You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પે થેરેસા મેને કહ્યું, ‘ઈયુ સામે કાયદાકીય કાર્યવાહી કરો’
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને એવી સલાહ આપી હતી કે યુરોપિયન સંઘ (ઈયુ) સાથે વાટાઘાટ કરવાને બદલે બ્રિટને તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
થેરેસા મેએ આ વાત BBC સાથેની વાતચીતમાં જણાવી હતી.
ટ્રમ્પે શુક્રવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે બ્રિટિશ વડાપ્રધાનને એક સૂચન કર્યું છે, પણ થેરેસા મેને એ અત્યંત 'ઘાતક' લાગ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે તમને શું સૂચન કર્યું હતું, એવો સવાલ બીબીસીના એન્ડ્ર્યુ મારે પૂછ્યો ત્યારે થેરેસા મેએ કહ્યું હતું, "તેમણે કહેલું કે અમારે ઈયુ સાથે વાટાઘાટ નહીં, પણ તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ."
થેરેસા મેએ બ્રેક્સિટ માટેની તેમની બ્લ્યુપ્રિન્ટનો બચાવ કર્યો હતો અને તેને ટેકો આપવાની વિનતી ટીકાકારોને કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે આ બ્લ્યુપ્રિન્ટ અનુસાર બ્રિટન અન્ય દેશો સાથે વ્યાપાર કરાર કરી શકશે, લોકોની મુક્ત અવરજવર અને યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસના કાર્યક્ષેત્ર પર પૂર્ણવિરામ મૂકી શકાશે.
સંસદસભ્યોને ચેતવણી
કન્ઝર્વેટિવ પક્ષના સંસદસભ્યો બ્રેક્સિટ પર જોખમ સર્જી રહ્યા હોવાની ચેતવણી થેરેસા મેએ આપી હતી.
બ્રિટનને ઈયુમાંથી નીકળી જવાનો આગ્રહ લાંબા સમયથી કરતા કેટલાક સભ્યો થેરેસા મેના બ્રેક્સિટ શ્વેતપત્રથી ખુશ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મેઈલ ઑન સન્ડે' માટે લખેલા એક લેખમાં થેરેસા મેએ બ્રિટનવાસીને "પુરસ્કાર પર નજર રાખવાની" વિનતી કરી હતી.
વ્યાપાર અને કસ્ટમ્સ નીતિ બાબતે આમ સભામાં આગામી સપ્તાહે નિર્ણાયક મતદાન થવાનું છે ત્યારે થેરેસા મેનો આ સંદેશો આવી પડ્યો છે.
થેરેસા મેની યોજનાને નિષ્ફળ બનાવવા માટે તેમના જ પક્ષના યુરોપીયન રિસર્ચ ગ્રૂપના કેટલાક સભ્યો ખરડામાં સુધારો કરાવવા ઇચ્છે છે.
થેરેસા મેના શ્વેતપત્રનો હેતુ વ્યાપાર સહકાર જાળવી રાખવાનો અને બ્રિટન માટે વૈશ્વિક વ્યાપાર કરારોની અનુકૂળતા કરવાનો છે.
ટ્રમ્પે 'સન' અખબારને જણાવ્યું હતું કે થેરેસા મેની દરખાસ્તોને કારણે અમેરિકા સાથેના વ્યાપાર કરાર પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ જશે.
જોકે, એ નિવેદનના કલાકો બાદ તેમણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટન વચ્ચે વ્યાપાર કરાર 'નિશ્ચિત રીતે' શક્ય છે.
થેરેસા મેએ એવું જણાવ્યું હતું કે તેમની પાસે શ્વેતપત્રનો કોઈ કાર્યક્ષમ વિકલ્પ નથી. તેથી ખરડાની વિરુદ્ધ મતદાન કરવાથી બ્રેક્સિટની યોજનાને ઘણું નુકસાન થશે.
હવે પુટિનને મળશે ટ્રમ્પ
સ્કૉટલૅન્ડમાં બીજી રાત પસાર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનથી રવાના થશે. તેઓ પ્રેસ્ટવિક એરપોર્ટથી ફિનલૅન્ડ જશે.
ફિનલૅન્ડમાં હેલસિંકી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન સાથેની શિખર મંત્રણાની તૈયારી કરશે.
શનિવારે કરેલી એક ટ્વીટમાં ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું, "હું સ્કૉટલૅન્ડ આવી પહોંચ્યો છું અને બે દિવસ ટ્રમ્પ ટર્નબેરીમાં રહીશ. એ દરમ્યાન બેઠકો યોજીશ, લોકોને મળીશ અને ગોલ્ફ રમીશ.
"અહીં હવામાન અદભૂત છે. સોમવારે વ્લાદિમિર પુટિન સાથેની બેઠક માટે આવતીકાલે હું હેલસિંકી જઈશ."
આ બેઠક પહેલાં ટ્રમ્પે કહ્યું હતું પુતિન 'કદાચ' 'નિષ્ઠૂર માણસ' છે.
બીજી તરફ અમેરિકાએ રશિયાના 12 ગુપ્તચર અધિકારીઓ પર ચૂંટણીમાં દખલગીરી સંબંધી આરોપ મૂક્યા પછી અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની સોમવારની બેઠક રદ્દ કરવાની હાકલ કરવામાં આવી હતી.
જોકે, વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સેન્ડર્સે જણાવ્યું હતું કે હેલસિંકીમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ બન્ને દેશના વડાઓ વચ્ચે બેઠક યોજાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો