અમેરિકન અખબારોએ અફઘાનિસ્તાનમાં કરાયેલા ડ્રોન હુમલા પર સવાલ ઉઠાવ્યા

અફઘાનિસ્તાનમાં અમેરિકાની 20 વર્ષની હાજરીના છેલ્લા દિવસોમાં કરવામાં આવેલા ડ્રોન હુમલાના દાવા પર અમેરિકન મીડિયામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટનો દાવો છે કે હુમલામાં ઇસ્લામિક સ્ટેટના ઑપરેટિવને મારવાના સામાચાર ખોટા છે.

અખબાર મુજબ હુમલામાં કાબુલમાં સહાયતા જૂથથી જોડાયેલી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

મીડિયા સંસ્થાઓનો દાવો છે કે તેમને પુરાવા મળ્યા છે, જેનાથી અમેરિકાની સેનાના એ દાવા ખોટા સાબિત થાય છે કે ગાડીમાં વિસ્ફોટક હતા જેના કારણે બીજી ગાડીમાં પણ બ્લાસ્ટ થયો હતો.

જોકે પેંટાગોનનું કહેવું છે કે તેમને હજી વિશ્વાસ છે કે તેમણે એક મોટા ખતરાને ટાળી દીધો છે.

કાબુલમાં 29 ઑગસ્ટે એક ડ્રોન હુમલામાં એક જ પરિવારના દસ લોકોનાં મૃત્યુ થયાં હતાં. પરિવારના અન્ય સભ્યોએ બીબીસીને જણાવ્યું કે મરનાર લોકોમાં છ બાળકો સામેલ હતાં.

અમેરિકન સેના તે વખતે હાઈઍલર્ટ પર હતી, કારણ કે તેના ત્રણ દિવસ પહેલાં એક આત્મઘાતી હુમલામાં કાબુલ ઍરપૉર્ટ પર 100થી વધારે લોકોનું મૃત્યુ થયું હતું અને 13 અમેરિકન સૈનિકોની હત્યા કરી દેવામાં આવી હતી.

બંને અખબારોએ પ્રમાણ માટે વીડિયો અને તસવીરોને ભેગા કરી તથા જાણકારો અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ તેઓ તારણ પર પહોંચ્યા કે પુરાવાથી એ સંકેત મળે છે કે ગાડીમાં કોઈ વિસ્ફોટક નહોતા.

અમેરિકાની સેનાએ કહ્યું કે મૃત્યુ પામેલ વ્યક્તિ કોણ હતી એ વિશે હુમલા પહેલાં માહિતી નહોતી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ઇસ્લામિક સ્ટેટના અફઘાનિસ્તાન શાખા સાથે જોડાયેલી હતી.

જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ માર્ક મિલેએ આ હુમલાને સાચો ઠેરવ્યો છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટે કહ્યું કે મરવાવાળી વ્યક્તિ 43 વર્ષીય ઇઝમરાઈ અહમદી હતી, જે કૅલિફોર્નિયાના ન્યૂટ્રિશન ઍન્ડ એજ્યુકેશન ઇન્ટરનેશનલ નામના સહાયતા જૂથના સભ્ય હતી.

અખબારનો દાવો છે કે અહમદીએ અમેરિકામાં શિફ્ટ થવા માટે અરજી કરી હતી.

તાલિબાનોએ અમરુલ્લાહ સાલેહના ભાઈની હત્યા કરી, પરિવારે આપી માહિતી

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના પરિવારે સમાચાર એજન્સી રૉયટર્સને માહિતી આપી કે તાલિબાને સાલેહના ભાઈ રોહલ્લા અઝીઝીની હત્યા કરી નાખી છે.

સાલેહના ભત્રીજાએ રૉયટર્સને એક ટેક્સ્ટ મેસેજ મોકલીને આ માહિતી આપી છે.

તેમણે લખ્યું કે "તેમણે કાલે તેમની હત્યા કરી નાખી અને અમને તેમને દફનાવવા પણ દેતા નથી. તેઓ કહે છે કે તેમનો મૃતદેહ સડવો જોઈએ."

તાલિબાન માહિતી સેવાના ઉર્દૂ ભાષા એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું કે અહેવાલો અનુસાર, પંજશીરમાં સંઘર્ષ દરમિયાન રોહલ્લા સાલેહ માર્યા ગયા છે.

પશ્ચિમી દેશોના સમર્થનવાળી અફઘાનિસ્તાનની સરકારમાં રાષ્ટ્રીય માહિતી નિદેશાલયના પ્રમુખ રહી ચૂકેલા અમરુલ્લાહ સાલેહ અંગે હજુ સુધી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

અફઘાનિસ્તાનની નેશનલ રેસિસ્ટેંસ ફન્ટે (જેમાં સ્થાનિક નેતા અહમદ મસૂદના સમર્થકો સામેલ છે) પંજશીરની રાજધાની બઝારકમાં હાર પછી પણ તાલિબાન સામે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે.

ગઈ કાલ સુધીની અફઘાનિસ્તાનની અપડેટ્સ

અફઘાનિસ્તાનમાં બે પત્રકારોનું કહેવું છે કે વિરોધપ્રદર્શનના રિપોર્ટિંગ દરમિયાન તાલિબાન તેમને પકડીને લઈ ગયા અને તેમને માર માર્યો હતો.

એટિલાટ્રોઝ અખબારના બે પત્રકારોની તસવીરો સામે આવી છે, જેમાં ધરપકડ બાદ તેમના શરીર પર મારપીટ અને ઈજાનાં નિશાન જોવાં મળી રહ્યાં છે.

તેમાંથી એક પત્રકાર તાકી દરયાબીએ બીબીસીને જણાવ્યું કે તેમને જિલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા, જ્યાં તેમની સાથે મારપીટ થઈ.

બુધવારે બીબીસીની ટીમને પણ વીડિયો બનાવવાથી રોકવામાં આવી હતી.

તાકી દરયાબીની સાથે એક ફોટોગ્રાફર નેમતુલ્લાહ નકદી પણ હતા. આ બંને પત્રકારો રાજધાની કાબુલમાં મહિલાઓના વિરોધપ્રદર્શનને કવર કરતા હતા.

બાદમાં તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા, જ્યાં તેમને ડંડા, વીજળીના તાર અને ચાબુકથી માર મારવામાં આવ્યો.

કેટલીક કલાકો બાદ તાલિબાને કંઈ કહ્યા વિના તેમને છોડી મૂક્યા હતા.

'આભાર માનો કે તમારું માથું ન વાઢ્યું'

તાકી દરયાબીએ બીબીસીના સિકંદર કિરમાનીને કાબુલમાં જણાવ્યું, "તેઓ મને એક રૂમમાં લઈ ગયા અને મારા હાથ પાછળથી બાંધી દીધા. મેં જાતને ન બચાવી, કેમ કે એમ કરતાં તેઓ મને વધુ મારત. આથી હું ઊંધો સૂઈ ગયો, જેથી શરીરના આગળના ભાગને બચાવી શકું."

"આઠ લોકો આવ્યા અને તેમના હાથમાં જે હતું તેનાથી મને મારવા લાગ્યા. મારા ચહેરા પર જૂતાનાં નિશાન છે, તેમણે મને લાતો મારી હતી. બાદમાં હું બેભાન થઈ ગયો તો તેઓ રોકાઈ ગયા. તેઓ મને બીજી ઇમારતમાં લઈ ગયા, જ્યાં કોટડીઓ હતી અને મને ત્યાં છોડીને ચાલ્યા ગયા."

નેમતુલ્લાહ નકદી જણાવે છે કે તેમણે વિરોધ પ્રદર્શનકારીઓની તસવીર લેવાનું શરૂ કર્યું કે તાલિબાન લડાયકોએ તેમને કૅમેરા છીનવી લીધો.

નેમતુલ્લાહએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું, "એક તાલિબાને મારા માથ પર લાત મારી અને મારો ચહેરો દબાવ્યો. મને લાગ્યું કે તેઓ મને જાનથી મારી નાખશે."

જ્યારે નેમતુલ્લાહએ પૂછ્યું કે તેમને કેમ મારવામાં આવે છે, તો જવાબ મળ્યો કે "આભાર માનો કે તમારું માથું નથી વાઢ્યું."

એક આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંસ્થા સીપીજે અનુસાર, છેલ્લા બે દિવસમાં 14 પત્રકારોની અટકાયત કરીને તેમને છોડી મૂકવામાં આવ્યા છે.

ચીન અફઘાનિસ્તાનને 200 મિલિયન યુઆનની મદદ કરશે

ચીને અફઘાનિસ્તાનને 200 મિલિયન યુઆન (લગભગ 2 અબજ રૂપિયા)ની મદદ આપવાનો વાયદો કર્યો છે. તેમાં ખાદ્ય આપૂર્તિ અને કોરોના વાઇરસની રસી આપવાની મદદ પણ સામેલ છે.

ચીન પહેલાં જ જાહેર કરી ચૂક્યુ છે કે તે તાલિબાન સરકાર સાથે સંપર્ક બનાવી રાખવા ઇચ્છુક છે.

ચીને એ પણ કહ્યું કે અફઘાનિસ્તાનમાં નવી વચગાળાની સરકારનું ગઠન કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી પગલું હતું.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારનું ગઠન થઈ ચૂક્યું છે અને દેશને 'ઇસ્લામિક અમિરાત' જાહેર કરી દેવાયો છે.

એક તરફ અમેરિકાએ કહ્યું કે તે અફઘાનિસ્તાનની નવી વચગાળાની સરકારને માન્યતા આપવાની ઉતાવળમાં નથી ત્યાં બીજી તરફે ચીને તેને મદદની રજૂઆત કરી છે.

ચીનના વિદેશમંત્રી વાંગ યીએ બુધવારે અફઘાનિસ્તાનના કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન, ઇરાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનને પોતાના સમકક્ષ સાથે એક બેઠકમાં અફઘાનિસ્તાને આપવામાં આવનારી મદદની જાહેરાત કરી છે.

તેમણે આ દેશોને અફઘાનિસ્તાનને મદદ કરવા માટે સહયોગ પૂરો પાડવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું કે ચીન દેશને કોરોના વૅક્સિનના 30 લાખ ડોઝ આપશે.

ચીને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સેના પરત બોલાવી લીધી તેની જાહેરમાં ટીકા કરી છે. ચીને કહ્યું હતું કે અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી હતી.

તાલિબાનના અધિકારી પણ ચીનને અફઘાનનું મહત્ત્વપૂર્ણ સહયોગી ગણાવે છે. સાથે જ યુદ્ધગ્રસ્ત દેશના પુનર્નિર્માણ માટે ચીન પાસેથી રોકાણ અને સહાયની આશા રાખે છે. વળી ચીન પણ તાલિબાન સાથે સારા સંબંધો રાખવાની કોશિશ કરે છે.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ કેમ છોડ્યો?

અફઘાનિસ્તાનના બેદખલ કરી દેવાયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ કેમ છોડ્યો એ અંગે એક નિવેદન જાહેર કરીને કારણ જણાવ્યું છે.

ગત મહિને તાલિબાની લડવૈયાઓએ કાબુલને ઘેરી લીધું હતું ત્યારે ગની દેશ છોડીને નાસી છૂટ્યા હતા.

અશરફ ગનીએ જણાવ્યું છે, "કાબુલ છોડવું એ મારા જીવનનો સૌથી આકરો નિર્ણય હતો. પણ કાબુલના 60 લાખ રહેવાસીઓને સુરક્ષિત રાખવાનો અને બંદૂકોને શાંત કરવાનો એ એક માત્ર રસ્તો હતો."

"મેં મારા જીવનનાં 20 વર્ષો અફઘાન લોકોની સેવામાં, લોકતંત્ર અને દેશ માટે વિતાવ્યાં છે. મારા લોકોને અને મારી વિચારધારાને છોડી દેવાની ક્યારેય ઇચ્છા નહોતી."

લાખો ડૉલર લઈને દેશ છોડી દેવાના આરોપોને પણ ગનીએ પાયાવિહોણા ગણાવ્યા છે.

વિરોધીઓએ કહ્યું, 'દુનિયા તાલિબાન સરકારને માન્યતા ન આપે'

તાલિબાને એક મહિલાને સ્થાન આપ્યા વિના અને ટોચના ચરમપંથીઓને મંત્રીપદ સાથે અફઘાનિસ્તાનમાં નવી વચગાળાની સરકારની રચના કરી છે ત્યારે વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે.

તાલિબાને મંગળવારે મુલ્લા મોહમ્મદ હસન અખુંદની આગેવાનીમાં વચગાળાની સરકારની રચના કરી જેમાં અનેક ચરમપંથી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

નવી વચગાળાની સરકારમાં ખતરનાક હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીની વરણીની પણ ખાસ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હક્કાનીનું નામ સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક ચરમપંથીઓની યાદીમાં છે તો અમેરિકા માટે પણ તે વૉન્ટેડ છે.

મંગળવારે હેરાત પ્રાંતમાં વિરોધપ્રદર્શનમાં ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી છે. તાલિબાને વિરોધપ્રદર્શન વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું હોવાનો પણ અહેવાલ છે.

અફઘાનિસ્તાના તાલિબાનવિરોધી દળોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે તે તેઓ આ વચગાળાની નવી સરકારને માન્યતા ન આપે.

પંજશીરમાં તાલિબાન સામે લડનાર નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે નવી વચગાળાની સરકારને ગેરકાયદે ગણાવી છે.

અમેરિકાએ પણ તેની સેના પર હુમલો કરનાર તત્ત્વોની સરકારમાં સામેલગીરી બાબતે નિસબત દાખવી છે.

નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે કહ્યું છે કે, તાલિબાનની વચગાળાની સરકાર એ તાલિબાનની અફઘાનિસ્તાનના લોકો પ્રત્યેનું દુશ્મનાવટ પ્રગટ કરે છે.

અમેરિકાએ કહ્યું છે કે તાલિબાને જે નવી સરકારની રચના કરી છે એમાં તમામ પુરુષ છે એ ચિંતાની વાત છે. સરકારમાં એ લોકો પણ સામેલ છે જેમનો સંબંધ અમેરિકન સુરક્ષાદળો પર હુમલા સાથે રહ્યો છે.

અમેરિકન સૅનેટર લિંડસે ગ્રેહામે તાલિબાનની નવી સરકારને ઠગો અને કસાઈઓનું ટોળું ગણાવી છે. રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સાંસદ લિંડસે એ નેતા છે જે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાને પાછી ખેંચી લેવા મામલે જો બાઇડન સરકારની આકરી ટીકા કરે છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, અમે સરકારમાં સામેલ અનેક લોકોનાં અતીતને જોઈને ચિંતિત છીએ. અમેરિકા તાલિબાનની કથની અને કરણીના તફાવતને આધારે નિર્ણય કરશે. તાલિબાને એ સુનિશ્ચિત કરવું પડશે કે તેની જમીનનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર હુમલો કરવા માટે ન થાય.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલાં નિક્કી હેલીએ બાઇડન સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા ન આપવાની અપીલ સાથે એક ઑનલાઇન પિટિશન કરી છે.

એમણે કહ્યું, અમેરિકાએ તાલિબાનને અફઘાનિસ્તાનની કાયદેસરની સરકાર ન માનવી જોઈએ અને ન તો તેને અમેરિકા તરફથી ઓળખ મળવી જોઈએ ન તો મદદ.

પાકિસ્તાનના અખબાર ડૉને લખ્યું છે કે તાલિબાનની ખરી કસોટી આંતરરાષ્ટ્રીય માન્યતા મળવી તે છે. ડૉને લખ્યું, તાલિબાને એ ખાતરી આપવી પડશે કે તે 1996-2001નું તાલિબાન નથી, તેણે મૌલિક અને મહિલા અધિકારોનું સન્માન કરવું પડશે અને એ સાથે અફઘાનિસ્તાનમાં હાજર ચરમપંથી સંગઠનો સામે પણ કાર્યવાહી કરવી પડશે.

તાલિબાનને આર્થિક મદદનો સવાલ

સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે તાલિબાન સાથે વાતચીત માટે માનવીય સહાયતા એક માર્ગ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની સેના પરત ફરી એ પછી પણ સંયુક્ત રાષ્ટ્રનું અભિયાન અફઘાનિસ્તાનમાં છે.

ન્યૂયોર્કમાં બીબીસી સંવાદદાતા લૉરા ટ્રિવૈલિયન સાથેની વાતચીતમાં એમણે તાલિબાને સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કરવા યોગ્ય સ્થિતિ નિર્માણ કરવી જોઈએ એમ કહ્યું. એમણે સ્વીકાર કર્યો કે સ્થિતિ અચોક્કસ પ્રકારની છે.

એમણે કહ્યું, વર્ષોનાં યુદ્ધ પછી પડોશી દેશોમાં લાખો લોકો બેઘર થઈ ગયા છે અને એ લોકોની તકલીફની કલ્પના પણ કરી શકાય એમ નથી.

સંયુક્ત રાષ્ટ્ર તરીકે અમારી જવાબદારી ત્યાં રોકાવાની અને કામ કરવાની છે પરંતુ તાલિબાને એ માટે યોગ્ય સ્થિતિ સર્જવી પડશે. જેમ કે, દરેક વ્યક્તિ સુધી પહોંચવાની આઝાદી, છોકરીઓને શાળાએ જવાની આઝાદી, મહિલાઓને કામ કરવાની પરવાનગી, જેથી અમે સામાન્ય રીતે કામ કરી શકીએ.

એમણે કહ્યું, માનવીય સહાયતા એ મહત્ત્વનો માર્ગ હોઈ શકે છે કારણ કે તાલિબાન એ વાત સમજે છે કે માનવીય સહાયતા ખૂબ જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય એ માટે ઇચ્છુક પણ છે. આનાંથી તાલિબાન સાથે સંવાદ વધશે અને ભરોસાનો માહોલ બનશે. જોકે હાલ તો સ્થિતિ અસ્થાયી જ છે.

અમેરિકા અને તેના સાત સહયોગી દેશોએ તાલિબાન મામલે સહમતી દાખવી છે. એ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાનના રિઝર્વ ફંડ પરની તાલિબાનની પહોંચ અટકાવી દીધી છે. મોટાં ભાગનું ભંડોળ ફેડરલ રિઝર્વ પાસે છે.

અમેરિકાનું કહેવું છે કે તાલિબાન પહેલાં એ ખાતરી આપે કે મહિલાઓને હક આપશે અને વૈશ્વિક નિયમોનું પાલન કરશે. જોકે, નિષ્ણાતો કહે છે કે જો રશિયા અને ચીન અફઘાનિસ્તાનને ભંડોળ આપશે તો અમેરિકાના આર્થિક પ્રતિબંધોની ખાસ અસર નહીં થાય.

જી-20 મોટાં આર્થિક દેશોનું સંગઠન છે અને તેમાં રશિયા અને ચીન પણ સામેલ છે. જોકે, હાલ તેનું અધ્યક્ષપદ ઇટાલી પાસે છે. અફઘાનિસ્તાન મામલે જી-20ની બેઠક બોલાવવાની વાત થઈ રહી છે પણ હજી કોઈ તારીખ નક્કી થઈ નથી..

બાઇડને ચીન, પાકિસ્તાન, રશિયાના ટેકા પર શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે ચીન, પાકિસ્તાન, રશિયા અને ઈરાન હજી એ સમજવાની કોશિશમાં છે કે તાલિબાન સાથે કેવી રીતે પનારો પાડવો.

બાઇડને કહ્યું, ચીનને તાલિબાન સાથે મૂળ સમસ્યા છે. મને પૂરી ખાતરી છે કે તે આ વિશે વિચારતું હશે અને પ્રયાસ કરતું હશે, આવું પાકિસ્તાન પણ કરી રહ્યું હશે અને રશિયા-ઈરાન પણ.

વ્હાઇટ હાઉસમાં એમણે કહ્યું, તેઓ બધાં એ સમજવાની કોશિશ કરી રહ્યાં હશે કે હવે શું કરવામાં આવે. તો રાહ જોઈએ કે શું થાય છે, આગળ શું થાય છે એ જોવું રસપ્રદ હશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારના કોણ છે વડા? કોણ-કોણ સામેલ?

તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે અને અફઘાનિસ્તાનને 'ઇસ્લામિક અમીરાત' જાહેર કરી દીધું છે.

મુલ્લા મોહમ્મદ હસન અખુંદ આ સરકાના વડા પ્રધાન હશે તો મુલ્લા અબ્દુલ ઘની બરાદર નાયબ વડા પ્રધાન હશે, સાથે જ મુલ્લા અબ્દુલ સલામ હનફીને પણ નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે.

જોકે આ બધાની વચ્ચે એક વ્યક્તિની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અને એ છે હક્કાની જૂથના નેતા સિરાજુદ્દીન હક્કાની.

તેમને અખુંદની સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું છે કે આ એક કામચલાઉ વ્યવસ્થા છે.

તેમણે કહ્યું, "આગળ આખી સરકારની રચવાની યોજના પર કામ થશે."

નોંધનીય છે કે તાલિબાને 15 ઑગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો. એ બાદ ગત કેટલાક દિવસોથી તાલિબાન સરકારની રચનામાં જોતરાયું હતું.

બીબીસી સંવાદદાતા સિકંદર કિરમાણીના જણાવ્યા અનુસાર તાલિબાનના અધિકારી અહમદુલ્લાહ વસીમે કહ્યું છે કે અફઘાનિસ્તાન હવેથી 'ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન છે.'

તાલિબાન પ્રવક્તાએ જણાવ્યું, "હજુ શુરાપરિષદ (મંત્રીમંડળ) કામકાજ જોશે અને પછી આગળ નક્કી કરવામાં આવશે કે લોકો આ સરકારમાં કઈ રીતે ભાગીદારી કરી શકે એમ છે."

તાલિબાને અફઘાનિસ્તાનમાં સમાવેશી સરકારના ગઠનનો દાવો કર્યો હતો. તાલિબાને સોમવારે પંજશીર પર કબજાની જાહેરાત કરી હતી.

નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે તાલિબાનના કબજાનો દાવો ફગાવી દીધો છે અને યુદ્ધ ચાલુ રાખવાનું એલાન કર્યું છે. એના એક દિવસ બાદ જ તાલિબાને સરકારની જાહેરાત કરી દીધી છે.

તાલિબાન પ્રવક્તાએ સોમવારે પણ પત્રકારપરિષદ યોજી હતી. ત્યારે પણ સરકારની રચના અંગે સવાલ કરાયા હતા, પણ એમણે આ અંગે જવાબ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

અમેરિકામાં વૉન્ટેડ હક્કાની

આ એ જ હક્કાની છે, જેમના જૂથે છેલ્લાં 20 વર્ષમાં અનેક ઘાતકી હુમલા કર્યા છે. સિરાજુદ્દીન હક્કાની નેટવર્કના નામથી કુખ્યાત ઉગ્રવાદી સમૂહના તેઓ પ્રમુખ છે અને તેને તાલિબાન સાથે સંબંધ છે.

2017માં એમના જૂથે એક ટ્રક-બૉમ્બથી હુમલો કર્યો હતો, જેમાં 150થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ સમૂહને અલ-કાયદા સાથે પણ નજીકનો સંબંધ છે. હક્કાની નેટવર્કને અમેરિકાએ 'આતંકવાદી સંગઠનો'ની યાદીમાં સામેલ કર્યું છે.

એફબીઆઈ પાસે હક્કાનીની જે પ્રોફાઇલ છે, એ પ્રમાણે તેઓ ત્યાં વૉન્ટેડ છે.

2008માં કાબુલની એક હોટલ પર થયેલા હુમલાના અનુસંધાને પૂછપરછ માટે હક્કાનીનું નામ આ કૅટેગરીમાં છે.

આ હુમલામાં એક અમેરિકન નાગરિક સહિત છ લોકો માર્યા ગયા હતા.

તેમની પ્રોફાઇલમાં લખ્યું છે કે એવું માનવામાં આવે છે કે હક્કાની નેટવર્કે અમેરિકાના નેતૃત્વવાળી નેટોની સેના પર સરહદપારથી થયેલા હુમલાને અંજામ આપ્યો છે.

એવું પણ માનવામાં આવે છે કે હક્કાની જૂથે જ કથિત રીતે 2008માં પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર થયેલા આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો હતો.

આ સાથે જ 2 સપ્ટેમ્બર 2011ના દિવસે કાબુલમાં અમેરિકન દૂતાવાસ પાસે નેટોનાં મથકો પર થયેલા હુમલાઓ માટે હક્કાની સમૂહને દોષી ગણવામાં આવ્યું હતું.

એ હુમલામાં ચાર પોલીસ અધિકારીઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

હક્કાનીના માથે 37 કરોડનું ઇનામ

FBIની આ પ્રોફાઇલમાં હક્કાનીનું કદ 5 ફૂટ 7 ઇંચ જણાવાયું છે.

હક્કાની વિશે નોંધ્યું છે કે તે પાકિસ્તાનમાં રહે છે અને તેમનું સમૂહ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર સક્રિય છે.

તેમની ઉંમર અંદાજે 45 વર્ષ છે. ગયા વર્ષે હક્કાનીએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ માટેના એક લેખમાં લખ્યું હતું, "ચાર દાયકા કરતાં વધારે સમયથી દરરોજ અફઘાનિસ્તાનના લોકો તેમના કીમતી જીવ ગુમાવી રહ્યા છે."

"અહીં દરેક સ્નેહીજને પોતાના સ્વજનો ગુમાવ્યા છે. સૌ કોઈ યુદ્ધથી થાકી ચૂક્યા છે. હું માનું છું કે આ હત્યાઓ અટકવી જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો