11 સપ્ટેમ્બર : એ 102 મિનિટ જેણે અમેરિકા અને દુનિયાને હંમેશાં માટે બદલી નાખ્યાં

11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર ઉગ્રવાદી હુમલો થયો. ઇસ્લામિક ચરમપંથી સમૂહ અલ-કાયદાએ ચાર વિમાન હાઇજેક કરી તેનો અમેરિકાની ખ્યાતનામ ઇમારતો પર હુમલો કરવા માટે મિસાઇલ તરીકે ઉપયોગ કર્યો.

આ હુમલામાં લગભગ ત્રણ હજાર લોકોના જીવ ગયા હતા.

આ હુમલા બાદ અમેરિકાએ વળતો પ્રહાર કર્યો. કહેવાતી 'આતંક વિરુદ્ધની લડાઈ'માં બે દેશો પર હુમલો કરાયો અને વધુ લોકોનાં મૃત્યુ થયાં.

અમેરિકા અને વિશ્વના ઇતિહાસને હંમેશાં માટે બદલી નાખનાર એ દિવસે ખરેખર શું થયું હતું?

આ પ્રશ્નનો જવાબ અમે આપને આપશું બીબીસી ગુજરાતીના આ ખાસ અહેવાલમાં.

11 સપ્ટેમ્બર, 2001ની એ સવાર

20 વર્ષ અગાઉ 11 સપ્ટેમ્બરે મંગળવાર હતો. એ દિવસે અમેરિકાના ન્યૂ યૉર્કમાં સ્થાનિકો એક અવિશ્વસનીય બનાવના સાક્ષી બની રહ્યા હતા.

આ એ જ ઘટના છે જેની વૈશ્વિક ઇતિહાસ પર ઊંડી અસર પડી છે.

સવારે 8.46 વાગ્યે ન્યૂ યૉર્કના આઇકોનિક ટ્વિન ટાવરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાતા હતા.

સૌપ્રથમ તો આ ઘટના લોકોને એટલી અવિશ્વસનીય લાગી કે થોડા સમય સુધી ઇમારત પર વિમાન ત્રાટક્યું છે, તે કોઈ ન્યૂઝ ચૅનલોએ પણ કન્ફર્મ નહોતું કર્યું.

સમાચાર વાંચનારા ઍન્કરોને પણ પોતાના કાન પર પડી રહેલા શબ્દો પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો.

આ અવિશ્વાસના વાતાવરણમાં જ આ ઘટનાની તસવીરો વિશ્વમાં પ્રસરવા લાગી. એટલામાં તો સવારે 9.03 વાગ્યે બીજું વિમાન બીજા ટાવર સાથે અથડાયું.

બીજું વિમાન ટાવર સાથે અથડાતાં જ લોકોને ખાતરી થઈ ગઈ કે આ કોઈ અકસ્માત નથી.

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશને (જેઓ તે સમયે એક સ્કૂલની મુલાકાત લઈ રહ્યા હતા) આ વિશે જાણ કરાઈ.

વિમાન અથડાવાના કારણે બંને ટાવરોમાં આગ ફાટી નીકળી હતી.

બંને ટાવર ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરાઈ, પરંતુ હજુ ઘણા લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે લોકો પોતાના જીવ બચાવવા માટે આકાશને આંબતી આ ઇમારતમાંથી કૂદી રહ્યા હતા.

ટાવરની નજીક રહેલા લોકો જેમના કોઈને કોઈ સંબંધી તે ટાવરમાં હતા, લાચાર બનીને બહાર ઊભા રહી રાહ જોવા સિવાય કશું જ નહોતા કરી શકતા.

પાટનગર પણ નિશાના પર

આ ઉગ્રવાદી હુમલો માત્ર ન્યૂ યૉર્ક સુધી સીમિત રહ્યો હોવાની ધારણા ત્યારે પડી ભાંગી જ્યારે સવારે 9.37 વાગ્યે ત્રીજું વિમાન વૉશિંગટનમાં ક્રૅશ થયું.

આ વખતે નિશાન પેન્ટાગન હતું, જે અમેરિકાના સંરક્ષણ વિભાગનું મુખ્ય મથક છે.

આ ઇમારતનો એક ભાગ વિમાનની ટક્કરને લીધે ધરાશાયી થઈ ગયો.

બીજી તરફ સવારના 9.59 વાગ્યે ન્યૂ યૉર્કમાં એક ટાવર પડી ભાંગ્યો.

ટાવરને પડતો જોઈને આસપાસ ઊભેલા લોકોમાં ભાગદોડ થવા લાગી. બૂમો સંભળાવા લાગી. ચીસો પડવા લાગી.

આ દૃશ્ય જોનાર લોકો ભગવાનને યાદ કરવા લાગ્યા.

આ દરમિયાન જ અમેરિકાના અન્ય એક વિસ્તાર પેન્સિલવેનિયામાં ચોથું વિમાન તેના નિશાન પર પડવાનું જ હતું.

આ ચોથું વિમાન શૅન્ક્સવિલ શહેરના એક ખેતરમાં પડ્યું હતું.

તેનું લક્ષ્ય અમેરિકાની કૉંગ્રેસ હતું, પરંતુ તે ત્યાં પહોંચે એ પહેલાં જ જમીન પર પડી ગયું.

પરંતુ આ ઘટનાની 25 મિનિટ બાદ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો બીજો ટાવર પણ જમીનદોસ્ત થઈ ગયો.

બે કલાકથી પણ ઓછા સમયમાં ત્રણ હજાર લોકોનાં કરુણ મૃત્યુ નીપજ્યાં.

આ ઘટનામાં હુમલાખોર સંગઠન તરીકે અલ-કાયદા હતું.

તેમણે વિમાન હાઇજેક કરી અને તેનો મિસાઇલ તરીકે ઉપયોગ કરીને અમેરિકાની ભવ્ય અને મહત્ત્વની ઇમારતો પર હુમલો કર્યો.

ટ્વિન ટાવરોમાં 2,606 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે પેન્ટાગનમાં 125 લોકો મરણ પામ્યાં.

આ સિવાય વિમાનમાં સવાર 246 મુસાફરો અને ક્રૂ મેમ્બરોનાં પણ મૃત્યુ થયાં હતાં. આ તમામ મૃતકોમાં 77 જુદાજુદા દેશોના લોકો સામેલ હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો