બાંગ્લાદેશમાં પીએમ મોદીની મુલાકાતનો વિરોધ, હિંસક પ્રદર્શનમાં 5 લોકોનાં મોત - BBC Top News

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસે છે. પરંતુ તેમની મુલાકાતનો વિરોધ થયો છે. જેમાં હિંસક પ્રદર્શનમાં 5 લોકોનાં મોત થયા છે.

પીએમ મોદી આજે જ બાંગ્લાદેશ પહોંચ્યા હતા. બાંગ્લાદેશ પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ તબક્કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજરી આપી રહ્યા છે.

દરમિયાન બાંગ્લાદેશમાં આજે ચટગાંવમાં પ્રદર્શન વેળા પોલીસ સાથેના ઘર્ષણમાં એકંદરે ચાર લોકોનાં મોત થયા હતા.

બીબીસી બાંગ્લા અનુસાર એક પોલીસકર્મીએ પુષ્ટિ કરી કે ચાર ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવાયા હતા પણ ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે બાદમાં વધુ એકનું મોત થયું હોવાના અહેવાલ પણ નોંધાયા છે.

આ પૂર્વે ઢાકા યુનિવર્સિટીમાં પીએમ મોદીના વિરોધમાં થયેલા હિંસક દેખાવોમાં 20 લોકો ઘાયલ થયા હતા. જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પીએમ મોદીના વિરોધમાં રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતર્યાં હતા.

શુક્રવારે ઢાકામાં નમાઝ પછી બૈતુલ મુકર્રમ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

આ વચ્ચે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જમાં પત્રકારો પણ ઘાયલ થયા હતા.

ચટગાંવ ઘટનાની વાત કરીએ તો ચટગાંવ મેડિકલ કૉલેજના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે બીબીસી બાંગ્લા સર્વિસને જણાવ્યું કે હૉસ્પિટલમાં લાવવામાં આવેલા ઓછામાં ઓછા 4 ઘાયલોના મોત થઈ ગયા છે.

હિફાજત-એ-ઇસ્લામ સંગઠનના નેતા મુજિબુર રહમાન હામિદે પુષ્ટી કરી છે કે તેમના કેટલાક પ્રદર્શકારીઓના મોત થયા છે.

તેમનો દાવો છે કે પોલીસે ગોળીબાર કર્યો છે. જોકે તેની સ્વતંત્રરૂપે પુષ્ટિ નથી થઈ શકી.

બીજી તરફ પોલીસકર્મીઓને ટાંકીને ઢાકાના અખબારોએ રિપોર્ટ કર્યું છે કે પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મિસ્લિમ નેતાઓ અને વામપંથી સંગઠનો પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો વિરોધ કરી રહ્યા હતા.

તેમનો વિરોધ મામલે દાવો છે કે શેખ મુજીબુર રહમાને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર માટે સંઘર્ય કર્યો જ્યારે મોદી તો એક સાંપ્રદાયિક વ્યક્તિ છે.

અત્રે એ પણ નોંધવું કે મોદી બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાના નિમંત્રણ પર ઢાકા પહોંચ્યા છે.

છાતીમાં દુખાવા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હૉસ્પિટલ લઈ જવાયા

દિલ્હીસ્થિત આર્મ રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલે જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શુક્રવારે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં ચૅકઅપ કરાવાયું.

હૉસ્પિટલ અનુસાર તેમની તબિયત હવે સ્થિર છે. ડૉક્ટરોએ તેમને થોડા સમય માટે પોતાની દેખરેખ હેઠળ રાખ્યા છે. તેમની રૂટિન તપાસ પણ કરાઈ રહી છે. ટાટા-મિસ્ત્રી વિવાદ : સુપ્રીમ કોર્ટે ટાટાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો

સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રૂપ વિરુદ્ધ સાઇરસ મિસ્ત્રીના મામલે ટાટા ગ્રૂપના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદ બોબડેએ ફેંસલો સંભળાવતા કહ્યું કે આ મામલે જોડાયેલા તમામ કાયદા ટાટા સમૂહના પક્ષમાં છે.

કોર્ટે એ પણ કહ્યું કે તે શૅરના મામલાનો ઉકેલ લાવવા માટે કાયદાકીય રસ્તો અપનાવવાનો નિર્ણય ટાટા સન્સ પર છોડે છે.

સાઇરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચૅરમૅન હતા. તેને ઑક્ટોબર 2016માં હઠાવી દેવાયા હતા.

સાઇરસ મિસ્ત્રીને વર્ષ 2012માં રતન ટાટાની નિવૃત્તિ બાદ ટાટા સમૂહનો કારભાર સોંપવામાં આવ્યો હતો. મિસ્ત્રીને જ્યારે હઠાવાયા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે કંપની ઍક્ટનું ઉલ્લંઘન કરીને તેમને બરખાસ્ત કરાયા છે.

તેમણે ટાટા સન્સના સંચાલનમાં ગોટાળાના આરોપ પણ લગાવ્યો હતો.

ચાર વર્ષ સુધી ટાટા સમૂહનું સંચાલન કર્યા બાદ સાઇરસ મિસ્ત્રીને ઑક્ટોબરમાં ચૅરમૅનપદેથી હઠાવી દેવાયા હતા.

બૅન્કકૌભાંડની તપાસમાં સીબીઆઈનું 100 જગ્યાએ સર્ચ ઑપરેશન

3700 કરોડ રુપિયાના બૅન્કકૌભાંડમાં સીબીઆઈ દ્વારા 11 રાજ્યોમાં 100 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર બૅન્કકૌભાંડની 30 એફઆઈઆરની તપાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિતનાં શહેરોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સીબીઆઈના પ્રવક્તા આર. સી. જોશીએ જણાવ્યું કે, 'વિવિધ રાષ્ટ્રકીયકૃત બૅન્કો દ્વારા ફરિયાદ બાદ છેતરપિંડી કરનાર વ્યક્તિ સામે પગલાં લેવા માટે સંકલિત સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું.'

તેમણે કહ્યું કે, "સીબીઆઈને વિવિધ બૅન્કો તરફથી ફરિયાદ મળી રહી છે કે લોન લીધા બાદ કંપનીઓએ નાણાંની છેતરપિંડી કરી છે અથવા નાણાંનો અન્યત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે."

"લોન લીધા બાદ આ કંપનીઓ નાદારી જાહેર કરી નાખે છે, જેના કારણે લોન નૉન-પરફોર્મિંગ ઍસેટની શ્રેણીમાં આવી જાય છે અને બૅન્કોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે."

"તપાસ બાદ કેસ નોંધવામાં આવી રહ્યા છે. આરોપીઓની ધરપકડ થઈ શકે અને નાણાંની વસૂલાત થઈ શકે તે માટે સીબીઆઈ પ્રયાસ કરી રહી છે."

ચાર પાકિસ્તાન બનાવી શકીએ છીએ : તૃણમૂલ કૉંગ્રેસ નેતા

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી રેલી દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના નેતાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં રાજકીય માહોલમાં ગરમાયો છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર ભાજપ નેતા અમિતા માલવિયાએ એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા અસલમ શેખ કહેતા સંભળાય છે કે, 'જો આપણે 30 ટકા ભેગા કરી શકીએ તો તેમાંથી ચાર પાકિસ્તાન બનાવી શકાય છે. જો આપણે 30 ટકા લોકોને ભેગા કરી લઈશું તો 70 ટકા લોકો કયાં જશે?'

અહેવાલ અનુસાર બુધવારે બીરભૂમ જિલ્લાના બાસાપારામાં એક રેલી દરમિયાન અસલમ શેખે આ નિવેદન આપ્યું હતું. વીડિયો પોસ્ટ કર્યા બાદ અમિત માલવિયાએ પ્રશ્ન કર્યો, 'શું મમતા બેનરજી આ વાતને સમર્થન આપે છે? શું આપણે આવું બંગાળ જોઈએ છે?

તૃણમૂલ કૉંગ્રેસના બીરભૂમ જિલ્લા પ્રમુખ અનુબ્રતા મંડલે જણાવ્યું કે અસલમ શેખે જે સાંપ્રદાયિક નિવેદન આપ્યું છે તે પક્ષની વિચારધારા નથી. તેમણે કહ્યું કે શેખ પક્ષમાં કોઈ હોદ્દો ધરાવતા નથી અને મને ખબર નથી કે નિવેદન કોણે આપ્યું છે. હું તપાસ કરાવી રહ્યો છું.

વિરોધ વધતાં અસલમ શેખે પોતાના નિવેદન બદલ માફી માગી લીધી છે.

ઉગ્રવાદી હુમલમાં બે જવાનનાં મૃત્યુ

ધ ઇન્ડિયન એક્સ્પ્રેસના અનુસાર શ્રીનગર શહેરની સીમમાં ઉગ્રવાદીઓએ એક સીઆરપીએફ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કરતાં બે ભારતીય જવાનનાં મૃત્યુ થયાં છે અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનોમાંથી એકની હાલત ગંભીર છે.

આ હુમલો શ્રીનગર-બારામુલ્લા રાષ્ટ્રીય રાજમાર્ગ પર શ્રીનગર નજીક લવાયપોરામાં કરવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીને ટાંકતાં અહેવાલ લખે છે કે ઉગ્રવાદીઓએ લવાયપોરા ખાતે સીઆરપીએફની 73 બટાલિયન વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી જેમાં સીઆરપીએફના ચાર જવાનોને ગોળી વાગી હતી.

તમામ ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સબ-ઇન્સપેક્ટર અને કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.

અહેવાલ અનુસાર પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો લશ્કર-એ-તૌઈબા દ્વારા કરવામાં આવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો