You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પાકિસ્તાની' તાલિબાનીની કહાણી : જૂનીપુરાણી મોટરસાઇકલથી આધુનિક કાર અને હથિયારોના ખજાના સુધી
- લેેખક, મલિક મુદસ્સીર
- પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ
કાબુલના માર્ગો પર અસામાન્ય ગણી શકાય એવો અજંપો અનુભવાઈ રહ્યો છે. એવું લાગે છે કે શહેરનો 70 ટકા ટ્રાફિક અચાનક જ ક્યાંક ગાયબ થઈ ગયો છે.
ઍરપૉર્ટ પર શાંતિ છવાયેલી છે, પણ તેને ફરીથી ચાલુ કરવા માટે કતારના કર્મચારીઓ પહોંચી ગયા છે.
કતારના એક અધિકારીએ મને જણાવ્યું, "અમે થોડા દિવસોમાં જ ઍરપૉર્ટને ફરીથી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. આ માટે અમે પહેલાં બે ટેસ્ટ ફ્લાઇટની ઉડાણ યોજીશું અને એ બાદ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરીશું."
જોકે, આ દરમિયાન અફઘાન સરકારની રચનાને હજુ કેટલો સમય લાગશે એ અંગે કોઈ વાત નથી કરી રહ્યું.
આ બધા વચ્ચે તાલિબાનના એક સભ્ય સાથે થયેલી વિસ્તૃત મુલાકાતે અમને તેના જીવનમાં ડોકિયું કરવાની તક આપી.
વાત એમ હતી કે હોટલમાં ખાતી વખતે એક તાલિબાની અમારી સામે ખાલી પડેલી ખુરશીને ખેંચીને એના પર બેસી ગયો. એની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ હશે.
બેસતાં જ તેણે પ્રશ્ન કર્યો, "તું ઠીક છેને? કોઈ મુશ્કેલી તો નથીને?"
મેં અને મારી પાસે બેસેલા સાથીઓએ કહ્યું, "હા બધું ઠીક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એણે બોલવાનું ચાલુ રાખ્યું, "અમે અહીં તમારી સેવા માટે તો આવ્યા છીએ. અમારું યુદ્ધ તો પૂરું થઈ ગયું છે અને હવે શાંતિ છે."
એ વ્યક્તિએ પોતાનો પરિચય આપતાં જણાવ્યું કે એ 'કમાન્ડો ફૉર્સ'માંથી આવે છે, જે કથિત રીતે તાલિબાનનું 'સ્પેશિયલ સર્વિસીઝ ગ્રૂપ' છે. એવું કહેવાય છે કે આ ફૉર્સ ઍરપૉર્ટથી લઈને દેશના તમામ ભાગમાં હાજર છે અને તેને સૌથી સારી તાલીમ મળી છે.
તાલિબાની સાથે આમને-સામને વાતચીત
સામાન્ય રીતે તાલિબાનના માણસો સાથે અમારી મુલાકાત કાં તો હોટલની લોબીમાં થતી કે કાં તો ઍરપૉર્ટની બહાર કે શહેરમાં ક્યાંક રસ્તા પર; પણ શાંત માહોલમાં સામસામે બેસીને વાત કરવાની આ પ્રથમ તક હતી.
જ્યારે એ તાલિબાનીએ અમારો પરિચય પૂછ્યો કે અમે ક્યાંથી આવ્યા છીએ, શું કરીએ છીએ તો અમે પણ એને કેટલાક સવાલો પૂછી લીધા.
તું ક્યાંનો રહેવાસી છે અને ક્યારથી યુદ્ધ લડે છે? એના જવાબમાં એણે કહ્યું, "હું 25 વર્ષનો છું અને છેલ્લાં 11 વર્ષથી અફઘાનિસ્તાનમાં છું."
"મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને ત્યાં જ મેં નૌશેરાની મદરેસામાં 'કુરાન હિફ્ઝ' (આખું કુરાન યાદ રાખવું) કર્યું."
એણે આગળ વાત કરતાં કહ્યું કે એવું નહોતું કે અફઘાન સૈન્ય લડ્યું જ નથી. એણે જણાવ્યું કે "અફઘાન સૈન્ય બહુ સારી રીતે લડ્યું હતું."
એ બાદ એણે અમને આત્મસમર્પણ કરનારા સૈનિકોની તસવીરો અને વીડિયો બતાવ્યાં અને જણાવ્યું કે કઈ રીતે ગવર્નરના આત્મસમર્પણ બાદ અફઘાન સૈન્યનો પ્રતિરોધ પણ ખતમ થઈ ગયો હતો.
'અમેરિકન હુમલા બંધ થવાથી યુદ્ધ સરળ બન્યું'
એણે આગળ જણાવ્યું, "જે કબજો તમે જોઈ રહ્યા છો એ એટલી સરળતાથી નથી થયો. અફઘાન સૈન્ય સાથે અમારી જબરી લડાઈ થઈ, પણ જ્યારે અમેરિકાના હવાઈ હુમલા બંધ થઈ ગયા ત્યારે અમારું જમીની યુદ્ધ સરળ થઈ ગયું."
એ તાલિબાનીનો દાવો હતો કે ISISને અમેરિકાનું સમર્થન છે. તેણે કહ્યું, "એ (અમેરિકા) અમારી પર હુમલો કરતું હતું પણ એ જ વિસ્તારમાં જ્યારે ISIS અમારી સાથે લડી રહ્યું હોય ત્યારે એ એના પર બૉમ્બમારો નહોતું કરતું."
મેં જ્યારે એને પૂછ્યું છે કે ગત 13 વર્ષમાં કયા વિસ્તારમાં લડ્યો અને કઈ રીતે રહેતો હતો? જીવન કેવી રીતે પસાર કર્યું? તો એ કમાન્ડરે જણાયું કે તે કાબુલ અને બીજાં શહેરોમાં વેશપલટો કરીને રહેતો હતો.
એણે કહ્યું, "મેં જીણીજીણી દાઢી રાખી હતી. ક્યારેક અમે મસ્જિદમાં રહેતા હતા, તો ક્યારેક મદરેસામાં."
આ લડવૈયો લોગર પ્રાંતનો રહેવાવાળો હતો. એણે મને જણાવ્યું કે તે અત્યાર સુધીમાં પાંચ વખત ગંભીર રીતે ઘાયલ થયો છે અને એણે ત્રણ વખત અમેરિકનો પર આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે પણ એને તક નહોતી મળી.
તાલિબાની લડવૈયાએ જણાવ્યું કે એનું નામ લોગરમાં એનડીએસ (ગત સરકારની ગુપ્તચર સંસ્થા)ના વૉન્ટેડ લિસ્ટમાં પણ હતું. તાલિબાનના કબજા બાદ એણે એનડીએસના કાર્યાલયમાં પોતાની તસવીર જોઈ હતી.
'યુદ્ધ માટે અમે પૈસા નથી લેતા'
એણે અમને જણાવ્યું કે એ સુસાઇડ-જૅકેટ, ઍન્ટિ-પર્સનેલ માઇન્સ, ઍન્ટિ-વિહિકલ માઇન્સ બધું જ બનાવી શકે છે. અમારી સાથે વાત કરતી વખતે એ અમને સતત ફોન પર વીડિયો બતાવી રહ્યો હતો.
એણે આગળ કહ્યું, "અમે યુદ્ધ લડવા માટે પૈસા નથી લેતા. હું ફળોના બગીચામાં કામ કરતો હતો અને જે દસ હજાર મળતા હતા એને પણ જેહાદમાં લગાડી દેતો હતો."
એણે કહ્યું કે તે ગમે તે ભોગે પેલેસ્ટાઇન જવા ઇચ્છે છે, પછી તે પગપાળા જ કેમ ન જવું પડે.
યુદ્ધ અંગે વાત કરતાં એણે જણાવ્યું, "અમે કલાકો સુધી ચાલતા હતા અને જો ઘાયલ થઈએ તો ઘણી વખત દિવસો સુધી મલમપટી પણ નહોતી કરાતી."
તેણે એવું પણ કહ્યું કે તાલિબાનને એવાં કેટલાંય હથિયારો મળ્યાં છે જે એકદમ નવાં છે. "અમને મોટી સંખ્યામાં હથિયાર મળ્યાં છે. ગાડીઓ અને ટૅન્કો મળી છે. તમે વિચારી પણ ના શકો એટલો સામાન છે."
"પહેલાં કોઈ ચેકપૉઇન્ટ પર હુમલો કરવાનો હોય તો મારી પાસે એક જૂની બાઇક રહેતી હતી. એક જૂની ક્લાશ્નિકોવ, બે મૅગેઝિન. ક્લાશ્નિકોવનું તો સૅફ્ટી કેશ પણ ખરાબ હતું. પણ હવે મારી પાસે ગાડી છે. એક મોબાઇલ છે અને પૈસા છે. પણ આનો ઉપયોગ હું મારી પોતાની જાત માટે નથી કરતો."
મેં એને પૂછ્યું કે શું એનાં લગ્ન થઈ ગયાં છે તો એણે કહ્યું, "પહેલાં હું ચોરીછૂપીથી પરિવારને મળવા જતો હતો પણ હવે મારા ઘરવાળા મારા માટે છોકરી શોધી રહ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો