉંગ્રેસના ઉમેદવારને હરાવ્યા.

પાટણની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનો ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સામે 1,93,879 મતથી પરાજય થયો.

સાબરકાંઠાની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનો 2,68,987 મતોથી પરાજય થયો છે. અહીં ભાજપ તરફથી દીપસિંહ રાઠોડ હતા, જ્યારે કૉંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી.

ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસની જીત માટે એક મહત્ત્વનું પરિબળ માનવામાં આવતા હતા. પરંતુ તેમણે કૉંગ્રેસ છોડવાને કારણે ઉત્તર ગુજરાતમાં ઠાકોરોના મત કૉંગ્રેસને ન મળ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસની હાર

સૌરાષ્ટ્રમાં અમરેલી સિવાય જૂનાગઢ અને સુરેન્દ્રનગરની બેઠક પણ મહત્ત્વની માનવામાં આવતી હતી.

સૌરાષ્ટ્રમાં ભાજપને મળેલી ભવ્ય જીત પર રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "સૌરાષ્ટ્રમાં પાટીદાર ફૅકટરની અસર ઘટી હોવાથી કૉંગ્રેસને વિધાનસભાની ચૂંટણી વખતે થયેલો ફાયદો આ વખતે થયો નથી."

તેમણે વધુમાં ઉમેર્યું, "ખેડૂતોના પ્રશ્નો હાલ પણ યથાવત્ છે. પરંતુ નરેન્દ્રભાઈ ગુજરાતના સપૂત છે અને તેમને વડા પ્રધાન બનાવવા એવું વિચારીને લોકોએ મોટા પ્રમાણમાં મત આપ્યા."

"બાલાકોટની ઍરસ્ટ્રાઇક પહેલાં પણ આ ત્રણ બેઠક પર ભાજપની જીતની શંકા હતી, પરંતુ બાલાકોટની ઍરસ્ટ્રાઇકે સ્થિતિ જ બદલી નાખી."

સૌરાષ્ટ્રની જૂનાગઢની બેઠક પરથી ભાજપના રાજેશ ચૂડાસમાનો કૉંગ્રેસના ઉમેદવાર પૂજા વંશ સામે 1,50,185થી મતોથી વિજય થયો હતો.

જગદીશ આચાર્યે કહ્યું, "સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈએ અમરેલી સહિતની મહત્ત્વની ત્રણેય બેઠક પર સભા કરી. અમિતભાઈએ પણ કોડીનાર જેવી મોટા ભાગની વિધાનસભાની બેઠકો પર સભા કરી."

"આ ઉપરાંત મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પરસોતમ રૂપાલાએ તમામે વિધાનસભાની બેઠકો પર સભાઓ કરી હતી. ભાજપે અંતિમ મતદાનના ત્રણ દિવસ પહેલાં જ્ઞાતિ સમીકરણો પણ સુધારવા મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યો હતા."

સૌરાષ્ટ્રમાં અમરેલીની બેઠક ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાંથી કૉંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા.

પરેશ ધાનાણી ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયા સામે 2,01,431 મતથી હાર્યા.

અમરેલીની બેઠક પર પરેશ ધાનાણીની હાર પર વાત કરતા જગદીશ આચાર્ય કહે છે, "અમેરલી લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભાની બેઠક આવે છે. જેમાં તળાજા અને ગારિયાધાર ભાવનગરની છે જ્યાં કૉંગ્રેસની સ્થિતિ નબળી છે. જ્યારે રાજુલાની બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે. ત્યાં પાટીદાર ઓછી સંખ્યામાં હતા એટલે જીત તો અઘરી જણાતી હતી."

કૉંગ્રેસની પરંપરાગત તકલીફોએ હાર અપાવી

જગદીશ આચાર્યનું કહેવું છે કે કૉંગ્રેસની જૂથબંધી જેવી પરંપરાગત તકલીફ પણ આ વખતે ચૂંટણીમાં જોવા મળી હતી.

તેમના મુજબ, "અમરેલીની બેઠકના ઉમેદવાર નક્કી કરતા પહેલાં પણ ઘણી ધમાલ થઈ હતી. વીરજી ઠુમ્મરે પોતાની દીકરી માટે ટિકિટ માગી હતી."

"સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાના માટે ટિકિટ માગી હતી. છેવટે પરેશભાઈને ટિકિટ મળી. દરમિયાન જે લોકોને ટિકિટ ન મળી, તેમનો અસંતોષ તો જોવા મળે અને તે ધારાસભ્યો સરખી રીતે કામ પણ ન કરે."

"આ બાબતે ભાજપમાં પણ વિવાદ હતો, પરંતુ તેમણે પક્ષને જીતાડવા માટે તેને શમાવી દીધો."

આ મુદ્દે અજય નાયકનું માનવું છે કે કૉંગ્રેસના નેતા અને ઉમેદવાર તમામમાં જીતની ભાવનાનો અભાવ હતો.

તેઓ કહે છે, "કૉંગ્રેસની સરખામણીએ ભાજપનું કાર્યકર્તાઓનું માળખું ઘણું સારું છે. કૉંગ્રેસ આ બાબતે ઘણી પાછળ છે. ગામડાંના લોકો કૉંગ્રેસને મત આપતા હોય છે, પરંતુ આ વખતે નવયુવાન મતદારો અને મહિલાઓએ મોદીના કરિશ્માઈ નેતૃત્વને કારણે મોટા પ્રમાણમાં મત આપ્યા. જેના કારણે ભાજપની નવી વોટિંગ પેટર્ન ઊભી થઈ છે."

જામનગરની બેઠક પર કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલ ઉમેદવારી કરશે તેવી ચર્ચા હતી. જોકે, હાર્દિક પટેલને કોર્ટમાંથી ચૂંટણી લડવાની છૂટ ન મળી. અહીં ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમે કૉંગ્રેસના મૂળુ કંડોરિયાને 2,36,804 મતોથી હરાવ્યા.

આ મુદ્દે જગદીશ આચાર્ય કહે છે, "હાર્દિકના કૉંગ્રેસમાં જોડાવાના કારણે પાટીદારોને એવું લાગ્યું કે તેણે પાટીદાર અનામત આંદોલનનો ઉપયોગ પોતાના રાજકારણ માટે કર્યો છે. જેના કારણે પણ કૉંગ્રેસને ખાસ ફાયદો ન મળ્યો."

કૉંગ્રેસની હાર મુદ્દે પાર્ટીના પ્રવકતા મનીષ દોશીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મહત્ત્વના મુદ્દાઓ હતા.

તેમણે કહ્યું, "ઉત્તર ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ગેરરીતિનો મુદ્દો પણ મહત્ત્વનો હતો. છતાં પણ અમે હાર્યા. અમે હાલ સ્થાનિક આગેવાનો, કાર્યકર્તા અને લોકો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે અમારી ક્યાં ભૂલ થઈ. અમારી જાણ બહાર કેવાં ફૅકટર કામ કરી ગયાં."

'લોકોને મોદી જીતમાં રસ'

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.

ભાજપને આ વખતે પણ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યા આ અંગે કહે છે, "આ પ્રૅસિડેન્સિયલ ઇલેકશન જેવું હતું. લોકોને નરેન્દ્ર મોદી જીતે તેમાં રસ હતો."

"અમે બૂથ લેવલથી સંગઠન ઊભું કર્યું હતું. અમારા કાર્યકર્તાઓએ ફિલ્ડમાં જઈને પાંચ-પાંચ દિવસ ગાળીને લોકોના મુદ્દા જાણ્યા. ઉપરાંત લોકો ભાજપ વિષે શું માને છે તે મંતવ્યો એકઠાં કરી તેના પર કામ કર્યું હતું."

"અમે કેન્દ્ર-રાજય સરકારના લાભાર્થીઓ સુધી પહોંચ્યા અને તેમની સાથે ચર્ચા કરી. આ ઉપરાંત નરેન્દ્રભાઈની છબીએ જ અમને જિતાડ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો