You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુરમીત રામ રહીમ : ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ વધુ એક હત્યાના કેસમાં દોષી જાહેર
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ડેરા પ્રેમી રણજિતસિંહની હત્યાના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે.
પંચકૂલામાં સીબીઆઈની ખાસ અદાલતે એમને આ મામલે દોષી ઠેરવ્યા છે.
રણજિતસિંહની હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમ ઉપરાંત અન્ય પાંચ લોકોને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ પહેલાંથી જ એક બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે.
હાલ જેમની હત્યાના કેસમાં ગુરમીત રામ રહીમને દોષી ઠેરવવામાં આવ્યા છે તે રણજિતસિંહ ડેરાની 10 સભ્યોની વ્યવસ્થા સમિતિના સભ્ય હતા.
વર્ષ 2002માં એમની હત્યા થઈ હતી જે બદલ ડેરા પ્રમુખને દોષી ઠેરવવામાં આવ્યા છે.
હત્યા અને હિંસાનો ઇતિહાસ
25મી ઑગસ્ટ 2017ના દિવસે પંચકૂલાની વિશેષ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને રેપના ગુનામાં દોષી ઠેરવ્યા હતા.
2002માં ગુરમીત સામે રેપના બે અલગઅલગ કેસ દાખલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંનેમાં રામ રહીમને દસ-દસ વર્ષની સજા તથા 15 લાખ દસ હજાર (બંને કેસમં અલગથી)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એ સમયે કોર્ટના ચુકાદા બાદ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં તણાવ ફેલાયો હતો.
હિંસાને કારણે હરિયાણામાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.
પંચકૂલાની જ ખાસ સીબીઆઈ કોર્ટે 2019માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાને મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષી જાહેર કર્યા હતા.
પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ સાથે અન્ય ત્રણ લોકો કુલદીપસિંહ, નિર્મલસિંહ અને કૃષણલાલને પણ દોષી માનવામાં આવ્યા હતા અને સજા કરવામાં આવી હતી.
બળાત્કાર અને પત્રકારની હત્યા બેઉ કેસમાં ખાસ સીબીઆઈ અદાલતના જજ જગદીપસિંહે ફેંસલો આપ્યો હતો.
જે બળાત્કારના કેસમાં રામ રહીમ જેલમાં છે તેની જાણકારી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ જ 2002માં રજૂ કરી હતી. રામચંદ્ર છત્રપતિ સિરસાના એક સાંજના દૈનિક પૂરા સચના સંપાદક હતા.
રામચંદ્ર છત્રપતિને 2002માં એક ગુમનામ ચિઠ્ઠી હાથ લાગી, જેમાં ડેરામાં સાધ્વીઓના શોષણની વાત હતી.
તેમણે આ ચિઠ્ઠીને છાપી દીધી જે બાદ તેમને મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. 19 ઑક્ટોબરની રાત્રે છત્રપતિને ઘરની સામે જ ગોળી મારી દેવામાં આવી અને 21 ઑક્ટોબરના રોજ દિલ્હીની ઍપોલો હૉસ્પિટલમાં તેમનું મોત થઈ ગયું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો