T-20 Word Cup : ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન?

દુબઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં મોટા ભાગના ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સંયુક્ત આરબ અમિરાત અને ઓમાનમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

એ ઉપરાંત ત્રણ ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

વળી બીસીસીઆઈએ ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વર્લ્ડકપ માટે મોટી જવાબદારી સોંપી છે.

સચિવ જય શાહ અનુસાર ભારતના પૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની ટી-20 વર્લ્ડકપ માટે ટીમનું માર્ગદર્શન કરશે. તેઓ ટીમના મૅન્ટર તરીકેની ભૂમિકામાં રહેશે.

ટીમમાં કોણસામેલ અને કોણ બાકાત?

ટીમમાં વિરાટ કોહલી, (કૅપ્ટન) રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ શમીનો સમાવેશ થયો છે.

જ્યારે શ્રેયસ ઐય્યર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

જોકે શિખર ધવન, શ્રેયસ ઐય્યરને 15 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પણ ઐય્યરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઈજાના કારણે વોશિંગ્ટન સુંદર પણ ટીમમાં નહીં હોય. તથા વર્લ્ડકપની ટીમમાં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે થશે મુકાબલો?

ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમશે.

આ મૅચ 24 ઑક્ટોબરે રમાશે. બાદમાં ટીમ ઇન્ડિયા 31 ઑક્ટોબરે ન્યૂઝીલૅન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વૉલિફાય કરનારી ટીમ સામે રમશે.

ગુજરાતના ચાર ખેલાડીઓને સ્થાન

ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરંતુ 15 સભ્યોની ટીમમાં સૌથી ચોંકાવનારું નામ રવિચંદ્રન અશ્વિનનું છે, કેમ કે, અશ્વિન છેલ્લાં ચાર વર્ષથી ભારતીય ટી-20 ટીમનો હિસ્સો નથી. પણ તેમને સ્થાન મળ્યું છે.

જોકે કહેવાઈ રહ્યું છે કે વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાથી તેમને ટીમમાં લેવામાં આવ્યા છે.

વળી આઈપીએલમાં પણ તેમનું પર્ફૉર્મન્સ પ્રભાવક રહ્યું છે. મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્માએ એક દિવસ પહેલાં જ નિવેદનમાં કહ્યું હતું કે અશ્વિનનું પ્રદર્શન આઈપીએલમાં પ્રભાવક રહ્યું છે. આથી તેઓ દાવેદાર છે.

અફઘાનિસ્તાન પણ રમશે?

બીજી તરફ બાંગ્લાદેશની ટીમ મહમુદુલ્લાહના નેતૃત્વમાં વર્લ્ડકપમાં ભાગ લેશે. તેમણે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. તો કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂઝીલૅન્ડની ટીમ વર્લ્ડકપમાં ઊતરશે.

17 ઑક્ટોબરથી શરૂ થનારા આઈસીસી T20 વર્લ્ડકપ 2021ની સાતમી સિઝનમાં અફઘાનિસ્તાનની ટીમ પણ ભાગ લેવાની છે.

એક તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થયો છે અને ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ છે. બીજી તરફ આઈસીસીના ટાઇમટેબલમાં અફઘાન ટીમનો પણ સમાવેશ કરાયો છે.

અફઘાનિસ્તાનને અંતિમ 12મા સીધું જ ક્વૉલિફાઇ કરવામાં આવ્યું છે. તેને ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે.

આ વખતે વિશ્વકપમાં ઓમાન, પપૂઆ ન્યૂ ગિની, અફઘાનિસ્તાન ટીમો નવી છે. તે એક નવું આકર્ષણ રહેશે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં

વળી T-20 વિશ્વકપ 2021માં ચાર પ્રકારનાં ગ્રૂપમાં ટીમોને રાખવામાં આવી છે. ગ્રૂપ Aમાં શ્રીલંકા, આયર્લૅન્ડ, નૅધરલૅન્ડ, નામિબિયાને રાખવામાં આવ્યા છે.

જ્યારે ગ્રૂપ Bમાં બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, પપૂઆ ન્યૂ ગિની અને ઓમાનને મૂકવામાં આવ્યા છે.

ત્યારપછી ગ્રૂપ-1માં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વૅસ્ટ ઇન્ડીઝ, વિનર ગ્રૂપ-A, રનર અપ-ગ્રૂપ-Bનો સમાવેશ થાય છે.

તદુપરાંત ગ્રૂપ-2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, રનર અપ-ગ્રૂપ-A, વિનર ગ્રૂપ-Bનો સમાવેશ થાય છે.

ટુર્નામેન્ટ 17 ઑક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. ગ્રૂપ એ અને બીમાં જે વિજેતા ટીમ તથા ઉપ-વિજેતા ટીમ હશે તેમને ગ્રૂપ-1 અને ગ્રૂપ-2માં સ્થાન મળશે.ુલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો