You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, ક્યાં કેટલા ટકા પડ્યો વરસાદ?
ગુરુવારે પણ મેઘરાજાએ સમગ્ર ગુજરાત ઉપર હેત વરસાવ્યું. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. અગાઉ કોરા રહી ગયેલા કચ્છમાં પણ મેઘરાજાએ ઍન્ટ્રી કરી છે.
ગુરુવારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગર જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, ડાંગ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે.
વિરમગામ ખાતે એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રૉડ્યૂસ માર્કેટિંગ કમિટી)નું ખાતમૂહુર્ત કરતી વખતે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં વરસાદ નહીં પડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ હવે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને નર્મદા ડૅમની જળસપાટી ધીમે-ધીમે વધી રહી છે.
જેના કારણે આ યોજના ઉપર આધારિત ગુજરાતના ચાર કરોડ નાગરિકોને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી નહીં થાય. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં પડનારા વરસાદથી રાજ્યની વરસાદની કુલ ઘટની ભરપાઈ થઈ જશે.
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ગુરુવારે સવારે (અગાઉના 24 કલાકની સ્થિતિ મુજબ) રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડ્યો હતો અને માત્ર 25 તાલુકા જ મેઘરાજાની મહેરથી વંચિત રહેવા પામ્યા હતા. રાજ્યના માત્ર બે તાલુકામાં 125 મીમી કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
હજુ રાજ્યમાં કુલ જરૂરિયાતના 56.51 ટકા જ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્રમાં 61 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 56, ઉત્તર ગુજરાતમાં 43, પૂર્વ ગુજરાતમાં 48 ટકા વરસાદ પડ્યો છે.
દેવાદાર અનિલ અંબાણી જીત્યા મોટો કેસ, દિલ્હી મેટ્રો 46.6 અબજ રૂપિયા ચુકવશે?
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દિલ્હી મેટ્રો સામે નાણાં ચૂકવણી મામલેનો કેસ જીતી ગઈ છે. વ્યાજ સાથે 46.6 અબજ રૂપિયાની રકમનો આ કેસ હતો.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ અનિલ અંબાણીની કંપનીનું કહેવું છે કે આ નાણાં તેને દેવું ચુકવવા માટે જરૂરી છે. અને અગાઉ લવાદ દ્વારા જે ફેંસલો આવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટની બે જજની પૅનલે યથાવત રાખતા અનિલ અંબાણીની કંપની કેસ જીતી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટની પીઠે અનિલ અંબાણીની કંપની તરફે ચુકાદો આપ્યો છે. અનિલ અંબાણી માટે આ ચુકાદો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમને નાદારી નોંધાવી છે. ચુકાદા બાદ રિલાયન્સ ઇન્ફ્રાના શૅરમાં 5 ટકાનો ઊછાળ જોવા મળ્યો છે.
સુનાવણી દરમિયાન કંપનીના વકીલે કહ્યું હતું કે કંપની નાણાંનો ઉપયોગ દેવું ચુકવવા માટે કરશે.
શું હતો કેસ?
વર્ષ 2008માં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે દિલ્હી મેટ્રો સાથે એક કરાર કર્યો હતો. કરાર દેશનો પ્રથમ ખાનગી રેલ પ્રોજેક્ટ 2038 સુધી ચલાવાવની વાત હતી. પરંતુ ફી અને ઑપરેશન મામલે 2012ની તકરારને કારણે અંબાણીની કંપનીએ રાજધાનીના ઍરપૉર્ટ મેટ્રો પ્રૉજેક્ટ પર કામ બંધ કરી દીધું હતું અને દિલ્હી મેટ્રો સામે કરારભંગનો કેસ લવાદમાં દાખલ કર્યો હતો તથા ટર્મિનેશન ફીની પણ માગણી કરી હતી.
T-20 વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોની માર્ગદર્શક, ભારતીય ટીમમાં કોનો થયો છે સમાવેશ?
ટી-20 વર્લ્ડકપ 2021 માટે ભારતીય ટીમના ખેલાડીઓની જાહેરાત થઈ ગઈ છે અને આ વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમના માર્ગદર્શક બનાવાયા છે.
વિરાટ કોહલીની કૅપ્ટનશિપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર. અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર અને મોહમ્મદ શામી ટીમ-20 વર્લ્ડકપમાં ભારત તરફથી રમશે.
તો વર્લ્ડકપ સ્પિનર આર. અશ્વિનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
તો શ્રેયસ અય્યર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચહરને સ્ટેન્ડબાય રખાયા છે.
બીસીસીઆઈ સચિવ જય શાહના હવાલાથી ટ્વીટ કરવામાં આવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટી-20 વર્લ્ડકપની ટીમને માર્ગદર્શન આપશે.
13મા બ્રિક્સ શિખર સંમેલનની મોદી અધ્યક્ષતા કરશે
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવાર) પાંચ દેશના સમૂહ બ્રિક્સના 13મા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ બેઠક ડિજિટલ રીતે યોજાશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો પણ સામેલ થશે.
બ્રિક્સ દુનિયાની પાંચ ઊભરતી અર્થવ્યવસ્થાઓનો એક સમૂહ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
બીજી વાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરવાના છે. અગાઉ તેમણે 2016માં ગોવા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. ભારત ત્રીજી વાર બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે.
આ બ્રિક્સ સંમેલનમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
શિક્ષકોના શિક્ષણકાર્યના કલાકો વધારવાનો નિર્ણય પાછો લેવાયો
ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો માટે આઠ કલાકની ફરજ પરનો આદેશ પાછો ખેંચી લીધો છે.
બુધવારે કૅબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિર્ણય પાછો લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું કે શિક્ષકોની ફરજનો સમય સવારે 10.30 કલાકેથી સાંજે 5 વાગ્યા સુધીનો ચાલુ રહેશે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સરકારી પ્રાથમિક વિદ્યાલયના શિક્ષકોના વિરોધ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય પાછો લીધો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે "શિક્ષકો, ખાસ કરીને મહિલા શિક્ષકોની વિનંતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શિક્ષકોના કામના કલાકોમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે."
27 ઑગસ્ટે રાજ્યના શિક્ષણ વિભાગે બધા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓને બધા સરકારી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણકાર્ય આઠ કલાક નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો