કૉંગ્રેસના પરાજય બાદ 17મી લોકસભામાં વિપક્ષનો નેતા નહીં હોય?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ધીમે-ધીમે 17મી લોકસભાનું દૃશ્ય સ્પષ્ટ બની રહ્યું છે, ત્યારે ફરી એક વખત સંસદનાં નીચલાગૃહમાં વિપક્ષના નેતા નહીં હોય એવું હાલ લાગી રહ્યું છે.

298 બેઠક સાથે ભાજપ એકલાહાથે સરકાર બનાવવા સક્ષમ છે તથા એનડીએ લગભગ 340 બેઠક ઉપર આગળ છે.

ગત ચૂંટણી દરમિયાન પણ લોકસભામાં કૉંગ્રેસને વિપક્ષના નેતાનું પદ અપાયું ન હતું.

આની સામે પાર્ટી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને દેશની સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી.

શું છે નિયમ?

લગભગ છ દાયકા અગાઉ દેશના પ્રથમ સ્પીકર અને મૂળ ગુજરાતી ગણેશ માળવંકરે નિર્દેશ આપ્યો હતો કે જો સૌથી મોટા પક્ષ પાસે ગૃહની કુલ બેઠકની 10 ટકા બેઠક ન હોય તો તેને વિપક્ષના નેતાનું પદ ન આપી શકાય.

કાયદાકીય અને જોગવાઈઓ તથા સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવા ચીફ વિજલન્સ કમિશનર, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ, સીબીઆઈના વડા તથા લોકપાલની નિમણૂક માટેની પસંદગી પ્રક્રિયામાં વિપક્ષના નેતા સામેલ હોવા જોઈએ.

16મી લોકસભા દરમિયાન કૉંગ્રેસને 44 બેઠક મળી હતી, ત્યારે સ્પીકાર સુમિત્રા મહાજને પાર્ટીને વિપક્ષના નેતાનું પદ આપ્યું ન હતું. જોકે, 'સૌથી મોટા જૂથ'ની મહત્ત્વપૂર્ણ નિમણૂકો માટે કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને સામેલ કરવામા આવતા.

જેની સામે કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી પરંતુ સર્વોચ્ચ અદાલતે એ અરજી કાઢી નાખી હતી અને ઉપરોક્ત પદો ઉપર નિમણૂક માટેની વ્યવસ્થા વિચારવા માટે નિર્દેશ આપ્યા હતા.

અગાઉ પણ ન હતા વિપક્ષના નેતા

દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તથા 1984માં ઇંદિરા ગાંધીના મૃત્યુ બાદ ઊભા થયેલા જુવાળને કારણે રાજીવ ગાંધીને 404 બેઠક મળી હતી. એ સમયે પણ લોકસભામાં વિપક્ષના નેતા ન હતા.

એ ચૂંટણીમાં ભાજપને માત્ર બે બેઠક મળી હતી, જ્યારે 22 બેઠક સાથે સીપીએમ સૌથી મોટો વિરોધ પક્ષ બન્યો હતો.

1952થી 1977 દરમિયાન વિપક્ષના કોઈ પણ નેતાને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ અપાયું ન હતું.

કટોકટી બાદ 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે લોકસભામાં પ્રથમ વખત વિપક્ષના નેતા આવ્યા.

ખુદ ઇંદિરા સરકારનો પરાજય થયો હતો, ત્યારે તેમની સરકારમાં ગૃહ પ્રધાન રહેલા વાય. બી. ચૌહાણને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો