પરેશ ધાનાણી : એ 48 કલાક કૉંગ્રેસને ભારે પડી ગયા; આત્મચિંતન શરૂ

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું પરિણામો 2014ના પરિણામના પુનરાવર્તન જેવું જ રહ્યું. કુલ 26 બેઠકમાંથી એક બેઠક પર પણ પાર્ટી ખાતું ન ખોલાવી શકી.

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવને પત્ર લખીને રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આગામી દિવસોમાં ગુજરાત કૉંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં કૉંગ્રેસના નબળા પર્ફૉમન્સ વિશે પાર્ટીના નેતાઓ સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો.

રાષ્ટ્રવાદનો મુદ્દો ભારે પડ્યો

23મી મેના ચૂંટણી પરિણામ આવ્યું તેના બીજા દિવસે ધાનાણીએ એક ટ્વીટ કર્યું હતું, તેમણે લખ્યું કે 'દંભી રાષ્ટ્રવાદનાં ઝેરી ઇંજેક્શનથી મોદીસાહેબે માણસના મગજને મૂર્છિત કરી દીધું હશે?'

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ધાનાણીએ કહ્યું, "દેશની સામે અનેક પ્રશ્નો છે, જ્યારે આ ઝેરી ઇંજેક્શનની મૂર્છા ઊતરશે એટલે દેશને સત્ય સમજાઈ જશે. ચૂંટણીપ્રચાર દરમિયાન લોકોએ કૉંગ્રેસને આવકાર આપ્યો હતો."

"લોકોએ કૉંગ્રેસને નકારી નથી, અન્યથા રોષ દેખાય. 2014માં અમારી સામેનો રોષ દેખાતો હતો. આ વખતે લોકોએ કૉંગ્રેસને નકારી નથી, પરંતુ નરેન્દ્ર મોદીને અનહદ સમર્થન આપ્યું છે. અમને પણ વોટ મળ્યા છે."

ધાનાણી માને છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો અન્ય તમામ મુદ્દાઓથી ઉપર રહ્યો. તેઓ કહે છે, "જેણે રાષ્ટ્રવાદનું ફૅક્ટર પ્લાન્ટ કર્યું હશે, તેને પણ કલ્પના નહીં હોય કે તે આટલા પ્રચંડ પરિણામમાં તબદીલ થશે."

"સાહેબે (નરેન્દ્ર મોદી) પણ સ્વીકાર્યું છે કે અંકગણિતની ઉપર કૅમિસ્ટ્રી કામ કરી ગઈ છે. એનો મતલબ એવો નથી કે મુદ્દા મરી પરવાર્યા છે."

આપને આ પણ વાચવું ગમશે

એ 48 કલાક ભારે પડ્યા

ધાનાણીનું માનવું છે કે પુલવામા અને બાલાકોટ કરતાં વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના મુદ્દાએ મોદીને વધુ મદદ કરી.

ધાનાણી કહે છે, "પાકિસ્તાને ભારતીય વાયુદળના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધા હતા. 'હવે શું થશે?' એ વિચારે દેશવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ પાઇલટ હેમખેમ પરત ફર્યા."

"એ 48 કલાક ભાજપ માટે અગત્યના સાબિત થયા. અભિનંદનના છૂટવાથી જેમની ઉપર જવાબદારી નથી તેવા નવયુવાનો, નવા મતદારો તથા સતત ટીવી નિહાળી રહેલી મહિલાઓનાં મનમાં મોદી હીરો બની ગયા."

"આ સાઇલન્ટ વોટે અમારા અંકગણિતને વીખેરી નાખ્યું અને (મોદી) સાહેબની કૅમિસ્ટ્રી સ્થાપિત કરી દીધી."

ઍક્સ ફૅક્ટર હાર્દિક

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશાધ્યક્ષ અર્જુન મોઢવાડિયા કહે છે, "ઉરી, પઠાણકોટ અને પુલવામા જેવા આતંકવાદી હુમલા વાસ્તવમાં સરકારની નિષ્ફળતા હતા."

"છતાં સરકારે ભયનું વાતાવરણ ઊભું કર્યું અને પોતાની જાતને તારણહાર તરીકે પ્રોજેક્ટ કરી. જનતાએ સરકારની પડખે રહેવાનું પસંદ કર્યું."

"આ સિવાય શહેરી વિસ્તારમાં કૉંગ્રેસ નબળી છે અને વધુ મહેનત કરવાની જરૂર છે. કૉમ્યુનિકેશન બાબતની કચાશ ધ્યાને પડી છે. આ સિવાય પણ કોઈ કચાશ રહી ગઈ હશે તો અમે સુધારણા કરીશુ."

હાર્દિક પટેલ શા માટે ઍક્સ-ફૅક્ટર સાબિત ન થઈ શક્યા, તેના જવાબમાં મોઢવાડિયા કહે છે, "રાષ્ટ્રીય સુરક્ષા તથા ત્રાસવાદના ભયની સામે કશું ચાલી શક્યું નહીં."

સતત બે શૂન્યની સમીક્ષા

2014 બાદ ફરી એક વખત 2019માં કૉંગ્રેસ ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક હાંસલ કરી શકી નથી. ઉપરાંત ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી સરકારથી વિમુખ છે.

ધાનાણી સ્વીકારે છે કે ગત ચૂંટણીમાં આંતરિક વિખવાદ તથા જૂથબંધીને કારણે નુકસાન થયું હતું, પરંતુ આ વખતે એવું કંઈ ન હતું, પરંતુ રાષ્ટ્રવાદના પરિબળની સામે અન્ય તમામ મુદ્દા કોરાણે રહી ગયા.

હારનાં કારણો અંગે વિશ્લેષણ કરતા મોઢવાડિયા કહે છે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારું પ્રદર્શન સારું રહ્યું હતું, વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ સરકાર રચવાથી હાથવેંતનું છેટું રહી ગયું હતું."

"લોકસભાની ચૂંટણી દરમિયાન બેકારી, નોટબંધી વગેરે જેવા મુદ્દા હતા જ, પરંતુ ભાજપે રાષ્ટ્રીય સુરક્ષા તથા ત્રાસવાદનો ભય જે રીતે આગળ ધર્યો, તેની સામે અન્ય મુદ્દા પાછળ ધકેલાઈ ગયા અને ભાજપનો વિજય થયો."

મોઢવાડિયા માને છે કે માત્ર કૉંગ્રેસ જ નહીં સમગ્ર દેશ ઉપર આ મુદ્દા હાવી થઈ ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો