9/11 ઍટેક: એ બે કારણો જેને લીધે મજબૂત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પળવારમાં ભોંયભેગું થઈ ગયું

    • લેેખક, કાર્લોસ સેરાનો
    • પદ, બીબીસી મુંડો

પહેલું વિમાન સવારે 8.45 વાગ્યે ઉત્તર તરફના (નૉર્થ) ટાવર સાથે ટકરાયું હતું, તેની 102 મિનિટ સુધી એમાં આગ ધગધગતી હતી અને પછી દસ વાગ્યાને 28 મિનિટે માત્ર 11 સેકન્ડમાં આ ટાવર કડડભૂસ થયું હતું.

પહેલા ટાવર સાથે વિમાન ટકરાયું એની 18 મિનિટ પછી, સવારે 9.03 વાગ્યે, બીજા ટાવર સાથે બીજું એક વિમાન ટકરાયું હતું. 56 મિનિટ સુધી આ ટાવર પણ આગ અને ધુમાડામાં ઘેરાયેલું રહ્યું અને પછીની 9મી સેકન્ડે એ પણ જમીનદોસ્ત થઈ ગયું.

નૉર્થ ટાવરના 47મા માળે કામ કરતા બ્રૂનો ડેલિંગર એ ઘટનાને યાદ કરતાં જણાવે છે કે, "ઇમારત ધરાશાયી થવાના અવાજ પછી, ગણતરીની સેકન્ડોમાં, ત્યાં કાળુંડિબાંગ અંધારું છવાઈ ગયું હતું. રાત્રિથી પણ ઘેરું અંધારું. કેટલીક ક્ષણો માટે તો બધા અવાજ સંભળાતાં બંધ થઈ ગયેલા. હું શ્વાસ પણ નહોતો લઈ શકતો."

"મને લાગ્યું કે હું મરી ગયો છું, કેમ કે મગજ કામ જ નહોતું કરતું." તેમણે 11 સપ્ટેમ્બરના સ્મારક અને સંગ્રહાલયમાંથી પોતાની આપવીતી વર્ણવતાં આમ કહ્યું હતું.

ટાવર પડ્યાં શા માટે?

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્‌નોલૉજી (એમઆઇટી)ના સિવિલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર વિભાગના રિટાયર્ડ પ્રોફેસર એડુઆર્ડો કૉસેલે બીબીસી મુંડોને જણાવ્યું કે, "બધા જાણકારોએ એ જવાબને માન્ય રાખ્યો છે કે, બંને ટાવર જમીનદોસ્ત થયાં કારણ કે એ જ આતંકવાદી હુમલાનો ઉદ્દેશ હતો."

હુમલામાં ટાવરો ધરાશાયી થયાં પછી કૉસેલ એમઆઇટીના વિશેષજ્ઞોની એ ટીમના વડા હતા જે ટીમે ટ્વિન ટાવર ઇમારતની સંરચના, એન્જિનિયરિંગ અને આર્કટેક્ચરના દૃષ્ટિકોણથી એના પડી જવાનું વિશ્લેષણ કર્યું હતું.

ઘાતક સંયોગ

2002માં એમઆઇટીનો આ શોધ રિપૉર્ટ પ્રકાશિત થયો જે અમેરિકાની સરકારના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટાન્ડર્ડ ઍન્ડ ટૅક્‌નોલૉજી (એનઆઇએસટી) દ્વારા કરાયેલાં તારણો સાથે ઘણી સમાનતા ધરાવતો હતો.

એનઆઇએસટીને ટ્વિન ટાવરના પડી જવાનાં કારણોની તપાસ કરવાની જવાબદારી સોંપાઈ હતી અને તેમણે પોતાની તપાસનાં તારણો 2008માં પ્રકાશિત કર્યાં હતાં.

ટાવર પડી જવા માટે બે સૌથી મોટાં કારણો જવાબદાર હતાં; અને આકસ્મિક રીતે, એ બંને કારણો એકસાથે એકસમયે હાજર હતાં, એવું સમાન તારણ એમઆઇટી અને એનઆઇએસટી બંનેના રિપૉર્ટમાં જોવા મળ્યું છે.

પહેલું કારણ એ કે, વિમાન ટકરાવાના કારણે બંને ઇમારતોને ગંભીર સંરચનાત્મક (માળખાકીય) નુકસાન થયું હતું.

અને બીજું એ કે, વિમાન ટકરાયા પછી ઇમારતોમાં લાગેલી આગ ઘણા બધા માળ સુધી ફેલાઈ ગઈ હતી.

કૉસેલે કહ્યું કે, "જો ત્યાં આગ ન લાગી હોત, તો એ ઇમારતો પડી ન હોત."

સાથે જ તેઓ એમ પણ જણાવે છે કે, "જો ત્યાં માત્ર આગ જ લાગી હોત અને ઇમારતની સંરચનાને નુકસાન ન થયું હોત, તોપણ, આ ટ્વિન ટાવર પડ્યાં ન હોત."

એન્જિનિયર કૉસેલ જણાવે છે કે, "બિલ્ડિંગની પ્રતિરોધક ક્ષમતા ઘણી વધુ હતી."

એનઆઇએસટીના રિપૉર્ટ અનુસાર સત્તાવાર દસ્તાવેજો એ તરફ ઇશારો કરે છે કે, ટાવરની ડિઝાઇન બનાવતી સમયે, એ વખતે જે સૌથી મોટું વ્યાવસાયિક વિમાન વપરાશમાં હતું એ બોઇંગ 707ની ટક્કર જો ટાવરને લાગે તો? એ ભયંકર સ્થિતિનો વિચાર કરીને જ ટાવરો બનાવાયાં હતાં.

જો કે, એનઆઇએસટીના સંશોધનકારોએ તપાસના આવા નિષ્કર્ષ માટે ઉપયોગમાં લેવાયેલાં માનદંડો અને પ્રવિધિઓ વિશે જાણકારી આપી નહીં.

કઈ રીતે બનાવાયાં હતાં ટ્વિન ટાવર?

ઈ.સ. 1960માં આ ટ્વિન ટાવરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું અને તત્કાલીન સમયે બિલ્ડિંગ બનાવવાનાં જે ધોરણો હતાં તેને આધારે એને ડિઝાઇન કરાયેલાં.

બંને સ્ટીલ અને કૉંક્રિટથી બનેલી ઇમારત હતી જેમાં લિફ્ટ અને સીડી (પગથિયાં) હતાં.

એના દરેક માળ પર સ્ટીલ (લેખંડ)ના આડા બીમ લગાડવામાં આવેલા, જે એક ખૂણેથી શરૂ થઈ ઇમારતની બહારની દીવાલ બનાવવા માટે ઊભા કરાયેલા સ્ટીલના કૉલમ સાથે જોડાયેલા હતા.

સ્ટીલના બીમનો આ સમૂહ દરેક માળના વજનને કેન્દ્રગામી કરતો હતો (વચ્ચેના સ્તંભ પર ભાર આવવો). એ જ દરેક માળના સ્તંભને સ્વતંત્ર રીતે આધાર આપતા હતા જેથી મુખ્ય સ્તંભ વળી ન જાય. સિવિલ એન્જિનિયરિંગમાં આને બકલિંગ કહેવામાં આવે છે.

ટ્વિન ટાવરમાં ઉપયોગમાં લેવાયેલું સ્ટીલનું માળખું કૉંક્રિટથી આવરિત હતું જે આગ લાગવાની સ્થિતિમાં બીમને સલામત રાખવા માટે પૂરતું હતું.

તદ્ ઉપરાંત, આડા બીમ અને પિલર પણ એક પાતળા અગ્નિપ્રતિરોધક આવરણથી ઢંકાયેલાં હતાં.

આગને મળી હવા

બંને ટાવરને મોટાં બોઇંગ વિમાન ટકરાયાં હતાં. આગળ જણાવ્યું તેમ, બિલ્ડિંગ બનાવતી વખતે બોઇંગ 707ની ટક્કર લાગે તો? એવી સંભાવનાને ધ્યાનમાં રખાઈ હતી, પણ એનાથી પણ મોટાં બોઇંગ 767 વિમાન ટાવરને ટકરાયાં હતાં.

એનઆઇએસટીના રિપૉર્ટ અનુસાર, આ ટક્કરને લીધે ઇમારતના પિલરને ભારે નુકસાન થયું હતું, જેમાં સ્ટીલના બીમ અને સ્તંભના માળખા પર લગાડવામાં આવેલું અગ્નિરોધક ઇન્સ્યુલેટર પણ તૂટી ગયું.

કૉસેલ જણાવે છે કે, "ટક્કરને લીધે જે કંપન થયું એણે સ્ટીલ પર ચઢાવેલા અગ્નિરોધક આવરણને તોડી નાખ્યું, તેથી બીમ આસાનીથી આગના સંપર્કમાં આવી ગયા."

આ રીતે આગ લાગવા માટેનો માર્ગ ખૂલી ગયો અને એની સંરચનાને (માળખાને) નુકસાન થયું.

જ્યારે આગ ફેલાઈ રહી હતી એ સમયે ઇમારતમાં તાપમાન 1000 ડિ.સે. સુધી પહોંચી ગયું હતું અને એના કારણે બારીઓના કાચ તૂટવાફૂટવા લાગ્યા હતા. જેવા બારીના કાચ તૂટ્યા એવી જ બહારની હવા અંદર ધસી આવી, જે આગને ફેલાવામાં મદદગાર સાબિત થઈ.

કૉસેલે જણાવ્યું કે, "આગને હવા મળી અને એ વિસ્તરી."

'ઊડતા બૉમ્બ'

સત્તાવાર આંકડા અનુસાર, પ્રત્યેક વિમાનમાં લગભગ 10 હજાર ગૅલન (37,850 લિટરથી વધુ) ઈંધણ હતું.

કૉસેલે જણાવ્યું કે, "એ પોતે જ ઊડતા બૉમ્બ જેવાં હતાં."

એમાંનું મોટા ભાગનું ઈંધણ વિમાન ટકરાવાના લીધે એકાએક થયેલા ભડકામાં બળી ગયું હતું. પણ સાથે જ, એમાંના ઘણી માત્રાના ઈંધણનો નીચેના માળો પર છંટકાવ થઈ ગયેલો.

એટલે એમ કહી શકાય કે આગને ઈંધણ મળ્યું અને આગ વધુ ફેલાઈ. બીજાં પણ ઘણા જ્વલનશીલ પદાર્થોએ આગને પ્રસરવામાં મદદ કરી હતી.

એમઆઇટીના એન્જિનિયર જણાવે છે કે, ધગધગતી આગથી બે વસ્તુ બની.

પહેલી, આગની ગરમીને કારણે દરેક માળ પરના બીમ અને સ્લેબ પહોળા થવા લાગ્યા, જેના કારણે બીમ અને સ્લેબ જુદા પડી ગયા.

સાથે જ, બીમ પહોળા થવાને લીધે પિલર બહારની તરફ ધકેલાયા.

પછી એક બીજી અસર પણ થઈ.

આગની જ્વાળાઓને લીધે બીમનું સ્ટીલ નરમ (પીગળવું) પડવા લાગ્યું હતું અને બીમ લચીલા બની ગયા હતા.

આનાથી ટ્વિન ટાવરની મજબૂત સંરચના દોરડા જેવી થવા લાગી અને ઇમારતનું સંપૂર્ણ વજન સ્તંભ (પિલર)ને અંદરની તરફ ધકેલાયું.

કૉસેલે જણાવ્યું કે, "આવું થયું એ ટાવર માટે ઘાતક હતું."

અને પછી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ

આખી ઇમારતનું વજન એકલા સ્તંભ પર આવી જવાને લીધે કે બીમ પહોળા થવાને લીધે પહેલાં તે બહારની તરફ ખસેલા અને પછી અંદરની તરફ ખેંચાયા જેથી તે નમવા લાગ્યા હતા.

આ રીતે, એનઆઇએસટીના રિપૉર્ટ અનુસાર, જે બીમ સાથે સ્તંભ જોડાયેલા હતા એ એને અંદરની તરફ ખેંચી રહ્યા હતા તેથી સ્તંભ ધનુષાકાર થવા લાગ્યા હતા.

બીજી તરફ, કૉસેલના વિશ્લેષણમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, કેટલાક માળ પર બીમ સ્તંભને એટલા જોરથી ખેંચતા હતા કે એ બંને જેનાથી જોડાયેલા એ નટ-બૉલ્ટ પણ તૂટી ગયા હતા. આનાથી માળ તૂટીને નીચેના માળ પર પડ્યો અને કાટમાળને કારણે નીચેના માળનું વજન વધી ગયું.

એનાથી પહેલાંથી નબળા પડી ગયેલા સ્તંભ પર વધારાનો ભાર દબાણ સાથે આવ્યો.

એના ફળસ્વરૂપે આખી ઇમારત કડડભૂસ કરતી પડી ગઈ.

કૉસેલે જણાવ્યું કે, જ્યારે ઇમારત જમીનદોસ્ત થઈ ત્યારે એના મજલાઓમાંની હવા સામટી નીકળીને ચારેદિશામાં એકદમ ફેલાઈ ગઈ. તેથી ત્યાં આસપાસ વાવંટોળ જેવું થઈ ગયું. ત્યાં ધૂળનાં વાદળ છવાઈ ગયેલાં, એ માટે આ હવા જ મુખ્ય કારણ હતું.

ગણતરીની સેકન્ડોમાં બંને ઇમારતો આંખ સામેથી ગાયબ થઈ ગઈ, પરંતુ એના કાટમાળની આગ કેટલાય દિવસો સુધી સળગતી રહી.

આજે 20 વર્ષ પછી પણ એ હુમલાથી અનુભવાયેલા ભયની કંપારી અને પીડા ઓછાં નથી થઈ શક્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો