જસ્ટિસ વિક્રમ નાથ : ગુજરાત સરકારની આકરી ટીકાથી સુધારાઓનો માર્ગ ખોલવા સુધી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં અભૂતપૂર્વ ઘટના ઘટી અને એક સાથે બે ન્યાયાધીશને વિદાયમાન આપવામાં આવ્યું. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ તથા જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી.

પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટનાં મહિલા જજની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ રહી છે.

સુપ્રીમ કોર્ટ કૉલિજિયમ દ્વારા કુલ નવ જજની સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક કરવામાં આવી છે, જેઓ આવતા સપ્તાહે પોતાના પદભાર સંભાળશે, જેમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ દ્વારા ગુજરાત હાઈકોર્ટના કાર્યકાળ દરમિયાન એવા કેટલાક ચુકાદા આપવામાં આવ્યા હતા તથા સુધારા લાવવામાં આવ્યા હતા, જેની લાંબાગાળાની અસરો જોવા મળશે.

'લવજેહાદ'નો કાયદો

જસ્ટિસ વિક્રમ નાથે અદાલતમાં અંતિમ દિવસના એક દિવસ પહેલાં જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાથે નોંધપાત્ર ચુકાદો આપ્યો હતો, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના કથિત 'લવજેહાદ કાયદા'ની તર્જ ઉપર લાવવામાં આવેલા 'ગુજરાત ફ્રિડમ ઑફ રિલિજિયન (ઍમેન્ટમૅન્ટ) ઍક્ટ, 2021'માં આંતરધર્મિય લગ્ન માટે એફઆઈઆર દાખલ કરવા પર સ્ટે મૂકતાં વચગાળાના ચુકાદામાં સુધાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ગુજરાત સરકારે માગ કરી હતી કે કલમ-5ને લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી અને તે ધર્માંતરણ સંબંધે છે, એટલે અદાલત દ્વારા તેને અટકાવવામાં ન આવે. પરંતુ મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના નેતૃત્વવાળી ખંડપીઠે એમ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

19મી ઑગસ્ટે હાઈકોર્ટે કલમ ત્રણ, ચાર, ચાર-અથી ચાર-ક, પાંચ, છ તથા છ-અ ઉપર સ્ટે મૂકી દીધો હતો અને ઠેરવ્યું હતું કે લોભ, લાલચ કે ધમકીના આધાર વગર માત્ર આંતરધર્મિય લગ્નના આધારે કોઈની સામે કાર્યવાહી કરવામાં ન આવે.

ગુજરાત સરકારનું વલણ છે કે તે જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે આપેલો આ વચગાળાનો આદેશ સર્વોચ્ચ અદાલતમાં પડકારશે.

કોરોનામાં સરકારની કામગીરીની આકરી ટીકા

એપ્રિલ-2021માં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે સ્વતઃ નોંધ (સુઓ મોટો) લીધી હતી અને રાજ્ય સરકારની કામગીરી ઉપર નજર રાખી હતી.

રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન તથા ઓક્સિજનની ઉપલબ્ધતા અંગેની સ્થિતિ ઉપર નિયમિત રીતે સુનાવણી હાથ ધરી હતી. આ ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ તથા જસ્ટિસ બી. કારિયાની બેન્ચ બેસતી હતી.

જસ્ટિસ વિનીત કોઠારીએ વિદાયકાર્યક્રમ દરમિયાન જણાવ્યું, "હાઈકોર્ટની સુઓ મોટો અરજીના પરિણામ જોવાં મળ્યાં અને લોકોને જીવનરક્ષક દવાઓ તથા ઓક્સિજન નિયંત્રિત ભાવે ઉપલબ્ધ બન્યા."

જસ્ટિસ વિક્રમ નાથે કોરોનાકાળમાં સરકારની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યાં હતા.

જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની પીઠે કોરોના ટેસ્ટિંગ મામલે પારદર્શક વલણ નહીં દાખવવા બદલ સરકારની ટીકા કરી ઍક્શન પ્લાન માગ્યો હતો. આ મામલે અનેક આદેશો સરકારને કરવામાં આવ્યા હતા. આ સમયે યોજાનારી રથયાત્રાને પણ ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી ન હતી.

લાઇવ લૉના અહેવાલ મુજબ એ સમયે પીઠે કહ્યું હતું કે, જો અમુક ધાર્મિક નેતાઓની લાગણીને ઠેસ પહોંચતી હોય તો પણ સરકારની એક માત્ર પ્રાથમિકતા લોકોનું આરોગ્ય જાળવવાની હોવી જોઈએ.

એ સમયે ગુજરાત હાઈકોર્ટે સરકારને ધર્મ અને સ્વાસ્થ્ય વચ્ચે તફાવત સ્પષ્ટ કરીને ઉચિત પસંદગી કરવાની સલાહ આપી હતી.

ગુજરાતમાં ફી મામલે એક કેસમાં એમણે કહ્યું કે, સરકારે એ જોવું જોઈએ કે માતા-પિતાની ફી નહીં ચૂકવી શકવાને સ્થિતિને કારણે બાળકનું શિક્ષણ ન જોખમાવું જોઈએ.

હાઈકોર્ટનો માળખાકીય વિકાસ

લગભગ બે વર્ષના કાર્યકાળ દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથે માળખાકીય વિકાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોનાકાળ દરમિયાન તેમણે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી, યુટ્યૂબ ઉપર મુખ્ય ન્યાયાધીશની અદાલત અને પાછળથી હાઈકોર્ટની બેન્ચોની સુનાવણીનું પ્રસારણ શરૂ કરાવ્યું અને તેના માટેના નિયમ પણ ઘડ્યા.

ગુજરાત હાઈકોર્ટ દેશની પ્રથમ એવી ઉચ્ચ અદાલત છે કે જેની કાર્યવાહીનું પ્રસારણ થાય છે.

આ સિવાય 'માય કેસ સ્ટેટસ' તથા ઈમેલ દ્વારા પુરાવા, ઈ-બુક કોઝ લિસ્ટ, એસએમએસ દ્વારા કેસની સુનાવણીના અપડેટ, હાઈકોર્ટની ટેલિગ્રામ ચેનલ, ઈમેલ દ્વારા કેસના અપડેટ્સ, સાબરમતી જેલમાં જામીન માટેની ઈ-અરજી જેવાં આઈસીટી પગલા લીધાં.

જસ્ટિસ વિક્રમ નાથ કોણ છે?

જસ્ટિસ વિક્રમ નાથનો જન્મ ઉત્તર પ્રદેશમાં તા. 24 સપ્ટેમ્બર 1962ના થયો હતો અને બરાબર 42 વર્ષ બાદ 24 સપ્ટેમ્બર 2004માં તેમને ઍડિશનલ જજ બનાવવામાં આવ્યા.

આ પહેલાં માર્ચ-1987થી તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં જમીન, મહેસૂલી તથા અન્ય બાબતોમાં પ્રૅક્ટિસ કરી. તેઓ ત્રીજી પેઢીએ વકીલ છે અને તેમના પિતા તથા દાદા પણ વકીલાત કરતા હતા.

ફેબ્રુઆરી-2006માં તેમણે કાયમી જજ તરીકે શપથ લીધા.

અલાહાબાદ હાઈકોર્ટમાં હતા ત્યારે વારાણસીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણીને હરીફ ઉમેદવાર અજય રાયે પડકારી હતી. પરંતુ 2016માં જસ્ટિસ વિક્રમ નાથે એ અરજીને કાઢી નાખી હતી. તેઓ સપ્ટેમ્બર-2019માં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.

જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, "ગુજરાત મારા બીજા ઘર સમાન રહેશે. અહીં જજ તરીકે જ નહીં, પરંતુ વ્યક્તિ તરીકે પણ મારો વિકાસ થયો છે અને મારા બંને પુત્રોનાં લગ્ન અહીંના કાર્યકાળ દરમિયાન જ થયાં છે."

ગુજરાત હાઈકોર્ટ ઍડ્વોકેટ ઍસોસિયેશનના વડા યતીન ઓઝાના કહેવા પ્રમાણે, "અગાઉ કોઈ જજની અન્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અથવા તો સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય તેના માટે આવા કાર્યક્રમ યોજાતા રહ્યા છે, પરંતુ પહેલી વખત હાઈકોર્ટમાંથી બે જજની એક સાથે સુપ્રીમ કોર્ટમાં બઢતી થઈ છે. જે ગર્વનો વિષય છે."

ઓઝાના કહેવા પ્રમાણે, "ચીફ જસ્ટિસ વિક્રમ નાથ 'નૉ-નૉનસૅન્સ ઍટિટ્યૂટ' ધરાવતા જજ છે, જેઓ ન્યાયાલયનો ટાઇમ વેડફાવા દેતા નથી. તેમણે ભય કે પક્ષપાત વગર તથા બદઇરાદા વગર સુનાવણી કરી. તેઓ માને છે કે બદલાતા સમય સાથે ન્યાયતંત્રે બદલાવું રહ્યું."

નવા નવ જજોની શપથવિધિ મંગળવારે નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના ઑડિટોરિયમ ખાતે યોજાશે.

સામાન્ય રીતે મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાતો હોય છે, પરંતુ એકસાથે નવ જજ શપથ લઈ રહ્યા હોઈ તેમના પરિવારજનો અને હિતેચ્છુઓને સામેલ કરી શકાય તે માટે ઑડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાશે.

સર્વોચ્ચ અદાલતમાં 34 જજની માન્ય સંખ્યા છે. નવી નિમણૂકો બાદ કુલ સંખ્યા 33 પર પહોંચી જશે અને એક ખાલી જગ્યા રહેશે. બુધવારથી સર્વોચ્ચ અદાલતમાં રૂબરૂ સુનાવણી હાથ ધરાશે.

બેલા એમ. ત્રિવેદીની બઢતી

ગુજરાત હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચનારાં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી પ્રથમ મહિલા જજ છે.

બેલાબહેન ત્રિવેદી પરિવારના અન્ય લોકોની જેમ વકીલના બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતા હતા, આ માટે તેમણે અભ્યાસ પણ કર્યો. તેમના દાદા પાટણમાં વકીલ હતા અને પિતા ડિસ્ટ્રિક્ટ જજ હતા. ન્યાયતંત્રમાં હોવાના કારણે તેમના પિતાની ટ્રાન્સફરેબલ જોબ હતી અને તેમનો ગુજરાતનાં અનેક શહેરોમાં અભ્યાસ થયો.

તેમણે કિરાના ઘરાનામાં સંગીત તાલીમ મેળવી છે અને તેઓ સંગીત વિશારદ પણ છે.

બાદ તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો અને જ્યુડિશિયરની પરીક્ષા પાસ કરીને અમદાવાદ સિવિલ કોર્ટમાં ફરજ બજાવી.

ફેબ્રુઆરી-2011માં તેમને ગુજરાત હાઈકોર્ટમાં ઍડિશનલ જજ બનાવવામાં આવ્યાં. એ જ વર્ષે જૂન મહિનામાં તેમની રાજસ્થાનમાં બદલી કરવામાં આવી.

રાજસ્થાન હાઈકોર્ટમાં તેમની સાથે ફરજ બજાવનારા જસ્ટિસ વિનીત કોઠારીએ જોધપુર ખાતે જસ્ટિસ બેલા ત્રિવેદીના કાર્યકાળને યાદ કરતાં કહ્યું, "એ સમયે હાઈકોર્ટમાં તેમના વિશે ચર્ચા હતી કે તેઓ એક જ મર્દ જજ છે."

જસ્ટિસ બેલા ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટના કાર્યકાળ દરમિયાન સાડાં ત્રણ વર્ષની બાળકી સાથે કુકર્મ આચરી તેની હત્યા કરનારા 22 વર્ષીય ગુનેગારને ફાંસીની સજા કરી હતી અને આ કેસ 'રેરેસ્ટ ટુ રેર' કેમ છે, તેનું વિવરણ આપતો 70 પેજનો ચુકાદો આપ્યો હતો.

ફોન અને મૅસેજ દ્વારા તેમની અદાલતી કાર્યવાહીને પ્રભાવિત કરવાના પ્રયાસ સામે પોલીસ ફરિયાદ કરાવડાવી હતી. ગુજરાત સરકાર પાર્કિંગનીતિ ન ઘડે ત્યાર સુધી મૉલમાં વાહન પાર્કિંગ માટે રૂપિયા નહીં વસૂલવાનો આદેશ આપ્યો હતો, સાથે જ નિર્ધારિત સમય કરતાં વધુ સમય માટે વાહન પાર્કિંગ થાય તો તેના માટેની ફી પણ નક્કી કરી હતી.

અન્ય એક કેસમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ ઠેરવ્યું હતું કે પ્રાણીઓ પણ લાગણી સમજી શકે છે અને પીડા અનુભવે છે, એટલે તેમણે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારા પ્રત્યે નરમાશ આચરવાનો ઇનકાર કરી દીધો હતો.

હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. આમ બંને પાસે ત્રણ વર્ષ કરતાં વધુનો સમયનો કાર્યકાળ રહેશે.

ઍડ્વોકેટ ઓઝાએ તેમના વિદાયમાન દરમિયાન કહ્યું, "જો ગુજરાતને બે જજ ગુમાવવાનું દુખ છે તો સામે દેશને બે જજ મળશે તેની ખુશી પણ છે."

જસ્ટિસ કુરૈશીને બઢતી નહીં

તાજેતરની ભલામણોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠતાના ધોરણની અવગણના કરવામાં આવી હતી.

દેશભરમાં વરિષ્ઠતાની દૃષ્ટિએ બીજા ક્રમાંકે એવા ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને મૂળ ગુજરાતી જસ્ટિસ અકીલ કુરૈશી તથા જસ્ટિસ ડીએન પટેલને બઢતી મળી ન હતી. અકીલ કુરૈશી ગુજરાત હાઈકોર્ટમાં જજ હતા ત્યારે તમણે અમિત શાહને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને લોકાયુક્તની નિમણૂક મુદ્દે રાજ્યની તત્કાલીન મોદી સરકાર વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ પટેલ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. વર્ષ 2004માં બંને જજોની એકસાથે ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂક થઈ હતી.

જસ્ટિસ કુરૈશીની નિમણૂક મધ્ય પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારની રજૂઆત બાદ તેમને ત્રિપુરા હાઈકોર્ટ મોકલવામાં આવ્યા હતા.

'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, જસ્ટિસ આરએફ નરીમાન ઇચ્છતા હતા કે વરિષ્ઠતાના આધારે નિમણૂક કરવામાં આવે, પરંતુ કૉલિજિયમના અન્ય સભ્યો તેના માટે સહમત ન હતા, એટલે જ તેમની નિવૃત્તિ બાદ નવું કૉલિજિયમ બન્યું હતું અને એક સાથે બાકી રહેતી જગ્યાઓ ભરવામાં આવી હતી.

કૉલિજિયમ વચ્ચે સહમતી સધાઈ નહીં શકવાને કારણે બે વર્ષ સુધી દેશની સર્વોચ્ચ અદાલતમાં નવી ભરતી થઈ શકી ન હતી અને તેની સભ્ય સંખ્યા 34માંથી 24 ઉપર આવી ગઈ હતી.

વર્ષ 2019માં રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે જસ્ટિસ વિક્રમનાથની આંધ્ર પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરતી ભલામણ મોદી સરકારને મોકલી હતી. પરંતુ કેન્દ્ર સરકારે તેને પાછી મોકલી દીધી હતી અને તેની ઉપર ફેરવિચારણા કરવા માટે જણાવ્યું હતું.

જે બાદ સુપ્રીમ કોર્ટની કૉલિજિયમે જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમ્યા હતા, જેને સ્વીકારી લેવામાં આવી હતી.

આથી જ એવું માનવામાં આવતું હતું કે સુપ્રીમ કોર્ટમાં તેમની પદોન્નતિમાં અવરોધ ઊભો થઈ શકે છે, પરંતુ એમ થયું નહોતું.

કૉલિજિયમ દ્વારા વકીલ પીએસ નરસિહ્માને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે, જેને કેન્દ્ર સરકારે બહાલ રાખી છે.

અગાઉ એસ.એમ. સિકરી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનેલા યુયુ લલિત આવતા વર્ષે દેશના મુખ્ય ન્યાયાધીશ બનશે. અને પીએસ નરસિહ્મા ઑક્ટોબર-2027માં દેશના ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ ઉપર પહોંચશે.

હાલની કૉલિજિયમમાં દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ તથા એલ. નાગેશ્વર રાવનો સમાવેશ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો