You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુકાળ-અછત : સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને આદિવાસી જિલ્લાઓમાં શું છે વરસાદની સ્થિતિ?
ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહ્યું છે અને દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતાં રાજ્યોમાં ગુજરાત સામેલ થઈ ગયું છે.
'સ્કાયમેટવૅધર'ના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન રાજ્યના હવામાનમાં ખાસ હિલચાલ જોવા મળી નથી. રાજ્યના કેટલાય વિસ્તારોમાં 20 ઑગસ્ટ સુધી ખાસ વરસાદી માહોલ જોવા મળ્યો નહોતો.
ભારતના હવામાનખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચાલુ ઋતુમાં વરસાદની 46 ટકા ઘટ જોવા મળી છે.
આ દરમિયાન સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં પડી શકે છે વરસાદ?
કયા જિલ્લામાં પડ્યો સૌથી ઓછો વરસાદ?
ગુજરાતમાં 23 ઑગસ્ટ સુધીમાં વરસાદની ઘટ 46 ટકા રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 49 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
સુરેન્દ્રનગરમાં આ વર્ષે તેની સરેરાશ કરતાં 63 ટકા ઓછો વરસાદ થયો છે તો કચ્છમાં સરેરાશ કરતાં 57 ટકા ઓછો વરસાદ થયો છે. જામનગર, ગીર-સોમનાથ તથા પોરબંદરમાં વરસાદની ઘટ 50 ટકાથી વધારે છે.
એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અડધાથી વધારે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને હજી વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. જો આવી જ સ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં શિયાળાથી જ પીવાના પાણીની તંગી સર્જાવાની સ્થિતિ પેદા થઈ શકે છે.
કયા જિલ્લામાં સૌથી વધુ ઘટ?
- ગાંધીનગર (67 ટકા)
- અરવલ્લી (66 ટકા)
- સુરેન્દ્રનગર (63 ટકા)
- અમદાવાદ (58 ટકા )
- બનાસકાંઠા (58 ટકા)
- વડોદરા (56 ટકા)
- સાબરકાંઠા (55 ટકા)
- દાહોદ (55 ટકા)
- મહીસાગર (55 ટકા)
- ગીર-સોમનાથ (54 ટકા)
- ખેડા (53 ટકા)
- પંચમહાલ (55 ટકા)
- જૂનાગઢ (51 ટકા )
- મહેસાણા (50 ટકા)
- જામનગર ( 50 ટકા )
- પોરબંદર (50 ટકા)
કયા જિલ્લામાં ઓછી ઘટ
- વલસાડ (20 ટકા)
- અમરેલી (24 ટકા)
- સુરત (27 ટકા)
- નવસારી (29 ટકા)
- બોટાદ (30 ટકા)
- આણંદ (36 ટકા )
- પાટણ (37 ટકા)
- છોટા ઉદેપુર (33 ટકા)
- ડાંગ (39 ટકા)
- નર્મદા (36 ટકા )
- દેવભૂમિ દ્વારકા (40 ટકા)
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નબળું કેમ?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદે વિરામ લીધો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ઑગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી. જેને પગલે ખેડૂતો પણ ચિંતિત છે.
નોંધનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ હતી જ્યારે આ વર્ષ ચોમાસું નબળું રહ્યું છે.
'સ્કાયમૅટવૅધર' સાથે જોડાયેલા હવામાનશાસ્ત્રી મહેશ પલાવત જણાવે છે, "ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં ચારથી પાંચ લૉ પ્રેશર એરિયા બન્યાં હતાં."
"બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બન્યા બાદ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ આવ્યાં હતાં. જેને કારણે ગત વર્ષે ખૂબ સારો વરસાદ પડ્યો હતો."
"આ વખતે 9 ઑગસ્ટથી બ્રેક મૉન્સૂન કન્ડિશન થઈ ગઈ હતી. બ્રેક મૉન્સૂન કન્ડિશન જ્યારે થાય છે, ત્યારે મૉન્સૂન ટ્રફ હિમાલયની તળેટીમાં જતી રહે. આના પગલે પશ્ચિમનો સૂકો પવન સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં ફૂંકાતો રહ્યો."
"19 ઑગસ્ટથી ઍક્સેસ ઑફ મૉન્સૂન ટ્રફ નીચે દક્ષિણમાં આવી. એટલે જે 10-12 દિવસની બ્રેક મૉન્સૂન કન્ડિશન હતી, તેણે પણ પોતાની અસર બતાવી અને ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ ન રહ્યો."
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ કેમ નહીં?
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવનારા દિવસોમાં કેવો વરસાદ પડશે તેની વાત કરતાં પહેલાં એ જાણી લઈએ કે વરસાદ કેમ ઓછો પડ્યો. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની અધિકારીક શરૂઆત 9 જૂનના રોજ થઈ હતી પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું 18 જૂનની આસપાસ પહોંચ્યું હતું.
ગુજરાતમાં ચોમાસાનો આધાર અરબ સાગર અને બંગાળની ખાડી પર હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા ભાગનો વરસાદ અરબ સાગર પરથી આવતા પવનો લાવે છે. ઉપરાંત ગુજરાતની આસપાસ સર્જાતાં લૉ પ્રેશરને કારણે વરસાદ પડે છે.
ઉપરાંત બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવી, આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો.
જોકે, જે બાદ આ લૉ પ્રેશર ઉત્તર ભારત તરફ આગળ વધી જતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડ્યો નહીં. ઑગસ્ટ મહિનામાં એક પણ સિસ્ટમ ગુજરાતની આસપાસ બની નથી. જુલાઈમાં પણ એકાદ સિસ્ટમ બની હતી. જેના કારણે ખૂબ ઓછો વરસાદ થયો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો