તાલિબાનની નવી સરકાર ભારત માટે આંચકાજનક અને પાકિસ્તાન માટે ફાયદાકારક?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારે ચર્ચા અને આશંકાની વચ્ચે મંગળવારે અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાની સરકારની જાહેરાત કરી દીધી અને અફઘાનિસ્તાનને 'ઇસ્લામિક અમીરાત' જાહેર કર્યું છે.

નવી સરકારમાં માત્ર પુરુષ સભ્યો છે અને એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. મહિલાઓનું મંત્રાલય ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે.

અમેરિકા અને રશિયા સાથે મળીને ભારતે અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે અને આ માટે ઉચ્ચસ્તરીય મુલાકાતોનો દોર ચાલી રહ્યો છે.

કટ્ટરવાદી નેતા મુલ્લા મહમદ હસન અખૂંદને અફઘાનિસ્તાનની 'રહબરી-શૂરા'ના વડા પ્રધાન જાહેર કરવામાં આવ્યા છે; તેમને યુએન દ્વારા બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યા હતા.

નવી સરકારના કેટલાક પ્રધાનોની પૃષ્ઠભૂમિ ભારત માટે ચિંતા વધારનારી છે. જેમાં સિરાજુદ્દીન હક્કાની મુખ્ય છે, જેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

જે અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈના વૉન્ટેડની યાદીમાં છે, તે હક્કાની નેટવર્કના વડા તેઓ જ છે. આઈએસઆઈની દરમિયાનગીરીથી તેમને મળેલું સ્થાન ભારત માટે મુશ્કેલીઓ વધારી શકે છે.

ઇન્ડિયા, અમેરિકા અને અફઘાનિસ્તાન

તાલિબાનોમાં આગામી સરકાર વચ્ચે સહમતિ સાધી શકાઈ નહોતી. એવા સમયે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI (ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) ના વડા ફૈઝ હામિદ કાબુલ પહોંચ્યા હતા. એ પછી ત્રણ દિવસમાં નવી વચગાળાની સરકારની જાહેરાત કરી દેવામાં આવી હતી.

ભારતમાં કૂટનીતિના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું છે કે "સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે, જેણે બામિયાનમાં બુદ્ધની મૂર્તીઓ તોડાવી, તે અફઘાનિસ્તાનનો વડા પ્રધાન હશે. જે સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે, તે હક્કાની નેટવર્કનો છે. છતાં આપણને કહેવામાં આવી રહ્યું છે કે આ તાલિબાન અગાઉ કરતાં અલગ છે."

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'ના રિપૉર્ટ મુજબ, અફઘાનિસ્તાનના તાજેતરના ઘટનાક્રમ અંગે અમેરિકા તથા રશિયા સાથે ભારત નિકટકાપૂર્વક કામ કરી રહ્યું છે.

ચાલુ અઠવાડિયે બંને દેશના ગુપ્તચરતંત્રના ઉચ્ચ અધિકારીઓ ભારત આવી રહ્યા છે.

અહેવાલ પ્રમાણે, "અમેરિકાની ગુપ્તચર સંસ્થા સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે સીઆઈએના વડા વિલિયમ બર્ન્સના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ભારત તથા પાકિસ્તાન પહોંચશે. આ પ્રતિનિધિમંડળ ભારતના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સાથે પણ ચર્ચા કરશે."

અખબાર લખે છે કે બર્ન્સની યાત્રા અંગે વિદેશમંત્રાલય દ્વારા ન તો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે કે ન તો ઇન્કાર.

પોતાના રિપૉર્ટ મુજબ, "રશિયાની સિક્યૉરિટી કાઉન્સિલના સૅક્રેટરી જનરલ નિકોલાઈ પાત્રુશોવ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર તથા રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે. આ અંગે વિદેશમંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે."

અખબારનું માનવું છે કે આ બેઠકમાં બંને પક્ષો પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરશે. 24મી ઑગસ્ટે વડા પ્રધાન મોદી તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ફોન પર વાત કરી હતી.

સિરાજુદ્દીન હક્કાની

સિરાજુદ્દીન જેના પ્રમુખ છે તે હક્કાની નેટવર્કને તાલિબાનની એક સૈન્યપાંખ તરીકે જોવામાં આવે છે. ગત વીસ વર્ષોમાં આ સમૂહે અનેક ઘાતકી હુમલાઓને અંજામ આપ્યો છે.

તે આઈએસઆઈની નજીક છે, આથી જ નવી અફઘાન સરકારમાં આટલું મહત્ત્વપૂર્ણ પદ મળવાની ઘટના ભારત માટે ચિંતા વધારનારી છે.

2008માં ભારતના રાજદૂતાલય ઉપર હુમલામાં વર્ષ 2009- '10 દરમિયાન ભારતીયો તથા ભારતીય હિતો પર તેમણે હુમલા કરાવ્યા હતા.

2017માં આ સમૂહે એક ટ્રક બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 150થી વધારે લોકો માર્યા ગયા. આ સમૂહનો સંબંધ અલ-કાયદા સાથે પણ નજીકનો ગણાય છે. હક્કાની નેટવર્કને અમેરિકાએ પ્રતિબંધિત જાહેર કરેલું છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબાર લખે છે, "અફઘાનિસ્તાનની નવી સરકારમાં આતંકવાદી સમૂહ હક્કાની નેટવર્ક તથા કંદહારસ્થિત તાલિબાનોનું વર્ચસ્વ વર્તાઈ આવે છે. તાલિબાનોના જે જૂથે આંતરરાષ્ટ્રીય સ્તરે મંત્રણા હાથ ધરી હતી, તથા જેણે ભારતનો સંપર્ક સાધ્યો હતો, તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યું છે. નવી કૅબિનેટના 33માંથી 20 સભ્ય તાલિબાન સમૂહ તથા હક્કાની નેટવર્કના છે."

ગૃહમંત્રી તરીકે હક્કાની દેશના 34 પ્રાંતમાં રાજ્યપાલોની નિમણૂક કરશે. આનો મતલબ કે તેમાં પણ આઈએસઆઈની દખલ હશે, જે ભારત માટે આંચકાજનક હશે.

તાલિબાને દેશમાં શરિયત આધારિત ઇસ્લામિક કાયદો લાગુ કરવાની વાત કહી છે, સાથે જ તેણે 'અફઘાન તથા ઇસ્લામિક મૂલ્યો' સાથે સુસંગત હોય તેવી આંતરરાષ્ટ્રીય સંધિઓનું સન્માન કરવાની વાત કહી છે.

ભારતના વિશેષજ્ઞ સુશાંત સરીને લખ્યું, "મૉસ્ટ વૉન્ટેડ એવા સિરાજુદ્દીન હક્કાની સાથે આતંકવાદીઓ મુદ્દેની માહિતીનું આદાનપ્રદાન એફબીઆઈ કેવી રીતે કરશે?"

ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ટ્વિટર પર લખ્યું, "બિલકુલ ખરી વાત. એફબીઆઈએ જેની પર 50 લાખ ડૉલરનું ઇનામ રાખ્યું હતું, તેની સાથે મળીને આતંકવાદને અટકાવવા માટે કેવી રીતે કામ કરશે?"

એફબીઆઈ પાસે હક્કાનીની જે એક પ્રોફાઇલ છે તે અનુસાર તેઓ વૉન્ટેડની યાદીમાં છે. જાન્યુઆરી 2008માં કાબુલમાં એક હોટલ પર થયેલા હુમલામાં તપાસ સબબ તેઓ આ શ્રેણીમાં છે. એ હુમલામાં છ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા.

આ ઉપરાંત 2008માં અફઘાનિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર આત્મઘાતી હુમલાને પણ એમણે જ અંજામ આપ્યો એમ માનવામાં આવે છે.

5 ફૂટ સાત ઇંચના સિરાજુદ્દીન હક્કાની વિશે કહેવામાં આવે છે કે તે પાકિસ્તાનમાં રહ્યા હતા અને તેમનું નેટવર્ક પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સક્રિય છે.

અમેરિકાએ તેમના માથે 37 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે.

મહમદ યાકૂબ

મહમદ યાકૂબ તાલિબાનના સ્થાપક મુલ્લા મહમદ ઓમરના પુત્ર છે. તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોવાની અંદાજવામાં આવે છે. તે સંગઠનના સૈન્યઅભિયાનો પર દેખરેખ રાખે છે.

2015માં પિતાના મૃત્યુ પછી ઓડિયો સંદેશ બહાર પાડીને તેમણે ઉગ્રવાદી જૂથોને એકતા જાળવી રાખવા માટે અપીલ કરી હતી અને ત્યારે સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા.

ભારત દ્વારા કાશ્મીરમાં ઉગ્રવાદ ફેલાવવા માટે જે જૈશ-એ-મહમદ પર આરોપ મૂકવામાં આવે છે, તેની સાથે મુલ્લા ઓમરના નજીકના સંબંધ હતા. ભારતની ગુપ્તચર સંસ્થાઓએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના પુનર્રાગમનની સાથે કાશ્મીરમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વકરવાની આશંકા વ્યક્ત કરી છે.

હિબ્તુલ્લાહ અખુંદઝાદા

હિબ્તુલ્લાહ અખુંદઝાદા અફઘાન તાલિબાનના નેતા છે જેઓ ઇસ્લામ ધર્મના વિદ્વાન છે અને કંદહારના છે. માનવામાં આવે છે કે તેમણે જ તાલિબાનની દિશા બદલી અને હાલ જે પરિસ્થિતિમાં છે ત્યાં તેને પહોંચાડ્યું.

તાલિબાનનું ગઢ રહી ચૂકેલા કંદહાર સાથે તેમના સંબંધે તાલિબાન વચ્ચે પોતાની પકડ મજબૂત કરવામાં તેમને મદદ કરી હતી.

1980ના દાયકામાં તેમણે સોવિયેટ સંઘ વિરુદ્ધ અફઘાનિસ્તાનના વિદ્રોહમાં કમાન્ડરની ભૂમિકા નિભાવી હતી. પરંતુ તેમની ઓળખ સૈન્ય કમાન્ડરની સરખામણીએ એક ધાર્મિક વિદ્વાનની વધારે છે.

તેઓ અફઘાન તાલિબાનના પ્રમુખ બન્યા તે પહેલાં પણ તાલિબાનના ટોચના નેતાઓમાં સામેલ હતા અને ધર્મ સાથે જોડાયેલા તાલિબાનના આદેશ તેઓ જ આપતા હતા.

અબ્દુલ ગની બરાદર

બરાદરને નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. અબ્દુલ સલામ હનિફીને પણ બીજા નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે.

2019માં તાલિબાનોએ વાટાઘાટો માટે કતારના દોહા ખાતે રાજકીય કચેરી ખોલી ત્યારે બરાદર તેના વડા હતા.

વર્ષ 2020માં અમેરિકા સાથે તેમણે શાંતિકરાર ઉપર સહી કરી હતી. આ પહેલાં તેમણે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી જ વાતચીત કરી હતી. આમ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર તાલિબાની નેતા બન્યા હતા.

માનવામાં આવે છે કે તેમનો સંબંધ દુર્રાની કબીલા સાથે છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પણ દુર્રાની છે.

મુલ્લા અબ્દુલ ગની બરાદર એ ચાર લોકોમાંથી એક છે જેમણે 1994માં તાલિબાનનું ગઠન કર્યું હતું. તેમણે કમાન્ડર તથા રણનીતિકારની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2001માં જ્યારે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાન પર થયેલા હુમલામાં તાલિબાનને સત્તા પરથી હઠાવી દેવામાં આવ્યું હતું ત્યારે તેઓ નાટો સૈન્યકર્મીઓ વિરુદ્ધ વિદ્રોહના પ્રમુખ બન્યા હતા.

ત્યારબાદ ફેબ્રુઆરી 2010માં અમેરિકા અને પાકિસ્તાનમાં એક સંયુક્ત અભિયાનમાં તેમની પાકિસ્તાનના કરાચી શહેરથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

સપ્ટેમ્બર 2013માં પાકિસ્તાની સરકારે તેમને મુક્ત કરી દીધા હતા. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યુ નહીં કે તેઓ પાકિસ્તાનમાં જ રોકાયા કે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ ચાલ્યા ગયા.

મુલ્લા મહમદ હસન અખૂંદ

મુલ્લા મહમદ હસન અખૂંદ 1994માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સ્થાપના કરનારા ચાર સભ્યોમાંથી એક હતા. તેઓ લાંબા સમયથી તાલિબાનોનો નિર્ણય લેતી સર્વોચ્ચ સમિતિ 'રહબરી શૂરા'ના વડા છે.

વર્ષ 1996-2001 દરમિયાન અફઘાનિસ્તાનની તાલિબાનની સરકારમાં તેઓ નાયબ વડા પ્રધાન તથા વિદેશમંત્રી રહ્યા હતા.

તેમનું નામ સંયુક્ત રાષ્ટ્રોની બ્લૅકલિસ્ટમાં છે.

મોરચા પર મહિલાઓ

નવી કાર્યકારી સરકારમાં એક પણ મહિલા સભ્ય નથી અને મહિલાઓનું મંત્રાલય ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તી રહી છે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓએ તાલિબાનવિરોધી દેખાવોનો મોરચો સંભાળ્યો છે. રાજધાની કાબુલ સહિત અનેક શહેરોમાં તેઓ રસ્તા ઉપર ઊતરીને દેખાવો કરી રહી છે. તેમને આશંકા છે કે નવી તાલિબાન સરકારમાં તેમને લોકશાહી સરકારમાં મળતી છૂટો પાછી ખેંચી લેવામાં આવશે અને તેમના ઉપર નિયંત્રણો આવી જશે.

આશંકિત અમેરિકા

અગાઉ તાલિબાને સર્વસમાવેશક સરકાર બનાવવાની વાત કહી હતી, પરંતુ વચગાળાની સરકારમાં માત્ર તાલિબાનોને જ સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે અફઘાનિસ્તાનની કાર્યકારી સરકાર મુદ્દે અમેરિકા આશંકિત છે.

મંગળવારે તાલિબાન સરકારની જાહેરાતના લગભગ એકાદ કલાક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પત્રકારો સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "ચીનને તાલિબાનો સાથે વાસ્તવિક સમસ્યા છે. મને પૂરી ખાતરી છે કે તેઓ કંઈક કરી રહ્યા હશે. એવી જ રીતે પાકિસ્તાન, રશિયા અને ઈરાન પણ કરી રહ્યા હશે."

અમેરિકાનું કહેવું છે કે તે તાલિબાનની સરકારને "વાતો દ્વારા નહીં, પરંતુ વ્યવહાર દ્વારા ચકાસશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો