You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાને કાબુલમાં અમેરિકાના ડ્રોન ઍટેકને ગણાવ્યો ગેરકાયદેસર
તાલિબાને કાબુલમાં અમેરિકાએ સોમવારે કરેલા ડ્રોન ઍટેકને ગેરકાયદે ગણાવ્યો છે. રવિવારે અમેરિકાએ કાબુલમાં એક ડ્રોન ઍટેક કર્યો હતો અને એ પછી દાવો કર્યો હતો કે આ હુમલામાં કાબુલ ઍરપૉર્ટ પર હુમલો કરવા આવનાર ઇસ્લામિક સ્ટેટના આત્મઘાતીને ઠાર કરવામાં આવ્યો છે.
જોકે, હવે તાલિબાને અમેરિકાએ કરેલા હુમલાને ગેરકાયદે ગણાવ્યો છે અને કહ્યું છે કે કોઈ અન્ય દેશમાં જાણ કર્યા વિના આવો હુમલો કરવો ગેરકાયદેસર છે.
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ચીનની સરકારી ટીવી ચેનલ સીજીટીએન સાથેની વાતચીતમાં કહ્યું કે અમેરિકાએ આ હુમલો તાલિબાનને જાણ કર્યા વિના કર્યો હતો.
એમણે એમ પણ કહ્યું કે, અમેરિકા તરફથી કોઈ અન્ય દેશ પર હુમલો કરવો ગેરકાયદે છે.
સ્થાનિક મીડિયાનું કહેવું છે કે કાબુલમાં થયેલા હુમલામાં 9 લોકો મૃત્યુ પામ્યાં છે.
ટોલો ન્યૂઝના એક એન્કર મુસ્લિમ શેરજાદે ટ્વિટમાં લખ્યું કે મૃતકોમાં અફઘાન સેનાના સૈનિક, બે અનુવાદકો, એક દુકાનદારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હુમલામાં ચાર બાળકો પણ મૃત્યુ પામ્યાં છે.
અમેરિકન સમાચાર ચેનલ સીએનએને પણ પોતાના એક સ્થાનિક સહયોગીને ટાંકીને કહ્યું છે કાબુલમાં અમેરિકાએ કરેલા ડ્રોન હુમલામાં સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યાં છે.
અમેરિકાનો ડ્રોન ઍટેક અને દાવો
અફઘાનિસ્તાનમાં સોમવારે કાબુલ ઍરપૉર્ટને નિશાન બનાવી રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે. જોકે, તેને અમેરિકાની એન્ટિ-મિસાઇલ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો છે એમ કહેવામાં આવી રહ્યું છે. આ હુમલામાં જાન-માલના નુકસાન અંગે હજી કોઈ ચોક્કસ માહિતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાબુલમાં આ ઍરપૉર્ટથી જ લોકોને બહાર ખસેડવામાં આવી રહ્યાં છે અને મંગળવારે અમેરિકાનો અફઘાનિસ્તાનમાં આખરી દિવસ છે.
સોમવારે સવારે એવા સમાચાર આવ્યા તે કાબુલ ઍરપૉર્ટને નિશાન બનાવી પાંચ રૉકેટ છોડવામાં આવ્યા. જોકે, આ હુમલો કોણે કર્યો તે અંગે હજી કોઈ ચોખવટ નથી.
અગાઉ રવિવારે અમેરિકાએ શહેરમાં એક ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકન અધિકારીઓનું કહેવું હતું કે ઍરપૉર્ટ પર હુમલો કરવા આવી રહેલા ઇસ્લામિક સ્ટેટના એક આત્મઘાતી હુમલાખોરને આ ડ્રોન હુમલામાં મારી નાખવામાં આવ્યો છે.
રવિવારે કરેલો ડ્રોન હુમલો અમેરિકા તરફથી કાબુલ ઍરપૉર્ટ પર હુમલા બાદની બીજી વળતી કાર્યવાહી છે. કાબુલ ઍરપૉર્ટ બહાર આત્મઘાતી હુમલામાં 170 લોકો મૃત્યુ પામ્યાં જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.
અગાઉ રવિવારે કાબુલ ઍરપૉર્ટ પાસે ધડાકાના અનેક અહેવાલો સામે આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી કેટલીક તસવીરોમાં ઇમારતોને માથે ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. અફઘાનિસ્તાનના પત્રકારે પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ એ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હોવાની ખરાઈ કરી છે.
તેમણે બીબીસી સાથે થયેલી વાતમાં એવું પણ જણાવ્યું કે તાજેતરનો ધડાકો રૉકેટ-હુમલાને લીધે થયો હતો, રૉકેટે ઍરપૉર્ટ પાસેના એક ઘરને નિશાન બનાવ્યું હતું.
રવિવારે સૂત્રોનું કહેવું હતું કે આ હુમલામાં ઍરપૉર્ટ પર કોઈ હાનિ થઈ નથી.
વધુ એક બ્લાસ્ટની ચેતવણી
અગાઉ કાબુલ ઍરપૉર્ટ પર વધુ એક હુમલો થવાની પ્રબળ શક્યતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને વ્યક્ત કરી હતી. શનિવારે બાઇડને રવિવારે હુમલો થઈ શકે છે એમ કહ્યું હતું.
એ સાથે અમેરિકન નાગરિકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ઍરપૉર્ટ નજીકના વિસ્તારોમાંથી ખસી જાય, કેમ કે 'હુમલાની દહેશત' છે.
યુએસ દ્વારા અફઘાનિસ્તાનમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે યુકેની સેના, રાજદૂતો અને અધિકારીઓ હવે કાબુલમાંથી જઈ ચૂક્યા છે.
અગાઉ 26 ઑગસ્ટના રોજ હામિદ કરઝઈ ઍરપૉર્ટ નજીક થયેલા આત્મઘાતી હુમલામાં 170 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જો બાઇડને નિવેદન જારી કરતાં કહ્યું, "આ અંતિમ હુમલો નહોતો. આ હુમલા સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓને અમે શોધી કાઢીશું અને તેમણે પરિણામ ભોગવવા પડશે."
ગુરુવારે થયેલા હુમલાની જવાબદારી આઈએસ-કે જૂથે લીધી હતી, જેમાં અમેરિકાના સૈનિકો સહિત સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ડ્રોનસ્ટ્રાઇકથી અમેરિકાનો બદલો
અમેરિકાની સેનાનું કહેવું છે કે તેમણે પૂર્વ અફઘાનિસ્તાનમાં ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો, જેમાં ઇસ્લામિક સ્ટેટ જૂથના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
એવો પણ દાવો છે કે કાબુલ ઍરપૉર્ટ પર થયેલા હુમલાની યોજના ઘડનાર આઈએસના સભ્યનું આ ડ્રોન હુમલામાં મૃત્યુ થયું છે.
આ હુમલા એવા વખતે થઈ રહ્યા છે, જ્યારે તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને કાઢવાની કામગીરી અમેરિકા અને અન્ય દેશો કરી રહ્યા છે.
અમેરિકાનું કહેવું છે કે નાંગાહાર પ્રાંતમાં ડ્રોનની મદદથી આ ઑપરેશન હાથ ધરાયું હતું.
બાઇડનનો બદલો લેવાનો વાયદો
ગુરુવારે બ્લાસ્ટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પત્રકારપરિષદ કરીને કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર લોકોને શોધી કાઢીશું.
ફરી હુમલો થવાની સંભાવનાને કારણે અમેરિકાના અધિકારીઓએ કાબુલમાં ફસાયેલા તેમના નાગરિકોને ચેતવણી આપતાં કહ્યું છે કે તેઓ ઍરપૉર્ટને જોડતાં મુખ્ય માર્ગોથી દૂર રહે.
જ્યારે તાલિબાનના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે તેમણે કાબુલ ઍરપૉર્ટની અંદર પૉઝિશન લઈ લીધી છે અને અમેરિકનો જશે એ સાથે જ તેઓ ઍરપૉર્ટને પણ નિયંત્રણમાં લઈ લેશે.
બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે તેઓ આખરી પળ સુધી અફઘાન લોકોને કાઢશે અને જગ્યા હજી તેમની સેનાના નિયંત્રણમાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો