You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
9/11 ઍટેક: અમેરિકા પરના હુમલાના ‘માસ્ટરમાઇન્ડ‘ ખાલિદ શેખ મોહમ્મદની સુનાવણી કેમ બાકી છે?
- લેેખક, ગૉર્ડન કોરેરા અને સ્ટીવ સ્વાન
- પદ, બીબીસી ન્યૂઝ
20 વર્ષ પહેલાં અમેરિકામાં થયેલા 9/11ના હુમલાના કાવતરાનો માસ્ટરમાઇન્ડ આજે પણ જેલમાં કોર્ટ ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે. શું એ માણસને વર્ષો પહેલાં રોકી શકાયો હોત?
વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત સાથે ટકરાતાં વિમાનોની તસવીર જ્યારે ટીવી પર દેખાડાઈ રહી હતી તે સમયે ફ્રૅન્ક પેલેગ્રિનો મલેશિયામાં હોટેલના રૂમમાં બેઠા હતા.
તેમના મગજમાં પહેલો જે વિચાર આવ્યો તે એ હતો, "હે ભગવાન! આ તો ખાલિદ શેખ મોહમ્મદ છે. એ મારો માણસ હતો."
ખાલિદ શેખ મોહમ્મદનો ઇરાદો અને ટોર્ગેટ પણ એ જ હતો. ફ્રૅન્ક પેલેગ્રિનોને પોતાની જવાબદારીને કારણે ખાલિદ શેખ મોહમ્મદના આ એજન્ડાની ખબર હતી.
એફબીઆઇના પૂર્વ સ્પેશિયલ એજન્ટ ફ્રૅન્કે ઓછામાં ઓછા ત્રણેક દાયકા સુધી ખાલિદ શેખ મોહમ્મદ પર નજર રાખી હતી. એ 9/11ની જઘન્ય ઘટનાનો અત્યાર સુધીનો કથિત માસ્ટરમાઇન્ડ છે અને અદાલતના ફેંસલાની રાહ જુએ છે.
ખાલિદ શેખ મોહમ્મદના એક વકીલે બીબીસીને જણાવ્યું કે આ મુકદ્દમાનો ફેંસલો થતાં હજી બીજાં 20 વર્ષ થઈ શકે એમ છે.
ખાલિદ શેખ મોહમ્મદ પર અમેરિકનોની નજર
9/11ના હુમલા માટે મુખ્યરૂપે અલ-કાયદાનો ટોચનો ચરમપંથી ઓસામા બિન લાદેન જવાબદાર ગણાતો હતો.
પરંતુ આ હુમલાની તપાસ કરી રહેલા કમિશનના રિપૉર્ટમાં ખાલિદ શેખ મોહમ્મદ અથવા કેએસએમને આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર ગણવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આક્ષેપ છે કે ખાલિદ શેખ મોહમ્મદ જ એ વ્યક્તિ છે જેને આવો આઇડિયા આવ્યો અને એણે એ આઇડિયા અલ-કાયદા સુધી પહોંચાડ્યો.
કુવૈતમાં જન્મેલા ખાલિદ શેખ મોહમ્મદે અમેરિકામાં અભ્યાસ કર્યો છે. 80 ના દાયકામાં એ અફઘાનિસ્તાનમાં લડેલો. 9/11ના હુમલાનાં વર્ષો પહેલાં એફબીઆઇના એજન્ટ ફ્રૅન્ક પેલેગ્રિનોને આ જેહાદી પર નજર રાખવાનું કામ સોંપાયું હતું.
9/11ના હુમલાનાં ઘણાં વર્ષ પહેલાં 1993માં કટ્ટરવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને પોતાના લક્ષ્ય તરીકે નિર્ધારિત કર્યું હતું. ફ્રૅન્કને આ જ બાબતની તપાસ કરવાનું કામ સોંપાયું હતું. હુમલાની આ ઘટનામાં સંકળાયેલા એક વ્યક્તિને પૈસા મોકલ્યા પછી ખાલિદ શેખ મોહમ્મદ પહેલી વાર અમેરિકનોની નજરે ચડ્યો હતો.
એફબીઆઈ એજન્ટ ફ્રૅન્કને કેએસએમની મહત્ત્વાકાંક્ષાઓની 1995માં પહેલી વાર ખબર પડેલી. તે વખતે પ્રશાંત મહાસાગરની ઉપર કેટલાંક આંતરરાષ્ટ્રીય વિમાનોને ઉડાવી દેવાના કાવતરામાં તેનું નામ હતું.
કતારમાં કેએસએમની હાજરી
90ના દાયકાના મધ્યમાં ફ્રૅન્ક આ માણસની ધરપકડ કરવા સુધી પહોંચી ગયેલા. તેમણે કેએસએમને કતારમાં શોધી લીધો હતો.
કેએસએમની ધરપકડ કરવા ફ્રૅન્ક અને એમની ટીમ ઓમાન પહોંચી હતી. ત્યાંથી તેઓ કતાર જવાના હતા. કેએસએમને પકડીને લઈ આવવા માટે એક વિમાન પણ તૈયાર રખાયું હતું. પણ અમેરિકન રાજદ્વારીઓ આ ઑપરેશન પૂરું કરવામાં અચકાતા હતા.
ફ્રૅન્ક કતાર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે અમેરિકન રાજદૂત અને એલચી કચેરીના બીજા અધિકારીઓને કેએસએમને પકડવાની યોજનાથી માહિતગાર કરી દીધા હતા. પરંતુ, ફ્રૅન્કે એમ જણાવ્યું કે, અમેરિકન રાજદ્વારીઓ કતારમાં કોઈ પ્રકારનો બખેડો કરવા નહોતા ઇચ્છતા.
ફ્રૅન્ક યાદ કરીને જણાવે છે કે, "મને લાગે છે કે એમણે એમ વિચાર્યું હશે કે આવું કરવાથી ત્યાં બબાલ થઈ જશે."
આખરે, અમેરિકન રાજદૂતે કતારના અધિકારીઓને ટાંકતા ફ્રૅન્કને જણાવ્યું કે કેએસએમ છટકીને જતો રહ્યો છે. ફ્રૅન્ક જણાવે છે કે, "એ વખતે બહુ ગુસ્સો ચડ્યો, બેહદ નિરાશા અનુભવી. અમે એ વખતે જાણતા હતા કે અમે તક ગુમાવી છે."
જો કે ફ્રૅન્ક એમ પણ માને છે કે નેવુંના દાયકાના મધ્યમાં કેએસએમને વધુ મહત્ત્વ નહોતું અપાયું.
ખાલિદ શેખ મોહમ્મદના સંપર્કો અને સક્રિયતા
ફ્રૅન્ક પેલેગ્રિનો અમેરિકાના ટૉપ ટેન મોસ્ટ વૉન્ટેડના લિસ્ટમાં કેએસએમનું નામ દાખલ નહોતા કરાવી શક્યા. તેઓએ જણાવ્યું કે, "મને એમ કહેવામાં આવ્યું હતું કે એ લિસ્ટમાં પહેલાંથી જ કેટલાક આતંકવાદીઓનાં નામ છે."
કદાચ, ખાલિદ શેખ મોહમ્મદને એ વાતની ગંધ આવી ગઈ હતી કે અમેરિકા એનાં વર્તન-વ્યવહાર પર ધ્યાન રાખે છે. કદાચ એટલે જ, એ કતાર ભાગી ગયેલો અને ત્યાંથી એ અફઘાનિસ્તાનમાં પહોંચી ગયેલો.
એ પછીનાં થોડાં વર્ષોમાં કેએસએમનું નામ ક્યારેક ક્યારેક ચમકતું રહ્યું. દુનિયાના જુદા-જુદા ખૂણે પકડાતા સંદિગ્ધ અંતિમવાદીઓની ફોનબુકમાં એનું નામ જોવા મળતું હતું. આનાથી એ વાત સમજાતી હતી કે કેએસએમના સંપર્કો તાજા હતા અને એ હજી પણ સક્રિય હતો.
માનવામાં આવે છે કે, એ જ દિવસોમાં ખાલિદ શેખ મોહમ્મદ એટલે કેએસએમ 9/11ના હુમલાના આઇડિયા સાથે ઓસામા બિન લાદેનને મળ્યો હતો.
કેએસએમ ઇચ્છતો હતો કે અંતિમવાદીઓને વિમાન ઉડાડવાની (ફ્લાયિંગ) ટ્રેનિંગ આપવામાં આવે અને તેઓ વિમાન લઈને અમેરિકામાં ઘૂસીને ઇમારતોને નિશાન બનાવે. આખરે, 9/11નું કાવતરું સફળતાથી પૂરું કરવામાં આવ્યું.
જ્યારે અલ-કાયદાના એક મોટા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી અને તેણે ઓળખ પરેડમાં સામે ઊભેલા ખાલિદ શેખ મોહમ્મદને ઓળખી લીધો, ત્યારે કેએસએમની ભૂમિકા વિશેની ફ્રૅન્કની શંકા સાચી સાબિત થઈ.
સીઆઇએની બ્લૅક સાઇટ
પેલેગ્રિનો જણાવે છે કે, "દરેકને એવું લાગેલું કે જેણે આ કામ કર્યું છે એ તો ફ્રૅન્કનો માણસ (બંદો) છે. જ્યારે અમને ખબર પડી કે આ એ જ માણસ છે, ત્યારે સૌથી ખરાબ હાલત મારી જ હતી."
2003માં કેએસએમ પાકિસ્તાનમાં હોવાની બાતમી મળી હતી અને તેઓ તેને પકડવા ગયેલા. ફ્રૅન્કને આશા હતી કે કેએસએમની વિરુદ્ધ એણે જે અને જેટલી સાબિતીઓ (એવિડન્સ) એકઠી કરી છે તેના આધારે મુકદ્દમો ચલાવાશે, પણ કેએસએમ ફરી લાપતા થઈ ગયો.
કેએસએમને સીઆઈએએ પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો અને પૂછપરછ માટે એજન્સીની એક બ્લૅક સાઇટ પર કેદ રાખવામાં આવ્યો હતો. સીઆઈએના એક અધિકારીએ એ વખતે કહેલું કે, "એ જે કંઈ જાણતો હતો તે બધું જ હું તરત જ જાણી લેવા માગતો હતો."
સીઆઈએની કસ્ટડીમાં કેએસએમને ઓછામાં ઓછી 183 વાર પાણીમાં ડુબાડીને રાખવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિને એવો આભાસ થવા લાગે કે પોતે ડૂબીને મરી જશે. સીઆઈએ દ્વારા કેદીને ટૉર્ચર કરવાની રીતોમાં રેક્ટલ રિહાઇડ્રેશન (ગુદામાર્ગે ખોરાક આપવો), સૂવા ન દેવો, બળજબરીથી નગ્ન રાખવો અને એનાં બાળકોને મારી નાખવાની ધમકી આપવી જેવી અનેક રીતો સામેલ છે.
કેએસએમને આ બધી નરકયાતનામાંથી પસાર થવું પડ્યું. એણે એ વખતે અંતિમવાદી પ્રવૃત્તિઓમાં પોતાની ભૂમિકાનો ગુનો સ્વીકારી લીધો પરંતુ સીનેટના એક રિપૉર્ટથી એ વાત પ્રકાશમાં આવી કે મોટા ભાગની ખાનગી માહિતીઓ કસ્ટડીમાં રાખવામાં આવેલા લોકો પાસે ઓકાવવામાં આવી છે.
કેએસએમને રૂબરૂ મળવાની તક
સીઆઈએને આ અભિયાનથી મળેલી માહિતી જાણી લીધા પછી કેએસએમને 2006માં ગ્વાંતાનામો બે મોકલી દેવાયો; છેક ત્યારે એફબીઆઈને કેએસએમની પૂછપરછ કરવાની પરવાનગી મળી.
ફ્રૅન્ક પેલેગ્રિનોએ જે વ્યક્તિ (કેએસએમ) પર વર્ષો સુધી નજર રાખી હતી તેને રૂબરૂ મળવાની તક છેવટે જાન્યુઆરી 2007માં તેમને મળી.
ફ્રૅન્કે જણાવ્યું કે, "હું એને જણાવવા માગતો હતો કે 90 ના દાયકાથી એ મારા રડાર પર હતો. 9/11ના હુમલા અંગે હું એની પાસેથી માહિતી મેળવવા માગતો હતો."
જો કે, ફ્રૅન્કે એ વાતચીત વિશે વધારે કશું જણાવ્યું નહીં પરંતુ એટલું જરૂર કહ્યું કે, "તમે માનો કે ન માનો, એની સેન્સ ઑફ હ્યુમર બહુ સારી હતી. એણે મોકળાશથી વાતચીત કરી હતી."
ગ્વાંતાનામો બેમાં કોર્ટની સુનાવણી દરમિયાન કેએસએમ ઘણી વાર જોવા મળ્યો. ફ્રૅન્કે જણાવ્યું કે દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંના એક કેએસએમને પોતે કરેલાં કર્મ પર કોઈ પસ્તાવો નહોતો થતો.
શું તેણે પોતાનો ગુનો કબૂલી લીધો કે એ આખી ટ્રાયલનો સામનો કરવા ધારે છે? આ પ્રશ્નના જવાબમાં ફ્રૅન્કે જણાવ્યું કે, "હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે એણે જે કંઈ કર્યું એ એની નજરે (એના દૃષ્ટિકોણથી) તો યોગ્ય જ હતું પણ ટ્રાયલની પ્રક્રિયામાં એને મજા આવતી હતી."
9/11ની 20મી વરસી
ફ્રૅન્ક યાદ કરતાં જણાવે છે કે, "સળંગ છ દિવસ સુધી મારી સાથે વાત કર્યા પછી છેવટે કેએસએમે વધુ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો."
9/11ના દોષિતોને ન્યાય અપાવવાના કેટલાક લોકોના પ્રયાસો સતત નિષ્ફળ થતા રહ્યા. આ ખટલો ન્યૂ યૉર્કમાં ચલાવવાની કોશિશનો રાજકીય વિપક્ષ અને આમ-નાગરિકો દ્વારા વિરોધ થયો હતો. ન્યૂ યૉર્ક શહેરમાં જ રહેતા ફ્રૅન્કે જણાવ્યું કે, "દરેક જણ બૂમો પાડીને કહેતું હતું કે આ માણસ અમારે ત્યાં ન જોઈએ. એને ગ્વાંતાનામોમાં જ રાખો."
એ પછી ગ્વાંતાનામોના મિલિટરી ટ્રિબ્યૂનલમાં એના પરનો ખટલો શરૂ થયો પણ પ્રક્રિયાની સમસ્યાઓ અને કોરોનાને લીધે સુનાવણી ટળતી રહી. આ અઠવાડિયે કેએસએમના ખટલાની વધુ સુનાવણી થવાની છે પરંતુ સજા માટેના અંતિમ નિર્ણય માટે હજી ઘણી રાહ જોવી પડશે.
ખાલિદ શેખ મોહમ્મદના વકીલ ડેવિડ નેવિન એમ જણાવે છે કે, નવી સુનાવણીનો સમય વિચારપૂર્વક નક્કી કરાયો છે, જેથી 9/11ની 20મી વરસી પર મીડિયાને એ દેખાડી શકાય કે આ બાબતે કશુંક કરાઈ રહ્યું છે.
એમણે બીબીસીને જણાવ્યું કે આ પ્રક્રિયા આવનારાં 20 વર્ષોમાં પણ પૂરી થાય એમ નથી લાગતું. ક્રિમિનલ ડિફેન્સ લૉયર ડેવિડ નેવિન આ કેસ સાથે 2008થી જોડાયેલા છે. તેઓ જણાવે છે કે એ જ વખતે મુકદ્દમો શરૂ કરી દેવાની યોજના હતી પરંતુ અત્યાર સુધીમાં તો એને શરૂ કરવા સુધી પણ પહોંચ્યા નથી.
સૌથી લાંબા અને સૌથી વિવાદાસ્પદ મુકદ્દમામાંનો એક
ડેવિડે જણાવ્યું કે આ કેસની સુનાવણી માટે આઠમા કે નવમા જજને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા જજને મુકદ્દમાને સમજવા 35 હજાર પાનાં વાંચવા પડશે.
ડેવિડે કહ્યું કે, અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી લાંબો અને સૌથી વિવાદાસ્પદ મુકદ્દમો છે.
એનું મુખ્ય કારણ એ હતું કે આ ગુનાના પાંચ આરોપીને સીઆઈએના છૂપા ઠેકાણે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને તેમને ટૉર્ચર કરીને પૂછપરછ કરવામાં આવી હતી. એ માટે એવી દલીલો કરવામાં આવી કે આ રીતે મેળવેલી ગુનાની સાબિતીઓ પર વિશ્વાસ ન કરી શકાય.
ડેવિડ નેવિન જણાવે છે કે અમેરિકામાં આ લોકોને ટૉર્ચર કરવાની જોરદાર વ્યવસ્થા છે. પરંતુ કોઈ પણ આરોપી દોષિત જાહેર કરાય એ સંજોગોમાં આના આધારે જ અપીલ કરી શકાય છે અને મુકદ્દમો વર્ષો સુધી ખેંચી શકાય છે.
અમેરિકાના સૌથી ખરાબ આરોપીઓમાંના એકનો બચાવ કરવામાં શું અનુભવો છો? એ સવાલના જવાબમાં ડેવિડે વધુ તો કશું ન કહ્યું, પણ એટલું જ જણાવ્યું કે એના આરોપી-ગ્રાહક શરૂઆતમાં એ વાતે શંકાશીલ હતા કે એક અમેરિકન વકીલ તેનો બચાવ કરવાના છે. પણ, એકબીજા સાથે તાલમેળ બેસાડતાં એમને ખાસ્સો સમય લાગ્યો હતો.
જ્યારે ખાલિદ શેખ મોહમ્મદને નૌસેનાના એક છૂપા સ્થાને રાખવામાં આવ્યો હતો ત્યારે એના વકીલને એક વૅનમાં 45 મિનિટ ગોળ-ગોળ ફેરવીને ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. એ વૅનની બારીમાંથી બહારનું કશું જોઈ શકાય એમ નહોતું. જો કે, ડેવિડે જણાવ્યું કે કેએસએમને હવે ઓછા છૂપા એવા કૅમ્પ 5માં રાખવામાં આવ્યો છે.
9/11ના અસરગ્રસ્તો-મૃતકોના પરિવારજનો આ ટ્રિબ્યૂનલની સુનાવણીમાં હાજરી આપતા હોય છે એ કારણે આ મુકદ્દમા સાથે જોડાયેલા વકીલો ઈમાનદારીથી વર્તે છે. ડેવિડ નેવિનને કેટલાક પરિવારજનોએ આ બાબતે સવાલ પણ પૂછ્યા છે.
ડેવિડ જણાવે છે કે, "અમારા માટે એ મુશ્કેલીભર્યું છે છતાં અમે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે એવું કશું ન થાય કે જેનાથી એ લોકોની તકલીફો વધુ વધે."
આ કેસને કારણે ફ્રૅન્કનું રિટાયરમેન્ટ ત્રણ વર્ષ પાછું ખેંચાયું છે, કારણે એમણે આ કેસમાં જુબાની આપવાની હતી. ફ્રૅન્ક જણાવે છે કે, "જો ચાલુ નોકરીએ હું આ કરી શક્યો હોત તો સારું હતું." પરંતુ ફ્રૅન્ક હવે નિવૃત્ત થઈ ગયા છે અને તાજેતરમાં જ એમણે બ્યૂરો છોડ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો