અફઘાનિસ્તાન: સિરાજુદ્દીન કોણ છે અને કેટલું ખતરનાક છે હક્કાની નેટવર્ક?

તલિબાને અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે અને દેશને ઇસ્લામિક અમીરાત જાહેર કર્યો છે.

આ નવી સરકારમાં મોહમ્મદ હસન અખુંદ વડા પ્રધાન રહેશે તો મુલ્લા ગની બરાદર અને મુલ્લા અબ્દુલ સલામ હનફી નાયબ વડા પ્રધાન રહેશે.

જોકે, આ તમામ નામોમાં જે નામ ચર્ચામાં છે એ છે હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીનું. નવી તાલિબાન સરકારમાં સિરાજુદ્દીન ગૃહમંત્રી છે.

કોણ છે સિરાજુદ્દીન હક્કાની

સિરાજુદ્દીન જેના પ્રમુખ છે તે હક્કાની નેટવર્કને તાલિબાનની એક સૈન્ય પાંખ તરીકે જોવામાં આવે છે. ગત વીસ વર્ષોમાં આ સમૂહે અનેક ઘાતક હુમલાઓને અંજામ આપ્યો છે.

2017માં આ સમૂહે એક ટ્રક બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 150થી વધારે લોકો માર્યા ગયા.

આ સમૂહનો સંબંધ અલ-કાયદા સાથે પણ નજીકનો ગણાય છે. હક્કાની નેટવર્કને અમેરિકાએ પ્રતિબંધિત જાહેર કરેલું છે.

એફબીઆઈ પાસે હક્કાનીની જે એક પ્રોફાઇલ છે તે અનુસાર તેઓ વૉન્ટેડની યાદીમાં છે.

જાન્યુઆરી 2008માં કાબુલમાં એક હોટલ પર થયેલા હુમલામાં તપાસ સબબ તે આ શ્રેણીમાં છે. એ હુમલામાં છ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા.

એફબીઆઈ અનુસાર, એવું માનવામાં આવે છે કે હક્કાની નેટવર્કે અમેરિકાની આગેવાની નેટોની સેના પર કરવામાં આવેલા હુમલાઓને અંજામ આપ્યો છે.

આ ઉપરાંત 2008માં અફઘાનિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર આત્મઘાતી હુમલાને પણ એમણે જ અંજામ આપ્યો એમ માનવામાં આવે છે.

2 ડિસેમ્બર 2011માં કાબુલમાં અમેરિકાના દૂતાવાસ પાસે નેટોના ઠેકાણાં પર હુમલાનો આરોપ પણ હક્કાની નેટવર્ક પર છે. આ હુમલામાં ચાર પોલીસ સહિત આઠ લોકો મૃત્યુ પામ્યાં હતા.

5 ફૂટ સાત ઇંચના સિરાજુદ્દીન હક્કાની વિશે કહેવામાં આવે છે કે તે પાકિસ્તાનમાં રહ્યા અને તેમનું નેટવર્ક પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સક્રિય છે.

સિરાજુદ્દીન હક્કાનીની ઉંમર 45 વર્ષ કહેવાય છે અને અમેરિકાએ તેમના માથે 37 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે.

ગત વર્ષે હક્કાનીએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું કે "ચાર દાયકાથી પણ વધારે સમયથી દરરોજ કિંમતી અફઘાન લોકોનો જીવ જઈ રહ્યો છે, ત્યાં દરેકે પોતાનો સ્વજન ગુમાવ્યો છે. તમામ યુદ્ધથી થાક્યાં છે. મને લાગે છે કે આ હત્યાઓ અટકવી જોઈએ."

હક્કાની નેટવર્ક શું છે અને કેટલું ખતરનાક?

તાલિબાને જે ઝડપથી અફઘાનિસ્તાન કબજે કર્યું છે એમાં હક્કાની નેટવર્કની મહત્ત્વની ભૂમિકા છે. અનેક પ્રાંતોમાં તો તાલિબાન સામે કોઈ પડકાર જ ઊભો ન થયો અને શરણાગતિ સ્વીકારી લેવામાં આવી હતી.

તાલિબાનાનો જે ખોફ છે એની પાછળ પણ હક્કાની નેટવર્કની ભૂમિકા મોટી છે.

હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં તાલિબાનની એક સૈન્ય પાંખ ગણાવવામાં આવે છે અને હવે નવી તાલિબાન સરકારમાં આ સૈન્ય પાંખની મોટી ભૂમિકા છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર જલાલુદ્દીન હક્કાનીએ આ જૂથની સ્થાપના કરી હતી.

જલાલુદ્દીન હક્કાનીએ સ્થાપેલી આ સૈન્ય પાંખે 1980ના દાયકામાં સોવિયત સંઘ સામેના યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી.

એ વખતે જલાલુદ્દીન હક્કાનીને સીઆઈએ અને પાકિસ્તાન જેવા સહયોગીની મદદ મળી હતી. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પૂર્ણ થયું એ પછી પણ હક્કાની નેટવર્કનો દબદબો બરકરાર રહ્યો.

1996માં જલાલુદ્દીન હક્કાની તાલિબાનની સાથે જોડાઈ ગયા અને તાલિબાનની જે પહેલી સરકાર બની એમાં મંત્રી તરીકે કામગીરી કરી.

વર્ષ 2018માં તાલિબાને જાહેરાત કરી તે જલાલુદ્દીન હક્કાનીનું લાંબી માંદગી પછી અવસાન થયું છે, એ પછી જલાલુદ્દીનના પુત્ર સિરાજુદ્દીન હક્કાની આ સમૂહના પ્રમુખ બન્યા.

તાલિબાને કાબુલ સર કરી લીધું ત્યારથી જ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને પૂર્વ મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સિરાજુદ્દીનના નાના ભાઈ અનસ હક્કાનીની વાતચીત ચાલી રહી હતી.

વર્ષ 2019માં અનસ હક્કાનીને અફઘાનિસ્તાન સરકારની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને એ ઘટનાને જ અમેરિકા અને તાલિબાન વચ્ચે સંવાદની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.

આ શરૂઆતના પગલાંથી અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પરત ફરશે એ વાત શક્ય બની હતી.

હક્કાની નેટવર્ક પૈસા અને સૈન્ય શક્તિને લઈને એટલું સદ્ધર છે કે તેને તાલિબાનના આંતરિક માળખાંમાં પણ અર્ધ-સ્વાયત્ત માનવામાં આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો