You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેન્દ્રસિંહ ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે કે હજીયે તે રમી શકશે?
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લાં ચાર વર્ષમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઉંમરને લઈને એ સવાલ ઘણી વાર ઊઠ્યો છે કે શું તેઓ 2019માં પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે. જોકે, ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે કે કોઈ પણ ખેલાડી રમશે કે નહીં રમે તેનો આધાર તેની ઉંમર પર નહીં, પરંતુ તેની ફિટનેસ અને પ્રદર્શન પર હોય છે.
તેમ છતાં જ્યારે પણ ધોનીનું પ્રદર્શન સહેજ પણ નબળું પડ્યું કે તેની ઉંમરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. તો શું ખરેખર ધોનીની એટલી ઉંમર થઈ ગઈ છે કે આ તેમનો અંતિમ વર્લ્ડ કપ હોવો જોઈએ?
જો આંકડાની વાત કરીએ તો ક્રિકેટ વર્લ્ડ કપમાં રમનારા સૌથી વધુ ઉંમરના ખેલાડી નેધરલૅન્ડ્સના નોલન એવાત ક્લાર્ક છે.
1996ના વિશ્વ કપમાં ક્લાર્ક દક્ષિણ આફ્રિકા સામે ક્રિકેટ રમવા મેદાનમાં ઊતર્યા તો તેમની ઉંમર 47 વર્ષ અને 257 દિવસ હતી. ક્લાર્કના જ નામે સૌથી મોટી ઉંમરે (47 વર્ષ અને 240 દિવસ) પોતાની પ્રથમ મૅચ રમવાનો પણ રેકર્ડ પણ છે.
જો આ રેકર્ડ ધ્યાનમાં લઈએ તો ધોની હજુ બે વર્લ્ડ કપ રમી શકે છે. એ દલીલ કરવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમી રહ્યા છે અને ઘણા જાણીતા ખેલાડીઓએ આ ઉંમર આસપાસ પહોંચતા ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
અંતિમ વર્લ્ડ કપ મૅચ અને વન-ડેમાંથી સંન્યાસ
બીજી તરફ એવી પણ દલીલ છે કે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસ લેવા માટે વર્લ્ડ કપ જેવા મોટા પ્લૅટફૉર્મને પસંદ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી વધુ વર્લ્ડ કપ રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટિંગ જ્યારે પોતાની છેલ્લી વર્લ્ડ કપ મૅચ રમ્યા ત્યારે તેમની ઉંમર 36 વર્ષથી થોડી જ વધુ હતી.
જ્યારે ભારત માટે સૌથી વધુ 45 વર્લ્ડ કપ મૅચ રમી ચૂકેલા સચીન તેંડુલકર જ્યારે પોતાની છેલ્લી વર્લ્ડ કપ મૅચ રમ્યા ત્યારે તેમના 38મા જન્મદિવસને માત્ર 22 દિવસની વાર હતી.
વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારાએ પોતાના 38મા જન્મદિવસથી માત્ર 10 દિવસ પહેલાં પોતાની અંતિમ વર્લ્ડ કપ મૅચ રમી હતી.
ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા અનિલ કુંબલે જ્યારે વર્લ્ડ કપ મૅચ રમ્યા ત્યારે તેમની ઉંમર 36 વર્ષ હતી. જ્યારે પહેલા ચાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ ઓપનિંગ બૅટ્સમૅન સુનીલ ગાવસ્કર 38 વર્ષની ઉંમરે છેલ્લી વર્લ્ડ કપ મૅચ રમ્યા હતા.
પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કૅપ્ટન ઇમરાન ખાને 39 વર્ષ, સૌથી વધુ છ વર્લ્ડ કપ રમનારા જાવેદ મિયાંદાદે 38 વર્ષ અને સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ રમનારા વસીમ અકરમે 36 વર્ષની ઉંમરે પોતાની અંતિમ વર્લ્ડ કપ મૅચ રમી હતી.
શ્રીલંકા માટે સૌથી વધુ 40 વર્લ્ડ કપ મૅચ રમેલા મુથૈયા મુરલીધરન પોતાના 39 વર્ષના માત્ર 15 દિવસ પહેલાં, તો આટલી જ મૅચ રમનારા મહેલા જયવર્ધને 37 વર્ષ અને કુમાર સંગાકારા પણ 37 વર્ષની ઉંમરે છેલ્લી વર્લ્ડ કપ મૅચ રમ્યા હતા.
જ્યારે 39 વર્લ્ડ કપ મૅચ રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયન બૉલર ગ્લેન મેગ્રા પણ 37 વર્ષે અંતિમ વર્લ્ડ કપ મૅચ રમ્યા હતા.
ઉપરોક્ત બધા જ ખેલાડીઓની વર્લ્ડ કપની અંતિમ મૅચ તેમની વન-ડે ક્રિકેટ કરિયરની પણ છેલ્લી મૅચ હતી.
ધોનીનું મહત્ત્વ યથાવત
ઉંમરની દૃષ્ટિએ ભલે અવારનવાર ધોનીના સંન્યાસ લેવા અંગે ચર્ચાઓ થતી હોય, પરંતુ 37 વર્ષના ધોનીની ગણના દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે.
હાલ ટીમ પાસે ભલે વિરાટ કોહલીનો ક્લાસ, રોહિત શર્માનું સ્વાભાવિક કૌશલ્ય, જસપ્રીત બુમરાહની સમયસૂચકતા છે, છતાં ટીમની જીતનો આધાર મોટા ભાગે વિકેટકીપર ધોનીના મગજ પર છે તેવી સ્થિતિ છે.
તેમના ટીકાકારો પણ તેમની અસાધારણ ફિટનેસ, કીપિંગ વખતની ચપળતા અને તીક્ષ્ણ નજરનાં વખાણ કરતાં થાકતા નથી.
જોકે, ફિનિશરની એમની ક્ષમતામાં આવેલી ઓટના કારણે ગયા વર્ષે તેમની મજાક પણ થઈ અને તેમણે પોતાની જગ્યા ખાલી કરવી જોઈએ તેવી યુવાનોમાં માગ પણ ઊઠી.
પણ ધોનીએ ફરી બતાવી દીધું કે દિગ્ગજ ખેલાડી શું હોય. સચીન તેંડુલકરની જેમ જ ધોનીએ પોતાના પ્રદર્શનથી ટીકાકારોને શાંત કર્યા અને છેલ્લા કેટલાક મહિનામાં ટીમ માટે વિજયી ઇંનિંગ પણ રમ્યા.
આમ પણ મેદાન પર જ્યારે જ્યારે ડીઆરએસ લેવાની વાત આવે ત્યારે વિરાટ લગભગ સ્ટમ્પ પાછળ ઊભેલા ધોનીના ઇશારા પછી જ પોતાનો નિર્ણય લે છે.
વર્લ્ડ કપ દરમિયાન પણ મેદાન પર અને મેદાન બહાર મહત્ત્વના નિર્ણય લેવા માટે વિરાટને ધોનીના અનુભવ અને સૂઝબૂઝની જરૂર પડશે જ.
વર્લ્ડ કપ 2019ના સૌથી વધુ ઉંમરવાન ખેલાડી
ધોની ઉપરાંત દરેક ટીમના વધુ ઉંમરના ખેલાડીઓએ જાહેરાત કરી દીધી છે કે તેઓ આ વર્લ્ડ કપ પછી સંન્યાસ લઈ રહ્યા છે અથવા તો આ વર્લ્ડ કપ તેમનો અંતિમ હશે.
ક્રિસ ગેલ
289 મૅચમાં 25 સદી સાથે 10151 રન કરી ચૂકેલા વેસ્ટ ઇન્ડીઝના તોફાની ખેલાડી ક્રિસ ગેલ સાબિત કરી ચૂક્યા છે કે ઉંમર માત્ર એક આંકડો છે.
39 વર્ષ 235 દિવસની ઉંમરના ગેલ જ્યારે પીચ પર ઊભા હોય ત્યારે બૉલર પણ ગભરાતો હોય છે. છેલ્લા બે દશકાથી બૉલરોમાં તેમની ધાક છે.
બ્રાયન લારાના 10405 રનથી માત્ર 254 રન દૂર રહેલા ગેલ વેસ્ટ ઇન્ડીઝના બીજા સૌથી સફળ ખેલાડી છે.
જોકે, છેલ્લાં બે વર્ષમાં તેમના નબળાં પ્રદર્શનને કારણે વિશ્લેષકોએ તેમની કારકિર્દી ખતમ થયેલી ગણાવી દીધી હતી, પરંતુ ફેબ્રુઆરી-માર્ચ 2019માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધની વન-ડે સિરીઝમાં ગેલે ચાર મૅચમાં 135, 50, 162 અને 77 રન કર્યા (દરમિયાન 39 સિક્સ પણ મારી).
ત્યારબાદ આઈપીએલમાં 13 મૅચમાં 40.83 રનની સરેરાશથી 490 રન કર્યા. 2019માં ગેલ ત્યાર સુધીમાં 134 સ્ટ્રાઇક રેટ અને 106ની સરેરાશ સાથે 424 રન કરી ચૂક્યા છે.
2015 વર્લ્ડ કપ દરમિયાન વન-ડેમાં પોતાની એકમાત્ર બેવડી સદી કરનારા ગેલનો આ પાંચમો વર્લ્ડ કપ છે અને ત્યારપછી તેમણે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
ઇમરાન તાહિર
આ યાદીમાં સૌથી પહેલું નામ છે દક્ષિણ આફ્રિકાના ઇમરાન તાહિરનું, જેમની ઉંમર 40 થઈ ચૂકી છે. પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા તાહિર ત્યાં અંડર- 19 ટીમનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ 2011થી તેઓ દક્ષિણ આફ્રિકા માટે રમે છે.
ત્યારથી આજ સુધી તેમણે પોતાની શાનદાર સ્પિન બૉલિંગથી આફ્રિકાને ઘણી મૅચો જિતાડી છે. આજે તેઓ આફ્રિકાની ટીમના સૌથી સારા સ્પિનર છે.
39 વન-ડે મૅચ રમી ચૂકેલા તાહિર ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં જ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂક્યા છે.
ઇમરાન તાહિરની ચાર વિકેટના કારણે જ 2015ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવીને પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
2019ના વર્લ્ડ કપ પહેલાં ઇમરાન તાહિર આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્ઝમાંથી રમતા હતા. તેમણે દરેક ટીમના બૅટ્સમૅનને પોતાની ફીરકી પર નચાવ્યા અને ઑરૅન્જ બૉલ (સૌથી વધુ વિકેટ) લેનારા બૉલર બન્યા.
મશરફે મુર્તજા
ઑસ્ટ્રેલિયામાં રમાયેલા 2015 વર્લ્ડ કપમાં પોતાની ટીમને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચાડનાર મશરફે મુર્તજા પોતાની ટીમના સૌથી અનુભવી અને સૌથી વધુ ઉંમર ધરાવતા ખેલાડી છે.
અત્યાર સુધીમાં 75 વન-ડે મૅચમાં ટીમની કપ્તાની કરી ચૂકેલા મુર્તજા બાંગ્લાદેશના સૌથી સફળ કૅપ્ટન પણ છે.
આમ તો મુર્તજાએ હજુ સુધીમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી નથી, પરંતુ ડિસેમ્બર 2018માં તેઓ બંગ્લાદેશમાં ચૂંટણી જીતીને સાંસદ બની ચૂક્યા છે.
ઉપરાંત 2009થી જ તેઓ ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી. ટી-20 પહેલાં તેઓ સંન્યાસની ઘોષણા કરી ચૂક્યા છે. તેથી એવું અનુમાન છે કે તેઓ વર્લ્ડ કપ બાદ પૂર્ણ રીતે રાજકારણમાં સક્રિય થઈ જશે.
205 મૅચમાં 259 વિકેટ લઈ ચૂકેલા મુર્તજા બાંગ્લાદેશના સૌથી સફળ બૉલર પણ છે. વર્લ્ડ કપમાં મુર્તજા 16 મૅચમાં 18 વિકેટ સાથે 649 રન પણ કરી ચૂક્યા છે.
રૉસ ટેલર
અત્યાર સુધીમાં ત્રણ વર્લ્ડ કપ રમી ચૂકેલા ન્યૂઝીલૅન્ડના 35 વર્ષીય બૉલર રૉસ ટેલર પર પોતાની ટીમને સેમિફાઇનલ સુધી લઈ જવાનો દારોમદાર છે. ટેલરે ગયા વર્ષે 91ની સરેરાશથી 639 રન કર્યા છે. આ વર્ષે તેઓ 11 મૅચમાં 74.13 રનની સરેરાશથી 593 રન કરી ચૂક્યા છે. જોકે, ટેલરનું ફોર્મ બ્લૅક કૅપ્સ માટે વર્લ્ડ કપમાં મહત્ત્વનું હશે.
અન્ય પણ ઘણા....
આ ઉપરાંત પાકિસ્તાન માટે 204 વન ડે રમી ચૂકેલા 38 વર્ષના મીડલ ઑર્ડર બૅટ્સમૅન મોહમ્મદ હફીઝ, શ્રીલંકાના 36 વર્ષના ઑલરાઉન્ડર જીવન મેંડીસ, ઑસ્ટ્રેલિયાના 35 વર્ષના શૉન માર્શ, અફઘાનિસ્તાન ક્રિકેટને પોતાની વર્તમાન ટોચ પર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર 34 વર્ષના ઑલરાઉન્ડર મોહમ્મદ નબી અને ઇંગ્લૅન્ડના 34 વર્ષના બૉલર લિયમ પ્લંકેટ મોટી ઉંમરના ખેલાડીઓ છે.
ઉપરાંત શ્રીલંકાના 35 વર્ષના જાણીતા ખેલાડી લસિથ મલિંગા, દક્ષિણ આફ્રિકાના 36 વર્ષના હાશિમ અમલા અને 35 વર્ષના બૉલર ડેલ સ્ટેન અંગે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ તેમનો અંતિમ વર્લ્ડ કપ હોઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો