You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૅરાલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ભાવિના પટેલે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, મહેસાણામાં ગરબે રમી ઉજવણી કરાઈ
ટોક્યો પૅરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ (ક્લાસ 4)ની ફાઇલન મૅચમાં ભારતીય મહિલા ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.
ફાઇનલમાં ચીનનાં ખેલાડી ચાઓ ચિંગે તેમને હરાવ્યાં હતાં.
આ પહેલાં શનિવારે તેમણે સેમિફાઇનલમાં ચીનનાં જ ખેલાડી ચાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવ્યાં હતાં.
સિલ્વર મેડલની જીત સાથે જ ગુજરાતમાં ભાવિના પટેલના ગામમાં લોકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી.
ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, "તેણે અમારું ગૌરવ વધાર્યું છે. અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવિના પટેલને અભિનંદન પાઠવી ટ્વિટર પર લખ્યું, "ભાવિના પટેલે ઇતિહાસ સર્જ્યો છે, તેમનું જીવન પ્રેરણાદાયક છે અને વધારે ખેલાડીઓને રમત તરફ ખેંચશે."
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભાવિના પટેલને અભિનંદન પાઠવતાં ટ્વિટર પર લખ્યું, 'તમે દેશને ગૌરવ અપાવ્યું છે.'
પરિવારને હતી જીતની આશા
આ પહેલાં ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર એજનસી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, "હું આજે બહુ જ ખુશ છું. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસ રમી રહી છે, આ એનું જ પરિણામ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ANI પ્રમાણે ભાવિના પટેલે કહ્યું હતું, "હું ફાઇનલ માટે માનસિક રીતે તૈયાર છું. હું મારા તરફથી 100 ટકા પ્રયાસ કરું છું."
પોલિયોની સામે જોસ્સાની જીત
ભાવિના પટેલ મહેસાણા જિલ્લાનાં વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે.
ભાવિના એક વર્ષનાં હતાં, ત્યારે તેમને પોલિયો થઈ ગયો હતો. ભાવિના પટેલે ટોક્યો ઑલિમ્પિક્સ પહેલાં બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કહ્યું હતું:
"હું આઈટીઆઈમાં કોર્સ કરવા માટે ગઈ, ત્યારે મેં પહેલી વખત જોયું કે મારા જેવા જ લોકો ટેબલ ટેનિસ રમી રહ્યા છે."
તે જોઈને તેમને નવાઈ લાગી અને પ્રેરણા પણ મળી, એ પછી ભાવિનાએ પણ ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું, તેઓ અંદાજે 26 જેટલા દેશોમાં ભારત વતી રમી ચૂક્યાં છે.
અત્યાર સુધીની કારકિર્દીમાં તેમને ગોલ્ડ, સિલ્વર સહિત 22 આંતરરાષ્ટ્રીય મેડલ મળ્યા છે અને હવે વધુ એક મેડલ ટોક્યો પૅરાલિમ્પિક્સ 2020માં મળ્યો.
તેઓ કહે છે, "ઘણા લોકો મને સવાલ કરે છે કે ટેબલ ટેનિસે તમને શું આપ્યું? તમે દિવ્યાંગ છો તો ક્યાં સુધી ટેબલ ટેનિસ રમશો અને એનાથી તમારું ઘર તો નહીં ચાલે."
ભાવિના પટેલ આ સવાલોના જવાબમાં ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કરી બતાવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો