You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિનેશ ત્રિવેદીનું રાજ્યસભામાંથી રાજીનામું, પશ્ચિમ બંગાળમાં હિંસાને ગણાવ્યું કારણ
તૃણમુલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
એમણે ગૃહમાં એની જાહેરાત કરતા કહ્યું કે એમના રાજ્યમાં હિંસા થઈ રહી છે અને તેઓ એ વિશે સંસદમાં કંઈ બોલી શકે તેમ નથી તેથી તેઓ રાજીનામું આપે છે.
દિનેશ ત્રિવેદીએ કહ્યું, "હું મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારું ગળું રુંધાઈ રહ્યું છે કેમ કે અમે રાજ્યમાં હિંસા સામે કંઈ કરી નથી રહ્યા. મારો આત્મા મને કહે છે કે જો હું અહીં બેસીને કંઈ નથી કરી શકતો તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરતો રહીશ."
તામિલનાડુ : ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાથી 11 મજૂરોના મોત
તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શુક્રવારે એક ખાનગી ફટાકડાની ફૅક્ટરીમાં આગ લાગવાના કારણે 11 મજૂરો મૃત્યુ પામ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સ્થાનિક પોલીસને ટાંકીને આની પુષ્ટિ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે મૃત્યુ પામનારની સંખ્યા 11 થઈ ગઈ છે અને 36 લોકો દુર્ઘટનામાં ઘાયલ થયા છે.
આ દુર્ઘટના અંદાજે બપોરે એક વાગે થઈ. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે આ ઘટના સાથે જોડાયેલી વધારે જાણકારીનો તેમને ઇંતેજાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ધટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટ કહ્યું છે કે તામિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફૅક્ટરીમાં આગની દુર્ઘટના દુખદ છે. આ દુ:ખના સમયમાં મારી સાંત્વના પરિવારોની સાથે છે. હું આશા રાખું કે ઘાયલ લોકો જલદી ઠીક થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની આપવાની જાહેરાત કરી છે અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નરેન્દ્ર મોદી ચીન સામે નતમસ્તક થઈ ગયા છે : રાહુલ ગાંધી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પૂર્વ લદાખમાં ચીન સાથે ભારતની સમજૂતી મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલે કહ્યું કે વડા પ્રધાન કાયર છે, એટલા માટે ચીન સામે કડકાઈથી પગલાં નથી લઈ શકતા.
આ પૂર્વે ગુરુવારે રક્ષામંત્રીએ રાજ્યસભા અને લોકસભામાં ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ અને વિવાદ મામલે થયેલી સમજૂતી પર નિવેદન આપ્યું હતું.
રાજનાથસિંહે ગૃહમાં કહ્યું હતું, "મને ગૃહને એ જણાવતા ખુશી થઈ રહી છે કે અમારા દૃઢ ઇરાદા અને મજબૂત વાતચીતના ફળસ્વરૂપે ચીન સાથે પૅંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ તટ પરથી સેના પાછી હઠાવવા સમજૂતી થઈ ગઈ છે."
રાહુલ ગાંધીએ કહ્યું, "પહેલાં તો સરકારનું વલણ એવું હોવું જોઈએ કે સરહદ પર એપ્રિલ પહેંલાની જે સ્થિતિ છે, તે પરત આવી જવી જોઈએ. હવે ભારતીય સેના ફિંગર-4 પર આવવાની વાત કહેવામાં આવી છે, જ્યારે ફિંગર-3 ભારતનો વિસ્તાર છે. પ્રથમ સવાલ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુસ્તાનની પવિત્ર ધરતી ચીનના હવાલે કરી દીધી છે?"
રાહુલ ગાંધીએ કહ્યું, "ચીન સામે નરેન્દ્ર મોદીએ માથુ ટેકી દીધું છે. અમારી જમીન ફિંગર-4 સુધી છે પરંતુ વડા પ્રધાન મોદીએ ફિંગર-4થી 3 સુધી જમીન ચીનને આપી દીધી છે. ડેપસાંગ રણનીતિક વિસ્તાર છે."
"ચીન અહીં ઘૂંસી આવ્યું છે પરંતુ રક્ષામંત્રીએ આ વિશે એક પણ શબ્દ નથી બોલ્યા. હકીકત એ છે કે અમારી જે પવિત્ર જમીન છે તેને નરેન્દ્ર મોદીએ ચીનને આપી દીધી છે."
ગુરુવારે રાજનાથ સિંહે સંસદમાં કહ્યું હતું, "ચીન પોતાની સેનાની ટુકડીઓને ઉત્તર તટમાં ફિંગર-8ની પૂર્વ દિશા તરફ રાખશે. આ જ રીતે ભારત પણ પોતાની સેનાને ટુકડીઓને ફિંગર-3 પાસે પોતાની સ્થાયી ચોકી ધનસિંહ થાપા પોસ્ટ પર રાખશે."
"આ જ રીતની કાર્યવાહી દક્ષિણના કાંઠાવિસ્તારમાં પણ બંને પક્ષો દ્વારા કરવામાં આવશે. આ પગલાં પરસ્પર સમજૂતી હેઠળ લેવામાં આવ્યાં છે અને જે પણ નિર્માણ બંને પક્ષો દ્વારા એપ્રિલ-2020થી ઉત્તર અને દક્ષિણ કાંઠા પર કરાયું છે તેને હઠાવી દેવાશે અને પહેલાંની સ્થિતિને યથાવત્ રાખવામાં આવશે."
રસીકરણ પૂર્ણ થતાં જ CAA લાગુ કરાશે : અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધતાં કહ્યું હતું કે વૅક્સિનેશન પૂર્ણ થતાં જ સીએએ (નાગરિકતા સંશોધન કાનૂન) લાગુ કરવામાં આવશે.
'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર શાહે કહ્યું, "અમે નાગરિકતા સંશોધન કાયદો લઈને આવ્યા, પરંતુ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી કહેવા લાગ્યાં કે ખોટો વાયદો છે. પણ અમે જે કહીએ છીએ, તે કરીએ છીએ."
"જેવું જ વૅક્સિનેશન પૂર્ણ થઈ જશે અને કોરોનાથી મુક્તિ મળી જશે, તમને બધાને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે."
ગુજરાતમાં કોરોનાથી બે મોત, કુલ નવા 285 દર્દી નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો શરૂ થયો હતો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કેટલીક છૂટ બાદ ફરી ધીમે-ધીમે કેસો વધવાના શરૂ થયાના અહેવાલ છે.
સ્વાસ્થ્યવિભાગના આંકડા અનુસાર 13 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 285 નવા કેસ નોંધાયા છે. જોકે 1470 દર્દીઓ સારવાર હેઠળ છે.
સૌથી વધુ વડોદરામાં 77 કેસો નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 2 મૃત્યુ થયાં હતાં.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓનો કુલ આંકડો 4539 થઈ ગયો છે.
મ્યાનમાર પર અમેરિકા અને યુરોપિયન સંઘે રાજદ્વારી પ્રતિબંધો લાદ્યા
મ્યાનમારમાં સૈન્યએ ચૂંટાયેલી સરકારને ઉથલાવીને તખતાપલટો કરતા સંખ્યાબંધ નાગરિકોએ વિરોધપ્રદર્શનો કર્યાં છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર હિંસાઓ અને પોલીસ અથડામણની ઘટનાઓ વચ્ચે અમેરિકા અને યુરોપિયન સંઘે મ્યાનમાર પર રાજદ્વારી પ્રતિબંધો લાદી દીધા છે.
વળી ટોચના લશ્કરી અધિકારીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. વળી યુરોપિયન સંઘે પણ રાજદ્વારી પ્રતિબંધ લાગુ કર્યા છે. તો ન્યૂઝીલૅન્ડે સંરક્ષણ અને વેપારી પ્રતિબંધો લાગુ કર્યા છે.
વિશ્વભરના નેતાઓએ ચૂંટાયેલા નેતાઓને સૈન્ય સત્તા મુક્ત કરે, એવી માગણી અને અપીલ કરી હતી. જોકે એવું નહીં થતાં હવે પ્રતિબંધો શરૂ થયા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને હજુ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
મારા ભત્રીજાની વાત કરો છો..પણ તમારા પુત્ર વિશે તો કંઈ કહો - અમિત શાહને મમતા બેનરજીનો જવાબ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી માહોલ ગરમાયો છે. એક તરફ ગૃહમંત્રી અમિત શાહ મેદાને છે, તો બીજી તરફ મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ પ્રહાર કરી રહ્યાં છે.
એક રેલીમાં અમિત શાહે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી કે જેઓ તૃણમૂલના સાંસદ છે તેમની પર કટાક્ષ કરતા કહ્યું કે, "મમતા દીદી ઇચ્છતાં તો તેમના ભત્રીજાને મુખ્ય મંત્રી બનાવી દીધો હોત. પણ દિલીપ ઘોષની લડાઈના કારણે એવું નથી થઈ શક્યું. તેમની તો ઇચ્છા છે જ કે તેઓ આવું કરે."
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે જવાબમાં મમતા બેનરજીએ પલટવાર કરીને કહ્યું, "તમે અમારી ફોઈ-ભત્રીજાની વાતો કરો છો. પણ તમારા દીકરા વિશે પણ તો કંઈ કહો. એની પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. દીદી સાથે ટક્કર લેશો તો ચકનાચૂર થઈ જશો."
ડૉમેસ્ટિક ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં વધારો થશે?
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડાની કૅપમાં 10થી 30 ટકાનો વધારો કરતાં ટિકિટોના ભાવ વધી શકે છે.
31 માર્ચ-2021ના રોજથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ કૅપમાં કરાયેલો વધારો લાગુ રહેશે.
વિવિધ બૅન્ડમાં ફ્લાઇટ્સની કૅટેગરીને વહેંચવામાં આવી છે. જેમાં પહેલા બૅન્ડમાં 40થી ઓછી મિનિટની ફ્લાઇટનો સમાવેશ થાય છે.
તેમાં 2 હજારથી વધારે 2200 રૂપિયા ન્યૂનતમ ભાવ કરાયો છે. જ્યારે તેની મહત્તમ કૅપ 7800 રૂપિયા કરાઈ છે.
વળી 40થી 60 મિનિટમાં ન્યૂનતમ 2800 અને મહત્તમ 9800 તથા 60થી 90 મિનિટમાં 3300 ન્યૂનતમ અને 11700 મહત્તમ કૅપ નક્કી કરાઈ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો