You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઓછા વરસાદને લીધે દુકાળનો ભય, ડૅમોમાં કેટલું પાણી બચ્યું છે?
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહ્યું છે અને દેશમાં વરસાદની અછત ધરાવતાં રાજ્યોમાં ગુજરાત સામેલ છે.
'સ્કાયમેટ વૅધર'ના જણાવ્યા પ્રમાણે ચોમાસા દરમિયાન ગુજરાતના હવામાનમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.
ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યમાં વરસાદની ઘટ 50 ટકાની નજીક પહોંચી ગઈ છે.
વર્તમાનમાં ગુજરાતનાં 200 કરતાં વધારે ડૅમ તથા જળાશયોમાં પાણીનો 48.99 ટકા જેટલો જથ્થો બચ્યો છે.
ખેડૂતો પોતાનો ઊભો પાક બચાવવા વલખાં મારે છે, તો પીવાના પાણીની તંગી થશે કે કેમ એવા પણ પ્રશ્નો પુછાઈ રહ્યા છે.
પાછોતરો વરસાદ ન થાય તો દુકાળ પડશે?
ઑગસ્ટના પ્રથમ 26 દિવસમાં ગુજરાતમાં માત્ર 54 મિલિમિટર વરસાદ નોંધાયો, જે વર્ષના આ સમયમાં પડતા સરેરાશ વરસાદના 15 ટકા જેટલો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2020માં આ સમયગાળા દરમિયાન 543 મિલિમિટર, જ્યારે 2019માં 400 મિલિમિટર વરસાદ પડ્યો હતો. જીડીએસએમએ મુજબ રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં આ સૌથી નબળું ચોમાસું છે.
ગુજરાતમાં ચાલુ ઋતુમાં વરસાદની આશરે 47 ટકા જેટલી ઘટ જોવા મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના હવામાનખાતા મુજબ એક જૂન 2021થી 25 ઑગસ્ટ સુધીના ગાળામાં ભારતના 694 જિલ્લામાં વરસાદમાં ઘટ પડી છે, જેમાંથી અમુક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
આ જિલ્લાઓમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, આ પરિસ્થિતિમાં રાજ્યમાં દુકાળનો ભય જોવા મળી રહ્યો છે.
આણંદ ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના ક્લાઇમેટૉલૉજી વિભાગના પ્રોફેસર મનોજ લુંગારિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે, પણ 2021માં આ બે મહિના દરમિયાન ઓછો વરસાદ થતાં ગુજરાતના ઘણા વિસ્તારો દુકાળગ્રસ્ત વિસ્તારોની કૅટગરીમાં આવી શકે છે."
"તેમાંય ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે."
તેમણે વધુમાં કહ્યું કે, "ભારતીય હવામાનખાતાનું અનુમાન છે કે તારીખ પહેલી સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બર વચ્ચે અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે, જો પાછોતરો વરસાદ પડ્યો તો પરિસ્થિતિમાં થોડો ફેર પડી શકે છે."
દક્ષિણ ગુજરાતમાં જ્યાં સરેરાશ સારો વરસાદ નોંધાતો હોય, ત્યાં પણ આ વખતે વરસાદની ઘટ જોવા મળી છે.
ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા એવા જિલ્લા છે, જ્યાં વરસાદમાં 60 ટકા જેટલી ઘટ પડી છે.
ભારતીય હવામાનખાતાના આંકડા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચાસ ટકા જેટલી ઘટ પડી છે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે "રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. સિંચાઈ માટે પાણી પૂરું પાડતાં 200 જેટલાં જળાશયોમાં હાલ પાણીનો જથ્થો ઓછો છે."
આ કહીને તેમણે પણ જણાવી દીધું કે સરકાર પરિસ્થિતિની સામે મજબૂર છે.
સરકારનું કહેવું છે કે ગુજરાત માટે પૂરતું પીવાનું પાણી
ગુજરાતમાં આ વર્ષે વરસાદમાં ઘટ હોવા છતાં રાજ્યના લોકોને પીવાના પાણીની અછત નહીં સહન કરવી પડે, એવું ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગુરુવારે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, "સરદાર સરોવર ડૅમમાં ગત વર્ષ કરતાં ઘણું ઓછું પાણી છે અને નર્મદામંત્રી તરીકે હું એટલું કહી શકું કે નર્મદા ડૅમમાં રાજ્યના ચાર કરોડથી વધારે લોકોને પીવાનું પાણી મળી રહે તેટલો જથ્થો છે."
તેમણે કહ્યું હતું કે "વરસાદની અછત છતાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમમાં આખું વર્ષ ચાલે એટલો પીવાના પાણીનો જથ્થો છે."
સિંચાઈના પાણીની વાત કરતાં અગાઉ નીતિન પટેલે કહ્યું હતું કે ડૅમમાં પાણી હોય તો સિંચાઈ માટે પાણી આપવામાં આવે ને.
હજારો ખેડૂતો જે ખેતી માટે વરસાદ પર નભે છે. તેમની સામે વરસાદ ખેંચાતાં મુશ્કેલી ઊભી થઈ હતી અને ચોમાસુ પાક નષ્ટ ન થાય તે માટે સિંચાઈના પાણીની માગ વધી રહી હતી.
ઑગસ્ટના બીજા અઠવાડિયામાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઊભા પાકને બચાવવાના હેતુથી સિંચાઈ માટે વિવિધ જળાશયોમાંથી પાણી છોડવાનો આદેશ આપ્યો હતો.
એ વખતે તેમણે કહ્યું હતું કે "સિંચાઈ માટે જળાશયોમાંથી પાણી છોડવાની સાથે-સાથે 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો પુરવઠો અનામત રાખવામાં આવી રહ્યો છે."
ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી બચ્યું છે?
હજી બે વર્ષ પહેલાં ગુજરાતનાં 204 જળાશયોમાંથી 114 જેટલાં જળાશયો છલકાઈ રહ્યાં હતાં પરંતુ આ વખતે ચોમાસું પૂરું થાય એ પહેલાં જ જળાશયોમાં પાણીનો પુરવઠો 50 ટકાથી પણ ઓછો થઈ ગયો છે.
ગુજરાત સરકારના પાણીપુરવઠા વિભાગ મુજબ ગુજરાતમાં 207 જેટલાં જળાશયો છે. જેમાંથી ગુજરાતના મુખ્ય સ્રોતોમાંથી સૌથી મોટા સરદાર સરોવર ડૅમમાં જળસ્તર 115.67 મીટર છે, છેલ્લે 17 સપ્ટેમ્બર 2020ના ડૅમમાં જળસ્તર મહત્તમ સપાટીએ એટલે કે 138 મીટર સુધી પહોંચ્યું હતું.
ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો એ ઉપરાંત નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશમાં નર્મદા ડૅમનો જે કમાન્ડ વિસ્તાર આવેલો છે, ત્યાં પણ ઓછો વરસાદ પડવાને કારણે સરદાર સરોવર ડૅમમાં પાણીનું પ્રમાણ ઓછું છે.
સરદાર સરોવર ડૅમની અધિકૃત વેબસાઇટ મુજબ આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 18 લાખ હેક્ટર જમીન પર સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે અને તેનાથી દસ લાખ ખેડૂતોને લાભ આપવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત 9490 ગામ તથા 173 શહેરમાં રહેતા ત્રણ કરોડ લોકોને પીવાનું પાણી અપાય છે.
એ સિવાય ગુજરાતના બીજા ડૅમોમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
ગુજરાત સરકારના પાણીપુરવઠા વિભાગ મુજબ 27 ઑગસ્ટના આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયો અને મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાંથી એક પણ જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો નથી.
જ્યારે દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાંથી માત્ર એક જળાશય પૂરું ભરાયેલું છે. તારીખ 27 ઑગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં આ 45 જળાશયોમાં પાણીનો 54 ટકા જથ્થો છે.
27 ઑગસ્ટના દિવસે કચ્છનાં 20 જળાશયોમાં પાણીનો 20.84 ટકા પુરવઠો છે અને સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાંથી બે ડૅમ સિવાય કોઈ પણ ડૅમ સંપૂર્ણ ભરેલો નથી. સૌરાષ્ટ્રનાં જળાશયોમાં 39.96 ટકા પાણી જ છે.
આમ જોઈએ તો સરદાર સરોવર ડૅમ સહિત ગુજરાતનાં કુલ 207 જળાશયોમાં તારીખ 27 ઑગસ્ટના દિવસે 48.99 ટકા જેટલું પાણી છે.
ગુજરાતમાં પાણીની તંગી માટે માત્ર નબળું ચોમાસું જવાબદાર?
હવે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે, ત્યારે આવનારા મહિનાઓમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે?
જો આવનારા દિવસોમાં સારો વરસાદ ન પડે તો ગુજરાતનાં જળાશયોમાં જેટલું પાણી બચ્યું છે, તેનાથી આગામી ચોમાસા સુધી પાણીની કેવી તંગી સર્જાઈ શકે છે?
આ અંગે કર્મશીલ અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા સાગર રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "સરદાર સરોવર ડૅમ પ્રોજેક્ટમાં વર્ષે દસ લાખ મિલિયન એકર ફૂટ જેટલો પુરવઠો પીવાના પાણી માટે અનામત રાખવાનો હોય છે."
"તેની તુલનામાં આશરે 50 ટકા જેટલું પાણી ડૅમમાં છે, ત્યારે આવનારા દિવસોમાં પાછોતરો વરસાદ ન થાય તો આગામી ઉનાળા સુધી પાણીની તંગીની આશંકા છે."
તેમનું કહેવું છે કે ભલે આ તંગી મોટાં શહેરોમાં ન દેખાય પણ કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ શકે છે.
તેમનું માનવું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે સ્થાનિક સ્રોતોનો વિકાસ કરવાની જરૂર હતી, એ બધા સ્રોતો હવે ધૂળ ખાઈ રહ્યા છે.
અલગ-અલગ જિલ્લાઓમાં પીવાનું પાણી સ્થાનિક સ્રોતોની જગ્યાએ નર્મદા કૅનાલ મારફતે પહોંચતું કરાયું છે. એ પરિસ્થિતિમાં મુશ્કેલી એ છે કે સરદાર સરોવર ડૅમ અને નર્મદા કૅનાલ પર પીવાના પાણી માટે બહુ મોટા વિસ્તારમાં રહેતા કરોડો લોકો નિર્ભર છે.
સ્થાનિક પાણીના સ્રોતોને વિકસાવવા પર ભાર મૂકતાં સાગર રબારી જણાવે છે, "નર્મદા ગુજરાતની જીવાદોરીસમાન છે, પરંતુ વિકલ્પના સ્વરૂપમાં સ્થાનિક સ્રોતો અને જળાશયોનો વિકાસ પણ જરૂરી છે."
ત્યારે વૉટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કરનું માનવું છે કે પાણીની સમસ્યા માત્ર ઓછા વરસાદને કારણે ઊભી થઈ છે, એવું નથી.
તેમનું માનવું છે કે "કેટલાક વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો છે અને અમુક ડૅમમાં પાણી છે."
તેઓ ઉકાઈ ડૅમનું ઉદાહરણ આપે છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન મુજબ ઉકાઈ ડૅમમાં 27 ઑગસ્ટે જળસ્તર 328.74 ફૂટ છે. ત્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં 44 સ્ટેશનોમાંથી ઉકાઈ ડૅમને પાણી મળે છે. મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ થતાં ગત દસ દિવસમાં ત્યાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેથી ઉકાઈ ડૅમમાં જળસ્તર વધ્યું હતું.
હિમાંશુ ઠક્કરનું માનવું છે કે, "પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર નહીં બને."
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં પીવાનું પાણી પૂરું પાડતાં સરદાર સરોવર ડૅમમાં એક વર્ષ સુધી ચાલે એટલો પીવાના પાણીનો જથ્થો છે, એવું ગુજરાત સરકારે કહ્યું છે.
આ અંગે હિમાંશુ ઠક્કરનું કહેવું છે કે, "સરદાર સરોવર પ્રોજેક્ટના ભાગે આવતા કુલ પાણીમાંથી પીવાના પાણીનો ભાગ માત્ર દસ ટકા જેટલો છે. તો શું સરકારે માત્ર દસ ટકા ભાગ જ બચાવ્યો છે?"
સરદાર સરોવર ડૅમના ભાગે આવતાં કુલ નવ મિલિયન એકર ફૂટ પાણીમાંથી આશરે એક મિલિયન એકર ફૂટ કરતાં પણ ઓછું પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવે છે.
તેઓ કહે છે કે "ચોમાસા પહેલાં જૂન અને જુલાઈમાં પાવર જનરેશન માટે પાણી છોડવામાં આવ્યું હતું, જે અંગે સરકારે કહ્યું હતું કે પાણી એટલે છોડવામાં આવે છે કે પાછળથી ડૅમને ભરી શકાય. જો પાણી છોડવામાં ન આવ્યું હોત તો આ પ્રશ્ન જ ન ઊભો થયો હોત."
વિકલ્પ તૈયાર કરવાની જવાબદારી
નિષ્ણાતો માને છે કે દુષ્કાળ ન સર્જાય એ માટે માત્ર ડૅમના પાણી પર આધાર રાખવાને બદલે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
શહેરોમાં અને ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જરૂરી માળખું તૈયાર કરવાથી જેટલો પણ વરસાદ થાય તેનું પાણી સ્થાનિક સ્તરે સચવાઈ જાય છે.
સાગર રબારી સરદાર સરોવર ડૅમનો દાખલો આપતાં કહે છે, "નર્મદાનું પાણી છેક વેરાવળ સુધી પહોંચે છે. દરિયાકાંઠે આવેલા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ જો સ્થાનિક સ્રોતોની જાળવણી થઈ હોત તો હજારો કિલોમિટરની પાઇપલાઇનોના ભરોસે લોકો ન રહ્યા હોત."
હિમાંશુ ઠક્કરનું કહેવું છે કે, "જેટલો પણ વરસાદ પડ્યો હોય, તેનો સંગ્રહ કરવાથી મુશ્કેલીમાં રાહત મેળવી શકાય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો