મિમિ: અમે યુવાન છીએ તો જિન્સ-ટીશર્ટ પહેરવામાં શું તકલીફ છે?

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલાં તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મિમિ ચક્રવર્તી અને નૂસરત જહાંએ ટ્રૉલ્સને જવાબ આપ્યો છે.

સંસદની બહાર જિન્સ અને ટી-શર્ટ પહેરીને તસવીર લેવા બદલ મિમિએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે જિન્સ-ટી-શર્ટ કેમ ન પહેરીએ? અમે યુવાન છીએ."

મિમિના મત પ્રમાણે, "લોકોને અમારાં કપડાંથી આટલી બધી તકલીફ છે પણ પેલા દાગી સાંસદોથી નહીં જેમના વિરુદ્ધ ગુનાહિત કેસ છે. જેઓ ભષ્ટ્રાચારમાં સંડોવાયેલા છે પણ કપડાં સંતો જેવાં પહેરે છે."

મિમિ ચક્રવર્તી અને નૂસરત જહાંએ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને ત્યાં સુધી કહી દીધું કે 'આ સંસદ છે કે ફૅશન શો.'

નૂસરત જહાંની ઉંમર 29 વર્ષ છે અને મિમિની 30 વર્ષ.

મિમિએ જણાવ્યું, "મેં હંમેશાં યુવા વર્ગનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને આ વાત પર ગર્વ થતો હશે કે હું એવા જ કપડાં પહેરું છું જેવા તેઓ પહેરે છે."

તેમના પ્રમાણે પોતાની ફિલ્મી કારકિર્દીના ઉચ્ચ શિખરે પહોંચીને પણ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે કેમ કે, તેમને લાગે છે કે યુવા વર્ગ જ પરિવર્તન લાવી શકે છે.

નૂસરતના જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટે તેમને ટિકિટ આપવામાં આવતાં તેમની આલોચના થઈ હતી. પણ તેમની જીતને જોઈને બધા આલોચકોનાં મોઢાં બંધ થઈ ગયાં છે.

નૂસરત ત્રણ લાખથી વધુ મતોથી પશ્ચિમ બંગાળના બાસિરહાટમાં લોકસભા ચૂંટણીમાં વિજયી બન્યાં છે.

બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું, "મારા કપડાંનું કોઈ મહત્ત્વ નથી. મારા વિજયની જેમ જ સમયની સાથે મારું કામ બોલશે. આગળનો રસ્તો પણ સરળ નહીં હોય તેમ છતાં અમે તૈયાર છીએ."

સંસદમાં કપડાંને લઈને કોઈ કાયદો કે ડ્રેસ કોડ નથી.

સામાન્યપણે રાજકારણમાં પુરુષો કરતાં સ્ત્રીઓનાં વસ્ત્રો પર વધારે ટિપ્પણી કરવામાં આવે છે.

મમતા બેનરજી, જયલલિતાથી લઈને માયાવતી પર સાર્વજનિક સ્તરે નિવેદન આપવામાં આવ્યાં છે.

જો મહિલા ફિલ્મ જગતમાંથી રાજકારણમાં આવી છે તો આ તફાવત ઊડીને આંખે વળગે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પુરુષ સાંસદો પર બબાલ કેમ નહીં?

મિમિ ચક્રવર્તી અને નૂસરત જહાં ટૉલીવૂડનાં અંત્યત લોકપ્રિય અભિનેત્રીઓ છે.

મિમિનું કહેવું છે, "જયારે બદલાવ આવે છે ત્યારે લોકો તેને સ્વીકારવામાં સમય લે છે. જયારે યુવા પુરુષ સાંસદો જિન્સ અને ટી-શર્ટ પહેરીને સંસદમાં આવે છે, તો કોઈ સવાલ નથી કરતું પણ મહિલા સાંસદ એમ કરે છે તો તકલીફ થાય છે."

ટીકાની સાથે બન્ને અભિનેત્રીઓનું સમર્થન કરનારા લોકો પણ સામે આવ્યા.

નૂસરતના મત પ્રમાણે આ પરિવર્તનનો સંકેત છે.

તેઓ કહે છે, "હવે સમય આવી ગયો છે કે લોકો દરેક વાત સમજે, આ પરિવર્તન અચાનક નહીં થાય પણ હવે શરૂઆત થઈ ગઈ છે."

આ પૂર્વે પણ તૃણમૂલ કૉંગ્રેસે ફિલ્મ જગતના કલાકારોને ટિકિટ આપી છે.

લોકસભા ચૂંટણીમાં દેશના દરેક પક્ષની સરખામણીએ તૃણમૂલ કૉંગ્રેસે મહિલાઓને સૌથી વધુ 40 ટકા ટિકિટ આપી હતી.

આ 17 મહિલાઓમાંથી ચાર ફિલ્મ સ્ટાર છે અને તેમાંથી ત્રણ વિજયી બન્યાં છે.

2014માં વિજયી થયેલાં અભિનેત્રી મૂનમૂન સેન આ વખતે હારી ગયાં હતાં.

મિમિ ચક્રવર્તી અને નૂસરત જહાં સિવાય ત્રણ વાર લોકસભાની ચૂંટણી જીતતા આવેલાં શતાબ્દી રે આ વર્ષે પણ જીત્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો