'અફઘાનિસ્તાનથી આતંકવાદ કાશ્મીર સુધી ફેલાઈ શકે છે'

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારતમાં રશિયાના રાજદૂત નિકોલાય કુદાશેવે કહ્યું છે કે રશિયા અને ભારતની એક 'સંયુક્ત ચિંતા' છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થવો જોઈએ.

તેમણે કહ્યું કે રશિયન વિસ્તારની સાથોસાથ કાશ્મીરમાં પણ 'જોખમ'ની આશંકા છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને રશિયા અને ભારતની સ્થિતિમાં ખાસ ફેર નથી.

જોકે, તેમણે એ સ્પષ્ટ પણ કર્યું કે અફઘાનિસ્તાનમાં રચાઈ રહેલી તાલિબાનની સરકારને માન્યતા આપવી ભારે ઉતાવળ લેખાશે.

તેમણે એવું પણ કહ્યું કે તાલિબાનને માન્યતા તેના દ્વારા કરાયેલાં કામોના પાયા પર મળશે.

રાજદૂતે એવું ઉમેર્યું કે રશિયા અફઘાનિસ્તાનમાં એક 'સમાવેશી સરકાર' જોવા માગે છે, જે સુરક્ષા, સ્થિરતા અને પૂર્વાનુમાનને સુનિશ્ચિત કરી શકે.

નોંધનીય છે કે આ પહેલાં બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું હતું કે "કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેમને અધિકાર છે અને તેઓ વિશ્વના કોઈ પણ દેશના મુસ્લિમ માટે અવાજ ઉઠાવશે."

તાલિબાને પંજશીરમાં પોતાનો ઝંડો ફરકાવ્યો, સંપૂર્ણ પંજશીર પર કબજાનો દાવો

તાલિબાને અફઘાનિસ્તાનના અંતિમ બચેલા પ્રાંત પંજશીર પર પણ જીતનો દાવો કર્યો છે. તાલિબાનના માણસો ઝંડો ફરકાવી રહ્યા છે એવો એક વીડિયો ઑનલાઇન પોસ્ટ કર્યો હતો.

જોકે વિરોધી દળ નૅશનલ રેસિસ્ટન્સ ફ્રંટ (NRF)એવું જ કહે છે કે 'હજી લડાઈ જારી છે'.

તેમના નેતાઓ તાલિબાન વિરુદ્ધ 'રાષ્ટ્રીય વિદ્રોહનું એલાન કર્યું છે.'

અહમદ મસૂદનો ઑડિયો મૅસેજ

NRFના નેતા અહમસ મસૂદે સોશિયલ મીડિયા પર એક ઑડિયો મૅસેજ જારી કર્યો છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાનને માન્યતા આપવા બદલ તથા તેમને સૈન્ય અને રાજકીય સમર્થન આપવા માટે દોષી ઠેરવ્યું છે.

તેમણે કહ્યું, "તમે જ્યાં પણ હોવ, અંદર કે બહાર, હું તમને આપણા દેશની ગરીમા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રીય વિદ્રોહ કરવાનું આહ્વાન કરું છું."

ત્રણ અઠવાડિયાં પહેલાં તાલિબાને અફઘાનિસ્તાનને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું અને પશ્ચિમ સમર્થિત સરકાર ધ્વંસ થઈ ગઈ હતી.

આ પહેલાં NRFના પ્રવક્તા અલી મૌસમે 'તાલિબાનના દાવાને ખારિજ કરતાં' બીબીસીને કહ્યું હતું કે 'તાલિબાને પંજશીર પર કબજો નથી કર્યો.'

વિરોધી સમૂહોના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું, "તાલિબાન અને એમના સમર્થકો વિરુદ્ધ સંઘર્ષ ત્યાં સુધી જારી રહેશે, જ્યાં સુધી ન્યાય અને સ્વતંત્રતાની જીત ન થઈ જાય."

થોડા સમય પહેલાં જ મસૂદે લગભગ સાત મિનિટનો ઑડિયો સંદેશ ટ્વીટ કરતાં લખ્યું, "પોતાના ધર્મ, પોતાના સન્માન અને પોતાના દેશ માટે લડવું - એ જ સામર્થ્ય છે. આનાથી વધારે સન્માનજનક બીજું કંઈ નથી."

"બલ્ખથી લઈને પંજશીર સુધી મારો પરિવાર અવાજ ઊઠાવી રહ્યો છે. તાલિબાન અમારા પરિવારજનોની હત્યા માટે નીકળી ચૂક્યું છે. એ પંજશીરના દરેક દરવાજે જઈ રહ્યું છે."

તેમણે એવું પણ કહ્યું કે તાલિબાનીઓ મોલવીઓની અપીલને અવગણીને એનઆરએફના લોકો પર હુમલા કરી રહ્યા છે.

પોતાના પરિવારના કેટલાક સભ્યોની રવિવારે હત્યા કરી દેવાઈ હોવાનું પણ મસૂદે જણાવ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો